એ શખ્સ જે વિશ્વની જાયન્ટ કંપની ગૂગલ પર ભારે પડ્યો!

પ્રતિકાત્મક તસ્વીર Image copyright CHRIS JACKSON/GETTY IMAGES

ગૂગલ પર રહેલી તમારી કે મારી માહિતી હટાવી શકાય ખરી? શું આપણે ગૂગલને એ માહિતી હટાવવાની ફરજ પાડી શકીએ ખરાં?

આવું કર્યું છે એક બિઝનેસમેને જેણે ગૂગલને પોતાની માહિતી હટાવવાની ફરજ પાડી છે.

પોતાના "ભૂતકાળને ભૂલી જવાના અધિકાર" માટે લડત ચલાવી રહેલા એક બિઝનેસમેને તેનો ગુનાહિત ભૂતકાળ સર્ચ એન્જિનમાંથી ભૂંસી નાખવાની ફરજ ગૂગલને પાડવામાં બ્રિટિશ ન્યાયતંત્ર મારફત સફળતા મેળવી છે.

આ બિઝનેસમેનને કોઈનો સંદેશાવ્યવહાર આંતરવા બદલ દસ વર્ષ અગાઉ સજા કરવામાં આવી હતી અને તેણે છ મહિના જેલમાં રહેવું પડ્યું હતું.

ભૂતકાળને ભૂલી જવાના અધિકાર સંબંધી કેસની કાર્યવાહી લંડનની કોર્ટમાં શુક્રવારે હાથ ધરવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ માર્ક વર્બીએ બિઝનેસમેનની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો, પણ વધારે ગંભીર ગુના આચરી ચૂકેલા અને ચાર વર્ષ જેલમાં રહેલા બીજા બિઝનેસમેનના આરોપો ફગાવી દીધા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

સર્ચ એન્જિનમાં જોવા મળતી પોતાની સજા સંબંધી માહિતી ભૂંસી નાખવાની માગણી બન્ને બિઝનેસમેને કરી હતી. તેમણે એવી દલીલ કરી હતી કે હવે એ માહિતીનો કોઈ અર્થ નથી.

એ સર્ચ રિઝલ્ટ્સને દૂર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારે તેઓ ગૂગલને કોર્ટમાં ઘસડી ગયા હતા.

ગૂગલે જણાવ્યું હતું કે તેઓ અદાલતના આદેશનું પાલન કરશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું, "ભૂતકાળની ભૂલી જવાના અધિકારનું અમે ચુસ્ત રીતે પાલન કરીએ છીએ. તેની સાથે જાહેર હિતમાં હોય તેવી સર્ચીઝને દૂર નહીં કરવા પર પણ ખાસ ધ્યાન આપીએ છીએ."

ગૂગલે એમ પણ જણાવ્યું હતું, "અદાલતે આ સંબંધે અમારા પ્રયાસોની સરાહના કરી તેનો અમને આનંદ છે અને આ કેસમાં આપવામાં આવેલા આદેશનું પાલન અમે કરીશું."


"ઉદાહરણરૂપ ચૂકાદો"

2014માં સ્પેનના મારિયો ગોન્ઝ કોસ્ટેજા તો લેઝના કેસ પછી યુરોપિયન યુનિયનની કોર્ટે ભૂતકાળને ભૂલી જવાના અધિકારને અમલી બનાવ્યો હતો.

સ્પેનિશ નાગરિકે તેમના નાણાકીય ભૂતકાળને ભૂંસી નાખવા ગૂગલને જણાવ્યું હતું.

ગૂગલે જણાવ્યું હતું કે અધિકાર સંબંધી વિનતીને આધારે 80,000 પેજ સર્ચ રિઝલ્ટ્સમાંથી હટાવી દેવામાં આવ્યાં છે.

જોકે, જાહેર હિતમાં હોય તેવાં પેજીઝ તેમનાં સર્ચ એન્જિન હટાવતાં નથી.

ન્યાયમૂર્તિ માર્ક વર્બીએ ગયા શુક્રવારે જણાવ્યું હતું કે ગૂગલ સામે કેસ દાખલ કરનાર એક વ્યક્તિએ "લોકોને છેતરવાનું ચાલુ" રાખ્યું હતું, જ્યારે બીજી વ્યક્તિએ "ખેદ વ્યક્ત કર્યો હતો."

ઇન્ટરનેટ પર મુક્ત અભિવ્યક્તિની હિમાયત કરતા ઓપન રાઇટ્સ ગ્રુપ નામના બ્રિટનના એક સ્વૈચ્છિક સંગઠને જણાવ્યું હતું કે આ ચૂકાદાને પગલે "કાયદેસરનું ઉદાહરણ" સર્જાયું છે.

ઓપન રાઇટ્સ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જિમ કિલ્લોકે કહ્યું હતું, "જે માહિતી અપ્રસ્તુત હોય, પણ એ માહિતીની સંબંધિત વ્યક્તિ પર માઠી અસર થતી હોય તેના સંદર્ભમાં ભૂતકાળને ભૂલી જવાના અધિકારની રચના કરવામાં આવી હતી."

"પોતાના ઐતિહાસિક રેકોર્ડ્ઝ મેળવવાના લોકોના અધિકાર, દરેક વ્યક્તિ પર થતી અસર અને જાહેર હિતનું આકલન પણ કોર્ટે કરવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો