આ છે રણને હરિયાળી ખેતીમાં ફેરવી આપતી ટેક્નૉલૉજી!

મોહમ્મદ અલ શીમ્મારીનું ખેતર

વિશ્વના સૌથી ખરાબ હવામાન ધરાવતા રણપ્રદેશમાં ખેતી થઈ શકે ખરી?

રણને હરિયાળો પ્રદેશ બનાવવાનું કામ કર્યું છે ફૈઝલ મોહમ્મદ શીમ્મારીએ. તેઓ એવા રણપ્રદેશમાં ખેતી કરી રહ્યા છે, જેનો સમાવેશ વિશ્વના સૌથી ખરાબ હવામાન ધરાવતા પ્રદેશમાં થાય છે.

આ પ્રદેશ એટલે સંયુક્ત આરબ અમિરાતના રણ વચ્ચે આવેલો અલ ઐન રણદ્વીપ. અહીં તાપમાન 50 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

ફૈઝલ કહે છે કે પાકને પાણી આપવા માટે તેમણે પાણી ખરીદવું પડે છે, જે ખૂબ જ મોઘું પડે છે.

અહીં ખેતી કરી રહેલા ખેડૂતોએ પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે. સામાન્ય તાપમાનમાં ખેતીમાં પાણીની જરૂર પડે છે તેના કરતાં અહીં ત્રણ ગણા વધારે પાણીની જરૂર પડે છે.

આ કારણે જ યુએઈમાં ખેતી કરવી વધારે ખર્ચાળ છે અને યુએઈને તેની જરૂરિયાતનું 80 ટકા અનાજ આયાત કરવું પડે છે.

પરંતુ કેટલાક લોકો રણમાં થતીને ખેતીને ભવિષ્ય તરીકે જોઈ રહ્યા છે. સતત દુષ્કાળ અને ખતમ થઈ ગયેલાં જંગલોને કારણે બ્રિટનથી અડધા કદની જમીન દર વર્ષે રણમાં ફેરવાઈ જાય છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના કન્વેન્શન ટુ કૉમ્બેટ ક્લાઇમેટ ચેન્જ અનુસાર આ રીતે આગળ વધી રહેલા રણને કારણે 2045 સુધીમાં 13.5 કરોડ લોકો ઘર અને રોજગારી ગુમાવી શકે છે.

જોકે, હવે આ પડકારનો સામનો કરવા માટે વૈજ્ઞાનિકોએ બીડું ઝડપ્યું છે. તેમના પ્રયાસોથી આ રણ ફરી હરિયાળું થઈ રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?


કઈ રીતે રણમાં થશે ખેતી?

નોર્વેના વિજ્ઞાની ક્રિસ્ટિન મોર્ટન ઓલેસેને માટીના નેનો પાર્ટિકલ્સને પાણી સાથે મેળવીને તેનાથી રેતીને મઢી લેવાની એક પ્રોસેસ તૈયાર કરી છે. આ ટેક્નૉલોજી તેમણે પેટન્ટ મેળવી લીધાં છે.

આ ટેક્નૉલૉજી પર તેઓ 2005થી કામ કરી રહ્યા છે.

તેમના કહેવા પ્રમાણે, "આ પ્રકારની ટ્રીટમેન્ટના કારણે રેતીના પાર્ટિકલ પર કોટિંગ થઈ જાય છે અને તેનાથી ભૌતિક સ્થિતિ બદલાઈ જાય છે. જેથી પાણી સાથે તેને બાઇન્ડ કરી શકાય છે."

જોકે, આ પ્રક્રીયામાં કેમિકલ એજન્ટનો ઉપયોગ થતો નથી.

તેઓ કહે છે, "આપણે કોઈ પણ નબળી ગુણવત્તાની રણની જમીનને ફક્ત સાત જ કલાકમાં ઊચું ઉત્પાદન આપતી ખેતીમાં ફેરવી શકીએ છીએ."

ક્રિસ્ટિન અને તેમના પુત્ર ઓલે મૉર્ટન ઓલેસેને ડેઝર્ટ કન્ટ્રૉલ નામની કંપની સ્થાપી છે.

કંપનીના સીઈઓ તરીકે કામ કરતા ઓલે કહે છે, "અમે કુદરતી માટીને પાણી સાથે મેળવીએ છીએ અને પછી તેને રણની રેતી પર પાથરીએ છીએ."

"તે રીતે અડધા મીટરનો પટ્ટો તૈયાર થાય છે, જે રેતાળ જમીનને ફળદ્રુપ બનાવે છે. રેતીના કણ બહુ છુટ્ટાછવાયા હોય છે અને તેથી તેમાં પાણી ટકી શકતું નથી."

ક્રિસ્ટનના કહેવા પ્રમાણે રેતી સાથે તમે પ્રવાહી નેનોક્લે ઉમેરો ત્યારે રેતીના છુટક કણ એકબીજા સાથે જોડાઈને ઘન બને છે. આ રીતે ઘન બનેલી રેતીમાં પાણી ટકી શકે છે અને તેના કારણે ખેતી શક્ય બને છે.


યુએઈમાં થયેલા પ્રયોગો

ફોટો લાઈન નોર્વેના વિજ્ઞાની ક્રિસ્ટિન મોર્ટન ઓલેસેન

ગયા ડિસેમ્બરમાં ફૈઝલ આ પ્રવાહી નેનોક્લેનો પ્રયોગ પોતાના ખેતરમાં કરવા માટે તૈયાર થયા હતા.

ખેતરના બે હિસ્સામાં ટમેટી, રિંગણી અને ઓકરાના છોડ વાવવામાં આવ્યાં હતાં.

તેમાંથી એક વિભાગમાં પ્રવાહી નેનોક્લેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા હિસ્સામાં એમ જ વાવેતર કરવામાં આવ્યું હતું.

ફૈઝલ કહે છે કે "પ્રવાહી નેનોક્લેની સફળતા જોઈને મને આશ્ચર્ય થયું હતું."

"પ્રવાહી નેનોક્લેને કારણે પાણીની જરૂરિયાત સીધી 50 ટકા ઘટી ગઈ. તેનો મતબલ એ કે હું એના એ જ પાણીથી ડબલ જમીનને હરિયાળી કરી શકું છું."

પ્રવાહી નેનોક્લેવાળા હિસ્સામાં માત્ર 81 ક્યુબિક મીટર પાણીની જરૂર પડી હતી, પરંતુ બીજા હિસ્સામાં 137 ક્યુબિક મીટર પાણીની જરૂર પડી હતી.

ફૈઝલ કહે છે, "હું પહેલાં જે પાણી વાપરતો હતો, તેટલા જ પાણીથી હું હવે બેગણા વિસ્તારમાં ખેતી કરી શકું છું,"

એક હેક્ટર (2.4 એકર) જમીનમાં પ્રવાહી નેનોક્લે પાથરવાનો ખર્ચ, રણની સ્થિતિ પ્રમાણે, અંદાજે સવા લાખ રૂપિયાથી છ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.

કેટલા વિશાળ વિસ્તારમાં પ્રોજેક્ટ કરવાનો છે તેના આધારે ખર્ચ નક્કી થતો હોય છે.

જોકે, તેના કારણે આ શોધનો ઉપયોગ કરવો મોંઘો પડે તેમ છે.

ખેતર જો ઢાળવાળું હોય તો દર ચાર કે પાંચ વર્ષે 15થી 20 ટકા નેનોક્લે ફરીથી પાથરવી પડે, જ્યારે ખેતર સમથળ હોય તો પ્રવાહી નેનોક્લેની ટ્રીટમેન્ટ વધુ લાંબો સમય સુધી ટકી રહે છે.

ડેઝર્ટ કન્ટ્રોલ જણાવે છે કે પ્રારંભમાં તે મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમર્શિયલ ધોરણે ખેતી કરનારા લોકોનો સંપર્ક કરશે, પણ આગળ જતા નાના ખેડૂતોને પણ પરવડે તેવા દરે આ ટ્રીટમેન્ટ આપવા માગે છે.

ક્રિસ્ટિન કહે છે કે ઉજ્જડ વિસ્તારના ખેડૂતો માટે "આ એક ગેમ ચેન્જર" શોધ છે.

(ક્લાઇમેટ ચેન્જ અંગેની અમારી સિરિઝ, જેમાં પરિવર્તન લાવનાર વ્યક્તિઓ અને વિચારો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે, તેના ભાગ રૂપે આ લેખ તૈયાર થયો છે. બીબીસીની આ સિરિઝ સ્કોલ ફાઉન્ડેશન તરફથી મળેલા ફંડની સહાયથી તૈયાર થઈ છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ