જેરૂસલેમ: ત્રણ ધર્મોની આસ્થાનું શહેર હંમેશાં વિવાદમાં કેમ રહે છે?

જેરૂસલેમ યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયનું પવિત્ર સ્થળ છે Image copyright AFP
ફોટો લાઈન જેરૂસલેમ યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મોનું પવિત્ર સ્થળ છે

સોમવારે જેરૂસલેમમાં નવા દૂતાવાસના ઉદ્ઘાટન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા તેમના પતિ ઝૈરેડ કુશનર સાથે ઇઝરાયલ પહોંચ્યાં હતાં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સમારોહમાં હાજર રહ્યા ન હતા, પરંતુ તેમણે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અમેરિકાએ ઇઝરાયલના 70મા સ્થાપના દિવસે જ પોતાના નિર્ણયનો અમલીકરણ કરવાની યોજના બનાવી હતી.

જેરૂસલેમને ઇઝરાયલ પોતાની અવિભાજિત રાજધાની માને છે, જ્યારે પેલેસ્તાઇન પૂર્વ જેરૂસલેમ(જેના પર 1967માં અરબ-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં ઇઝરાયલે કબજો જમાવ્યો હતો)ને પોતાના ભાની રાષ્ટ્રની રાજધાની માને છે.

પવિત્ર શહેર જેરૂસલેમ માટેનો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો વિવાદ ઘણો જૂનો છે.

Image copyright Getty Images

જેરૂસલેમ એ ઇઝરાયલ અને આરબ રાષ્ટ્રો વચ્ચેની તાણનો સૌથી વિવાદિત મુદ્દો પણ રહ્યો છે.

આ સ્થળ ઇસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં મહત્ત્વનું રહ્યું છે.

પયગંબર ઇબ્રાહિમને ઇતિહાસ સાથે જોડનાર આ ત્રણ ધર્મો જેરૂસલેમને પોતાના ધર્મનું પવિત્ર સ્થળ માને છે.

એ જ કારણ છે કે સદીઓથી મુસ્લિમો, યહૂદીઓ અને ખ્રિસ્તીઓના હૃદયમાં આ શહેરનું નામ વસેલું છે.

શું તમે આ વાંચ્યું?

હિબ્રુ ભાષામાં જેરૂસલેમ અને અરબીમાં અલ-કુદ્સના નામથી પ્રખ્યાત આ શહેર વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાંથી એક છે.

આ શહેર પર અનેક વખત કબજો કરાયો છે, શહેરને ધ્વંસ કરાયું છે અને તેમ છતાં આ શહેર ફરી-ફરી વસ્યું છે.

એ જ કારણ છે કે, અહીંની જમીનનાં દરેક સ્તરમાં ઇતિહાસ છુપાયેલો છે.


ચાર ભાગ કયા ?

Image copyright Getty Images

આજે અલગ-અલગ ધર્મોના લોકો વચ્ચે વિભાજન અને સંઘર્ષ માટે જેરૂસલેમ ચર્ચામાં રહે છે, પણ આ શહેરનો ઇતિહાસ આ લોકોને એકબીજા સાથે જોડે પણ છે.

શહેરનાં મધ્યમાં એક પ્રાચીન નગર છે જેને ઓલ્ડ સિટી કહેવામાં આવે છે. સાંકડી ગલીઓ ઐતિહાસિક વાસ્તુકલાની ભૂલભૂલામણી છે. અહીં ચાર ધર્મો ખ્રિસ્તી, ઇસ્લામ, યહૂદી અને આર્મેનિયેનના ચાર વિસ્તાર છે.

તેની ચોતરફ એક કિલ્લા જેવી દીવાલ છે જેની આજુબાજુ દુનિયાના સૌથી પવિત્ર સ્થળો આવેલા છે. દરેક વિસ્તારની પોતાની અલગ વસ્તી છે.

ખ્રિસ્તીઓના બે વિસ્તારો છે કારણકે આર્મેનિયેન પણ ખ્રિસ્તી જ હોય છે. આ ચાર વિસ્તારો પૈકી સૌથી જૂનો વિસ્તાર આર્મેનિયેનનો છે.

આ સ્થળ દુનિયામાં આર્મેનિયેનોનું સૌથી પ્રાચીન કેન્દ્ર પણ ગણવામાં આવે છે.

સેંટ જેમ્સ ચર્ચ અને મોનેસ્ટ્રીમાં આર્મેનિયન સમુદાયે પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિને સુરક્ષિત રાખ્યાં છે.


પહેલું ચર્ચ

Image copyright Getty Images
ફોટો લાઈન ઇઝરાયલમાં ટ્રમ્પનો આભાર માનતી સામગ્રીનું વેચાણ વધ્યું છે

ખ્રિસ્તી વિસ્તારમાં 'દ ચર્ચ ઓફ દ હોલી સેપલ્કર' આવેલું છે. આ ખ્રિસ્તીઓની આસ્થાનું કેન્દ્ર મનાય છે. જે સ્થળે આ ચર્ચ છે, તે સ્થળને ઈસુ ખ્રિસ્તના જીવનનું કેન્દ્રબિંદુ ગણવામાં આવે છે.

આ સ્થળે જ ઈસુનું મૃત્યુ થયું હતું અને આ સ્થળે જ તેમનું અવતરણ થયું હતું.

દાતર ખ્રિસ્તી પરંપરા પ્રમાણે ઈસુ ખ્રિસ્તને અહીંયા જ 'ગોલગાથા' પર વધસ્તંભ પર ચઢાવાયા હતાં.

આને જ 'હિલ ઑફ દ કેલવેરી' કહેવાય છે. ઈસુ ખ્રિસ્તની મકબરો સેપલ્કરની અંદર જ છે અને એવું મનાય છે કે તેમનું અવતરણ પણ અહીં જ થયું હતું.

ખ્રિસ્તી સમુદાયના વિભિન્ન સંપ્રદાયો, વિશેષ કરીને ગ્રીક ઑર્થોડૉક્સ પૈટ્રિયાર્કેટ, રોમન કૈથોલિક ચર્ચના ફ્રાંસિસ્કન ફ્રાયર્સ અને અર્મેનિયેન પેટ્રિયાર્કેટ સિવાય ઇથોપિયન, કૉપ્ટિક અને સીરિયન ઑર્થોડૉક્સ ચર્ચ સાથે સંકળાયેલા પાદરીઓ આ ચર્ચનું પ્રબંધન સંભાળે છે.

વિશ્વભરના કરોડો ખ્રિસ્તીઓ માટે આ સ્થળ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો લોકો ઈસુ ખ્રિસ્તના મકબરા પર આવીને પ્રાર્થના કરે છે અને માફી માંગે છે.


મસ્જિદનો ઇતિહાસ

Image copyright BBC World Service

મુસ્લિમોનો વિસ્તાર આ ચાર વિસ્તારોમાં સૌથી મોટો છે અને આ વિસ્તારમાં જ 'ડોમ ઑફ દ રૉક' અને 'મસ્જિદ અલ અક્સા' આવેલાં છે.

તે એક પહાડ પર છે, જેને મુસ્લિમો હરમ અલ શરીફ અથવા પવિત્ર સ્થાન કહે છે.

મસ્જિદ અલ અક્સા ઇસ્લામનું ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે અને તેનું પ્રબંધન વક્ફ નામના ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા કરાય છે.

મુસ્લિમોને વિશ્વાસ છે કે પયંગબર એક રાતમાં પયગંબરે મક્કાથી અહીં સુધીની સફર કરી હતી અને અહીં પયગંબરે આત્માઓ સાથે ચર્ચા કરી હતી.

અહીંથી થોડાંક ડગલાં દૂર જ ડમ ઑફ દ રૉક્સનું પવિત્ર સ્થળ છે અહીંયા પવિત્ર પત્થર પણ છે. એવી માન્યતા છે કે પયંગબર મહંમદ અહીંથી જ સ્વર્ગની યાત્રા કરી હતી.

મુસ્લિમો દરરોજ હજારોની સંખ્યામાં આ પવિત્ર સ્થળે આવે છે અને પ્રાર્થના કરે છે. રમઝાનના મહીનાના શુક્રવારે અહીં આવતા મુસ્લિમોની સંખ્યા ઘણી વધારે હોય છે.


પવિત્ર દીવાલ

Image copyright Getty Images
ફોટો લાઈન પેલેસ્ટાઇનમાં 2014 પછીની સૌથી મોટી હિંસા ફાટી નીકળી છે

યહૂદી વિસ્તારમાં જ કોટેલ કે પશ્ચિમી દીવાલ છે. આ દીવાલ 'વૉલ ઑફ દ માઉન્ટ'નો બચેલો ભાગ છે.

એવું મનાય છે કે ક્યારેક યહૂદીઓનું પવિત્ર મંદિર પણ આ સ્થળે જ હતું.

આ પવિત્ર સ્થળની અંદર જ 'દ હોલી ઑફ દ હોલીઝ' એટલે કે યહૂદીઓનું સૌથી પવિત્ર સ્થળ છે.

યહૂદીઓને વિશ્વાસ છે કે આ જ એ સ્થળ છે કે જ્યાંથી વિશ્વનું નિર્માણ થયું હતું અને અહીંયા જ પયગંબર ઇબ્રાહિમે પોતાના પુત્ર ઇશ્હાકની બલિ આપવાની તૈયારી કરી હતી.

ઘણાં યહૂદીઓનું માનવું છે કે હકીકતમાં 'ડોમ ઑફ દ રૉક' એજ 'હોલી ઑફ દ હોલીઝ' છે.

આજે પશ્ચિમી દીવાલ એ સૌથી નજીકનું સ્થળ છે કે જ્યાંથી યહૂદીઓ 'હોલી ઑફ દ હોલીઝ'ની આરાધના કરી શકે છે.

જેનું પ્રબંધન પશ્ચિમી દીવાલના રબ્બી કરે છે. અહીંયા દર વર્ષે વિશ્વભરમાંથી લાખો યહૂદીઓ પહોંચે છે અને પોતાનો વારસા સાથેનું જોડાણ અનુભવે છે.

પેલેસ્તાઇન અને ઇઝરાયલના વિવાદના કેન્દ્રમાં પ્રાચીન જેરૂસલેમ શહેર જ છે.

અહીંની સ્થિતિમાં થતા સામાન્ય ફેરફારો પણ ઘણી વખત હિંસક તાણ અને મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરે છે.

એ જ કારણ છે કે જેરૂસલેમમાં થતી દરેક ઘટના મહત્ત્વપૂર્ણ હોય છે.

આ પ્રાચીન શહેરમાં યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર સ્થળ છે. આ શહેર ફક્ત ધાર્મિક જ નહીં રાજકીય દ્રષ્ટીએ પણ મહત્ત્વનું છે.

મોટાભાગના ઇઝરાયલી લોકો જેરૂસલેમને પોતાની અવિભક્ત રાજધાની માને છે.

ઇઝરાયલ રાષ્ટ્રની સ્થાપના 1948માં થઈ હતી. ત્યારે ઇઝરાયલની સંસદને શહેરના પશ્ચિમી ભાગમાં સ્થાપિત કરાઈ હતી.

1967ના યુદ્ધમાં ઇઝરાયલે પૂર્વ જેરૂસલેમ પર પણ કબજો કર્યો હતો.

પ્રાચીન શહેર પણ ઇઝરાયલના અંકુશમાં આવી ગયું હતું, પણ તેને આંતરરાષ્ટ્રીય માન્યતા ન મળી.

જેરૂસલેમ પર ઇઝરાયલની પૂર્ણ સર્વોપરિતાને ક્યારેય પણ માન્યતા નથી મળી અને એટલે જ ઇઝરાયલના નેતાઓ પોતાનો અણગમો વ્યક્ત કરતા હોય છે.


જેરૂસલેમની વસ્તી

Image copyright Getty Images

પેલેસ્ટાઇનવાસીઓ અંગે જુદો દૃષ્ટિકોણ ધરાવે છે, પૂર્વી જેરૂસલેમને તેઓ પોતાની રાજધાની તરીકે માંગે છે.

ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદમાં શાંતિ સ્થાપવી હોય તો આ જ ઉકેલ છે.

એથી જ બે રાષ્ટ્ર વચ્ચેનું સમાધાન ગણવામાં આવે છે. જેની પાછળ ઇઝરાયલની સાથે-સાથે 1967 પહેલાંની સરહદો આધારે સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રના નિર્માણનો વિચાર પણ રહેલો છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં પણ આ જ લખાયું છે.

જેરૂસલેમની પોણા ભાગની વસ્તી પેલેસ્ટાઇન મૂળની છે, જેમાંથી મોટા ભાગના કુટુંબો સદીઓથી અહીં જ રહે છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં યહૂદી વસાહતનો વિસ્તાર પણ વિવાદનું એક કારણ છે.

આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે આ વસાહતનું નિર્માણ ગેરકાયદે છે, પણ ઇઝરાયલ તેને નકારે છે.

આંતરાષ્ટ્રીય સમુદાય દાયકાઓથી એવું કહે છે કે જેરૂસલેમની સ્થિતિમાં કોઈ પણ પરિવર્તન શાંતિ પ્રસ્તાવથી જ આવશે.

આ જ કારણ છે કે ઇઝરાયલમાં દૂતાવાસ રાખનારા તમામ દેશોના દૂતાવાસ તેલ અવીવમાં આવેલા છે અને જેરૂસલેમમાં ફક્ત કાર્યાલય જ હોય છે.

પણ ટ્રમ્પનું કહેવું છે કે ઇઝરાયલના લોકો અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે શાંતિના અંતિમ સમાધાન તરીકે જ દૂતાવાસનું સ્થળાંતર કરી રહ્યાં છે.

ટ્રમ્પ બન્ને રાષ્ટ્રોની વિભાવનાઓને નકારે છે. ટ્રમ્પ કહે છે કે હું એક એવું રાષ્ટ્ર ઇચ્છું છું જેમાં બન્ને પક્ષ સંમત હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ