ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સાથેની મિટિંગ રદ કરી અમેરિકાને આપી ચેતવણી

દક્ષિણ અને ઉત્તર કોરિયાના વડા Image copyright Getty Images
ફોટો લાઈન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન અને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉન

ઉત્તર કોરિયાએ બુધવારના દિવસે દક્ષિણ કોરિયા સાથે યોજાનારી ઉચ્ચ સ્તરની વાટાઘાટોને રદ કરી નાખી છે.

આ માટેનું કારણ દક્ષિણ કોરિયાનો અમેરિકા સાથે મળીને થનારો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે.

ઉત્તર કોરિયાની સરકારી સમાચાર સંસ્થા KCNA જણાવ્યું હતું કે, આ સૈન્ય અભ્યાસ એક પ્રકારની ઉશ્કેરણી છે અને ઉત્તર કોરિયામાં ઘૂસણખોરી કરવા માટેનું રિહર્સલ છે.

તેણે અમેરિકાને પણ ચેતવણી આપી છે કે, આ સંયુક્ત સૈન્ય અભ્યાસથી 12 જૂને સિંગાપોરમાં કિમ જોંગ-ઉન અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ થનારી ઐતિહાસિક મુલાકાતની શક્યતાઓ પર અસર પડી શકે છે.

માર્ચ 2018માં કિમ જોંગ-ઉનને મળવાનું આમંત્રણ સ્વીકારીને ટ્રમ્પે વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું હતું.

ત્યારબાદ ટ્રમ્પે ટ્વીટ પણ કર્યું હતું કે, "અમે બન્ને એ મુલાકાતને વિશ્વ શાંતિ માટે એક વિશેષ ઘટના બનાવવાનો પ્રયાસ કરીશું."

Image copyright Getty Images

ઉત્તર કોરિયાના આ નિર્ણય બાદ અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે તે હજી પણ ટ્રમ્પ-કિમની મુલાકાતની તૈયારી કરી રહ્યા છે. તેમને ઉત્તર કોરિયાના વલણમાં થયેલા કોઈ ફેરફાર વિશે માહિતી ન હોવાનું જણાવ્યું.


આ બેઠકમાં શું ચર્ચા થવાની હતી?

ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે થનારી આ બેઠક એ 27 એપ્રિલે યોજાયેલી મુલાકાત બાદ બન્ને દેશો વચ્ચેની વાતચીતને આગળ લઈ જવા માટે નિર્ધારિત કરવામાં આવી હતી.

અઠવાડિયા અગાઉ આ બન્ને દેશોએ નક્કી કર્યું હતું કે તેમના અધિકારીઓ અસૈન્યીકૃત વિસ્તાર પનમુનજોમમાં બુધવારે મળશે. પનમુનજોમ કોરિયા દ્વિપમાં એકમાત્ર એવું સ્થળ છે, જ્યાં ઉત્તર અને દક્ષિણ કોરિયા તથા અમેરિકાના સૈનિકો એકબીજાને મળે છે. વર્ષ 1953 બાદ અહીં યુદ્ધવિરામ લાગુ કરાયો છે.

કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના વડા મૂન જે-ઇને દ્વિપક્ષીય મુલાકાત બાદ કોરિયાઈ દ્વીપકલ્પને પરમાણુ હથિયારોથી મુક્ત કરવાના મુદ્દે સહમતી દર્શાવી હતી.

બન્ને દેશોએ વર્ષ 1953ના યુદ્ધવિરામને ઔપચારિકરીતે આ વર્ષે શાંતિ સંધિમાં બદલવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.


ઉત્તર કોરિયાને શું વાંધો પડ્યો?

Image copyright Getty Images
ફોટો લાઈન અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ભારપૂર્વક જણાવ્યું છે આ સંયુક્ત સૈન્ય અભ્યાસ માત્ર રક્ષાના હેતુસર છે

અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસથી ઉત્તર કોરિયા ઘણી વખત ગુસ્સે થાય છે.

હાલમાં થઈ રહેલા સૈન્ય અભ્યાસને 'મેક્સ થંડર' નામ આપવામાં આવ્યું છે. તેમાં 100 યુદ્ધ વિમાનો છે, જેમાં B-52 અને F-15K જેટ વિમાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ