ઓછા કપડાંમાં જોવા મળી મહિલા રેસલર, સાઉદી અરેબિયામાં થયો હોબાળો

રેસલિંગ મેચ Image copyright AFP/GETTY IMAGES

સાઉદી અરેબિયાના રમત ગમત મંત્રાલયે રેસલિંગના પ્રસારણ દરમિયાન 'ઓછાં કપડાંવાળી' મહિલા રેસલર દેખાવા પર માફી માગી છે.

જેદ્દાહમાં વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)ના 'ગ્રેટેસ્ટ રૉયલ રંબલ' કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની.

આ કાર્યક્રમમાં કોઈ પણ મહિલા રેસલરને ભાગ લેવા દીધો ન હતો પણ એક પ્રમોશનલ વીડિયોમાં મહિલા રેસલરવાળા ભાગનું પ્રસારણ થઈ ગયું.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પ્રમોશનલ વીડિયો ફાઇટ દરમિયાન એરીનામાં લાગેલી વિશાળ ટીવી સ્ક્રીન પર જોવા મળ્યો હતો. તેના તુરંત બાદ સરકારી ચેનલે પ્રસારણ રોકી દીધું હતું.

સાઉદી અરેબિયાની સ્પોર્ટ્સ ઑથોરિટીએ પ્રસારિત થયેલા આ દૃશ્યને અભદ્ર ગણાવતા ખેદ વ્યક્ત કર્યો છે.


અરબ મામલાના બીબીસી તંત્રી સબેસ્ટિયન અશરનો દૃષ્ટિકોણઃ

સાઉદી અરેબિયામાં રેસલિંગના આ પ્રકારના કાર્યક્રમના આયોજન વિશે એક સમયે વિચારવું પણ મુશ્કેલ હતું.

પરંતુ છેલ્લા એક-બે વર્ષોમાં આ મનોરંજક ગતિવિધિ સાઉદી અરેબિયામાં આવી અને આ વર્ષે પહેલી વખત અહીં તેનું આયોજન થયું.

પરંતુ ઘણી સાઉદી ચેનલો પર લાઇવ પ્રસારિત કરવામાં આવેલા આ કાર્યક્રમે ઘણા સ્થાનિક લોકોની ભાવનાઓને આહત કરી નાખી, જ્યારે સ્ક્રીન પર મહિલા રેસલર્સવાળી પ્રમોશનલ ફિલ્મ બતાવવામાં આવી.

સરકારી ટીવી ચેનલે કવરેજને તુરંત બંધ કરી દીધું હતું પરંતુ તે છતાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોએ કટ્ટરપંથી સાઉદી લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો.


WWEની ટીકા

આ કાર્યક્રમ મામલે WWEએ આ વાત માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો કે તેણે સાઉદી પરંપરા આગળ ઝૂકીને મહિલા પહેલવાનોને આ ઇવેન્ટથી દૂર રાખી હતી.

આ કાર્યક્રમ દરમિયાન રચાયેલી સાઉદી અરેબિયા અને ઈરાનની લડાઈ મામલે પણ મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી.

સાઉદી રેસલર્સે સહેલાઈથી પ્રતિદ્વંદ્વિઓને હરાવી દીધા પરંતુ કેટલાક લોકો એ વાતથી હેરાન હતા કે સ્ટેડિયમની અંદર ઈરાનના ઝંડા ફરકાવવા દેવામાં આવ્યા.

જોકે અન્ય લોકોએ એ પણ માન્યું કે તેની પાછળ સાઉદી અરેબિયા તરફથી ખાડી સામ્રાજ્યની ચાલ હતી.


લોકપ્રિય છે રેસલિંગ

આ કાર્યક્રમ દરમિયાન 60 હજાર બેઠકોની વ્યવસ્થા ધરાવતું કિંગ અબ્દુલ્લા સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ પુરુષો, મહિલાઓ અને બાળકોથી ભરેલું હતું. જોકે, મહિલાઓ ત્યાં ત્યારે જ આવી શકતી હતી જ્યારે તેમની સાથે કોઈ પાર્ટનર હોય.

આ ફાઇટની ફંડિંગ કથિત રૂપે સાઉદી જનરલ સ્પોર્ટ્સ ઑથોરિટીએ કરી હતી, જેમણે WWE સાથે એક કરાર કર્યો છે.

રેસલિંગ મધ્ય પૂર્વમાં ખૂબ લોકપ્રિય છે. WWEની એક અરેબિક વેબસાઇટ પણ છે અને આ સંગઠન આ ક્ષેત્રના અન્ય દેશોમાં પણ મેચનું આયોજન કરે છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
સાઉદી અરેબિયાની મહિલાઓ જૂન-2018થી ડ્રાઇવિંગ કરી શકશે.

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દેશમાં સુધારો લાવવા કામ કરી રહ્યા છે અને હાલ જ તેમણે મહિલાઓને ડ્રાઇવિંગ કરવા અને સેનામાં સામેલ થવાના અધિકાર આપ્યા છે.

પરંતુ કેટલાક લોકોએ WWEની એ વાત માટે ટીકા કરી કે શોમાં મહિલા રેસલર ન રાખી. એ પણ ત્યારે, જ્યારે હાલ જ સંગઠનમાં મહિલા રેસલર્સને ફાઇટમાં વધારે મહત્ત્વ આપવા માટે વખાણ થયા હતા.

પરંતુ સાઉદીમાં આ ઇવેન્ટને ઘણી મહિલા રેસલર ઘરે બેસીને જોઈ રહ્યાં હતાં, જ્યારે તેમના પુરુષ સહયોગી તેમાં ભાગ લઈ રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો