'મેં 100થી વધુ લોકોને મારી નાખ્યા પણ મને તેનો પસ્તાવો નથી'

પ્રતિકાત્મક તસવીર

છેલ્લાં સાત વર્ષથી સીરિયામાં લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. પ્રમુખ બશર અલ-અસદની સરકાર, બળવાખોર જૂથો અને ઇસ્લામિક સ્ટેટના જેહાદીઓ એમ બંનેની સામે એક સાથે લડી રહી છે.

ઉત્તરમાં આવેલું રક્કા શહેર રણમેદાન થઈ ગયું છે, કેમ કે અહીં એકથી વધારે જૂથો લડી રહ્યાં છે.

શાંતિમય રીતે વિરોધ પ્રદર્શન કરનારી એક વ્યક્તિ કેવી રીતે લોહિયાળ જંગમાં જોડાઈ અને હત્યારી બની તેની આ કથા છે.

ચેતવણીઃ આ લેખમાં ત્રાસ આપવાનું વર્ણન આવે છે, જે કેટલાક વાચકો માટે અસહ્ય બની શકે છે. કેટલાંક નામો બદલી નખાયાં છે કે દૂર કરાયાં છે.

હત્યાઓથી રક્તરંજિત થયેલા રક્કા શહેરમાં એક દિવસ અચાનક ખાલેદ (આ તેનું સાચું નામ નથી) જાગ્યો અને હત્યારો બની ગયો તેવી સાવ સાદી વાત આ નથી.

હત્યારો બનવા માટે તેને વિશેષ આમંત્રણ પાઠવાયું હતું.

છ લોકોને આદેશ અપાયો હતો કે તમારે વાયવ્ય સીરિયામાં આવેલા અલેપ્પો શહેરના એરફિલ્ડ પર હાજર થવાનું છે.

એક ફ્રેન્ચ ટ્રેઇનર તેમને પિસ્તોલ, સાયલન્સર સાથેની ગન અને સ્નાઇપર રાઇફલ્સથી હત્યાઓ કરવાનું શીખવવાનો હતો.

પદ્ધતિસર હત્યા કરવાનું તેમને શીખવવામાં આવ્યું. તે માટે કેદીઓમાંથી તેમના શિકાર પસંદ કરવામાં આવ્યા હતા.


પકડાયેલા સૈનિકો પર નિશાન તકાતું

Image copyright AFP

ખાલેદ કહે છે, "અમે પકડાયેલા સૈનિકોને સામે રાખીને નિશાનાબાજી શીખતા હતા. તેમને એવી જગ્યાએ છુપાવીને રખાતા કે તમારે સ્નાઇપરથી તેને મારવા પડે."

"અથવા પકડાયેલા કેટલાક લોકોનું જૂથ મોકલવામાં આવતું અને તેમાં બીજા કોઈને ઈજા ના થાય તે રીતે એકને જ ગોળી મારવાનું શીખવવામાં આવતું હતું."

"મોટાભાગે મોટરસાઇકલ પર બેસીને હત્યા કરવાની રહેતી હતી. કોઈ એક વ્યક્તિ મોટરસાઇકલ ચલાવે અને તમારે પાછળ બેસીને ગોળી મારવાની. તમારે તમારા શિકારની કાર નજીક પહોંચી જવાનું, પછી ઠાર કરી દેવાનો કે જેથી છટકી ના જાય."

તમે આ વાંચ્યું કે નહીં?

શિકારની આસપાસ બીજા લોકો હોય અને તેના સુધી પહોંચી શકાય તેમ ના હોય ત્યારે તેને એક બાજુ તારવવાનું પણ તે શીખ્યો હતો.

કારનો કૉન્વૉય જતો હોય ત્યારે તેને વીખેરી નાખવાનો એટલે સાથે રહેલો હત્યારો શિકારને ઝડપીને ખતમ કરી શકે.

આ એક ક્રૂર લોહિયાળ તાલીમ હતી. પણ અહરાર અલ-શામના લીડરોને તેમા ફાવટ આવી ગઈ હતી.


એક દિવસ ખાલેદ પકડાઈ ગયો

Image copyright AFP

2013ના મધ્યમાં સીરિયાની સેનાએ રક્કામાંથી પીછેહઠ કરી હતી અને આ ઉગ્રવાદી ઇસ્લામી જૂથના હાથમાં શહેરનો કબજો આવી ગયો હતો.

તે પોતાના હરીફોને વીણીવીણીને સાફ કરી દેવા માગતું હતું. આ જૂથના કમાન્ડરોમાં એક હતો ખાલેદ. રક્કાની સુરક્ષા કચેરીનો હવાલો તેને સોંપાયો હતો.

જોકે બીબીસી સાથે વાતચીત કરતી વખતે ખાલેદ દાવો કરે છે કે 2011માં સિરિયાની ક્રાંતિ વખતે પ્રથમવાર નાગરિકોના ભોગ લેવાનું શરૂ થયું ત્યારે તે શાંતિનો ચાહક હતો.

તે વખતે એ પ્રવાસ આયોજક તરીકે કામ કરતો ખાલેદ કહે છે, "હું થોડો ધાર્મિક પણ હતો, પણ બહુ ચુસ્ત નહોતો."

સરકાર વિરોધી દેખાવોમાં તે પહેલીવાર જોડાયો તે વખતની સ્થિતિને યાદ કરતા તે કહે છે, "એક તરફ સ્વતંત્ર થવાની જોરદાર લાગણી હતી અને સાથોસાથ સત્તાધીશોનો ડર પણ લાગતો હતો."

"અમને લાગતું હતું કે અમે અમારા દેશ માટે કશુંક કરી રહ્યા છીએ. સ્વતંત્રતા માટે અને અસદ સિવાયના બીજા કોઈને પ્રમુખ તરીકે પસંદ કરવા માટે અમે લડી રહ્યા હતા."

"અમારું જૂથ બહુ નાનું હતું, જેમાં 25-30થી વધારે માણસો નહોતા. શરૂઆતમાં વિરોધ પ્રદર્શન વખતે કોઈએ હથિયારો ઉપાડવાનું વિચાર્યું નહોતું."

"અમારી તે માટે હિંમત જ નહોતી, પરંતુ સલામતી દળના જવાનો લોકોને પકડી લેતા હતા અને તેમને મારતા હતા."

એક દિવસ ખાલેદ પણ તેમના હાથે ઝડપાઈ ગયો.

ખાલેદ કહે છે, "તેઓ મને મારા ઘરેથી ઉપાડીને ક્રિમિનલ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા."

"ત્યાંથી પછી બીજે પોલિટિકલ સિક્યુરિટી અને સ્ટેટ સિક્યુરિટી એવા વિભાગોમાં લઈ ગયા... ને છેલ્લે મને કેન્દ્રીય જેલમાં મોકલી દેવાયો. એક મહિના પછી મને ત્યાંથી છોડવામાં આવ્યો હતો."


'મારી હાલત જોઈને મારા સાથીઓ રડી પડ્યા'

પોતાની વાત આગળ વધારતા તે કહે છે, "હું કેન્દ્રીય જેલમાં પહોંચ્યો ત્યાં સુધીમાં હું બરાબર ચાલી પણ ના શકું તેવી મારી હાલત થઈ ગઈ હતી. પીઠમાં સતત દુઃખાવાના કારણે સુઈ શકતો નહોતો."

ખાલેદ કહે છે તેને ત્રાસ આપવામાં સૌથી ક્રૂર હતો ક્રિમિનલ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટનો એક ગાર્ડ, જેણે ખાલેદને પ્રમુખ અસદની તસવીર સામે ઘૂંટણીયે પડવાની ફરજ પાડી હતી.

તેણે કહ્યું, "તારો ભગવાન મરી જશે, પણ તે નહીં મરે. ભગવાન ખતમ થઈ જાય છે, પણ અસદ સદાયને માટે છે."

"એકાંતરે તેની શિફ્ટ આવતી હતી. તેનો વારો આવે ત્યારે મને થતું કે તે મને ત્રાસ આપશે જ."

"તે મને હાથમાં સાંકળ બાંધીને સીલિંગથી લટકાવતો હતો. એ મને કપડાં કઢાવી નખાવતો અને કારપેટ પર સુવડાવીને મારી પીઠ પર ચાબુક ફટકારતો.

તે મને કહેતો, "હું તને ધિક્કારું છું. ધિક્કારું છું તને. તું મરી જા તો સારું. મારા હાથે તું મરી જા તો સારું."

"તેની કેદમાં મારી હાલત લકવાગ્રસ્ત જેવી થઈ ગઈ હતી. આખરે મને કેન્દ્રીય જેલમાં મોકલાયો ત્યારે મારા સાથી કેદીઓ મારી હાલત જોઈને રડી પડ્યા હતા. મને સ્ટ્રેચરમાં નાખીને જેલમાં લઈ જવાયો હતો."

"તે વખતે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે અલ્લા મને જીવતો છોડશે તો હું ગમે ત્યાંથી શોધીને આ ગાર્ડને પતાવી દઈશે. તે દમાસ્કસ જશે તો ત્યાં જઈને પણ તેની હત્યા કરીશ."

ખાલેદને જેલમાંથી છોડવામાં આવ્યો તે પછી તે સરકાર સામેની સશસ્ત્ર લડતમાં જોડાઈ ગયો.


લગ્નની લાલચ આપીને ફસાવાતા

Image copyright AFP

ઇશાન સીરિયામાં મૂકાયેલી 17મી રિઝર્વ ડિવિઝનમાંથી તેણે સૈનિકોનો બળવો કરાવ્યો હતો.

ડિવિઝનમાં રહેલા સૈનિકોમાંથી કેટલાકનું તેણે અપહરણ પણ કર્યું હતું. તેની પાસેથી મળેલી વસ્તુઓ વેચીને બંદૂકો ખરીદવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શન કરનારા પર ત્રાસ કરનારા કેટલાકને લલચાવવા માટે ખાલેદ ક્યારે ખૂબસૂરત મહિલાઓનો પણ સાથ લેતો હતો.

તેમને લગ્નની લાલચ આપીને ફસાવી દેવાતા હતા. જોકે તેમની હત્યા નહોતી કરવામાં આવતી, પરંતુ તેમની કબૂલાતના વીડિયો બનાવી લેવાતા હતા.

વીડિયોઝ એવા માટે ફરતા કરી દેવાતા એ લોકો ફરી ક્યારેય અસદ માટે સેનામાં કામ કરી શકે નહીં.

ખાલેદે પહેલીવાર અપહરણ કર્યું ત્યારે તેના બદલામાં તેણે 15 કાલાશ્નિકોવ અથવા તો તેને ખરીદવા માટેના નાણાંની માગણી કરી હતી.

જોકે, ખાલેદ પેલા ગાર્ડની ક્યારેય દયા ખાવાનો નહોતો. "ક્રિમિનલ સિક્યુરિટી ડિપાર્ટેમેન્ટ કામ કરતો તે ગાર્ડ ક્યાં છે તે હું સતત જાણકારોને પૂછતો રહેતો હતો.''


'આખરે એ મળી ગયો...'

Image copyright Alamy

ખાલેદ કહે છે, "આખરે તેને શોધી કાઢ્યો અને તેની પાછળ તેના ઘરે પહોંચીને તેને ઠાર કરી દીધો. હું તેના કબજામાં હતો ત્યારે તેણે મને જે કહ્યું હતું તે મેં તેને યાદ કરાવ્યું હતું."

"તે મને કહેતો હતો કે તું જીવતો આ કેદમાંથી બહાર નીકળે અને મને પકડી પાડે તો મારા પર દયા ના ખાતો. મેં એવું જ કર્યું અને તેના પર દયા ખાધી નહોતી."

"હું તેને કેન્દ્રીય જેલ પાસે આવેલા એક ખેતરમાં લઈ ગયો. આ વિસ્તાર અમે મુક્ત કરાવ્યો હતો."

"મેં કતલ કરવાના છરાથી તેના હાથ કાપી નાખ્યા. તેથી જીભ બહાર કાઢીને કાતરથી તેને કાપી નાખી. મારો રોષ હજીય શમ્યો નહોતો."

"આખરે તેણે પોતાને મારી નાખવાની ભીખ માગી ત્યારે મેં તેને મારી નાખ્યો. મારે બદલો લેવાનો હતો એટલે કોઈ ડર વિના મેં તેને પતાવી દીધો."

"મેં તેને અનેક રીતે ત્રાસ આપ્યો, પણ મને તેનો કોઈ અફસોસ નથી. જો તે પાછો જીવતો થઈને આવે તો ફરી આવી જ ક્રૂરતાથી હું તેને તડપાવી તડપાવીને મારું."

"આ ગાર્ડ લોકોને પકડીને મારે છે અને ત્રાસ આપે છે તેવી ફરિયાદ કરવાનું કોઈ સ્થાન હોત તો મેં આવું ના કર્યું હોત. પણ કોઈ ફરિયાદ સાંભળનારું નહોતું કે તેને અટકાવી શકે તેવું કોઈ નહોતું."

ખાલેદને ક્રાંતિમાં રહેલો વિશ્વાસ ઊઠી ગયો હતો. તેના માટે અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ રોજિંદી બની ગઈ હતી.

આગળ જતાં તે આનાથીય ખતરનાક ભૂમિકા ભજવવાનો હતો. તે આગળ જતા જેહાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)નો હત્યારો બનવાનો હતો.

"આઇએસ સાથે મેં મિત્રતા કેળવી... તે પછી તેમને ખતમ કરી નાખ્યા"

મિત્રતા અથવા દગાખોરી, વ્યૂહરચનાના મુદ્દે થયેલા ઝઘડા અને સત્તાના સંતુલનમાં પરિવર્તનના કારણે સીરિયાના ઘણા બળવાખોરો જૂથો બદલતા રહેતા હતા. ઘણા વારંવાર જૂથો બદલતા હતા.

આવી સ્થિતિમાં ખાલેદે પણ તેમને હત્યારા તરીકે તાલીમ આપનારા અહરાર અલ-શામ જૂથને છોડી દીધું અને અલ-નુસરા જૂથ સાથે જોડાઈ ગયો.


લોકોનો જાહેરમાં શિરચ્છેદ કરાતો

Image copyright AFP

તે વખતે સિરિયામાં અલ-કાયદા સાથે આ જૂથ સત્તાવાર રીતે સંકળાયેલું હતું.

જોકે, 2014 સુધીમાં ઇસ્લામિક સ્ટેટ, જેને ખાલેદ અને બીજા લડાકુઓ સામાન્ય જૂથ સમજતા હતા તેણે રક્કામાંથી બીજા બળવાખોર જૂથોને ખદેડી દીધાં.

રક્કા આઇએસની 'ખિલાફત'નું બિનસત્તાવાર પાટનગર બની ગયું હતું.

ઉગ્રવાદીઓ જાહેરમાં શિરચ્છેદ કરીને, સૂળીએ ચડાવીને કે ત્રાસ વર્તાવી નાગરિકોને ભયભીત કરતા હતા.

ખાલેદ કહે છે કે "આઇએસ સાવ વાહિયાત કારણોસર લોકોની મિલકતો પડાવી લેતું હતું અને તેમને જેલમાં નાખી દેતું હતું કે હત્યા કરી દેતું હતું."

"ઓહ મુહમ્મદ એવું તમે બોલો તો તમે અપમાન કર્યું છે એમ કરીને હત્યા કરી નાખતા હતા. ફોટા લો કે મોબાઇલ વાપરો તો પણ સજા કરાતી હતી. ધૂમ્રપાન કરો તો સીધા જેલમાં મોકલી આપે. હત્યા, લૂંટફાટ, બળાત્કાર તેઓ બધું જ કરતા હતા."

"તે લોકો નિર્દોષ નારી પર વ્યભિચારનો આરોપ મૂકીને તેમને પથ્થરોથી મારી નાખવાની સજા કરતા અને બાળકોને તે દેખાડતા હતા. હું મારા બાળકોની સામે મરઘીની પણ કતલ ના કરું."

"જેહાદી જૂથો રીઢા બળવાખોર નેતાઓને નાણાં અને ઊંચી પદવીઓ આપીને લલચાવતા હતા."

ખાલેદને પણ એ જ રીતે 'સુરક્ષા વિભાગના વડા'ની પદવી ઓફર કરાઈ હતી. તેના હાથ નીચે આઇએસના લડાકુઓને મૂકવામાં આવ્યા હતા.


'હું ડબલ એજન્ટ બની ગયો'

Image copyright Getty Images

ખાલેદને ખ્યાલ હતો કે ના પાડવાથી સીધું મોત જ મળવાનું હતું. તેથી ખાલેદે સમાધાન કરીને વાત સ્વીકારી લીધી.

ખાલેદ કહે છે, "હું તે માટે તૈયાર થઈ ગયો, પણ તે પહેલાં મે અલ-નુસરા જૂથના એક પીઢ નેતા અબુ અલ-અબ્બાસની મંજૂરી લીધી હતી."

"એ રીતે હું ડબલ એજન્ટ બની ગયો હતો. મેં આઇએસ સાથે મિત્રતાનો દેખાવ કર્યો પણ ખાનગીમાં હું તેમના માણસોને ઉપાડી જતો હતો અને તેમની પૂછપરછ કરતો હતો."

"તે પછી તેમને પતાવી દેતો હતો. મેં પહેલીવાર એક સીરિયનનું અપહરણ કર્યું હતું. તે આઇએસના ટ્રેનિંગ કેમ્પનો વડો હતો."

"અબુ અલ-અબ્બાસ મને કહે તેટલી માહિતી હું આઇએસને પહોંચાડી દેતો હતો. તેમાંથી ઘણી માહિતી સાચી નીકળતી હતી, જેથી આઇએસ મારા પર વિશ્વાસ કરતું હતું. એ જ વખતે હું તેમની ખાનગી વાતો પણ જાણી લેતો હતો."

આઇએસ પર જાસૂસી કરવા પાછળ અલ-નુસરાનો ખાસ ઇરાદો હતો.

આઇએસના નેતા અબુ બકર અલ-બગદાદીએ 2013માં બંને જૂથોને એક કરી દેવાની જાહેરાત કરી હતી, પણ અલ-નુસરાને તે સામે વાંધો હતો. અલ-નુસરાએ બીજા જૂથો સાથે જોડાણ કર્યું હતું.


'તેને ઘરમાં ઘૂસીને મારી નાખ્યો'

Image copyright Getty Images

ખાલેદે કરેલા નિર્ણયના કારણે તેના માથે મોત તોળાવા લાગ્યું હતું. જોકે તેનું મોત ના આવ્યું, પણ તે બીજાની હત્યા કરતો રહ્યો હતો.

આઇએસ ખાતર તેણે જુદા જુદા લોકોનાં ઘરોમાં ઘૂસીને હત્યાઓ કરી હતી. સાયલન્સર વાળી પિસ્તોલ સાથે 16 જેટલા લોકોની હત્યાઓ કરી.

ખાલેદ કહે છે કે આ લોકોએ પૈસા ખાતર તેમનો ધર્મ વેચી નાખ્યો હતો.

પશ્ચિમના ટેકા સાથે પ્રથમ જે જૂથોએ સીરિયન સરકાર પાસેથી રક્કા પડાવી લીધું હતું તે અહરાર અલ-શામ અને ફ્રી સિરિયન આર્મી સાથે આ લોકોએ દગો કર્યો હતો તેમ ખાલેદ માનતો હતો.

તેનો ભોગ બનેલો એક માણસ અલ-બાબનો ઇસ્લામિક સ્કોલર હતો. "મેં તેનો દરવાજો ખખડાવ્યો. તેણે દરવાજો ખોલ્યો એટલે તેના માથે ગન રાખીને અંદર ઘૂસી ગયો. તેની બેગમ બૂમો પાડવા લાગી, કેમ કે તેને ખ્યાલ આવી ગયો કે હું તેને મારી નાખીશ."

"હું કશું કહું તે પહેલાં તેણે મને પૂછ્યું, તમારે શું જોઈએ છે? પૈસા જોઈએ છે? આ રહ્યા પૈસા લઈ જાવ. જે જોઈએ તે લઈ જાવ. મેં કહ્યું, ના મારે પૈસા નથી જોઈતા. મેં તેની બેગમને બીજા રૂમમાં પૂરી દીધી."

"તે પછી તેણે ફરીથી કહ્યું, 'આ પૈસા લઈ જાવ, તમારી ઇચ્છા હોય તો મારી સામે મારી પત્ની સાથે સૂઈ શકો છો, પણ મને મારશો નહીં. તેની આવી વાતો સાંભળીને મેં આખરે તેને મારી જ નાખ્યો."

રક્કામાં મૂકાયેલા આઇએસના આમિરને નવીનતા ગમતી હતી. લાલચ આપીને જે લોકોને પોતાની સાથે લીધા હતા તેને તે વારાફરતી ખતમ કરતો હતો અને તેની જગ્યાએ નવાને મૂકતો હતો.


'લોકોને મારવા બદલ મને કોઈ પસ્તાવો નથી'

Image copyright Getty Images

ક્યારેક તે માટે અમેરિકાની આગેવાની હેઠળના દળોએ કરેલા બોમ્બમારાનું બહાનું આપી દેવાતું હતું. ક્યારેક બહાનું આપવાની પણ દરકાર કરાતી નહોતી.

આઇએસ સાથે જોડાયાના એક મહિનામાં જ ખાલેદને ખ્યાલ આવી ગયો હતો કે હવે તેને પણ ખતમ કરી દેવામાં આવશે.

ખાલેદ જીવ બચાવવા માટે ભાગ્યો. પહેલાં કારમાં પૂર્વમાં આવેલા શહેર દાયર અલ-ઝૌર પહોંચ્યો. બાદમાં ત્યાંથી તુર્કી પહોંચી ગયો.

ખાલેદને પૂછવામાં આવ્યું કે શું તને પસ્તાવો થાય છે ખરો? તારી સામે તે કરેલા કૃત્યો બદલ ભવિષ્યમાં કામ ચાલશે એમ તને લાગે છે?

ખાલેદ જવાબમાં ફક્ત એટલું જ કહે છે, "મારા મનમાં ફક્ત એટલા જ વિચારો ચાલતા હતા કે કઈ રીતે છટકી જવું અને જીવતા રહેવું.''

"મેં જે કંઈ કર્યું તે કોઈ ગુનો નથી. કોઈ તમારી સામે હથિયાર ધરીને તમારા પિતાને માર મારે, તમારા ભાઈને અને સગાને મારી નાખે, ત્યારે તમે ચૂપ બેસી શકો નહીં. કોઈ તાકાત તમને અટકાવી શકે નહીં."

"મેં જે કંઈ કર્યું તે સ્વબચાવમાં કર્યું હતું. સત્તાધીશો સામે અને આઇએસ સામેની લડાઈમાં મેં એકસોથી વધુ લોકોની હત્યાઓ કરી છે, પણ મને તેનો કોઈ અફસોસ નથી, કેમ કે અલ્લા જાણે છે કે મેં ક્યારેય કોઈ નાગરિક કે નિર્દોષની હત્યા કરી નથી."

"હું અરીસા સામે જોઉં ત્યારે મને એક રાજકુમાર જેવું લાગે. તે પછી હું સારી રીતે ઊંઘી જાઉં છું, કેમ કે મને મારી નાખવા માટે જેમને કહેવાયું હતું તે બધા ખતમ કરવા લાયક જ હતા."

"મેં સીરિયા છોડી દીધું તે પછી હું પણ હવે નાગરિક બની ગયો છું. હવે આજે મારી સાથે કોઈ ખરાબ વર્તન કરે તો હું એટલું જ કહું છું - "હશે, તમે કહો તેમ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ