માતાપિતા સાથે ઝગડા થયા બાદ, શું કર્યું એક બાળકે?

બાલી. Image copyright Getty Images

જો કોઈ 12 વર્ષનું ટાબરિયું મમ્મી-પપ્પાથી રિસાઈ જાય તો શું કરે? એમની સાથે વાત ન કરે, રોવે, પણ એ ઘર છોડીને ભાગીને અને ઘરેથી લગભગ 6000 કિલોમીટર દૂર જતો રહે? આવું જ થયું છે, ઓસ્ટ્રેલિયામાં જે તમને વિચારતા કરી દેશે.

સિડનીમાં રહેતા એક 12 વર્ષના છોકરાનો એના માતાપિતા સાથે કોઈ વાત પર ઝઘડો થયા બાદ એ ઘર છોડી ગયો.

આખરે પોલીસને એ છોકરો નવ દિવસ બાદ, ઓસ્ટ્રેલિયામાંથી નહીં, ઇન્ડોનેશિયાના બાલીમાંથી મળ્યો.

ના એને કોઈ ઊપાડી નહોતું ગયું. પણ ઘર છોડીને જતી વખતે એ તેના માતા-પિતાનું ક્રેડિટ કાર્ડ સાથે લઈ ગયો હતો, જેનાથી એણે બાલીની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી.

ઑસ્ટ્રેલિયાની પોલીસનું કહેવું છે કે તે તપાસ કરશે કે કેવી રીતે આ 12 વર્ષનો બાળક એકલો જ બાલી પહોંચી ગયો.

પરિવારના સ્થાનિક લોકલ મીડિયા નાઇન નેટવર્ક સાથેની વાતચીત અનુસાર, સિડનીમાં રહેનારા આ બાળકે બાલી પહોંચવા માટે ફ્લાઇટની ટિકિટ અને ત્યાં રહેવાની વ્યવસ્થા ઑનલાઇન બુકિંગથી કરાવી દીધી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તેના માતાપિતાએ તેમનો સહપરિવાર બાલી જવાનું આયોજન માંડી વાળ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

આ બાળક સિડનીથી પર્થ થઈને બાલી કુલ 5911 કિલોમીટરની મુસાફરી કરીને પહોંચ્યો હતો. તેણે માત્ર પોતાનો પાસપોર્ટ અને સ્કૂલ આઈ.ડી. કાર્ડ બતાવ્યા હતા.

ઑસ્ટ્રેલિયાના પોલીસ અધિકારીઓએ તેને 17 માર્ચે બાલીમાંથી શોધી કાઢ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની ફેડરલ પોલીસે પુષ્ટિ કરી છે કે તેણે મળી આવ્યાના 9 દિવસ પહેલાં ઘર છોડી દીધું હતું.

જોકે, પોલીસે વાતનો જવાબ આપ્યો ન હતો કે આ બાળક બાલીમાં કેટલા દિવસ માટે રહ્યો હતો.

નાઇન નેટવર્કના અહેવાલ મુજબ તેણે મુસાફરી માટે સિડનીના એરપોર્ટ પર સેલ્ફ ચેક-ઇન ટર્મિનલનો ઉપયોગ કર્યો હતો.

આ બાળકના જણાવ્યા અનુસાર પર્થમાં માત્ર એક વાર ઍરલાઇન અધિકારીઓએ તેની પૂછપરછ કરી હતી.

તેણે કહ્યું, "તેમણે મારો પાસપોર્ટ અને સ્કૂલ આઈ.ડી. કાર્ડ જોવાની માગણી કરી હતી, એ વાતની ખાતરી કરવા માટે કે હું 12 વર્ષથી વધુ મોટો છું અને માધ્યમિક શાળામાં ભણું છું."

"મુસાફરીનો અનુભવ સારો હતો કારણ કે હું એક અનોખો અનુભવ માગતો હતો."

તેના જણાવ્યા અનુસાર તેણે બાલીની હોટેલમાં એમ કહીને ચેક-ઇન કર્યું હતું કે તેઓ તેમના બહેનની રાહ જોઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાની પોલીસે કહ્યું હતું કે 17 માર્ચની રોજ બાલીમાં તેની હાજરી અંગે તેમને માહિતી મળી હતી.

આ બાળકને તેના માતાપિતા પાસે પહોંચવા માટે ઓસ્ટ્રેલિયન પોલીસે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાંરૂપે તેની ‘સંરક્ષક અટકાયત’ કરી હતી.

બાળકના માતાએ પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તેમને આંચકો લાગ્યો હતો. તેમણે કહ્યું, "જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે મારે શું કહેવું એના માટે મારી પાસે કોઈ શબ્દો નહોતા."

પોલીસે જણાવ્યું છે કે તે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને એ વાત નિશ્ચિત કરશે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

પોલીસના પ્રવક્તાએ જણાવ્યું, "આ બાળકની આંતરરાષ્ટ્રીય મુસાફરીને રોકવા માટે કોઈ સૂચના આપવામાં આવી ન હતી."

સ્વિનબર્ન યુનિવર્સિટીના એવિએશન ઑપરેશન્સ નિષ્ણાત ડૉ. ક્રિસ્ટલ ઝાંગે જણાવ્યું હતું કે તમામ એરલાઇન કંપનીઓ પાસે સગીરો માટે પ્રવાસ કરવા માટેનાં કેટલાક નિયમો હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો