સોમાલિયામાં ‘11 પુરુષોની પત્ની’ની પથ્થર મારી-મારીને હત્યા

પ્રતિકાત્મક તસ્વીર Image copyright Getty Images

આ કિસ્સો સોમાલિયાનો છે, જ્યાં એક મહિલાની પથ્થર મારી-મારીને હત્યા કરવામાં આવી હતી.

શુક્રી અબ્દુલ્લાહી નામની એ મહિલા પર તલાક લીધા વિના 11 પુરુષો સાથે લગ્ન કરવાનો આરોપ હતો.

અલ શબાબ નામના ઉગ્રવાદી સંગઠનની અદાલતે મહિલાને આ સજા કરી હતી.

સાબ્લેલ શહેરના લોકોએ જણાવ્યું હતું કે અલ શબાબના લડવૈયાઓએ જમીનમાં ખાડો ખોદીને મહિલાને દાટી દીધી હતી. માત્ર તેનું મસ્તક બહાર રાખવામાં આવ્યું હતું.

એ પછી મહિલાનું મૃત્યુ ન થયું ત્યાં સુધી લોકો તેને પથ્થર મારતા રહ્યા.

સાબ્લેલ શહેરમાં અલ શબાબના ગવર્નર મોહમ્મદ અબુ ઉસમાએ રોઈટર્સ સમાચાર સંસ્થાને આ બાબતે માહિતી આપી હતી.

મોહમ્મદ અબુ ઉસમાએ કહ્યું હતું, "શુક્રી અબ્દુલ્લાહી અને તેના નવ પતિઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.”

“તેમાં શુક્રીના કાયદેસરના પતિનો સમાવેશ થતો હતો. બધાએ શુક્રીને પોતાની પત્ની ગણાવી હતી."


સોમાલિયામાં તલાક

Image copyright Getty Images

ઇસ્લામી કાયદા અનુસાર, એક પુરુષ મહત્તમ ચાર પત્ની રાખી શકે છે, પણ કોઈ મહિલાને એકથી વધુ પતિ રાખવાની છૂટ નથી.

તલાક સ્ત્રી કે પુરુષ કોઈ પણ આપી શકે છે. પતિ તેની પત્નીથી અલગ રહી શકે છે, પણ મહિલાએ અલગ રહેવા માટે તેના પતિની પરવાનગી લેવી પડે છે.

શું તમે આ વાંચ્યું?

પતિ એવી પરવાનગી ન આપે તો પત્ની ધાર્મિક કોર્ટમાં જઈને પરવાનગી મેળવી શકે છે.

અલ શબાબનું સમર્થન ધરાવતી એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, શુક્રી અબ્દુલ્લાહીને કોર્ટમાં લાવવામાં આવ્યાં ત્યારે તેમની તબિયત સારી હતી. તેમના પરના બધા આરોપ સાચા પૂરવાર થયા હતા.

બીબીસી સોમાલી સર્વિસના મોવજિદ હાજીએ જણાવ્યું હતું કે સોમાલિયામાં તલાક સામાન્ય બાબત છે, પણ આ કિસ્સો અસાધારણ છે.

સોમાલિયાના મોટા હિસ્સા પર અલ શબાબનો અંકુશ છે અને અલ શબાબ એ વિસ્તારમાં ઇસ્લામના શરિયા કાનૂનનો કડકાઈપૂર્વક અમલ કરાવે છે.

જે લોકો આ કાનૂનનું ઉલ્લંઘન કરે છે તેમને શારીરિક સજા કરવામાં આવે છે. ચોરના હાથ કાપી નાખવામાં આવે છે અને વ્યભિચારની આરોપી મહિલાની પથ્થર મારીને હત્યા કરવામાં આવે છે.

રાજધાની મોગાદિશુમાં કેન્દ્ર સરકારનું શાસન ચાલે છે અને અલ શબાબના લડવૈયાઓ સરકારને સત્તા પરથી હટાવવા માટે આત્મઘાતી હુમલા કરતા રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો