ઇન્ડોનેશિયામાં ચર્ચ પર હુમલા બાદ બીજો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ

ઇન્ડોનેશિયાના સુરાબારા શહેરની તસવીર Image copyright Reuters

રવિવારે શહેરના ત્રણ ચર્ચ પર થયેલા આત્મઘાતી હુમલા બાદ સોમવારે સવારે ફરીથી ઇન્ડોનેશિયાના સુરબાયા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર પર એક જ પરિવારના પાંચ સભ્યો બે મોટરબાઇક્સ પર આવ્યા હતા અને આત્મઘાતી હુમલો કરી પોતાની જાતને ઉડાવી દીધી હતી.

અંદાજે 26 કરોડ લોકોની આબાદી ધરાવતા આ દ્વીપસમૂહમાં થોડા મહિનાઓથી ઇસ્લામિક ત્રાસવાદીઓનો પ્રભાવ વધ્યો છે.

સુરાબાયામાં થયેલા વિસ્ફોટો બાદ અહીં જિહાદી સંગઠનોના પગપેસારા અંગે પણ ચિંતા વધી છે.

અધિકારીઓએ કહ્યું કે હુમલાની ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે બે મોટરબાઈકમાં પોલીસ ચેકપોઈન્ટ પર પહોંચતાની સાથે જ વિસ્ફોટ થાય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલાખોરો સાથે આવેલી એક આઠ વર્ષની બાળકી આ હુમલામાં બચી ગઈ છે.

Image copyright Getty Images

આ હુમલામાં ઓછામાં ઓછા દસ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં છ નાગરિકો અને ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

સ્થાનિક સમય મુજબ સવારે 8.50 વાગ્યે (ભારતીય સમય અનુસાર 7:30 કલાકે) આ વિસ્ફોટ થયો હતો.

આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે સ્વીકારી છે.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વીડોડોએ આ ઘટનાને કાયરતાભરી અને અમાનુષી ગણાવી છે. તેમણે કહ્યું, "આતંકવાદને ખતમ કરવામાં કોઇ પણ જાતની બાંધછોડ કરવામાં નહીં આવે."

પશ્ચિમ જાવા પોલીસના પ્રવક્તા ફ્રાન્સ બરુન્ગ મન્ગેરા કહ્યું, "અમે સંપૂર્ણ માહિતી આપી શકીએ એમ નથી. કારણ કે અમે ઘટનાસ્થળ યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છીએ સાથે જ પીડિતોની ઓળખ પણ કરવામાં આવી રહી છે."

Image copyright Getty Images

ઇન્ડોનેશિયાના સુરાબાયામાં ત્રણ ચર્ચો પર થયેલા હુમલામાં 13 લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે આ હુમલા પાછળ એક જ પરિવારનો હાથ હતો અને તેઓ સીરિયાથી પરત ફર્યો હતા.

રવિવારના રોજ થયેલા આ હુમલાની જવાબદારી પણ કથિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી હતી.

પોલીસ ચીફ ટીટો કાર્નવિયનના જણાવ્યા પ્રમાણે એક મહિલા અને તેમના બે બાળકોએ એક ચર્ચ પાસે પોતાની જાતને ઉડાવી દીધી હતી.

જ્યારે પિતા અને બીજા ત્રણ બાળકોએ અન્ય ચર્ચને નિશાન બનાવ્યા હતા.

શું તમે આ વાંચ્યું?

ટીટોએ એવું પણ કહ્યું કે આ હુમલાખોરો ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત જૂથ જિમા અંશરૂટ દૌલાહ (જેએડી) સાથે સંબંધ ધરાવતા હતા.

પોલીસનું કહેવું છે કે આ પરિવાર એવા હજારો ઇન્ડોનેશિયન પરિવારોમાં સામેલ છે જેઓ હાલમાં જ સીરિયાથી પરત ફર્યા હતા.

ઇન્ડોનેશિયામાં 2005 બાદ થયેલો આ સૌથી ઘાતક હુમલો છે.

હુમલા બાદ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વીડોડોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

તેમણે હુમલાખોરોને નિષ્ઠુર ગણાવ્યા હતા અને આવા આતંકી સંગઠન સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અંગે જણાવ્યું.


પરિવારે કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ?

Image copyright ANTARA FOTO/ HANDOUT SURABAYA GOVERNMENT/ REUTERS

પોલીસે જણાવ્યું કે, હુમલામાં સામેલ પિતા ડીટા ઓએપ્રિઆર્ટો જેએડી સેલના વડા હતા.

તેઓએ તેમના પત્ની પુજી કુસ્વાટી અને બે દીકરીઓ (ઉંમર 9 અને 12 વર્ષ)ને ડીપોનેગોરો ક્રિશ્ચન ચર્ચે ઉતાર્યા હતા. જ્યાં તેઓએ પોતાની જાતને ઉડાવી આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો હતો.

ત્યારબાદ ઓએપ્રિઆર્ટો પોતાની બોમ્બથી ભરેલી કારને સુરાબાયા સેન્ટર પેન્ટેકોસ્ટલ ચર્ચ તરફ હંકારી.

બંને દીકરાઓ(ઉંમર 16 અને 18 વર્ષ) તેમની સાથે વિસ્ફોટક લઈને સ્કૂટર પર સેન્ટા મારિયા કેથોલિક ચર્ચ પર પહોંચ્યા હતા.

એશોસિયેટેડ પ્રેસ ન્યુઝ એજન્સીએ કહ્યું કે એક મહિલા ડિપોનેગોરો ચર્ચ પર બે બેગ લઇને આવી હતી.

પ્રત્ક્ષદર્શીએ જણાવ્યું "મહિલા એક નાગરિકને ભેટી પડી અને ધડાકો થયો."


પછી શું થયું?

Image copyright Getty Images

એએફપી ન્યુઝ એજન્સી મુજબ રવિવાર બાદ સુરાબાયા સ્થિત એક એપાર્ટમેન્ટમાં વિસ્ફોટ થયો હતો જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા.

પોલીસ અધિક્ષક મહફુદ આફ્રિને જણાવ્યું કે એપાર્ટમેન્ટમાં થયેલા ધડાકામાં મૃત્યુ પામેલા પીડિતો ન હતા પરંતુ હુમલાખોરો જ હતા.

પરંતુ આ વિસ્ફોટને પહેલાં થયેલા હુમલા સાથે કોઇ સંબંધ છે કે નહીં તેની જાણ નથી.

પોલીસે કહ્યું કે રવિવારે તેમણે પશ્ચિમ જાવા પ્રાંતમાં જેએડીના ચાર શંકાસ્પદોને મોતને ઘાટ ઉતાર્યા અને બે શંકાસ્પદોની ધરપકડ પર કરી.

સોમવાર સવારે સુરબાયા પોલીસ સ્ટેશન પર બીજો એક ધડાકો થયો હતો. પોલીસે કહ્યું કે આ ધડાકો વાહન બોમ્બ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ અધિકારી ઘાયલ થયા હતા.


પહેલાં થયેલા વિસ્ફોટ સાથે કેવી રીતે છે સંબંધ?

Image copyright EPA

આ વિસ્ફોટને ઇન્ડોનેશિયામાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવેલા હુમલામાંનો સૌથી મોટો કહેવામાં આવે છે.

ઇસ્લામિક સ્ટેટ દાવો કર્યો છે કે જાકાર્તામાં તેમનો સૌપ્રથમ હુમલો 2016માં કરવામાં આવ્યો હતો. જેમાં ચાર નાગરિકો માર્યા ગયા હતા.

તેમનો એવો પણ દાવો છે કે આ મહિનાના પ્રારંભમાં જાકાર્તા નજીક આવેલી હાઈ સિક્યોરિટી જેલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ચાર સુરક્ષાકર્મીઓના મોત નીપજ્યા હતા.

વર્ષ 2002માં ઇન્ડોનેશિયન ટાપુ બાલી પર અલકાયદાના લડાકુઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં 200 લોકો માર્યા ગયા હતા.

વર્ષ 2005માં સુલાવેશી ટાપુ પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં 22 લોકોના મોત નીપજ્યા હતા. તેના છ મહિના પછી આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 20 લોકોના મોત થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ