મલેરિયાઃ સૌથી જીવલેણ બીમારી, દુનિયાને ફરી ભરડો લેશે?

મચ્છર. Image copyright Getty Images

છેલ્લા દસ વર્ષમાં પહેલી વાર એવું થયું છે કે મલેરિયાના કેસોમાં થતો ઘટાડો અટકી પડ્યો છે. તેના કારણે ઘણીવાર જીવલેણ સાબિત થતી આ બીમારી ફરી માથું ઉંચકે તેવી ચિંતા ઊભી થઈ છે.

લંડનમાં કોમનવેલ્થ દેશોના નેતાઓ એકઠા થયા ત્યારે તેમનું આ બાબત તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. નિષ્ણાતો અને બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશનના સહસંસ્થાપક બિલ ગેટ્સે નેતાઓને રોગને કાબૂમાં લેવા માટે વધુ ફંડની ફાળવણી કરવા વિનંતી કરી હતી.

2016માં દુનિયાની લગભગ અડધોઅડધ વસતિ પર મલેરિયા થવાનું જોખમ હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

91 દેશોમાં મલેરિયાના 21.6 કરોડ કેસો નોંધાયા હતા, જે 2015ના વર્ષ કરતાં 50 લાખ વધારે હતા.

અમેરિકાના કેટલાક ભાગોમાં તથા અગ્નિ એશિયા, વેસ્ટર્ન પેસિફિક અને આફ્રિકામાં મલેરિયાના કેસો વધી રહ્યા છે. દુનિયાના અન્ય ભાગોમાં સ્થિતિ યથાવત છે અથવા થોડી સુધરી રહી છે.


'દવાઓ બેઅસર થઈ રહી છે'

Image copyright Getty Images

બીબીસી રેડિયો ફોર સાથે વાતચીત કરતાં બિલ ગેટ્સે કહ્યું હતું કે મચ્છરો દવાથી ટેવાવા લાગ્યા છે. આમ છતાં મલેરિયાના કેસો અડધા કરવાનું લક્ષ્યાંક રખાયું છે.

"જો આપણે આગળ વધતા અટકી જઈએ તો જંતુનાશકો કામ કરતા અટકી જાય છે. દવાઓ નકામી થવા લાગે છે, કેમ કે જીવાણુ તેનાથી ટેવાવા લાગે છે. તેથી તમારે આ રમતમાં કાંતો આગળ નીકળવું પડે, નહિતો તમે પાછળ રહી જાવ."

જોકે તેમણે કહ્યું કે વધુ ભંડોળ આવી રહ્યું છે, વધારે સારું સર્વેલન્સ થઈ રહ્યું છે અને ઉત્તમ વિજ્ઞાનીઓ રોગનો સામનો કરવા માટે મથામણ કરી રહ્યા છે એટલે હજી પણ આશા છે.

"આફ્રિકામાં મલેરિયાના કારણે લાખો બાળકો માર્યા જાય છે. જો આપણે આ દિશામાં પ્રગતિ નહિ કરીએ તો આફ્રિકાને આપણા પર આશા છે તે ફળીભૂત નહિ થાય," એમ ગેટ્સે કહ્યું હતું.

સમસ્યાનું કારણ એ છે કે મલેરિયા ફેલાવતા મચ્છરો અને તેના પેરેસાઇટ્સ આપણે જે દવાઓનો ઉપયોગ કરીએ છીએ તેનાથી ટેવાતા જાય છે. તેથી નવી દવાઓ સતત શોધતી રહેવી પડે છે.

મલેરિયાની પ્રથમ વેક્સીન મોસ્કિરિક્ઝ તૈયાર થઈ છે. તે આફ્રિકાના પસંદગીના વિસ્તારોમાં બાળકો અને કિશોરોને અપાશે. મલેરિયાના 90 ટકા કેસ આ વિસ્તારોમાં થાય છે અને 91 ટકા મોત પણ અહીં જ થાય છે.

જોકે નવી દવા તૈયાર કરવામાં સમય અને નાણાં બંને જોઈએ છે. વિશ્વમાં મલેરિયાનો સામનો કરવા માટે વપરાતું ફંડ હવે વધી રહ્યું નથી. મલેરિયાના કેસોમાં પચાસ ટકા ઘટાડો કરવાનું લક્ષ્ય રાખવામાં આવે તો માત્ર કોમનવેલ્થ દેશોમાં જ પાંચ વર્ષમાં સાડા છ લાખનો લોકોના જીવ બચાવી શકાશે, એમ જાણકારો કહે છે.


મલેરિયાનો અંત

Image copyright Getty Images

યુકે સરકારે જણાવ્યું છે કે તે આવતા ત્રણ વર્ષ સુધી દર વર્ષે 50 કરોડ પાઉન્ડ મલેરિયાનો સામનો કરવા માટે ફાળવશે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પણ 2023 સુધીમાં મલેરિયાનો સામનો કરવા માટે વધારાના એક બિલિયન ડોલર વાપરશે.

વડાપ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે "આપણું લક્ષ્ય હજી પાર પડ્યું નથી. આજે પણ લાખો લોકો પર જોખમ છે. અર્થતંત્ર પર તેની અસર થઈ રહી છે, કેમ કે દર બે મિનિટે આ રોગના કારણે એકનો ભોગ લેવાય છે. તેથી હું કોમનવેલ્થમાં એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરાવવા માગું છું કે સભ્ય દેશોમાં 2023 સુધીમાં મલેરિયાના કેસોની સંખ્યા અડધી થઈ જાય."

યુકેની મલેરિયા નો મોર નામની સંસ્થાના જેમ્સ વ્હાઇટિંગ કહે છે, "મલેરિયા સામેની ઝુંબેશ અત્યારે ત્રિભેટે આવીને ઊભી છે.

"ઇતિહાસમાં બીજી કોઈ પણ બીમારી કરતાં મલેરિયાએ સૌથી વધુ મનુષ્યોનો ભોગ લીધો છે.

"મલેરિયા એવી બીમારી નથી જે અટકીને ઊભી રહી જાય."


મલેરિયાઃ દુનિયાની સૌથી જીવલેણ બીમારી

Image copyright Getty Images

મલેરિયાના કારણે દર વર્ષે 8,00,000 લોકો મૃત્યુ પામે છે અને દુનિયામાં આરોગ્યની બાબતમાં તેની અસર ટીબી પછી બીજા નંબરે આવે છે.

મચ્છરમાં રહેતા પરોપજીવીને કારણે થતી આ બીમારી 90 દેશોમાં અને દુનિયાની 10 ટકા વસતિને અસર કરે છે. આફ્રિકા, ભારત, બ્રાઝિલ, શ્રીલંકા, વિયેટનામ, કોલંબિયા અને સોલોમન આઇલેન્ડ જેવા દેશોમાં તે મલેરિયા થાય છે. મલેરિયાના ચાર મુખ્ય પ્રકાર છે, જે મચ્છરો દ્વારા ફેલાય છે.

મલેરિયાના 90 ટકા કેસ સબ-સહારન (સહારા રણની દક્ષિણમાં આવેલા) દેશોમાં થાય છે અને બાળકોના મોતનું તે સૌથી મોટું કારણ છે. દુનિયામાં દર 30 સેકન્ડે એક બાળકનું મલેરિયાથી મોત થાય છે. ગર્ભવતિ મહિલાઓને પણ મલેરિયાથી મોટું જોખમ રહેલું છે. જોકે સમયસર નિદાન થઈ જાય તો સારવાર શક્ય છે.

મલેરિયાની બિમારીના કારણે અર્થતંત્રને મોટો ફટકો પડે છે. બહુ મોટા પ્રમાણમાં માનવ કલાકો વેડફાય છે અને ટુરિઝમ તથા ઇન્વેસ્ટમેન્ટ પર સીધી અસર થાય છે.

યુકેમાંથી વિદેશ ગયેલા લોકોમાંથી દર વર્ષે 2,000 લોકોને મલેરિયાની બીમારી લાગે છે.

જોકે મલેરિયા થતા અટકાવી શકાય છે અને તેની સારવાર પણ સહેલાઇથી ઉપલબ્ધ છે.


મલેરિયાના લક્ષણો શું છે?

Image copyright Getty Images

મોટા ભાગના લોકો 10 કે 20 દિવસ સુધીમાં સારવારથી મલેરિયાની બીમારીમાંથી બચી શકે છે. આમ છતાં તેનું નિદાન જેટલું વહેલું થાય તેટલું સારું. તેનું સૌ પ્રથમ લક્ષણ છે માથામાં દુખાવો, સ્નાયુઓમાં દુકાનો અને નબળાઈ. જોકે આ લક્ષણો એવા છે કે થાક લાગ્યો હશે તેમ લાગે કે ફ્લૂ થયાની પણ શંકા થાય.

જોકે તેનું સૌથી જાણીતું લક્ષણ છે ભારે તાવ આવે તે. તાવ આવ્યા પછી થોડા કલાકમાં ઠંડી લાગે છે. દર બે કે ચાર દિવસે વારાફરતી તાવ આવે છે અને ઠંડી લાગે છે.

મચ્છર કરડે અને તેનામાં મલેરિયાના પેરેસાઇટ્સ હોય તો તેના છ દિવસ પછી ગમે ત્યારે બીમારી થઈ શકે છે. કેવા પ્રકારનો મલેરિયા છે તેના આધારે બીમારી થવામાં સમય ઓછો કે વધુ લાગી શકે છે.

બીમારી હળવી હશે કે ભારે તે પણ મલેરિયાના પ્રકારના આધારે નક્કી થાય છે.

કોઈને પણ મલેરિયા થઈ શકે છે. યુવાન અને તંદુરસ્ત વ્યક્તિ પણ ગંભીર પ્રકારના મલેરિયાની બીમારીથી મૃત્યુ પામી શકે છે.

સૌથી ગંભીર પ્રકારના મલેરિયામાં કિડનીને અને મગજને અસર થાય છે. તેના કારણે એનેમિયા થાય છે કે દર્દી કોમામાં જતો રહે છે અને મોત પણ પામે છે.


મલેરિયાને કઈ રીતે અટકાવી શકાય?

Image copyright Getty Images

મલેરિયાને અટકાવવા માટે મોટા પાયે સંશોધનો થયા છે. સૌથી વધુ પ્રયાસો એક સસ્તી વેક્સિન શોધવા માટે થયા છે.

જોકે હજી સુધી એવી વેક્સિન તૈયાર થઈ શકી નથી, જેનો સાર્વજનિક ઉપયોગ કરી શકાય.

મલેરિયાનો વ્યાપ અટકાવવા માટે મચ્છરોને કાબૂમાં રાખવા પડે. મચ્છરો પેદા થતા હોય તેવા પાણીનાં ખાબોચિયાં વગેરે પૂરી દેવા પડે.

મલેરિયાનું વહેલું નિદાન થઈ જાય તો સરળતાથી સારવાર થઈ શકે છે. તેથી મલેરિયાના લક્ષણોને ઝડપથી પારખી લેવામાં આવે તે જરૂરી છે. મલેરિયાની બીમારી ક્યાં ફેલાઈ રહી છે તેનું ટ્રેકિંગ કરીને તેની સારવાર માટે તૈયારીઓ કરી શકાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર જંતુનાશકો લગાવેલી મચ્છરદારી પણ ઉપયોગી થાય છે, જેના કારણે લગભગ 35 ટકા જેટલી બીમારી ઘટાડી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો