કશ્મીરી યુવકને સુષમાએ પહેલાં ધમકાવ્યો, પછી કરી મદદ

સુષમા સ્વરાજ Image copyright AFP

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ટ્વિટર પર લોકોની મદદ માટે સતત ચર્ચામાં રહેતાં હોય છે. આ જ સુષ્મા સ્વરાજે કરેલું એક ટ્વીટ ચર્ચા જગાવી રહ્યું છે.

વાત એમ છે કે ફિલિપાઇન્સમાં ફસાયેલા એક ભારતીયે સ્વરાજ પાસેથી મદદ માગી.

શેખ અતિક નામના કશ્મીરી શખ્સે ટ્વિટર પર લખ્યું, ''સુષમા સ્વરાજ જી, મને તમારી મદદની જરૂર છે. મારો પાસપોર્ટ ડૅમેજ થઈ ગયો છે. મારે મારા ઘરે ભારત પરત ફરવું છે.''

ટ્વીટનો જવાબ આપતા સ્વરાજે લખ્યું, ''જો તમે જમ્મુ અને કશ્મીર રાજ્યમાંથી છો તો અમે તમારી ચોક્કસથી મદદ કરીશું. પણ તમારી પ્રોફાઇલમાં લખ્યું છે કે તમે 'ભારત અધિકૃત કશ્મીર'માંથી છો. આવી કોઈ જગ્યા જ નથી.''


ટ્વિટર બાયો બદલ્યો

Image copyright TWITTER

વાત એમ છે કે અતિકે પોતાના ટ્વિટર બાયોમાં 'ભારત અધિકૃત કશ્મીર' લખ્યું હતું.

સુષ્માના આ ટ્વીટ બાદ અતિકે પોતાનો બાયો બદલીને જમ્મુ અને કશ્મીર કર્યો અને જૂની ટ્વીટ ડિલીટ કરી નાખી.

આ ફેરફાર પર સ્વરાજની નજર પણ પડી.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે ટ્વીટ કર્યું, ''અતિક મને ખુશી છે કે તમે તમારી ટ્વિટર પ્રોફાઇલ બરોબર કરી દીધી છે.''

સુષ્માએ ફિલિપાઇન્સમાં ભારતીય દૂતાવાસને પણ આદેશ આપ્યો કે અતિક જમ્મુ અને કાશ્મીરના ભારતીય છે. એમની મદદ કરવામાં આવે.


સોશિયલ મીડિયા પર ચર્ચા

સુષ્માના આ વલણની સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જોવા મળી.

પ્રેમ નામના યુઝરે લખ્યું, 'સુષમાજી મોદી સરકારના શ્રેષ્ઠ પ્રધાન છે.'

વિક્રમ ગુપ્તાએ ટ્વીટ કર્યું, ''આપણને જ્યારે જરૂર હોય ત્યારે જ આપણને કોઈ યાદ આવે છે. આપણે ભારતનાં રાજ્ય જમ્મુ અને કશ્મીરના ઓછામાં ઓછા એક 'મિસગાઇડેડ' માણસને પણ સાચા રસ્તા પર લાવી શકીએ એવી આશા છે.''

જોકે, અનિલ ગુપ્તા નામના યુઝરને સ્વરાજની આ વાત પસંદ ના આવી.

ગુપ્તાએ લખ્યું, ''ગંભીર મુદ્દાને સુષમાજીએ મજાક બનાવી દીધો.''


ટ્વીટ અને પેજ ગાયબ?

Image copyright TWITTER

આ સમગ્ર મામલા બાદ અતિકનું એકાઉન્ટ ટ્વિટર પરથી હટાવી લેવાયું હતું.

અતિકના એકાઉન્ટ પર જતાં અકાઉન્ટ અસ્તિત્વ ના ધરાવતો હોવાનું જાણવા મળે છે.


શું છે ભારતીય અધિકૃત કશ્મીર?

1947માં આઝાદી સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના મુદ્દે વિવાદ પણ જન્મ્યો.

1947માં બન્ને દેશે કશ્મીર માટે સશસ્ત્ર સંઘર્ષ કર્યો. યુદ્ધવિરામ વખતે બન્ને દેશોના કબજામાં કશ્મીરનો જે ભાગ રહ્યો એમના પર આજે એ દેશનું શાસન છે.

ભારત અને પાકિસ્તાન બન્ને અણુ શક્તિ ધરાવતા દેશો છે. મુસ્લિમ બહુમતિ ધરાવતાં કાશ્મીર માટે બે યુદ્ધો પણ લડી ચૂક્યા છે.

બન્ને દેશો એકબીજાના કબજામાં રહેલા કશ્મીરના જે-તે દેશનું 'અધિકૃત કશ્મીર' ગણાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ