પેરુમાં બાળકોની સામૂહિક કબર મળી આવી, 140થી વધુ હાડપિંજર મળ્યાં

કંકાલની તસવીર Image copyright GABRIEL PRIETO/NATIONAL GEOGRAPHIC

આર્કિયૉલૉજિસ્ટને મોટા પાયે બાળકોની સામૂહિક બલિ ચઢાવવામાં આવી હોય તેવી જગ્યા મળી આવી છે.

આ જગ્યાએ તેમને 140થી વધુ હાડપિંજર મળી આવ્યા છે. જેને માનવ ઇતિહાસમાં આ પ્રકારની સૌથી મોટી શોધ માનવામાં આવી રહી છે.

550 વર્ષ પહેલાં પેરુના ઉત્તર દરિયાકાંઠાના પ્રદેશમાં મળી આવેલી સામૂહિક કબરોમાંથી આ હાડપિંજર મળી આવ્યાં છે.

આ સામૂહિક કબર ત્રુજિલ્લો પાસેથી મળી આવી છે. આ સ્થળ પ્રાચિન ચિમુ સંસ્કૃતિના કેન્દ્ર પાસે આવેલું છે.

આ સાથે જ 200થી વધુ ઊંટની કબરો પણ મળી આવી છે. આ તમામને એક જ સમયે મારી નાખવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

આ ઐતિહાસિક પ્રકારની શોધને નૅશનલ જિયોગ્રાફિક સોસાયટી દ્વારા આર્થિક રૂપે ટેકો હતો. નેશનલ જિયોગ્રાફિકની વેબસાઇટ પર તેનો અહેવાલ મુકવામાં આવ્યો હતો.

સંશોધનકર્તા જ્હોન વેરાનોએ જણાવ્યું કે "મને કયારેય આવી શોધની અપેક્ષા ન હતી. કોઈ અન્યને પણ નહીં હોય."

વર્ષ 2011માં પણ આવી કબરો મળી આવી હતી, પણ તેમાં 40 પીડિતો અને 74 ઊંટના કંકાલ મળ્યાં હતાં.

મનુષ્યની સામૂહિક બલિ સંબંધિત એ પ્રથમ શોધ હતી. 3500 વર્ષ જૂના એક મંદિરના ખોદકામ દરમિયાન એ કબરો મળી આવી હતી.

હાલમાં એ સ્થળ હ્યુંચાક્વિટો-લાસ લામાસ તરીકે ઓળખાય છે.


મોટાભાગના બાળકોની ઉંમર આઠથી 12 વર્ષ

Image copyright GABRIEL PRIETO/NATIONAL GEOGRAPHIC

દરમિયાન આ સપ્તાહે જાહેર કરાયેલા ફાઇનલ આંકડા મુજબ 140 બાળકોની ઉંમર 5થી 14 વર્ષ વચ્ચેની છે.

જ્યારે મોટાભાગની ઉંમર 8થી 12 વર્ષની હોવાનું નૅશનલ જિયોગ્રાફિકના રિપોર્ટમાં જણાવાયું છે.

હાડકાં પર 'કાપ'ના નિશાન અને છાતીના મધ્યમાં આવેલા હાડકાં પણ કપાયેલા હોવાથી તેમની સામૂહિક બલિ ચઢાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

કેટલીક પાંસળીઓ પણ તૂટેલી છે જેઓ અર્થ એ કે તેમનું હૃદય કાઢી લેવામાં આવ્યું હતું.

વળી મોટાભાગના બાળકોના હાડપિંજર પરથી લાલ રંગનો પદાર્થ મળી આવ્યો છે. આ પદાર્થ સિંદુરમાંથી બનેલો છે. જે બલિ ચઢાવવામાં વપરાતી સામગ્રીનો સંકેત દર્શાવે છે.


'આવું કેમ કરવામાં આવ્યું હતું?'

આ શોધના અન્ય એક સંશોધનકર્તાએ કહ્યું કે "જ્યારે લોકો આ વિશે વધુ જાણશે ત્યારે તેમનો સૌથી મોટો સવાલ એ થશે કે આવું કેમ કરવામાં આવ્યું હશે?"

જે કબરો મળી આવી છે તે કંઈક માહિતી આપી શકે છે. કેમ કે પીડિતોને જ્યાં દફનાવાયા છે ત્યાં અતિવર્ષા અને પૂરના કારણે માટી જામી ગઈ હોવાની શક્યતા છે.

સૂકા પ્રદેશમાં આવું મોટાભાગે ખૂબ જ તીવ્ર વાતાવરણ એટલે કે અલ-નીનો જેવી ઘટનાને પગલે થતું જોવા મળે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

આ પ્રકારની જ કોઈ ક્લાઇમેટ સંબંધિત ઘટનાએ આ વિસ્તારના દરિયાઈ જીવન અને પેરુની કૃષિ સંબંધિત કેનાલને નુકસાન પહોંચાડ્યું હશે.

બાયો-આર્કિયૉલૉજિસ્ટ હાગેન ક્લોસે નૅશનલ જિયોગ્રાફિકને જણાવ્યું કે અતી મુશ્કેલ વાતાવરણમાં પુખ્ત વયના લોકોની બલિ અસરકાર નહીં માનવામાં આવતી હોય. આથી બાળકોની બલિ ચઢાવવામાં આવી હોઈ શકે છે.

કપડાના કાર્બન ડેટિંગથી એવું જાણવા મળ્યું કે આ ઘટના ઇ.સ. 1400-1450માં ઘટી હશે.

ચિમુ સંસ્કૃતિ ચન્દ્રની દેવીની પૂજા કરતી હતી. કેટલાંક વર્ષો બાદ ઈન્કા સંસ્કૃતિએ તેમના પર આધિપત્ય જમાવી લીધું હતું.

પચાસ વર્ષો બાદ સ્પેનિશ લોકો દક્ષિણ અમેરિકા પહોંચ્યા અને તેમણે ઈન્કા સમુદાય પાસેથી સત્તા છીનવી લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો