કોણ છે એ શખ્સ જેને ભારત 'અંકલ હો'ના નામે જાણતું હતું

વિયેતનામના રાષ્ટ્રપિતા હો ચી મિન્હ
ફોટો લાઈન આધુનિક વિયેતનામના રાષ્ટ્રપિતા હો ચી મિન્હ આઝાદ વિયેતનામના પ્રથમ પ્રમુખ પણ બન્યા હતા.

વિયેતનામમાં એક ચહેરો બહુ જાણીતો થયો છે. ઠેર ઠેર તે તમને દેખાઈ આવશે. ક્યાંક પોસ્ટરમાં, ક્યાંક બગીચામાં પ્રતીમા તરીકે, ચોકમાં અને સરકારી ઇમારતોમાં તમને તેના દર્શન થતાં રહેશે.

એ ચહેરો એટલે વિયેતનામના રાષ્ટ્રપિતા હો ચી મિન્હ. પ્રવાસી તરીકે તમે વિયેતનામ જાવ તો હો ચી મિન્હ વિશે જાણ્યા વિના નહીં ચાલે.

રાજધાની હેનોઈમાં તેમનું સંગ્રહાલય પણ બન્યું છે. તેમની સમાધી પણ બનાવાઈ છે અને પ્રમુખ બન્યા બાદ તેઓ જ્યાં રહ્યા હતા તે મકાનોને સ્મારક તરીકે જાળવી રખાયા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમના અવસાન બાદ, તેમને શ્રદ્ધાંજલિ તરીકે દેશના સૌથી મોટા શહેર સેગાઓનું નામ જ બદલીને હો ચી મિન્હ સિટી કરી દેવાયું.

હો ચી મિન્હની સમાધી પર રોજ હજારો લોકો શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવે છે.


ફોટો લાઈન રાજધાની હેનોઈમાં તેમનું સંગ્રહાલય પણ બન્યું છે.

સ્થાનિક લોકો તેમની પ્રસંશા કરતા થાકતા નથી. હો ચી મિન્હ સિટિના સેગાવ સેન્ટરમાં તેમની એક ભવ્ય પ્રતિમા મુકાઈ છે, જેમાં પોતાનો હાથ ઊંચો કરેલી મુદ્રામાં તેઓ દેખાય છે.

તેની નીચે એવી જ મુદ્રામાં કેટલીક યુવતીઓ પોતાની તસવીરો ખેંચી રહી હતી.

તેમાંની એક યુવતીએ જોરથી બૂમ મારીને કહ્યું કે તે હો ચી મિન્હને ખૂબ જ પસંદ કરે છે.

સ્કૂટર પર આરામની અદામાં બેઠેલા એક મજૂરે કહ્યું, "હો ચી મિન્હ વિયેતનામના સૌથી મહાન નેતા છે. તેમણે અમને સ્વતંત્રતા અપાવી અને આજે અમે આઝાદ અને આનંદમય છીએ તે તેમના કારણે."

ભારતમાં મહાત્મા ગાંધીજીનો છે એટલો જ મહિમા વિયેતનામમાં હો ચી મિન્હનો છે.


ફોટો લાઈન તેમના અવસાન બાદ, તેમને શ્રદ્ધાંજલિ તરીકે દેશના સૌથી મોટા શહેર સેગાઓનું નામ જ બદલીને હો ચી મિન્હ સિટિ કરી દેવાયું.

આધુનિક વિયેતનામના રાષ્ટ્રપિતા હો ચી મિન્હ આઝાદ વિયેતનામના પ્રથમ પ્રમુખ પણ બન્યા હતા.

તેઓ એક ઉત્તમ સેનાપતિ પણ હતા અને તેમની આગેવાનીમાં વિશ્વની ત્રણ સત્તાઓને હરાવી દેવામાં આવી હતી.

ફ્રાન્સ, જાપાન અને અમેરિકાને તેમણે ઝૂકાવ્યા હતા.

તેઓ ડાબેરી વિચારધારાના હતા. યુદ્ધના મેદાનમાં તેઓ જેટલા આક્રમક હતા, તેની બહાર તેઓ એટલા જ સૌમ્ય હતા.

ફ્રાન્સના કબજામાંથી દેશને આઝાદી અપાવવા માટે તેમણે વર્ષો સુધી લડત ચલાવી હતી.

Image copyright HCM MUSEUM
ફોટો લાઈન 1958માં તેઓ ભારતના પ્રવાસે ગયા ત્યારે નહેરુએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું.

જવાહરલાલ નહેરુ અને હો ચી મિન્હ વચ્ચે સારી દોસ્તી હતી. 1958માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે નહેરુએ તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું.

હો ચી મિન્હ મ્યુઝિયમના ડાયરેક્ટર ન્યૂયેન વેન કોંગ (Nguyen Van Cong) કહે છે કે, "વડાપ્રધાન નહેરુ અને હો ચી મિન્હ ઘનિષ્ઠ મિત્રો હતા."

"1958માં તેઓ ભારતના પ્રવાસે ગયા ત્યારે નહેરુએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું."

"ભારતીય બાળકોએ તેમને 'અંકલ હો' કહીને બોલાવ્યા હતા. ભારતમાં લોકોએ તેમને ખૂબ પ્રેમ આપ્યો હતો."

ભારતની નવી પેઢીને આજે હો ચી મિન્હ વિશે બહુ જાણકારી નથી, પણ નહેરુના સમયમાં ભારતમાં તેમને 'અંકલ હો' તરીકે વધુ ઓળખવામાં આવતા હતા.

દિલ્હી અને કોલકાતામાં માર્ગોને તેમનું નામ આપવામાં આવ્યું છે.

1969માં હો ચી મિન્હનું 79 વર્ષે અવસાન થયું હતું. પ્રમુખ બન્યા પછી પણ તેમણે મહેલમાં રહેવાના બદલે મહેલના કર્મચારી રહેતા હોય તેવા બે રૂમના નાના મકાનમાં રહેવાનું પસંદ કર્યું હતું.

ફોટો લાઈન હો ચી મિન્હ મ્યુઝિયમના ડાયરેક્ટર ન્યૂયેન વેન કોંગ

સંગ્રહાલયમાં પર્યટકોની મદદ માટે રહેલી એક મહિલા સ્વંયસેવિકા તે ઘર બતાવીને કહે છે, "અમારી પાછળ જે મકાન છે ત્યાં તેઓ પ્રમુખ બન્યા પછી 4 વર્ષ રહ્યા હતા. ત્યાં બીજું ઘર છે ત્યાં તેઓ 11 વર્ષ રહ્યા હતા."

1890માં એક સામાન્ય પરિવારમાં તેઓ જન્મ થયો હતો. તે વખતે વિયેતનામ ફ્રાન્સના કબજામાં હતું.

આઝાદી માટેનું આંદોલન દેશમાં ઊભું કરી શકાય તે માટે તેઓ ભણવાનું છોડીને વિદેશ જતા રહ્યા હતા.

1911માં તેમણે દેશ છોડ્યો ત્યારે તેઓ એક સામાન્ય વકીલ હતા, પણ 1941માં તેઓ દેશ પરત ફર્યા ત્યારે એક મહાન નેતા બની ચૂક્યા હતા.

ત્રીસ વર્ષો સુધી તેઓ ફ્રાન્સ, રશિયા અને ચીનમાં ફરતા રહ્યા હતા અને તેમના નેતાઓને પોતાના દેશમાં શું હાલત છે તેની જાણકારી આપતા રહ્યા હતા.

Image copyright Getty Images

વિયેતનામની આઝાદી માટે તેમનો સાથ પણ માગતા રહ્યા હતા.

જોકે, આવા મહાન નેતાનું અવસાન 1969માં થયું ત્યારે વિયેતનામના ભાગલા કરાયા હતા.

ફ્રાન્સે દેશ છોડતા પહેલાં વિયેતનામને ઉત્તર અને દક્ષિણ એમ બે ટુકડામાં વહેંચી નાખ્યું હતું.

હો ચી મિન્હનાં અવસાન બાદ છ વર્ષે દેશને એક કરવાનું તેમનું સપનું સાકાર થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ