સીરિયા હુમલાઓ અંગે બોલ્યા ડોનલ્ડ ટ્રમ્પ, 'મિશન પૂર્ણ થયું'

સીરિયાની તસવીર Image copyright AFP

અમેરિકા, ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સના સંયુક્ત સૈન્ય સીરિયામાં અનેક સ્થળો પર હવાઈ અને મિસાઇલ હુમલા કર્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં રાસાયણિક હથિયારો રાખવામાં આવ્યા હતા, ત્યાં હુમલા કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકારના કહેવા પ્રમાણે, સીરિયા પર થયેલો હુમલો એ આંતરરાષ્ટ્રીય કાયદાઓના ભંગ સમાન છે.

રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિની બેઠકમાં નિંદા પ્રસ્તાવ પસાર કરવા માગ કરી હતી.

રશિયાનું કહેવું છે કે આ હુમલાના 'પડઘા પડશે.'

આ પહેલા શું થયું તેનો ઘટનાક્રમ ભારતીય સમય પ્રમાણે નીચે વાંચો.


18:40 IST ચીને કરી હુમલાઓની ટીકા

ચીને સીરિયા પર હુમલાની ટીકા કરી છે. ચીનના કહેવા પ્રમાણે, આ હુમલા સુરક્ષા સમિતિને બાજુએ મૂકીને કરવામાં આવી રહી છે.

ચીનના મતે, 'આ હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાઓના ભંગ સમાન છે.'

18:20 IST કુવૈતે ચિંતા વ્યક્ત કરી

બીબીસી મોનિટરિંગના અહેવાલ પ્રમાણે, સીરિયા પર અમેરિકાના નેતૃત્વમાં થયેલા હુમલા પ્રત્યે ચિંતા પ્રગટ કરી છે.

કુવૈતના કહેવા પ્રમાણે, તેનાથી સીરિયામાં શાંતિ સ્થાપવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોને આંચકો લાગશે.

18:07 IST ટ્રમ્પે હુમલાને સફળ ગણાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને સીરિયા પરના હુમલાને 'એકદમ ચોક્કસ' ગણાવ્યા હતા.

સાથે જ ટ્રમ્પે હુમલાઓમાં સહયોગ આપવા બદલ ફ્રાન્સ તથા બ્રિટનનો આભાર માન્યો હતો.

18:07 IST સુરક્ષા સમિતિની બેઠક મળશે

રશિયાની વિનંતી પર શનિવારે આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે, બપોરે ત્રણ વાગ્યે સુરક્ષા સમિતિના કાયમી સભ્યોની બેઠક મળશે.

17:30 IST ઇંગ્લૅન્ડમાં વિરોધના સૂર

ઇંગ્લૅન્ડમાં વિરોધપક્ષના નેતા જર્મી કોર્બિને વડાં પ્રધાન થેરેસા મેને પત્ર લખ્યો છે.

આ પત્રમાં કોર્બિને માગ કરી છે કે સીરિયા પર હુમલો કરવા માટેના આધારને સાર્વજનિક રીતે કરવામાં આવે.


17:00 IST હુમલામાં કોણ-કોણ સામેલ?

અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, તૂર્કી, સાઉદી અરેબિયા, કતર, કેનેડા, જાપાન, ઑસ્ટ્રેલિયા તથા ઇઝરાયલ દ્વારા સીરિયા પરના હુમલાઓનું સમર્થન કરવામાં આવ્યું હતું.

જ્યારે સીરિયા, રશિયા, ઈરાન તથા ચીન આ હુમલાઓનો વિરોધ કરી રહ્યા છે.

16.50 IST ઈઝરાયલે ગોલન હવાઈ પટ્ટી બંધ કરી

ઇરાયલે જોર્ડન નદી પાસેની હવાઈ પટ્ટી બંધ કરી દીધી છે. સીરિયા પર પશ્ચિમના હવાઈ હુમલા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

તમામ એરલાઇન્સ કંપનીઓને હવાઈ મથક બંધ થવા અંગે જાણ કરી દેવામાં આવી છે.


16:00 IST હુમલાઓને કારણે વધુ પ્રતિબદ્ધ થયા - અસદ

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અશદે ટ્વિટર પર તેમનું નિવેદન મૂક્યું હતું.

જેમાં અશદે જણાવ્યું, આ હુમલાઓ બાદ એક એક ઇંચ જમીનને બચાવવા માટે સીરિયાવાસીઓ સંઘર્ષ કરશે.

16:00 IST શાંતિ પ્રક્રિયાને અસર થશે

રશિયાના વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, સીરિયા પર હુમલાઓને કારણે શાંતિ પ્રક્રિયાને અસર થશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાના કહેવા પ્રમાણે, "આથી ઉગ્રવાદીઓ તથા આતંકવાદીઓને એવા સંકેત જશે કે તેઓ જે કાંઈ કરી રહ્યા છે, તે બરાબર કરી રહ્યા છે."

15:45 IST રુહાનીએ વખોડ્યો

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ સીરિયા પરના હુમલાઓને વખોડ્યા છે.

રુહાનીનું કહેવું છે, "મધ્ય-પૂર્વમાં અમેરિકાના હુમલાઓથી વિનાશ અને તારાજી સિવાય કોઈ અસર નહીં થાય."

15:15 IST અત્યારસુધી શું બન્યું?

  • અમેરિકા, બ્રિટન તથા ફ્રાન્સે સીરિયામાં હવાઈ તથા મિસાઇલ હુમલા કર્યા. રાસાયણિક હથિયારોની આશંકાએ આ હુમલા કરવામાં આવ્યા.
  • ટ્રમ્પે કહ્યું કે અમેરિકા તથા મિત્ર રાષ્ટ્રોએ 'બર્બરતા તથા ક્રૂરતાની સામે બળ પ્રયોગ કર્યો છે.'
  • અમેરિકાના કહેવા પ્રમાણે દમાસ્કસ તતા હોમ્સમાં ત્રણ સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતા.
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કહેવા પ્રમાણે આ હુમલો 'આક્રમણ' છે. રશિયાએ સંયુક્ત રાષ્ટ્રની તત્કાલીન બેઠક બોલાવી છે.
  • સીરિયાના મીડિયાના કહેવા પ્રમાણે, હુમલો 'આંતરરાષ્ટ્રીય કાયદાઓના ખુલ્લેઆમ ભંગ સમાન છે.'
  • બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મેના કહેવા પ્રમાણે, હુમલો 'યોગ્ય અને કાયદેસર' હતો.

13:33 IST પુટિનની પ્રતિક્રિયા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિને અમેરિકાએ ફ્રાંસ અને બ્રિટન સાથે મળીને સીરિયા પર કરેલા હવાઈ હુમલાની ‘અત્યંત ગંભીર’ રીતે નિંદા કરી છે. તેમણે તાત્કાલિક રીતે સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ)ની મિટિંગ બોલાવવાની પણ વાત કરી છે.

રશિયાના સરકારી ટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા રાષ્ટ્રપતિ પુટિનના નિવેદન અનુસાર તેમણે સીરિયા પરના હુમલાને “આક્રમણકારી પગલું” ગણાવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, ગયા સપ્તાહે ડૌમા શહેરમાં થયેલો રાસાયણિક હુમલો ગોઠવણ જેવો હતો, જેનો ઉપયોગ શનિવારનો હુમલો કરવાના કારણ તરીકે કરી શકાય.


07:26 IST કેવી રીતે કરી હતી ટ્રમ્પે હુમલાની જાહેરાત

Image copyright Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમણે યુનાઇટેડ કિંગડમ અને ફ્રાંસ સાથે મળીને સીરિયા પર લશ્કરી હુમલા કરવાની મંજૂરી આપી દીધી છે.

સીરિયાના ડૌમા શહેરમાં સીરિયા દ્વારા ગત સપ્તાહે કથિત રીતે કરવામાં આવેલા રાસાયણિક હુમલાની વળતી કાર્યવાહી તરીકે આ હુમલા કરવામાં આવી રહ્યા છે.

અમેરિકાને રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં ટ્રમ્પે જણાવ્યું, “ફ્રાંસ અને યુનાઇટેડ કિંગડમના સશસ્ત્ર દળો સાથે મળીને સંયુક્ત લશ્કરી કાર્યવાહી હવે શરૂ થઈ ચૂકી છે.”

સીરિયાની રાજધાની દમાસ્કસ નજીક વિસ્ફોટ થયાં હોવાના અહેવાલ મળી રહ્યા છે.


7:45 ISTકયા સ્થળોએ થયા હુમલા?

Image copyright Getty Images
ફોટો લાઈન જનરસ જોસેફ ડનફોર્ડ

પેન્ટાગોનના ખાતે વિગતો આપતા અધિકારી જનરલ જોસેફ ડનફોર્ડે જણાવ્યું હતું કે સીરિયામાં ત્રણ સ્થળોએ હુમલા કરવામાં આવ્યા છે.

  • દમાસ્કસમાં આવેલી એક વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા, જે કથિત રીતે રાસાયણિક અને જૈવિક શસ્ત્રોના ઉત્પાદન સાથે જોડાયેલી છે.
  • હોમ્સમાં આવેલું રાસાયણિક શસ્ત્રોનો સંગ્રહ કરવાનું સ્થળ
  • હોમ્સ નજીક આવેલું રાસાયણિક શસ્ત્રો માટેના સાધનોને જે સ્થળે રાખવામાં આવ્યા હતાં તે એક મહત્ત્વનું લશ્કરી થાણું

8:00 ISTથેરેસા મે એ શું કહ્યું?

યુનાઈટેડ કિંગડમનાં વડાંપ્રધાન થેરેસા મેએ સંયુક્ત લશ્કરી કાર્યવાહીમાં બ્રિટન જોડાયું હોવાની વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, “બળનો ઉપયોગ કર્યા સિવાયનો બીજો કોઈ વ્યવહારૂ વિકલ્પ નથી રહ્યો.”

પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, આ હુમલા “સત્તા પરિવર્તન” માટે નથી.

તમને આ વાંચવું પણ ગમશે:

“રાસાયણિક શસ્ત્રો હોવાની શક્યતા સાથે જોડાયેલા સ્થળોને નિશાન” બનાવવા માટે આ હુમલાના આદેશ આપવામાં આવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ હુમલાનો આદેશ આપવા પાછળનો હેતુ “રાસાયણિક શસ્ત્રોના ઉપયોગ, વ્યાપ, ઉત્પાદન વિરુદ્ધ એક મજબૂત કાર્યવાહીનું” ઉદાહરણ સ્થાપિત કરવાનો છે.

ટ્રમ્પે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિશે કહ્યું, “આવા પગલાં (રાસાયણિક હુમલા) એ સાહસિક કૃત્ય નહીં પણ કોઈ રાક્ષસે કરેલા ગુના છે.”


8:13 IST રશિયાનો પ્રતિભાવ

સીરિયાએ આવા કોઈ રાસાયણિક હુમલા કર્યા હોવાનું નકાર્યું છે અને તેના સાથી રશિયાએ પશ્ચિમના રાષ્ટ્રોની કોઈ પણ લશ્કરી કાર્યવાહીથી યુદ્ધ શરૂ થઈ જવાની ચેતવણી આપી હતી.

સીરિયન સરકારના મુખ્ય ટેકેદાર રશિયાએ તેમના અમેરિકાના રાજદૂત મારફતે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે “આ પ્રકારની કાર્યવાહી પરિણામો વિનાની નહીં હોય.”

અમેરિકાના સૈન્યના જનરલ ડનફોર્ડે કહ્યું કે અમેરિકાએ ચોક્કસ રીતે ઓળખી કાઢ્યા બાદ આ સ્થળોને નિશાન બનાવ્યા છે. તેને કારણે સીરિયામાં રહેલા રશિયનોને નુકસાન થવાનું જોખમ ઘટાડી શકાશે.


8:32 ISTશું છે દમાસ્કસમાં સ્થિતિ?

સીરિયાની રાજધાની દમાસ્કસના એક રહીશે બીબીસીના રિઆમ દલાટીને કહ્યું, “અમારી ઉપર મોતનું તાંડવ થયું હોય તેવું લાગતું હતું. મોટાભાગની મિસાઇલ્સને તોડી પાડવામાં આવી છે.”

આ રહીશે કહ્યું હતું કે, તેમણે જોયું હતું કે, 20 કરતાં વધુ વિમાન વિરોધી મિસાઇલ્સ શનિવારની વહેલી સવારે છોડવામાં આવી હતી.

“શરૂઆતમાં તે ખૂબ જ ઊંચે ઊડીને પછી ચોતરફ મોજાની જેમ ફેલાઈ ગઈ હતી, જાણે તે કોઈ નિશાનો પીછો કરતી હોય. મેં કોઈ ક્રુઝ મિસાઇલ નથી જોઈ, પણ મેં નજીકમાં જ આકાશમાંથી નીચે તૂટી પડતો કાટમાળ જોયો હતો.”


9:07 ISTમિસાઇલ હુમલો ખાળ્યો પણ ત્રણ ઘાયલ

સીરિયાની સરકારની સમાચાર સંસ્થા સાનાના અહેવાલો અનુસાર શનિવારે વહેલી સવારે હોમ્સ પ્રાંતના લશ્કરી ઠેકાણા પર છોડવામાં આવેલી મિસાઇલ્સની દિશા ફંટાઈ ગઈ હતી. જોકે, તેમાં ત્રણ નાગરિકો ઘાયલ થયા છે.


9:32 ISTનેટો (NATO)ના વડાએ હુમલાને ટેકો આપ્યો

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રીતે સીરિયા પર કરેલા આ હુમલાની કાર્યવાહીને નેટોએ (નોર્થ એટલેન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) ટેકો જાહેર કર્યો છે.

નેટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટેબર્ગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ હુમલાથી “સરકારની સીરિયાના લોકો પર વધુ રાસાયણિક હુમલા કરવાની ક્ષમતામાં ઘટાડો થશે.”

10: 06 ISTઅમેરિકાના રક્ષામંત્રી જિમ મેટ્ટિસે શું કહ્યું?

અમેરિકાના રક્ષા મંત્રી જિમ મેટ્ટિસે પત્રકારોને જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં થયેલા નુકસાનની જાણકારી નથી.

Image copyright Getty Images

હુમલાનો પહેલો તબક્કો પૂરો થયો હોવાનું જણાવતા તેમણે કહ્યું, “હાલના તબક્કે, આ એક વખત થનારી કાર્યવાહી જ છે, અને હું માનું છું કે, તેનાથી ખૂબ મજબૂત સંદેશો આપવામાં આવ્યો છે.”

રાષ્ટ્રપતિ ટ્રમ્પે અગાઉ જણાવ્યું હતું, “અમે આ પ્રકારની વળતી કાર્યવાહી ત્યાં સુધી ચાલુ રાખવા તૈયાર છીએ, જ્યાં સુધી સીરિયાની સરકાર પ્રતિબંધિત રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરવાનું બંદ ન કરી દે.”

પેન્ટાગોને કહ્યું હતું કે, રશિયાને આ હુમલા વિશે અગાઉથી કોઈ જ જાણ કરવામાં આવી નહોતી.

અમેરિકાના એક અધિકારીએ રોઇટર્સ સમાચાર સંસ્થાને કહ્યું હતું કે, સીરિયમાં વિવિધ સ્થાનો પર હુમલા માટે ટોમહોક ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ થયો હતો.

રોઇટર્સે એ આ હુમલાના સાક્ષીને કહેતા ટાંક્યા હતા કે, સીરિયાની રાજધાનીમાં “ઓછામાં ઓછા છ મોટા વિસ્ફોટો” સંભળાયા હતા.


10:42 ISTસીરિયાની પ્રતિક્રિયા

સીરિયાની સરકારે કહ્યું છે કે, દેશના તમામ લશ્કરી મથકોને ખાલી કરાવી દેવાયા છે. હાલમાં વળતા હુમલાની તૈયારી અને થયેલાં નુકસાનનો અંદાજ મેળવાઈ રહ્યો છે.

એક અધિકારીએ રોઇટર્સ સમાચાર સંસ્થાને જણાવ્યું: “અમને રશિયા દ્વારા આ પ્રકારના હુમલાની અગાઉથી જ ચેતવણી મળી ગઈ હતી... અને તમામ લશ્કરી મથકોને થોડા દિવસો પહેલાં જ ખાલી કરી દેવામાં આવ્યાં હતાં.

“હુમલામાં લગભગ 30 મિસાઇલ્સ છોડવામાં આવી હતી, અને તેના ત્રીજા ભાગની મિસાઇલ્સને તોડી પાડવામાં આવી હતી.”

સીરિયાના સરકારી ટીવીએ પણ દમાસ્કસ પર હુમલો થયો હોવાની પુષ્ટિ કરી હતી. અહેવાલો અનુસાર દેશની હવાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.


11:13 ISTસીરિયાનો જવાબ

સીરિયાના સરકારી ટીવીએ કહ્યું છે કે આ હુમલા “આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લેખુલ્લું ઉલ્લંઘન” છે.

સરકારી સમાચાર સંસ્થા સાનાએ નામ આપ્યા વિના એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે, “જ્યારે આતંકવાદીઓ નિષ્ફળ ગયા, ત્યારે અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને સીરિયા વિરુદ્ધ આક્રમણ કર્યું છે.”

“સીરિયા વિરુદ્ધ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટનનું આ આક્રમણ નિષ્ફળ રહેશે.”

બ્રિટન સ્થિત નિરિક્ષક જૂથ સીરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું છે કે આ હુમલામાં દમાસ્કસમાં આવેલી સીરિયન સાયન્ટિફિક રિસર્ચ ફેસિલિટી સહિત વિવિધ લશ્કરી મથકોને અસર થઈ છે.

(આ બ્રેકિંગ ન્યૂઝ સ્ટોરી છે વધુ સમાચારો અને વિગતો અહીં ઉપલબ્ધ થશે. આ પેજને અપડેટ કરતા રહો)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ