'મને પસ્તાવો છે કે મારા લગ્નમાં મેં લાખો રૂપિયા વાપરી નાખ્યા'

પ્રતીકાત્મક તસવીર Image copyright Rebecca Hendin/BBC Three

મારા વૉર્ડરોબમાં ઉપર એક બૉક્સ પડ્યું છે, જે મેં જિંદગીમાં એક જ વાર ખોલ્યું હતું. તેમાં મેં ખરીદેલો સૌથી કિંમતી ડ્રેસ છે.

એસિડ-ફ્રી ટિસ્યૂ પેપરમાં સરસ રીતે તેને પેક કરીને મૂકી દીધો છે, કેમ કે મારા વેડિંગ ડ્રેસને બીજીવાર ક્યારેય પહેરવાનો વારો આવવાનો નથી.

એક જ વાર પહેર્યો એ હિસાબે તે મને ખૂબ મોંઘો પડ્યો છે.

મારાં લગ્ન પછી એકવાર 2007માં મેં તેને બહાર કાઢ્યો હતો અને વિચારમાં પડી ગઈ હતી કે પોતાની આશા, અપેક્ષા, સપનાં અને થનગનાટ બધું એક જ દિવસ પર ન્યોચ્છાવર કરી દેવાનું કેવું લાગે.

આ લેસ ગાઉન મેં અલ્ટ્રા-એક્સક્લુઝિવ બ્રાઇડલ બૂટિકમાંથી આશરે 4,70,000 રૂપિયામાં ખરીદ્યું હતું. મારા જીવનમાં મેં બીજી કોઈ વસ્તુ પાછળ આટલા પૈસા ખર્ચ્યા નથી.

ફક્ત ગાઉનના આટલા, તે સિવાય સિલ્કનો દુપટ્ટો લીધો, માથે હીરાવાળો પટ્ટો, અંડરવેર, ડિઝાઇનર શૂઝ, મેકઅપ, હેર ડ્રેસિંગ અને લગ્નનો દિવસ કાયમ યાદ રહે તે માટે ખરીદેલું ખાસ સેન્ટ, તે બધાના પૈસા ચૂકવ્યા હતા તે અલગ.

દસ વર્ષ અને ત્રણ સંતાનો પછી હવે એ દિવસો યાદ કરીને નવાઈ લાગે છે કે શું વિચારીને મેં ખર્ચ કર્યો હતો.

બસ એક ડ્રેસ હતો, એવો ડ્રેસ જે મને ખબર હતી કે એક જ વાર પહેરવાનો છે.

Image copyright Rebecca Hendin / BBC Three

તે વખતે હું 27 વર્ષની હતી અને માત્ર મોંઘો ડ્રેસ નહીં, બધું જ ઇચ્છતી હતી. બ્રાઇડલ મેગેઝીનમાં જોવા મળતી રાજકુમારીની જેવી હું મને માનવા લાગતી હતી.

સામાન્ય રીતે હું ધરતી પર પગ રાખનારી હતી, પણ તે વખતે મેં મારા સાથીની લગ્નની દરખાસ્ત સ્વીકારી લીધી, તે પછી મારામાં કંઈ એવું જાગ્યું કે ઊડવા લાગી હતી.

હું જાણે સપનાંની દુનિયામાં પહોંચી ગઈ હતી. વાસ્તવિકતાનું ભાન ભૂલીને લગ્ન ખરેખર શું એ ભૂલી જ ગઈ અને લગ્નપ્રસંગ પાછળ અઢળક ખર્ચ કરી નાખ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

લગભગ 50,000 પાઉન્ડ (ભારતીય મુદ્રામાં આશરે 46 લાખ રૂપિયા) વેડિંગ પાછળ વાપરી નાખ્યા હતા.

એક ઘર ખરીદી શકાય તેટલા પૈસા એક જ દિવસના લગ્ન સમારંભ પાછળ વાપરી નાખવા યોગ્ય કહેવાય એવું મેં કેમ વિચાર્યું હશે?

એકવાર ખર્ચો કરવાનું શરૂ કર્યું, પછી અટકવાનું નામ જ નહોતું લેવાતું. તે વખતે મારા પતિની પણ સારી જોબ હતી, તેથી મને લાગ્યું કે અમે બધુ બેસ્ટ કરી શકીએ છીએ.

Image copyright Getty Images

'લંડનના સૌથી શાનદાર વેડિંગ'નું વળગણ એકવાર લાગ્યું, તે પછી 'આ તો જોઈએ જ'ની યાદીમાં ઉમેરો જ થતો ગયો.

મધ્ય લંડનના ચર્ચમાં લગ્ન અને ટ્રેન્ડી પ્રાઇવેટ મેમ્બર્સ ક્લબમાં રિસેપ્શન અને ઇટાલીયન વાઇન નહીં, પણ બેસ્ટ શેમ્પેઈન અને 900 પાઉન્ડની તો ખાલી વેડિંગ કેક, જેના માટે મારી મધરનો ખાસ આગ્રહ હતો.

આટલા શાનદાર લગ્ન પછી હનીમૂન માટે માલદિવ 'જવું જ પડે,' તેના બીજા 15000 પાઉન્ડ (આશરે 14 લાખ રૂપિયા) જુદા.

મારા વિશાળ કુટુંબમાં મેં ભપકાદાર લગ્નો થતાં જોયાં હતાં, એટલે મને અંદરથી થતું હતું કે મેં જોયેલા બીજા બધા લગ્નપ્રસંગો કરતાં કંઈક અનોખું કરી બતાવું. બસ મને એક શાનદાર વેડિંગ સિવાય કશું દેખાતું નહોતું.

મારા ભાવિ પતિ અને મારું એક નવું જ જીવન શરૂ થઈ રહ્યું હતું. તેને યાદગાર બનાવી દેવાની લાગણીને કારણે આ બધી ઇચ્છાઓ પ્રગટી હતી તેમ મને લાગે છે.

Image copyright Rebecca Hendin / BBC Three

અમારા સંબંધોમાં ઉતાર ચઢાવ આવતો રહ્યો હતો. અમે કૌટુંબિક કંકાસમાંથી પસાર થયા હતા અને જોબમાં બંનેને મુશ્કેલીઓ આવી હતી.

તેથી અમને લાગ્યું હતું કે અમે મકાન ખરીદીએ અને શાનદાર રીતે વેડિંગ કરીએ તો અમે નવેસરથી શરૂઆત કરી શકીશું. તેના માટે ભલે ખિસ્સાં ખાલી કરી નાખવા પડે.

અમારું લક્ષ્ય હતું લગ્નપ્રસંગને સદાય યાદ રહી જાય તેવો દિવસ બનાવવો.

અમે તેને યાદગાર બનાવ્યો પણ ખરો. અમારા સગા-વહાલાં વચ્ચે અમે ખૂબ સરસ રીતે તે માણ્યો અને તસવીરોમાં તેની શોભા અનેરી દેખાતી હતી.

પરંતુ તેની પાછળ કરી નાખેલા ખર્ચનો હવે અફસોસ થાય છે? હા, થાય છે.

તે દિવસે હું મોજમાં હતી એટલે મહિનાઓથી નાનામાં નાની વાતની કાળજી લઈને આયોજન કર્યું હતું. તેમાંનું કશું ખરેખર લગ્નના દિવસે મારે કામ આવ્યું નહોતું.

અમે સારામાં સારા વાઇન સાથે ભોજન સમારંભ ગોઠવ્યો હતો, પણ એટલી ખુશી હતી કે તે દિવસે મારી ભૂખ જ મરી ગઈ હતી. સજાવટમાં પણ કશી કમી નહોતી.

Image copyright Getty Images

હજારો પાઉન્ડના ફૂલો, કેન્ડલ અને મહિનાઓ સુધી શોધી શોધીને એકઠી કરેલી ગિફ્ટથી નજારો ઊભો થયો હતો. પણ કેટલા મહેમાનોએ તેની નોંધ લીધી હશે?

ડિનર પહેલા મહેમાનોએ એટલું ડ્રિન્ક લીધું હતું કે તેમનું ધ્યાન પણ નહીં ગયું હોય. બીજું અમે બહુ બધા લોકોને બોલાવી લીધા હતા, જેમાંથી કેટલાક સાથે આજે અમારો કશો સંપર્ક નથી.

હવે વિચારું છું ત્યારે લાગે છે કે 120 જેટલા 'યારદોસ્તો'ને બોલાવ્યા હતા, તેમાંથી અડધાને જ નિમંત્રણ આપવાની જરૂર હતી.

આજે ત્રણ સંતાનોની માતા છું અને પાર્ટ ટાઇમ કામ કરું છું અને ઘરમાં નાનું મોટું કામ કરાવવું પડે છે, ત્યારે મને સમજાય છે કે પૈસાનું મૂલ્ય શું છે. જોકે તે વાત અમને બહુ મોંઘી રીતે સમજાઈ હતી.

વેડિંગના એક દિવસ પહેલા જ મારા પતિને નોકરીમાંથી છુટ્ટા કરી દેવાયા હતા.

જોકે, હવે બહુ મોડું થઈ ગયું હતું અને બધું નક્કી થઈ ગયું હતું એટલે નક્કી કર્યા પ્રમાણે ખર્ચ કરીને એન્જોય કર્યા સિવાય છુટકો નહોતો.

અમે આનંદ માણ્યો પણ ખરો અને ખરેખર એ અદભૂત દિવસ હતો, પણ એનાથી બહુ ઓછા ખર્ચે પણ ઉજવણી થઈ શકી હોત.

લગ્ન એટલે તેની વિધિ અને સમારંભ નથી, પણ તેના પછીનું સહજીવન એ જ લગ્ન છે.

Image copyright Getty Images

આજે અમે ખુશહાલ દંપતી છીએ અને મારા પતિને ફરી કામ પણ મળી ગયું છે.

પણ આજે વિચારું છું ત્યારે અફસોસ પણ થાય છે કે તેમાંથી થોડા નાણાં બચાવ્યા હોત તે બચત અમારા માટે મોટી રાહત બનીને રહી હોત.

મને અફસોસ છે કે મેં ખોટો ખર્ચ કર્યો. હું ઇચ્છું છું કે સમાજ લગ્ન પાછળ થતા ભપકાને ઉત્તેજન ના આપે. તેની કોઈ જરૂર નથી.

લગ્નમાં ધામધૂમ કરવાનું સામાજિક દબાણ ઊભું થાય છે તે યોગ્ય નથી.

મારા સંતાનોનાં લગ્નની વાત આવશે ત્યારે મેં કર્યા હતા તેવા 'ડ્રિમ વેડિંગ' માટેનો આગ્રહ રાખીશ નહીં.

મારા વોર્ડરોબની ઉપર પડેલું પેલું ખોખું - જેમાં મારો વેડિંગ ડ્રેસ પડ્યો છે - તે મને સદાય યાદ કરાવે છે કે મારે શું કાળજી રાખવાની છે.

મારે કાળજી રાખવાની છે કે મારી જેમ મારા સંતાનો લગ્નજીવનની શરૂઆત આર્થિક તંગી સાથે ના કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો