અમેરિકામાં નગ્ન થઈ બંદૂકધારીએ કર્યો ગોળીબાર, 4નાં મૃત્યુ

વેફેલ હાઉસ Image copyright NASHVILLE POLICE DEPARTMENT

અમેરિકાના ટેનેસી રાજ્યમાં એક નગ્ન બંદૂકધારીએ રેસ્ટોરાં પર ગોળીબાર કરતાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.

હુમલાખોરે સ્થાનિક સમય અનુસાર સવારના 3:25 વાગ્યે ગોળીબાર કર્યો હતો. તે વૉફલ હાઉસમાં ઘૂસ્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

આ ઘટનામાં બે અન્ય લોકો ઘાયલ થયાં છે. તેમાંથી એકે હુમલાખોરની રાઇફલ ઝૂંટવી હતી. આ દરમિયાન હુમલાખોર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે હુમલાખોરની ઓળખ 29 વર્ષના ટ્રેવિસ રેનકિંગ તરીકે કરી છે.

પોલીસનું કહેવું છે કે ગયા વર્ષે તેને વ્હાઇટ હાઉસ પાસે પકડવામાં આવ્યો હતો. ત્યારે તે પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસ્યો હતો.

પોલીસનું કહેવું છે કે હુમલાખોર નગ્ન હતો. તેણે માત્ર એક ગ્રીન જેકેટ પહેર્યું હતું. જ્યારે ઘટનાસ્થળેથી ભાગ્યો ત્યારે તે જેકેટ પણ ત્યાં પડી ગયું હતું.


ચીનમાં ડ્રેગન હોડી પલટી, 17નાં મૃત્યુ

Image copyright Getty Images

દક્ષિણ ચીનમાં ડ્રેગન હોડી ઊંધી વળી જતાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે.

ટીવી પર દેખાતાં દ્રશ્યો પ્રમાણે લાંબી અને સાંકળી ડ્રેગન હોડીમાં ઘણા લોકો સવાર હતાં અને તે ઊંધી વળી જતાં 60 લોકો ડૂબ્યા હતા.

દુર્ઘટનાનાં આ દ્રશ્યોને નદીમાં બીજી હોડીમાં સવાર લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધાં હતાં.

શિન્હુઆ ન્યૂઝ અનુસાર, ગુડલિન શહેરની નદીમાં આ દુર્ઘટના થતાં બચાવકાર્ય માટે 200 લોકોની ટીમને મોકલવામાં આવી હતી.

ચીનની સીસીટીવી ચેનલનું કહેવું છે કે નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણે આ દુર્ઘટના બની હતી.

આ દુર્ઘટના એ જગ્યાએ બની જ્યાં નદીઓના બે પ્રવાહ મળે છે. તેના કારણે પાણીનું વહેણ તેજ થઈ ગયું હતું અને હોડીએ સંતુલન ગુમાવી દીધું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા