ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈ માત્ર ત્રણ સવાલોમાં સમજો

સૈનિક Image copyright THOMAS COEX/AFP/GETTY IMAGES

સીરિયા સ્થિત ઈરાનનાં ઠેકાણાઓ પર ઇઝારાયલે કરેલા બૉમ્બમારા બાદ એવી આશંકાઓ સેવાઈ રહી છે કે ગમે ત્યારે આ બે જૂના દુશ્મનો વચ્ચે પરિસ્થિતિ બગડી શકે છે.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે પણ થઈ રહ્યું છે તેના પેટાળમાં એક જૂનો ઇતિહાસ દટાયેલો પડ્યો છે.

આવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું? બીબીસીએ પોતાના વાચકોને ત્રણ સવાલથી આ મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.


શું ઝરાયલ અને ઈરાન દુશ્મન છે?

Image copyright AFP

વર્ષ 1979માં ઈરાનની ક્રાંતિએ કટ્ટરપંથીઓને સત્તામાં આવવાની તક આપી અને ત્યારથી જ ઈરાની નેતાઓ ઇઝરાયલને નાબૂદ કરવાની વાતો કરી રહ્યા છે.

ઈરાન, ઇઝરાયલના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી અને વર્ષોથી તેઓ એવું રટણ કરી રહ્યું છે કે ઇઝરાયલે મુસ્લિમોની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે.

બીજી તરફ, ઇઝરાયલ પણ ઈરાનને એક જોખમ તરીકે જુએ છે. તેઓ હંમેશાથી એવું જ કહી રહ્યું છે કે ઈરાન પાસે પરમાણું હથિયાર ના હોવાં જોઈએ.

મધ્ય-પૂર્વમાં ઈરાનના વધતા પ્રભાવથી ઇઝરાયલી નેતાઓની ચિંતા વધી રહી છે.


ઇઝરાયલ-ઈરાન વિવાદથી સીરિયાને શું?

Image copyright Getty Images

વર્ષ 2011થી સીરિયામાં યુદ્ધની સ્થિતિ છે અને ઇઝરાયલ પણ વ્યાકુળતાથી આ બધું જોઈ રહ્યું છે.

સીરિયામાં બશર અલ-અસદની સરકાર અને તેમનો વિરોધ કરી રહેલા વિદ્રોહી લડાકુઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી ઇઝરાયલે અંતર બનાવી રાખ્યું છે.

પરંતુ ઈરાન, સીરિયામાં બશર અલ-અસદની સરકારનું સમર્થન કરે છે. તેઓ વિદ્રોહીઓ સાથેની સરકારની લડાઈમાં બશર અલ-અસદની મદદ કરી રહ્યું છે.

ઈરાને ત્યાં તેમના હજારો લડાકુ અને સૈનિકો તથા સલાહકારો મોકલ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇઝરાયલને એ વાતની પણ ચિંતા છે કે ઈરાન ચુપચાપ રીતે લેબનોનમાં વિદ્રોહીઓને હથિયાર આપી રહ્યું છે.

ઇઝરાયલનો પાડોશી દેશ લેબનોન છે અને લેબનોન તેનાથી ખતરો અનુભવે છે.

ઇઝરાયલ વારંવાર એવું કહી રહ્યું છે કે તેઓ સીરિયામાં ઈરાનને સૈનિક અડ્ડો બનાવવા નહીં દે, કારણ કે આ અડ્ડાનો ઉપયોગ તેની વિરુદ્ધ થઈ શકે છે.

એટલા માટે સીરિયામાં જેમ-જેમ ઈરાનની હાજરી વધી રહી છે, તેમ-તેમ ઈરાનનાં ઠેકાણાઓ પર ઇઝરાયલના હુમલાઓ પણ વધી રહ્યાં છે.


શું ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ક્યારેય યુદ્ધ થયું છે?

Image copyright Getty Images

ના, બંને દેશ વચ્ચે ક્યારેય યુદ્ધ નથી થયું. પરંતુ, ઈરાન લાંબા સમયથી એવા સમૂહોનું સમર્થન કરતું આવ્યું છે જેઓ ઇઝરાયલને નિશાન બનાવે છે.

જેમ કે, હિઝબુલ્લા અને પેલેસ્ટાઇનનું આતંકી સંગઠન હમાસ.

જો બંને દેશો વચ્ચે ક્યારેય પણ યુદ્ધ થયું, તો બંને પક્ષો માટે આ મોટી બર્બાદીનું કારણ સાબિત થશે.

ઈરાન પાસે લાંબા અંતર સુધી હુમલો કરી શકતી મિસાઈલોનો સંગ્રહ છે અને ઇઝરાયલની સરહદો પર તેમના હથિયારધારી સહયોગીઓ પણ.

ઇઝરાયલ પાસે પણ એક બળવાન સેના છે અને માનવામાં આવે છે કે તેમની પાસે પરમાણુ હથિયાર પણ છે. ઇઝરાયલને સંયુક્ત રાષ્ટ્રનું પણ જબરદસ્ત સમર્થન હાંસલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ