જ્યારે સત્યજીત રેની ફિલ્મ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો

સત્યજીત રે Image copyright Getty Images

મશહૂર ફિલ્મકાર સત્યજીત રે એ બનાવેલી દસ્તાવેજી ફિલ્મ પરનો પ્રતિબંધ આખરે હટાવી લેવાયો છે, એવી માહિતી રેના કુટુંબીજનોએ આપી છે.

આ ફિલ્મ હિમાલયની ગોદમાં વસેલા ભારતનાં એક રાજ્ય સિક્કીમ પર બનાવવામાં આવી હતી.

1975માં વિવાદાસ્પદ સંજોગોમાં સિક્કીમ ભારતનો હિસ્સો બન્યું, તે પછી આ ડૉક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

40 વર્ષ પહેલાં સિક્કીમ એક સ્વતંત્ર રજવાડું હતું ત્યારે આ ફિલ્મ બની હતી.

સિક્કીમના છેલ્લા રાજા પાલ્ડેન થોન્ડૂપ નામગ્યાલે પર્યટકોને આકર્ષવા માટે આ ફિલ્મ બનાવડાવી હતી.

સત્યજીત રેને લાઇફટાઇમ અચિવમેન્ટ માટેનો ઑસ્કર મળ્યો હતો અને તે પછી 23 એપ્રિલ 1992નાં રોજ તેમનું અવસાન થયું હતું.

તેમના પુત્ર અને ફિલ્મમેકર સંદિપ રેએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "સિક્કીમ' એવા નામ સાથેની આ ડૉક્યુમેન્ટરી પરથી પ્રતિબંધ હટી ગયો તેનાથી પોતે ખુશ છે. હું આશા રાખું કે બહુ જલદી આ ડૉક્યુમેન્ટરી પ્રદર્શિત થાય."

શું તમે આ વાંચ્યું?

"જુદી જુદી ઋતુઓમાં અમે તેનું શૂટિંગ થયું હતું, તે આજે પણ મને યાદ છે. શૂટિંગ માટેનાં ઉપકરણો લઈને પહાડીઓમાં જવું, રૉયલ પેલેસમાં રોકાયા હતા તે મને આજે પણ મારી સ્મૃતીમાં છે."

"સિક્કીમના રાજાની અમેરિકન પત્ની હોપ કૂક સાથે મારા પિતાને સારી મિત્રતા હતી. તેમના કારણે જ મારા પિતા આ ફિલ્મ માટે તૈયાર થયા હતા."


શું હતો વિવાદ?

Image copyright Getty Images

જોકે, ફિલ્મ તૈયાર થઈ ગઈ તે પછી રાજા અને તેમના પત્ની બંને રોષે ભરાયાં હતાં.

ખાસ કરીને એક દૃશ્યને કારણે, જે રાજધાની ગંગટોકમાં આવેલા રૉયલ પેલેસની પાછળ લેવાયું હતું. જેમાં પેલેસની બહાર વધેલું ભોજન ફેંકી દેવાતું અને તેને ખાવા ગરીબોમાં થતી ખેંચાખેંચી દર્શાવાઈ હતી.

સંદિપ રેએ કહ્યું, "મારા પિતાને જણાવાયું કે આવાં કેટલાક દૃશ્યો દૂર કરવા અને ફિલ્મને ફરીથી તૈયાર કરવી,"

"મારા પિતાએ તેમની ઇચ્છા પ્રમાણે ફેરફારો કર્યા, પણ ત્યાં સુધીમાં સ્થિતિ બદલાઈ ગઈ હતી."

Image copyright Getty Images

ફિલ્મ સંપૂર્ણ તૈયાર થઈ જાય તે પહેલાં જ સિક્કીમને 1975માં વિવાદાસ્પદ સંજોગોમાં ભારત સાથે ભેળવી દેવાયું હતું.

સિક્કીમના લોકો ફિલ્મનાં વિવાદાસ્પદ દૃશ્યો અંગે કેવો પ્રતિસાદ આપશે તેની ચિંતા હોવાના કારણે ભારત સરકારે 'સિક્કીમ' પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

Image copyright Getty Images

"મારા પિતાએ કેટલાક લોકો માટે પ્રાઇવેટ સ્ક્રીનિંગ કર્યું હતું. તે સિવાય બીજા કોઈએ આ ફિલ્મ જોઈ નથી," એમ રે કહે છે.

આ ફિલ્મની બે નકલો છે, જેમાંથી એક અમેરિકામાં છે અને બીજી બ્રિટીશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ પાસે છે.

જોકે 'સિક્કીમ' ફિલ્મનું પ્રથમ સ્ક્રિનિંગ ક્યારે થશે તે નક્કી નથી. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કદાચમાં તેમાં થોડા મહિના લાગી શકે છે.

અભિનેતા સર રિચર્ડ એટનબરોને આ ફિલ્મ બહુ જ ગમી ગઈ હતી. આ ફિલ્મ સચવાઈ રહે તે માટે 2003માં તેમણે આ ફિલ્મ એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ, આર્ટ્સ અને સાયન્સને આપી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો