ડોનલ્ડ ટ્રમ્પને મળશે આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર?

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ Image copyright Getty Images
ફોટો લાઈન અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ

નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાઓને ત્રણ અલગ-અલગ શ્રેણીમાં વહેંચી શકાય છે.

એક શ્રેણીમાં એવા લોકો છે, જેમને તેમના કામ બદલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમાં માર્ટિન લ્યૂથર કિંગ, મધર ટેરેસા અને નેલ્સન મંડેલા જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે.

બીજી શ્રેણીમાં એવા લોકો આવે છે, જેમને આ સન્માન મળવું જોઈતું હતું, પણ આપવામાં આવ્યું ન હતું. એવા લોકોમાં મહાત્મા ગાંધીનું નામ સામેલ છે. ગત શતાબ્દીમાં મહાત્માને શાંતિનું સૌથી મોટું પ્રતીક ગણવામાં આવે છે.

એ પછીની શ્રેણીમાં એવા લોકોનો સમાવેશ થાય જેમને એક દિવસ શાંતિ પુરસ્કાર મળી શકે છે. એવા લોકોમાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનો સમાવેશ થાય છે.

અમેરિકાની રિપબ્લિકન પાર્ટી તરફથી કોંગ્રેસના 18 સભ્યોએ નોર્વેની નોબેલ કમિટીના અધ્યક્ષને આ સંબંધે એક પત્ર લખ્યો છે.

કોરિયન દ્વિપકલ્પના દેશોને અણુશસ્ત્રો ત્યાગવા માટે રાજી કરીને ક્ષેત્રમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો બદલ કોંગ્રેસના સભ્યોએ શાંતિ પુરસ્કાર માટે ડોનલ્ડ ટ્રમ્પનું નામ સૂચવ્યું છે.

એ સભ્યો પૈકીના એક સ્ટીવ કિંગ કહે છે, "કોરિયન દ્વિપકલ્પમાં અણુનિઃશસ્ત્રીકરણ સંબંધે મંત્રણાની ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનની દરખાસ્તનો પ્રમુખ ટ્રમ્પે સ્વીકાર કર્યો હોવાની ખબર પડી ત્યારે મને આ વિચાર આવ્યો હતો."

સ્ટીવ કિંગ કહે છે, "બરાક ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો, પણ અમે એ નથી જાણતા કે એવું શા માટે થયું હતું. એ વખતે તેઓ અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ હતા.

"કોરિયન દ્વિપકલ્પમાં અણુનિઃશસ્ત્રીકરણની પરિસ્થિતિ આકાર પામી રહી છે ત્યારે ડોનલ્ડ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર માટે વધુ લાયક ગણવા જોઈએ."

વંશવાદ અને બહુમતીવાદને નુકસાન પહોંચાડવા જેવા મુદ્દાઓ પર ટીકાનો સામનો કરી ચૂકેલા ડોનલ્ડ ટ્રમ્પ જેવા રાજકીય નેતાને શાંતિ માટેનો વિશ્વનો સૌથી મોટો પુરસ્કાર આ સંજોગોમાં મળી શકે?


ડોનલ્ડ ટ્રમ્પને નોબેલ પ્રાઈઝ શા માટે?

Image copyright EPA

ડોનલ્ડ ટ્રમ્પનું નામાંકન નોબેલ પુરસ્કાર માટે કરવાની પ્રક્રિયા છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે.

નોર્વેસ્થિત નોબેલ કમિટીએ માર્ચમાં જણાવ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિ વિચિત્ર કારણસર ડોનલ્ડ ટ્રમ્પનું નામ સૂચવ્યું હતું.

એ પછી એપ્રિલમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જે-ઈને પણ જણાવ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.

હવે ડોનલ્ડ ટ્રમ્પના પક્ષના 18 સંસદસભ્યોએ તેમના નામની ભલામણ નોબેલ કમિટીને મોકલી પછી ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું છે.

આ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે ડોનલ્ડ ટ્રમ્પે સ્મિત વેરતાં કહ્યું હતું, "બધાને આવું લાગે છે, પણ હું આવું ક્યારેય નહીં કહું. હું એવો પુરસ્કાર ઈચ્છીશ, જેમાં વિશ્વનો વિજય થાય."

મિશિગનમાં થોડા દિવસ પહેલાં યોજવામાં આવેલા ડોનલ્ડ ટ્રમ્પના એક સામાજિક કાર્યક્રમમાં 'નોબેલ, નોબેલ' એવો સુત્રોચ્ચાર સાંભળવા મળ્યો હતો.

'પીસ' નામના પુસ્તકના લેખક જે નોર્ડલિંગર જણાવે છે કે વિશ્વમાં સૌથી વધુ વિવાદાસ્પદ અને ચર્ચિત નોબેલ પીસ પ્રાઈઝ ડોનલ્ડ ટ્રમ્પ જેવી વિવાદાસ્પદ વ્યક્તિને આપવામાં આવશે તો એ અત્યંત અજબ બાબત હશે.

જે. નોર્ડલિંગર કહે છે, "શાંતિ પુરસ્કાર 1902માં અપાવો શરૂ થયો ત્યારથી વિવાદનો વિષય બની રહ્યો છે."

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હેનરી કિસિંજર અને પેલેસ્ટાઈનના ભૂતપૂર્વ નેતા યાસર અરાફતનો આ પુરસ્કાર મેળવનારાઓમાં સમાવેશ થાય છે.


દક્ષિણ કોરિયાની મોટી ભૂમિકા

Image copyright Getty Images

કેટલાક આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો માને છે કે શાંતિ માટે અમેરિકાથી વધારે શ્રેય દક્ષિણ કોરિયાને મળવું જોઈએ.

તેઓ એવું પણ માને છે કે દક્ષિણ કોરિયાના લોકોએ વ્યૂહાત્મક રીતે પગલાં લીધાં હતાં. તેને કારણે અમેરિકન સરકાર મંત્રણા માટે તૈયાર થઈ હતી.

ગયા ઓગસ્ટમાં ડોનલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે ઉત્તર કોરિયા અમેરિકાને ધમકાવશે તો અમેરિકા જોરદાર કાર્યવાહી કરશે. આ ચેતવણી પછી ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું.

ત્રણ અમેરિકન નાગરિકોની મુક્તિ પછી ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કિમ જોંગ-ઉન સાથેની તેમની બેઠક 12 જૂને સિંગાપુરમાં યોજાશે.

સેક્સવર્કરની પ્રેમ અને નર્કમાંથી મુક્તિની કહાણી

જોકે, ઉત્તર કોરિયાના નેતાને અણુશસ્ત્રોના નાશ માટે તૈયાર કરવાની પ્રક્રિયા બહુ લાંબી હોઈ શકે છે.

આવું થઈ પણ જાય તો ચર્ચા એ મુદ્દે થશે કે ડોનલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જે-ઈન તથા ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે મળવો જોઈએ કે કેમ?

ઉત્તર અને દક્ષિણ કોરિયાના ઈતિહાસ ઉપરાંત ડોનલ્ડ ટ્રમ્પના પોતાના ઇતિહાસને કેટલો ધ્યાનમાં લેવાશે?

અમેરિકન કોમેડિયન સેથ મેયર્સે એનબીસી ટેલિવિઝનના લેટ નાઇટ કાર્યક્રમમાં ગયા ગુરુવારે કહ્યું હતું, "આ એ જ માણસ છે, જે મુસ્લિમો પર પ્રતિબંધ મૂકવા ઇચ્છતો હતો.

"એ માણસે કહ્યું હતું કે આતંકવાદીઓના પરિવારોને ખતમ કરી નાખવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આફ્રિકા તથા હૈતીથી આવતા પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય એવું તેઓ ઇચ્છે છે."


ઓબામાને શા માટે મળ્યો હતો નોબેલ પુરસ્કાર?

Image copyright Getty Images
ફોટો લાઈન નોબેલ પુરસ્કાર સ્વીકારી રહેલા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા

બરાક ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે અમેરિકાના પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળને માત્ર નવ મહિના થયા હતા.

બરાક ઓબામાને "લોકો વચ્ચે આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને સહયોગને મજબૂત કરવાના અસાધારણ પ્રયાસ" બદલ નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

જોકે, ડોનલ્ડ ટ્રમ્પ પર બરાક ઓબામાથી બિલકુલ વિપરીત કામ કરવાના આક્ષેપો થતા રહ્યા છે.

જનમત સર્વેક્ષણના તારણ અનુસાર, ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યાના એક વર્ષ બાદ અમેરિકાની ઇમેજ દુનિયાભરમાં ખરાબ થઈ છે.

ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાને પેરિસ જળવાયુ સંધિમાંથી અલગ કર્યું હતું.

બરાક ઓબામાએ જર્મની, ચીન, ફ્રાંસ, બ્રિટન અને રશિયા સાથે મળીને ઈરાન પરમાણુ કરારને નક્કર સ્વરૂપ આપ્યું હતું, પણ ડોનલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે એ કરારમાંથી પણ અમેરિકાને અલગ કર્યું હતું.


ઈરાન પરમાણુ કરારની અસર થશે?

Image copyright Alamy

નોબેલ પુરસ્કાર માટે ડોનલ્ડ ટ્રમ્પના નામાંકનના પત્ર પર રિપબ્લિકન પાર્ટીના કોંગ્રેસના સભ્ય પેટ ઓલ્સને પણ સહી કરી છે.

ઈરાન પરમાણુ કરારમાંથી નીકળી જવાને કારણે ડોનલ્ડ ટ્રમ્પની ઉમેદવારી પર કોઈ અસર થશે એવું પેટ ઓલ્સન નથી માનતા, કારણ કે દરેક પ્રમુખ વૈશ્વિક સમસ્યાઓ સંબંધે અલગ-અલગ પ્રતિભાવ આપતા હોય છે.

બીબીસી સાથે વાત કરતાં પેટ ઓલ્સને કહ્યું હતું, "આ પુરસ્કાર મેળવનારા અમેરિકાના પહેલા પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ હતા.

"તેમણે ફિલિપાઇન્સમાં અત્યંત વિવાદાસ્પદ યુદ્ધ છેડ્યું હતું, પણ સંઘર્ષમાં સમજૂતી કરાવીને શાંતિ સ્થાપવા માટે તેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો એ યાદ રાખવું જોઈએ."

બીજી તરફ જે. નોર્ડલિંગર માને છે કે ઈરાન પરમાણુ કરારમાંથી બહાર નીકળી જવા સબબ ડોનલ્ડ ટ્રમ્પની ઉમેદવારી પર અસર થઈ શકે છે.

જે. નોર્ડલિંગર ચેતવણી આપે છે કે શાંતિ પુરસ્કાર લોકોને તેમના ખાસ કામ બદલ આપવામાં આવે છે અને તેના પર તેમના અન્ય કાર્યોનો પ્રભાવ પડતો નથી.

જે. નોર્ડલિંગર કહે છે, "આ વિશે બહુ વિવાદ થશે, પણ કોરિયન દ્વિપકલ્પમાં કોઈ પણ પ્રકારે શાંતિ સ્થપાશે કે અણુનિઃશસ્ત્રીકરણ થશે તો ડોનલ્ડ ટ્રમ્પનું નામ નોબેલ પુરસ્કાર મેળવનારાઓમાં સામેલ થઈ જાય એ શક્ય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો