કેનેડા: વૅને પદયાત્રીઓને ટક્કર મારતાં 10નાં મૃત્યુ

વેન Image copyright Getty Images

કેનેડાનાં ટોરંટોમાં રસ્તે જતા રાહદારીઓને એક શખ્સે વૅન દ્વારા ટક્કર મારવાની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે અને 15 અન્ય લોકો ઘાયલ થયા છે.

પોલીસનું કહેવું છે કે એક ભીડભાડવાળા ચાર રસ્તા પર આ ઘટના બની છે.

ઘટના બાદ ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો પરંતુ ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પોલીસે ડ્રાઇવરની ઓળખ આલેક મિલેસિયન તરીકે કરી છે. આ શખ્સને પોલીસ ઘટનાથી ઘણે દૂર અન્ય શેરીમાંથી પકડવામાં સફળ રહી હતી.


કઈ રીતે બની ઘટના?

Image copyright Getty Images

અહીં આવેલી યોંગ સ્ટ્રીટ શૉપના માલિક રેઝા હશેમીએ બીબીસીને જણાવ્યું કે તેમણે રસ્તાની બીજી તરફ લોકોની ચીસો સાંભળી હતી.

હશેમીએ જણાવ્યું કે ડ્રાઇવરે પહેલાં વૅન ફુટપાથ પર ચઢાવી હતી. ત્યારબાદ તેણે પદયાત્રીઓ પર ચઢાવી દીધી અને ફરીથી તે વૅનને રસ્તા પર લાવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ઘટના ટોરંટોની યોંગ સ્ટ્રીટ અને ફિંચ ઍવન્યૂમાં સોમવારે સ્થાનીક સમયાનુસાર બપોરે દોઢ વાગ્યે બની હતી.

પોલીસે લોકોને આ ઘટનાસ્થળથી દૂર રહેવાની સલાહ આપી છે અને નજીકની મેટ્રો સેવાઓને સ્થગિત કરી દીધી છે.


ઘટના બાદ શું સ્થિતિ છે?

Image copyright Getty Images

કેનેડાની ટીવી ચેનલ ગ્લોબલ ન્યૂઝને ટોરંટો પોલીસના પ્રવક્તા ગેરી લૉન્ગે કહ્યું, "એવા રિપોર્ટ્સ હતા કે એક સફેદ વૅન દક્ષિણની તરફ યોંગ સ્ટ્રીટ અને ફિંચની તરફ ફુટપાથ પર ચડી ગઈ છે અને આઠથી દસ લોકોને ટક્કર મારી છે."

ઘટનાસ્થળ પરથી આવી રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે હથિયારધારી પોલીસ ત્યાં હાજર છે અને ઘાયલોનો સારવાર કરવામાં આવી રહી છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્રકારોને કહ્યું, "અમે ટોરંટોની સ્થિતિ વિશે વધારે જાણકારી મેળવી રહ્યા છીએ. અમે સ્પષ્ટ રીતે સ્થિતિને વધારે જાણકારી મળ્યા બાદ જ વર્ણવી શકીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ