'દુષ્ટ પ્રવૃતિ' બદલ ઈરાન પર નવા પ્રતિબંધો મૂકીને અમેરિકાએ દબાણ વધાર્યું

ટ્રમ્પ અને રુહાનીની તસવીર Image copyright EPA

અમેરિકાએ ઈરાનની છ વ્યક્તિ અને ત્રણ કંપની પર ઈરાનની શક્તિશાળી રેવલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRCG) સાથે કથિત સાઠગાંઠ હોવાનું કારણ આપીને પ્રતિબંધો મૂક્યા છે.

અમેરિકાના ટ્રેઝરી મંત્રી સ્ટીવન નુચિને જણાવ્યું હતું કે આ વ્યક્તિઓ કંપનીઓએ IRCGને તેમની 'દુષ્ટ પ્રવૃત્તિ' માટે કરોડો ડોલર્સ આપ્યા હતા, એટલા માટે તેમના પર આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

ઈરાનની મુખ્ય બૅન્ક પર પણ IRCGને અમેરિકન ડોલર્સ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ટ્રેઝરી વિભાગે કોઈ પણ વ્યક્તિઓના નામ જાહેર નથી કર્યા, પરંતુ એમ જણાવ્યું છે કે એ તમામ ઈરાનિયન છે.

આ પગલું સંયુક્ત આરબ અમિરાત (UAE) સાથે મળીને લેવામાં આવ્યું છે, જેમાં અમેરિકાની કોઈપણ વ્યક્તિ કે કંપનીઓને આ છ ઈરાનિયન અને એ ત્રણ કંપનીઓ સાથે કોઈપણ પ્રકારનો વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Image copyright AFP
ફોટો લાઈન ટ્રેઝરી મંત્રી સ્ટીવન નુચિને જણાવ્યું છે કે અમેરિકા ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની આવકના તમામ સ્રોતો કાપની નાખવાનો ઇરાદો ધરાવે છે

નુચિને એક નિવેદનમાં જણાવ્યું, "ઈરાનિય શાસન અને તેની સેન્ટ્રલ બૅન્કે UAE સ્થિત એકમોનો અમેરિકન ડોલર્સ મેળવીને તેને IRCGની દુષ્ટ પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગ કર્યો છે."

તેમણે વધુમાં કહ્યું, "અમે IRCGની આવક કાપી નાખવા ઇચ્છીએ છીએ પછી ભલે તેનો સ્રોત કોઈપણ હોય અને તેનો ઉપયોગ જે પણ હેતુ માટે થવાનો હોય."

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામાના કાર્યકાળ દરમિયાન ઈરાન સાથે થયેલા પરમાણુ સોદાને બેકાર ગણાવી અમેરિકાને સંધિમાંથી અલગ કરી નાખ્યું છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે વર્ષ 2015માં ઈરાન સાથે કરાર કર્યા પછી આર્થિક પ્રતિબંધોમાં જે છૂટછાટો આપવામાં આવી હતી તેને પાછી ખેંચી લેવામાં આવશે.

Image copyright AFP
ફોટો લાઈન ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની તહેરાનમાં એક પરેડ સમયે

ટ્રમ્પનું આ પગલું તેમના યુરોપિયન સાથીઓ અને કેટલાક લશ્કરી સલાહકારોના સૂચનની વિરુદ્ધનું છે.

અમેરિકાએ કહ્યું છે કે ઈરાન પર કોઈ તાત્કાલિક આર્થિક પ્રતિબંધો નહીં આવે, પરંતુ તેના માટે 90 દિવસથી વધુ રાહ જોવાશે.

તમે આ વાંચ્યું કે નહીં?

અમેરિકાએ જણાવ્યું છે કે તે એ જ ઉદ્યોગો પર પ્રતિબંધિત લગાવશે, જેના અંગે 2015ની સંધિમાં ચર્ચા કરવામાં આવી હતી.

તેમાં ઈરાનના ઓઇલ સેક્ટર, એરક્રાફ્ટની નિકાસ, કિંમતી ધાતુઓનો વેપાર અને ઈરાનની સરકાર દ્વારા અમેરિકન ડોલર ખરીદવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.

હવે સવાલ એ છે કે આ ડીલ રદ થઈ જતાં તેની શું અસર થશે અને રાષ્ટ્રપતિ પાસે શું વિકલ્પો છે તે સવાલ મહત્ત્વનો છે.


જૂના પ્રતિબંધો પર અમલ

Image copyright Alamy

અમેરિકન રાષ્ટ્રપતિ ઈરાન પર ફરીથી આર્થિક પ્રતિબંધ લાદી શકે છે.

આમાં ઈરાને કેન્દ્રીય બૅન્ક સાથે લેવડ-દેવડ બંધ કરવાની રહેશે, આનો હેતુ દુનિયાભરની તેલ કંપનીઓ પર ઈરાન પાસેથી પેટ્રોલ,ડીઝલ ન ખરીદવાનું દબાણ બનાવવાનું રહેશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરી એક વાર ઈરાન પર એજ પ્રતિબંધ લગાવી શકે છે, જે પરમાણુ કરાર પહેલાં લગાવવામાં આવ્યા હતા.

આમ પણ ટ્રમ્પે ઘણા વખત છેડેચોક એ વાતની જાહેરાત કરી છે કે તેઓ ઈરાન સાથે થયેલા પરમાણુ કરારને બિલકુલ પણ યોગ્ય નથી માનતા.

ખાસ કરીને ટ્રમ્પ 'સનસેટ ક્લૉજ'થી નારાજ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમનો થોડોક ભાગ વર્ષ 2025 પછી શરૂ કરી શકે છે.


અમેરિકા પ્રત્યે શું હશે લાગણી?

Image copyright Getty Images

નિષ્ણાતોનું માનવું છે કે કરાર તૂટતા ઈરાનમાં અમરિકા પ્રત્યે નફરતની લાગણી ઘણી વધશે.

ઈરાન પહેલાં જ ધમકી આપી ચૂક્યું છે કે જો અમેરિકાએ કરારમાંથી પીછેહઠ કરી અને ફરીથી એના પર પ્રતિબંધ લાદ્યા તો, તે પરમાણુ કાર્યવાહી વધારી દેશે અને મિસાઈલ પરીક્ષણ પણ નહીં રોકે.

રુહાની જણાવી ચૂક્યા છે,"અમે અમેરિકાનાં નિર્ણયથી બિલકુલ ગભરાતા નથી, અમે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છીએ અને એનાથી એમના જીવન પર કોઈ અસર નહીં પડે.''


ઉત્તર કોરિયા

Image copyright Getty Images

કેટલાક નિષ્ણાતોનું એ પણ માનવું છે કે ટ્રમ્પ ઈરાન પ્રત્યે એટલા માટે પણ આકરું વલણ અપનાવી રહ્યા છે કે જેથી તે ઉત્તર કોરિયા પર પોતોની મનમરજીની શરતો મુજબ વાતચીત માટે દબાણ લાવી શકે.

પણ સવાલ એ પણ છે કે જો ટ્રમ્પ ઈરાન સાથેનો કરાર તોડે છે તો ઉત્તર કોરિયા શા માટે વાતચીતની મેજ પર આવે? અને શા માટે કોઈ કરાર પર સહી કરે?

બીબીસી મૉનિટરિંગ અનુસાર દુનિયાભરમાં ટ્રમ્પના ટ્વીટની ભલે ચર્ચા થઈ રહી હોય પણ મંગળવારે ઈરાનના મોટા ભાગના સમાચારપત્રોએ આ ખબરને કાંઈ ખાસ મહત્ત્વ નહોતું આપ્યું.

ના તો ટ્રમ્પનો ફોટોગ્રાફ, ના તો એમની ટ્વીટ છાપાંના પ્રથમ પાને સ્થાન મેળવી શક્યાં.

કેટલાક મધ્યમમાર્ગી છાપાં જેવા કે ઈરાન અને જમ્હૂરી-એ-ઈસ્લામી તેમજ હમશાહરીના રાષ્ટ્રપતિ રુહાનીના કરારના યથાવત્ રહેવાની સંભાવનાના નિવેદનને અગ્રતાનાં ધોરણે છાપ્યું છે.

ઈરાનમાં સોશિયલ મીડિયા પર સાધારણ લોકોનું માનવું હતું કે એમને નથી લાગતું કે ટ્રમ્પ આ કરારમાંથી બહાર નીકળશે. ટ્વિટર હેંડલ@Gavaan દ્વારા જણાવાયું કે, "મને લાગે છે ત્યાં સુધી તો તેઓ કરાર નહીં તોડે, પણ પ્રતિબંધ આકરા કરી શકે છે. તેઓ કદાચ આમાં મિસાઇલના મુદ્દાને ઉમેરી શકે છે."

@teriboun1 હેંડલ પર લખવામાં આવ્યું છે કે, અમેરિકી કરારમાંથી બહાર નીકળી ગયું તો ઈરાન ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે મજબૂત બનશે.

આંતરરાષ્ટ્રીય વિવાદોમાં મધ્યસ્થી તરીકે એની ભૂમિકા નબળી પડશે અને રશિયાનાં માનપાન વધશે.


પૃષ્ઠભૂમિ

જુલાઈ 2015માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા હતા. ઈરાન સાથેની પરમાણુ સંધિને પાર પાડવામાં તેમની સરકારે ખાસ્સી મહેનત કરી હતી.

આ કરાર મુજબ, પાંચ વર્ષ સુધી ઈરાન કોઈ હથિયાર ખરીદી ન શકે તથા મિસાઇલ ખરીદી પર આઠ વર્ષનો પ્રતિબંધ નક્કી કરવામાં આવ્યો હતો.

આ કરાર બાદ ઈરાને તેનો મોટાભાગનો પરમાણુ કાર્યક્રમ અટકાવી દીધો હતો, જ્યારે બાકીના કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ લાવવા માટે તૈયાર થઈ ગયું હતું.

કરારના અન્ય સભ્યો બ્રિટન, ફ્રાન્સ તથા જર્મનીએ ટ્રમ્પને અપીલ કરી હતી કે અમેરિકા આ કરારમાંથી અલગ ન થાય.

જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિએ એ અપીલને કાને ધરી ન હતી.

આ રાષ્ટ્રો અગાઉ જ અણસાર આપી ચૂક્યા છે કે અમેરિકા આ સંધિમાંથી ખસી જશે તો પણ તેઓ ઈરાન સાથેના કરાર યથાવત રાખશે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું હતું કે જો ટ્રમ્પે ઈરાન સાથેની સંધિને રદ કરી તો અમેરિકાએ ઐતિહાસિક રીતે પસ્તાવું પડશે.

સંધિ રદ કરતી વખતે ટ્રમ્પે આ કરારને 'અપ્રાસંગિક અને બેકાર' ઠેરવ્યો હતો. કેટલાક સૈન્ય અધિકારીઓએ કરાર રદ ન કરવા ટ્રમ્પને સલાહ આપી હતી.

અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન 'મોત, તારાજી અને અરાજકતા' ફેલાવે છે, છતાંય આ કરારમાં તેના પ્રત્યે ભારે ઉદારતા દાખવવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ