વિશ્વના ત્રીજા સૌથી ધનવાન ભારતમાં રોકાણ કેમ નથી કરતા?

  • વૉરન બફેટની હોલ્ડિંગ કંપની બર્કશાયર હેથવે પાસે 116 અરબ ડૉલરની કૅશ છે.
  • ભારતની સૌથી મોટી માર્કેટ કૅપિટલાઈઝેશન ધરાવતી કંપની ટીસીએસને ખરીદવા માટે આ કૅશ પૂરતી છે.
  • બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ 5 ટકા કંપનીઓને ખરીદી લેવાની તેનામાં ક્ષમતા છે.
  • બર્કશાયર હેથવે કંપનીનું માર્કેટ કૅપિટલાઈઝેશન, થાઇલેન્ડ, ઈરાન, ઑસ્ટ્રિયા, નૉર્વે જેવા દેશોની જીડીપી કરતાં પણ વધારે છે.
વૉરન બફેટ Image copyright Reuters
ફોટો લાઈન વૉરન બફેટ

શેરમાંથી નફો કેવી રીતે મેળવી શકાય? આનો સાચો અને સચોટ ફૉર્મ્યુલા કોઈની પાસે હોય તો એ છે વૉરન બફેટ.

જીહા, વિશ્વના સૌથી ધનાઢ્ય રોકાણકાર છે વૉરન બફેટ પાસેથી શેર બજારની ટીપ લેવા માટે આપણા ગુજરાતી રોકાણકારો કંઈ પણ કરે.

તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે બફેટની હોલ્ડિંગ કંપની, બર્કશાયર હેથવે પાસે 116 અબજ ડોલર એટલે કે 7.65 લાખ કરોડ રૂપિયા રોકડા છે.

એટલે કે, આ રકમ ભારતીય બૅન્કોના 9 લાખ કરોડના દેવા (એનપીએ - નોન પર્ફોર્મિંગ એસેટ) કરતાં થોડી જ ઓછી છે.

આશ્ચર્યની વાત એ છે કે ફોર્બ્સ મેગેઝિન મુજબ અબજોપતિઓની તાજેતરની યાદીમાં 87 અબજ ડૉલરની વ્યક્તિગત સંપત્તિ સાથે વિશ્વના ત્રીજા નંબરના સૌથી પૈસાદારનું સ્થાન પામેલા વૉરન બફેટ ભારતમાં ક્યારેય રોકાણ નથી કર્યું.

એમની પાસે ખરબો રૂપિયાના શેર્સ છે. બફેટની હોલ્ડિંગ કંપની પાસે એટલી કૅશ છે કે તે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ખરીદી શકે છે.

ભારતની સૌથી મોટી માર્કેટ કૅપિટલાઇઝ્ડ કંપની ટીસીએસ, તાજેતરમાં 100 અબજ ડોલર ઉપર પહોંચી ગઈ છે. આ ક્લબમાં જોડાનારી તે એકમાત્ર ભારતીય કંપની છે.

બર્કશાયર હેથવેના 31 ડિસેમ્બર, 2017ના રોજ જાહેર થયેલા પોર્ટફોલિયો અનુસાર,

અમેરિકન એરલાઇન્સમાં તેનો લગભગ 10 ટકા હિસ્સો છે, એપલમાં તેમનો હિસ્સો પાંચ ટકા, અમેરિકન એક્સપ્રેસમાં 17 ટકાથી વધારે અને એક્સાલ્ટા કોટિંગ સિસ્ટમમાં 9 ટકાની હિસ્સેદારી છે.


ભારતમાં રોકાણ ન કરવાનું કારણ

Image copyright AFP

પરંતુ પ્રશ્ન એ છે કે વિશ્વભરમાં રોકાણ કરનારા વૉરન બફેટ ભારત અને ચીન જેવી વિકાસશીલ અર્થ વ્યવસ્થામાં રોકાણ કેમ નથી કરતા?

એ પણ ત્યારે જ્યારે આઈએમએફ અને વિશ્વ બૅન્ક જેવી નામાંકિત સંસ્થાઓ ભારત અને ચીનને સૌથી ઝડપી વિકસી રહેલાં અર્થતંત્રો માની રહી છે.

આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં, જાણીએ વૉરન બફેટ શેરબજારના અસાધારણ સમ્રાટ કેવી રીતે બન્યા?


કોણ છે વૉરન બફેટ

Image copyright AFP

વૉરન બફેટનો જન્મ, 30 ઓગસ્ટ, 1930માં ઓમાહાના નેબ્રાસ્કા કસબામાં થયો હતો. ઓમાહાના હોવાના કારણે તેમને ઑરેકલ ઑફ ઓમાહા પણ કહેવામાં આવે છે.

તેમણે ઍપલમાં રોકાણ કર્યું છે, પરંતુ તેમની પાસે આઇફોન નથી. આઇફોન તો શું તેમની પાસે કોઈ સ્માર્ટફોન નથી અને તેઓ હજુ પણ જૂના ફ્લિપ ફોનનો ઉપયોગ કરે છે.

વર્ષ 2013માં એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં, તેમણે કહ્યું હતું કે, "હું કંઈ વસ્તુ ત્યાં સુધી નથી ફેંકતો જ્યાં સુધી તેને 20-25 વર્ષ સુધી મારી પાસે ન રાખું."

પછી પોતાના ફોન સામે જોઈને તેમણે કહ્યું, "આ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે મને આપ્યો હતો."

87 વર્ષના બફેટે 11 વર્ષની પહેલો શેર ખરીદ્યો હતો. એના બે વર્ષ પછી તેમણે પ્રથમ વખત ટેક્સ પણ ભરી દીધો હતો.


ખાનગી જેટ હોવા છતાં જૂની કારમાં જ સફર

Image copyright AFP

આજે આખું વિશ્વ તેમની વેપાર બુદ્ધી અને રોકાણ કરવાની વ્યૂહરચનાને સલામ કરે છે, પરંતુ પ્રખ્યાત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે તેમને એડમીશન આપવાનો ઇન્કાર કર્યો હતો.

એ પછી બફેટે કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી.

બિઝનેસ મૅગેઝિન ફોર્બ્સના જણાવ્યા મુજબ, બફેટે નેબ્રાસ્કામાં 1958માં ત્રણ બેડરૂમનું ઘર 31 હજાર 500 ડૉલરમાં ખરીદ્યું હતું અને આજે પણ તેઓ ત્યાં જ રહે છે.

વર્ષ 2014 સુધી, બફેટ તેમની આઠ વર્ષ જૂની કારથી જ સફર કરતા હતા. પછી જનરલ મોટર્સના સીઇઓએ તેમને નવી અપગ્રેડેડ કાર ખરીદવા માટે સમજાવ્યા.

જોકે, બફેટ પાસે તેમનું ખાનગી જેટ છે, જેનો ઉપયોગ તેઓ બિઝનેસ મીટિંગ માટે જ કરે છે. બફેટે જીવનભર ઘણા પૈસા કમાયા પરંતુ તેમને આ અખૂટ સંપત્તિનો મોહ નથી.

તેમણે તેમની 99% સંપત્તિ દાન કરી દીધી છે. આ માટે, તેમણે તેમના નામનું કોઈ ટ્રસ્ટ નથી બનાવ્યું. પરંતુ તેમણે બિલ ઍન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને દાન કર્યું છે.


વિકાસશીલ અર્થ વ્યવસ્થામાં રોકાણ ન કરવાનું કારણ

Image copyright AFP

મૂળ પ્રશ્ન પર પાછા ફરીએ, શા માટે વૉરન બફેટ ભારત અને ચીનમાં રોકાણ નથી કરતા?

બજારના વિશ્લેષકોનું કહેવું છે કે બફેટની વ્યૂહરચના મુજબ તેઓ હંમેશા જોખમી રોકાણોને ટાળે છે. તેઓ લાંબા સમય માટેનું રોકાણ કરે છે.

આર્થિક બાબતોના નિષ્ણાત વિવેક મિત્તલે જણાવ્યું કે એવું નથી કે બફેટ ભારત જેવા બજારોમાં રોકાણ નથી કરવા માંગતા.

તેમની હોલ્ડિંગ કંપની બર્કશાયર હેથવેએ 2010-11માં ભારતના વીમા બજારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતે પણ વીમા ક્ષેત્રે વિદેશી સીધા રોકાણના દરવાજા ખોલ્યા હતા, પરંતુ બે વર્ષ સુધી પ્રયત્નો કર્યા પછી હેથવેએ તેના હાથ ઊંચા કરી દીધા હતા.

અર્થશાસ્ત્રી સુનિલ સિંહા કહે છે કે ભારત અને ચીન જેવા અર્થતંત્રોની વૃદ્ધિ ખૂબ ઝડપી હોઈ શકે છે, પરંતુ નીતિઓ અને વહીવટી માળખાના સંદર્ભમાં હજુ પણ ઘણી સમસ્યાઓ છે.

અહીં બધું રાજકીય સંજોગો પર આધાર રાખે છે. જ્યારે કોઈ સરકાર નીતિ બનાવી રહી છે, ત્યારે બીજી પાર્ટી તેને ચૂંટણીમાં એકમાત્ર મુદ્દો બનાવીને નકારી કાઢે છે.

એવામાં બફેટ જેવા મોટા રોકાણકારોનો વિશ્વાસ જીતવો મુશ્કેલ છે.


Image copyright AFP

એક બ્રોકરેજ કંપનીમાં સંશોધન વિભાગના વડા તરીકે કામ કરી રહેલા આસિફ ઇકબાલ જણાવે છે કે વૉરન બફેટની વ્યૂહરચના તદ્દન અલગ છે.

તેઓ વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં રોકાણ કરે છે. ઈકબાલ કહે છે, "એવું નથી કે ભારત અને ચીન જેવી આર્થિક મહાસત્તાની શક્તિથી તેઓ અજાણ છે."

"પરંતુ તેઓ સીધા ચીની અથવા ભારતીય કંપનીઓમાં રોકાણ ન કરીને વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં રોકાણ કરે છે."

"દાખલા તરીકે બફેટ તેલ-ગેસ ફિલ્ડની કંપની 'એક્સોન'માં રોકાણ કરે છે જે વિશ્વની સૌથી મોટી તેલ-ગેસ કંપની છે."

સુનિલ સિંહા કહે છે, "બીજુ જોખમ છે વિનિમય દરનું. જે દેશના અર્થતંત્ર અને રાજકીય વ્યવસ્થા પર આધારિત છે."

"કંપનીઓનું કોર્પોરેટ શાસન અને પારદર્શિતા પણ એક પાસું છે."

ભારતીય અને ચીની કંપનીઓનું કૉર્પોરેટ શાસન તે સ્તરનું નથી. કિંગફિશર, જેપી ગૃપને જ લઈ લો. બૅન્કોમાંથી હજારો કરોડ રૂપિયા ઉછીના લીધા અને તે ડૂબી ગયા."

સુનિલ સિંહા કહે છે કે નિયમન પણ એક મોટું કારણ હોઈ શકે છે, જે તમામને ભારત અને ચીનથી દૂર રાખી રહ્યાં છે.

"અમેરિકા જેવા દેશમાં કાયદાને લઈને નબળો અભિગમ નથી હોતો. એ પછી પર્યાવરણીય મંજૂરી હોય કે બીજી રેગ્યુલેટરી મંજૂરીઓ. ભારતમાં આ બધામાં પારદર્શિતાનો અભાવ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ