'સાવ અભણ' વ્યક્તિએ અધ્યાપક બની 17 વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા

અમેરિકન તર્કશાસ્ત્રી જોન કોર્કોરન Image copyright Alamy
ફોટો લાઈન અમેરિકન તર્કશાસ્ત્રી જોન કોર્કોરન

વિખ્યાત અમેરિકન તર્કશાસ્ત્રી જોન કોર્કોરનનો ઉછેર અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં 1940-50ના દાયકામાં થયો હતો.

છ ભાઈ-બહેનમાંના એક જોનનું એક રહસ્ય છે, જે તેમની સ્કૂલ, કોલેજ અને 17 વર્ષની ટીચિંગ કરીયરમાં કોઈ જાણતું ન હતું.

પોતાને વાંચતા જ આવડતું નથી, એ રહસ્ય તેમણે આટલાં વર્ષો સુધી કઈ રીતે છૂપાવી રાખ્યું હશે?

આ વિશે જોન કોર્કોરને વાત કરી હતી.

"બાળપણમાં મારાં મમ્મી-પપ્પા મને કહેતા હતા કે હું એક વિજેતા છું અને જીવનનાં પહેલાં છ વર્ષ સુધી હું તેમની આ વાતનો વિશ્વાસ પણ કરતો રહ્યો હતો.

હું થોડો મોડો બોલતાં શીખ્યો હતો, પણ મારી બહેનોની માફક હું પણ ભણીશ એવું વિચારીને મોટાં અરમાન સાથે હું સ્કૂલે ગયો હતો.

પહેલા વર્ષે તો બધું ઠીક હતું, કારણ કે ખાસ કંઈ કરવાનું ન હતું, પણ બીજા વર્ષે અમારે વાંચતા શીખવાનું હતું.

મને એવું લાગતું હતું કે મારી સામે ચીની ભાષાનું અખબાર પડ્યું છે. મને એકેય શબ્દ સમજાતો ન હતો.

6-7 વર્ષના બાળક માટે પોતાની આ મુશ્કેલી સમજવાનું આસાન ન હતું.

મને યાદ છે કે હું રાતે ભગવાનને પ્રાર્થના કરતો હતોઃ પ્લીઝ ભગવાન, હું સવારે ઊઠું અને મને વાંચતા આવડી જાય તેવું કંઈક કરો.

કોઈ ચમત્કાર થવાની આશામાં હું રોજ સવારે પુસ્તક ઉઘાડતો હતો, પણ કોઈ ચમત્કાર થયો નહીં.


સ્કૂલે નહીં, લડાઈમાં જતો હતો

Image copyright JOHN CORCORAN

હું 'નાલાયક બાળકો'ની લાઇનમાં બેસવા લાગ્યો હતો. એ એવાં બાળકો હતાં, જેમને મારી માફક વાંચવામાં તકલીફ પડતી હતી.

મને ખબર ન હતી કે એવું કઈ રીતે થયું હતું, તેમાંથી બહાર કઈ રીતે નીકળવું? આ માટે પૂછવું કોને એ પણ હું જાણતો ન હતો.

અમારાં ટીચર્સ તેને નાલાયક બાળકોની લાઈન કહેતા ન હતા, પણ બાળકો એવું કહેતા હતા કે તમે નાલાયક બાળકોની લાઈનમાં હો એટલે ખુદને નાલાયક માનવા લાગો છો.

પેરન્ટ-ટીચર મીટિંગમાં એક ટીચરે મારાં મમ્મી-પપ્પાને કહ્યું હતુઃ તમારો દીકરો હોંશિયાર છે. તેને વાંચતા આવડી જશે.

ટીચર દર વર્ષે મને આવું કહેતા હતા અને આગલા ધોરણમાં મોકલતા હતા, પણ મને કંઈ સમજાતું ન હતું.

હું પાંચમા ધોરણમાં આવ્યો ત્યારે મેં વાંચતા શીખવાની આશા છોડી દીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

હું રોજ સવારે ઊઠીને તૈયાર થતો અને એવી રીતે સ્કૂલે જતો હતો કે હું યુદ્ધ કરવા જતો હોઉં. મને ક્લાસની પણ ચીડ હતી.

સાતમા ધોરણમાં તો હું આખો દિવસ પ્રિન્સિપાલની ઓફિસમાં જ બેઠો રહેતો હતો. હું લડતો હતો, જોકર હતો, વિદ્રોહી હતો.

આખા ક્લાસને ડિસ્ટર્બ કરતો હતો. મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

હું અંદરથી એવો ન હતો. એવો બનવા પણ ઇચ્છતો ન હતો. હું સારો સ્ટુડન્ટ બનવા ઇચ્છતો હતો. બસ, બની શકતો ન હતો.

આઠમા ધોરણમાં પહોંચતા સુધીમાં હું ખુદને તથા મારા પરિવારને શરમાવીને થાકી ગયો હતો. મેં નિર્ણય કર્યો હતો કે હવેથી હું યોગ્ય રીતે વર્તન કરીશ.

હું ખેલાડી બનવા ઇચ્છતો હતો. ખેલાડી બનવાની ક્ષમતા પણ હતી. મારું ગણીત સારું હતું. સ્કૂલમાં અભ્યાસ શરૂ કરતા પહેલાં જ હું પૈસા ગણતા શીખી ગયો હતો.

હું મારું નામ અને બીજા કેટલાક શબ્દો લખી શકતો હતો, પણ આખું વાક્ય લખી શકતો ન હતો.

હું હાઇસ્કૂલમાં પહોંચી ગયો હતો, પણ બીજા-ત્રીજા ધોરણનાં બાળકો જેટલું જ વાંચી શકતો હતો. હું વાંચી શકતો નથી એ મેં કોઈને જણાવ્યું ન હતું.


બનાવટથી થતો રહ્યો પાસ

Image copyright JOHN CORCORAN

એક્ઝામના સમયમાં હું બીજાનાં પેપરમાં જોઈને કોપી કરતો હતો, પણ સ્પોર્ટ્સમાં સ્કોલરશિપ લઈને હું કોલેજમાં એડમિશન લેવા ગયો ત્યારે બધું આસાન ન હતું.

જૂનાં પ્રશ્નપત્રો મળી જતાં હતાં. પરીક્ષામાં પાસ થવાની એ પણ એક રીત હતી.

મને મદદ કરી શકે એવા પાર્ટનર સાથે હું ક્લાસમાં જતો હતો. ઘણા પ્રોફેસરો દર વર્ષે એકજ પ્રશ્નપત્રનો ઉપયોગ કરતા હતા.

એકવાર એક પ્રોફેસરે બોર્ડ પર ચાર સવાલ લખ્યા હતા. હું ક્લાસમાં પાછળ બારી પાસે બેઠો હતો. પ્રોફેસરે લખેલા સવાલોનો અર્થ હું જાણતો ન હતો.

મેં મારા દોસ્તને પહેલેથી જ બારી બહાર ઊભો રાખ્યો હતો. એ સ્કૂલનો સૌથી હોંશિયાર વિદ્યાર્થી હતો. મારી પાસે આન્સર બૂક હતી. એ મેં તેને આપી હતી, જેથી એ જવાબ લખી શકે.

બીજી આન્સર બૂક મારા શર્ટમાં છૂપાવેલી હતી. હું તેને કાઢીને લખવાનું નાટક કરવા લાગ્યો હતો. પાસ થવા માટે હું એટલો આકળો થયો હતો.

એ પછી એક રાતે મેં પ્રોફેસરની ઓફિસમાં ઘૂસીને ક્વેશ્ચન પેપરની ચોરી પણ કરી હતી.

ચોરી પછી એ વિચારીને ખુશ થયો હતો કે આટલું મુશ્કેલ કામ કર્યું એટલે હું કેટલો ચાલાક છું, પણ ઘરે જઈને રડવા લાગ્યો હતો.

હું વિચારતો હતો કે મેં કોઈની મદદ કેમ માગી નહીં? મને એવું કેમ લાગતું હતું કે કોઈ મને મદદ નહીં કરી શકે? કોઈ મને વાંચતા નહીં શીખવી શકે?

મારા શિક્ષકોએ, મારા મમ્મી-પપ્પાએ મને કહેલું કે કોલેજની ડિગ્રી પછી સારી નોકરી મળી જાય છે.

મેં તેમના પર ભરોસો કર્યો હતો. ડિગ્રીનો કાગળ હાંસલ કરવાનું ભૂત મારા દિમાગ પર સવાર હતું.


ટીચરની નોકરી મળી

Image copyright JOHN CORCORAN

ગ્રેજ્યુએટ થઈ ગયો. અધ્યાપકોની કમી હતી એટલે મને અધ્યાપકની નોકરીની ઓફર મળી હતી. એ બહુ વિચિત્ર હતું.

જે મુશ્કેલીમાંથી હું બહાર આવ્યો હતો, ફરી હું તેમાં જ જઈ રહ્યો હતો.

મેં એ નોકરી શા માટે સ્વીકારી? સ્કૂલ અને કોલેજમાં પકડાયો ન હતો એટલે ટીચરની નોકરીમાં છૂપાયેલા રહેવાનો વિકલ્પ મને સારો લાગ્યો હતો.

ટીચરને વાંચતા ન આવડતું હોઈ એવી શંકા કોઈને ન પડે.

મેં ઘણા વિષય ભણાવ્યા હતા. સ્પોર્ટ્સ શીખવાડતો હતો, સોશિયલ સાયન્સ પણ ભણાવતો હતો. ટાઈપિંગ પણ શીખવતો હતો.

હું એક મિનિટમાં 65 શબ્દો ટાઇપ કરી લેતો હતો, પણ હું શું ટાઇપ કરી રહ્યો છું તેની ખબર ન હતી. મેં ક્લાસમાં બ્લેક બોર્ડ પર ક્યારેય કંઈ લખ્યું ન હતું.

અમે ક્લાસમાં ફિલ્મો બહુ જોતા હતા અને ચર્ચા બહુ કરતા હતા.

એ દરમ્યાન મારાં લગ્ન થઈ ગયાં હતાં. લગ્ન પહેલાં મારી પત્નીને સત્ય જણાવવા મેં વિચાર્યું હતું.

મેં તેને જણાવ્યું હતું કે હું વાંચી શકતો નથી, પણ એ એવું સમજી હતી કે મને પુસ્તકો વાંચવામાં રસ નથી.

લગ્ન થયાં અને દીકરીનો જન્મ પણ થયો.

એક દિવસ હું પુસ્તકમાંથી વાંચીને મારી દીકરીને વાર્તા સંભળાવતો હતો ત્યારે મારી પત્ની સામે રહસ્ય ઉઘાડું પડી ગયું હતું.

હું જાતે વાર્તાઓ બનાવીને દીકરીને સંભળાવતો હતો, કારણ કે પુસ્તકમાંની વાર્તા હું વાંચી શકતો ન હતો.

મારી પત્ની એ જાણી ગઈ હતી, પણ તેણે મને કંઈ કહ્યું ન હતું અને મારી મદદ કરતી રહી હતી.

હું ખુદને નાલાયક માનતો હતો, બનાવટી લાગતો હતો. હું છેતરપીંડી કરતો હતો. હું મારાં બાળકોને સચ્ચાઈના રસ્તે ચાલવાનું શીખવતો હતો, પણ ક્લાસમાં સૌથી વધુ જુઠ્ઠો હું જ હતો.


આખરે વાંચતા શીખ્યો

Image copyright JOHN CORCORAN
ફોટો લાઈન અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ અને તેમનાં પત્ની બાર્બરા સાથે જોન કોર્કોરન

1961થી 1978 સુધી મેં હાઇસ્કૂલમાં ભણાવ્યું હતું. નોકરી છોડ્યાનાં આઠ વર્ષ પછી મારા જીવનમાં પરિવર્તન આવ્યું હતું.

હું 47 વર્ષનો હતો ત્યારે અમેરિકાના તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટનાં પત્ની બાર્બરા બુશને વયસ્કોનાં શિક્ષણ વિશે ટીવી પર બોલતાં સાંભળ્યાં હતાં.

આ વિષય પર વાત કરતા કોઈને અગાઉ સાંભળ્યા ન હતા અને મને લાગતું હતું કે એ પરિસ્થિતિનો હું એકમાત્ર શિકાર છું.

એક દિવસ એક સ્ટોરમાં બે મહિલાઓ તેમના વયસ્ક ભાઈના ભણતર બાબતે વાત કરતી હતી. તેમનો ભાઈ લાયબ્રેરીમાં જતો હતો અને વાંચવાનું શીખતો હતો.

એક શુક્રવારની સાંજે હું પણ લાયબ્રેરીમાં પહોંચી ગયો હતો અને સાક્ષરતા કાર્યક્રમના ડિરેક્ટરને મળ્યો હતો. મેં તેમને જણાવ્યું હતું કે હું વાંચી શકતો નથી.

તેઓ મારી જિંદગીમાં બીજી એવી વ્યક્તિ હતા, જેને મેં આ રહસ્ય જણાવ્યું હતું.

મને ત્યાં 65 વર્ષનાં એક ટ્યૂટર મળ્યાં હતાં. તેઓ ટીચર ન હતાં, પણ તેમને વાંચવું ગમતું હતું.

શરૂઆતમાં તેમણે મને મારા દિલમાં હોય તે વિશે લખવા કહ્યું હતું. હું જે અનુભવતો હતો એ વિશે મેં સૌથી પહેલાં એક કવિતા લખી હતી.

કવિતામાં ખાસ વાત એ હોય છે કે તેમાં આખું વાક્ય લખવું પડતું નથી.


48 વર્ષ અંધારામાં રહ્યો

Image copyright JOHN CORCORAN
ફોટો લાઈન જોન કોર્કોરન તેમની પૌત્રી કાયલા માર્ટેસ સાથે

મારાં ટ્યૂટરે મને છઠ્ઠા ધોરણનાં સ્તર સુધીનું વાંચતા શીખવ્યું હતું, પણ હું સાક્ષર હોવાની અનુભૂતિ થતાં મને સાત વર્ષ લાગ્યાં હતાં.

વાંચતાં શીખ્યો પછી હું બહુ રડ્યો હતો. વાંચતાં શીખવાની યાત્રામાં બહુ હતાશાનો સામનો કર્યો હતો, પીડા થઈ હતી, પણ મારા આત્મામાં પડેલા એક મોટા ખાડાને મેં પૂરી નાખ્યો હતો.

48 વર્ષ સુધી હું જાણે કે અંધારામાં રહ્યો હતો, પણ આખરે હું મારા 'ભૂત'ના સંકજામાંથી મુક્ત થઈ શક્યો હતો."

(બીબીસીનાં સંવાદદાતા સારાહ મેક્ડરમટ સાથેની વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ