વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસમાંથી ભારતને શું મળ્યું?

નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ Image copyright TWITTER/@NARENDRAMODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો ચીનનો પ્રવાસ પૂર્ણ થયો. આ મુલાકાતમાં, ગયા વર્ષે સરહદે તનાતની સિવાય બીજા ઘણા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી.

મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીનના વુહાન શહેરમાં મળ્યા હતા અને મુલાકાત દરમિયાન તેમણે નૌકા વિહાર પણ કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ તેમની મુલાકાતની વિગતો બન્ને વચ્ચે થયેલી વાતચીતને તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરી હતી.

તેમણે લખ્યું, "રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેના સંવાદનું ફોકસ ભારત-ચીનના સહકારના વિવિધ ક્ષેત્રો પર હતું.”

“અમે અમારા આર્થિક સહકારને ઝડપી બનાવવા વિશે વાત કરી હતી, સાથે સાથે લોકો વચ્ચેના સંબંધો અંગે ચર્ચા થઈ હતી.”

“આ સિવાય કૃષિ, ટેકનોલોજી, ઊર્જા અને પર્યટન જેવા વિષયો પર પણ વાત થઈ."


પોતાની સેનાને સંદેશ આપશે બન્ને દેશ

Image copyright Reuters

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ગંભીર મુદ્દો છે. 1962માં બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થયું હતું.

'હિન્દી-ચીની ભાઈ ભાઈ'ના 'જુમલા' પણ ઘડાયા હતા, પરંતુ હજી પણ અવિશ્વાસ એટલો જ છે.

ગયા વર્ષે જ ભારત-ચીન સીમા પર ભુટાનના ડોકલામમાં બન્ને દેશોની સેના વચ્ચે 73 દિવસો માટે ઘર્ષણ ચાલ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદી અને જિનપિંગની વાતચીતમાં, સીમા વિવાદનો મુદ્દો સામે આવ્યો. બન્ને દેશોના નેતાઓએ પોતાની સેનાને વ્યૂહાત્મક માર્ગદર્શન આપવાનો નિર્ણય કર્યો છે.

જેથી 2017માં ડોકલામમાં પેદા થયેલી સ્થિતિ ફરીવાર ઊભી ન થાય.


Image copyright AFP

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ વિદેશ સચિવ વિજય ગોખલેને ટાંકીને જણાવ્યું હતું કે બન્ને નેતાઓએ માન્યું છે કે કે ભારત-ચીન સરહદ પર શાંતિ જાળવી રાખવી એ મહત્ત્વપૂર્ણ છે.

બન્નેએ નિર્ણય કર્યો કે તેઓ તેમના સંબંધિત લશ્કરને વ્યૂહાત્મક રીતે સૂચનાઓ આપશે, જેથી સંવાદ પુનઃસ્થાપિત કરવાની દિશામાં તેમની વચ્ચે ભરોસો અને તાલમેળ વધારી શકાય.

આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત હર્ષ પંત, કહે છે, "ભારત અને ચીન વચ્ચે સંવાદ જરૂરી છે. વિદેશ નીતિની વ્યૂહાત્મક સમીક્ષા અને બન્ને દેશો વચ્ચેના સંબંધો આગળ વધી રહ્યા છે.”

“જરૂરી છે કે બન્ને દેશો પોતાની વાત રજૂ કરે અને એવા વાતાવરણમાં જ્યાં પરિણામ લાવી દેવાનું પ્રેશર ન હોય."

"આ અનૌપચારિક વાતચીતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ શી જિનપિંગ એમ સૂચવતા હતા કે બન્ને દેશોના ટોચના નેતાઓ આ સંબંધને આગળ વધારવા માંગે છે.”

“ડોકલામ વિવાદ પછી પણ આ સંબંધ આગળ લઈ જઈ શકાય છે. આ સંકેત મહત્ત્વપૂર્ણ છે."

સિનિયર પત્રકાર અતુલ અનેજા કહે છે, "બન્ને નેતાઓએ નક્કી કર્યું છે કે સીમા વિવાદ ઉકેલવામાં ત્વરિત પગલાં લેવાશે."


ભારત-ચીન સંયુક્ત આર્થિક પરિયોજના પર સહમતિ

Image copyright Reuters

વ્યૂહરચનાની દૃષ્ટિએ, બે દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયા હોવાના સંકેત મળ્યા છે.

અફઘાનિસ્તાનમાં સંયુક્ત પ્રોજેક્ટમાં બન્ને દેશો વચ્ચે એક પ્રોજેક્ટ બાબતે સહમતિ થઈ છે.

વ્યૂહરચનાના સંદર્ભમાં આ સંયુક્ત આર્થિક યોજના ખૂબ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ પગલાથી બીજિંગનું જૂનુ સાથી અને ભારતનું ઘોર વિરોધી પાકિસ્તાન હેરાન શઈ શકે છે.

પરંતુ હર્ષ પંત કહે છે, "જો ચીન કોઈ પણ પ્રોજેક્ટ પર આગળ જવા માંગતું હોય તો, પાકિસ્તાન એમાં અડચણ ઊભી કરે એવી તેની પરિસ્થિતિ છે નહીં. જો કે ચીન અને પાકિસ્તાન વચ્ચેના જૂના ઐતિહાસિક સંબંધોને ધ્યાનમાં રાખીએ, તો ઉતાવળમાં કોઈ પણ પરિણામ જોવા ન મળી શકે."


ચીને પાકિસ્તાન પર દબાણ બનાવ્યું

Image copyright EPA

તેમ છતાં તેઓ કહે છે કે આ સંકેત ચીન માટે પણ જરૂરી હતો.

તેઓ આગળ કહે છે, "અફઘાનિસ્તાનમાં સંયુક્ત આર્થિક પ્રોજેક્ટ પર સહમતીથી, ચીનએ પાકિસ્તાન પર દબાણ બનાવવાનું કામ કર્યું છે. એણે પાકિસ્તાનને સંકેત આપ્યા છે કે પાકિસ્તાન સુધરશે નહીં તો ચીન પાસે વધુ વિકલ્પો છે. જો ચીન તેની આ રણનીતિ મુજબ ભારત સાથે આગળ વધશે તો તે ભારત માટે સારું રહેશે."

અતુલ અનેજા કહે છે, "એવું માનવામાં આવતું હતું કે ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘનિષ્ઠ છે અને ભારતનો ઝૂકાવ યુનાઇટેડ સ્ટેટ્સ તરફ વધારે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં સંયુક્ત આર્થિક પ્રોજેક્ટ અંગે સહમતિ થયા બાદ યુ.એસ.ના રાજકીય ભૌગોલિક સ્થાન અને અભિગમ પર તેની અસર થશે."


શું થશે બીજી પરિયોજના પર અસર?

Image copyright AFP/Getty Images

અત્યારે, જ્યારે ભારત અને ચીન અફઘાનિસ્તાનમાં સંયુક્ત આર્થિક પ્રોજેક્ટ પર કામ કરવા અંગે વાત કરી રહ્યાં છે, ત્યારે ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર તેની કેવી અસર પડશે?

શું ચીન-પાકિસ્તાન આર્થિક યોજના અને ‘વન બેલ્ટ વન રોડ’ પ્રોજેક્ટ પર તેની કોઈ અસર પડશે?

હર્ષ પંત કહે છે, "ચીને તેના આર્થિક પ્રોજેક્ટ પાકિસ્તાન સાથે અને ‘વન બેલ્ટ વન રોડ’ પ્રોજેક્ટ પર કશું જ કહ્યું નથી.”

“પરંતુ જો ચીન પાકિસ્તાન સાથે તેના સંતુલનના સંદર્ભમાં અફઘાનિસ્તાનમાં એક સંયુક્ત પ્રોજેક્ટ વિશે વાત કરે છે તો ભારત તેનું સ્વાગત કરે છે."

અતુલ અનેજા કહે છે, "જો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં સુધારો ન થાય તો ચીનની વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટમાં વિક્ષેપ આવી શકે છે.”

“બન્ને દેશો એક નવી દિશામાં આગળ વધી રહ્યા છે કારણ કે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક ભારત, ચીન અને પાકિસ્તાનમાં યોજાશે અને રશિયા પણ તેનો ભાગ બનશે.”

”ચીનના હિતમાં છે કે ભારત-પાકિસ્તાનને આર્થિક બાબતોમાં સહકાર આપે. સંભવ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ વાતચીત શરૂ થાય."


ભારત-ચીનના સંબંધો અને અમેરિકા

Image copyright Reuters

થોડા સમય પહેલા ચીન અને ભારત વચ્ચેના સંઘર્ષની સ્થિતિ હતી. પરંતુ હવે અચાનક તેમાં ઉષ્મા જોવા મળી રહી છે.

તો સવાલ એ થાય તે એવું તો અચાનક શું થયું કે ચીન ભારત સાથે સંબંધો સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.

હર્ષ પંત કહે છે, "અમેરિકાની ટ્રમ્પ સરકારે આર્થિક દર વધારીને ચીન પર દબાણ લાવ્યું છે, એ પછી ચીન પાસે ભારત સાથે સંબંધો સુધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી."

તેઓ કહે છે, "ભારતની નીતિ વન બેલ્ટ વન રોડ, વેપાર અસમાનતા અને સીમા વિવાદ પર એકદમ સ્પષ્ટ છે. ભારત સાથેના સંબંધો સુધારવામાં ચીનનું હિત છે."


Image copyright AFP/Getty Images

હર્ષ પંત કહે છે, "આ પ્રકારની અનૌપચારિક બેઠક ચીન તમામ દેશો સાથે નથી કરતું. અગાઉ, તેણે ઓબામા અને ટ્રમ્પ સાથે વાત કરી હતી અને હવે મોદી સાથે. તેથી ક્યાંક, તેઓ એવું સૂચન કરે છે કે તેઓ ભારતના નેતૃત્વને ગંભીરતાથી લે છે અને ભારતના વધતા પ્રભાવને સ્વીકારે છે. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો