ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષઃ હિંસાના પડછાયા હેઠળ ગાઝામાં કેવું છે જીવન?

પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટી ચારે તરફથી ઘેરાયેલો જમીનનો એક નાનો ટુકડો છે. લગભગ 41 કિલોમીટર લાંબી અને 10 કિલોમીટર પહોળી ગાઝા પટ્ટીમાં 19 લાખ લોકો વસે છે. જમીનનો આ નાનો એવો ટુકડો એક તરફ ભૂમધ્ય સાગર, તો બીજી તરફ ઇઝરાયલથી ઘેરાયેલો છે. તેની દક્ષિણ સરહદ ઇજિપ્ત સાથે મળે છે.

ગાઝા પટ્ટીનો મેપ

ક્યારેક ગાઝા પર ઇજિપ્તનો કબજો હતો. પરંતુ 1967ના મધ્ય-પૂર્વના યુદ્ધમાં ગાઝા પટ્ટી પર ઇઝરાયલે કબજો મેળવી લીધો.

ઇઝરાયલે પોતાના સૈનિકો સાથે આશરે 7 હજાર લોકોને ગાઝામાં વસાવ્યા હતા. જોકે, 2005માં તેમને હટાવી લીધા હતા.

આજની તારીખમાં ગાઝાનું વહીવટ પેલેસ્ટાઇનના હાથમાં છે. 2007થી 2014 વચ્ચે ગાઝા પર પેલેસ્ટાઇનના ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન હમાસની સરકાર રહી હતી.

હમાસે 2006માં પેલેસ્ટાઇન વિધાનસભાની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી, પરંતુ ત્યારબાદ તેમનો વિરોધી પાર્ટી વચ્ચે હિંસક ટકરાવ થયો હતો.

જ્યારે હમાસે ગાઝા પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું, તો ઇઝરાયલે આ વિસ્તારમાં નાકાબંધી કરવાનું શરૂ કરી દીધું હતું.

માણસ હોય કે સામાન, ગાઝા આવવા અને જવા પર ઇઝરાયલે તમામ પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા.

આ તરફ ઇજિપ્તે ગાઝાની દક્ષિણ સીમા પર નાકાબંધી કરી દીધી હતી.

2014માં હમાસ અને ઇઝરાયલ વચ્ચે ઘણા દિવસો સુધી હિંસક અથડામણ ચાલતી રહી.

ઇઝરાયલે ગાઝાથી રોકેટ હુમલા રોકવાના પ્રયાસ કર્યા. આ તરફ હમાસ પોતાને બચાવવા પ્રયાસ કરી રહ્યું હતું.

અવર-જવરની સ્વતંત્રતા

ઇમેજ કૅપ્શન,

વર્ષ 2007માં હમાસના હાથમાં સત્તા આવ્યા બાદ ઇજિપ્તે પોતાની સરહદો લગભગ બંધ કરી દીધી છે

નાકાબંધીના કારણે ગાઝાની હાલત પહેલાથી જ ખરાબ હતી, પરંતુ 2013માં ઇજિપ્તે ગાઝા સાથેની રફાની સીમા પર નાકાબંધી વધારે કડક કરી દીધી હતી.

પરિણામ એ આવ્યું કે ગાઝામાં અવર-જવર કરવામાં મુશ્કેલી થવા લાગી.

ઇજિપ્તે ગાઝા અને ઇજિપ્તની સીમા પર સામાનની દાણચોરી માટે બનાવાયેલી સુરંગ તરફ પણ કડક વલણ અપનાવ્યું. સરહદ પર વધારે પ્રતિબંધો લગાવી દીધા.

ઓક્ટોબર 2014થી ઇજિપ્તે ગાઝા સાથે જોડાયેલી સીમાને લગભગ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ઇજિપ્ત આ સરહદને ખૂબ જ અસાધારણ પરિસ્થિતિમાં જ ખોલે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઑફિસ ફોર ધ કોઑર્ડિનેશન ઑફ હ્યૂમનિટેરિયન અફેર્સના જણાવ્યા પ્રમાણે રફાની સરહદને ઇજિપ્તે એપ્રિલ 2018માં માત્ર 17 દિવસો માટે ખોલી હતી.

આ સમયે 23 હજાર લોકોએ આ સરહદ પાર કરવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમને કાઢવા માટે જ ઇજિપ્તે આ સીમા ખોલી હતી.

ઉત્તરમાં ઇઝરાયલ સાથેની ઇરેઝ બોર્ડરની વાત કરવામાં આવે તો આ વર્ષે ત્યાંથી અવર-જવર 2017ની સરખામણીએ વધી છે. પરંતુ આ સંખ્યા નાકાબંધીના પહેલાંના સમયથી હજુ પણ ઘણી ઓછી છે.

2017 પહેલાના છ મહિનામાં ઇઝરાયલના રસ્તે ગાઝાથી બહાર જતા પેલેસ્ટાઇનના લોકોની સંખ્યા 240 કરતાં પણ ઓછી હતી. જ્યારે સપ્ટેમ્બર 2000માં આ સંખ્યા દરરોજ આશરે 26 હજાર જેટલી હતી.

ગાઝાની અર્થવ્યવસ્થા

90ના દાયકાની સરખામણીએ આજે ગાઝા પટ્ટી ભારે ગરીબીનો સામનો કરી રહી છે.

વિશ્વ બૅન્કના રિપોર્ટ પ્રમાણે, 2017માં ગાઝાની અર્થવ્યવસ્થાનો વિકાસ દર માત્ર 0.5 ટકા રહ્યો હતો.

1994માં ગાઝામાં વાર્ષિક પ્રતિ વ્યક્તિ આવક જ્યાં 2,659 ડોલર હતી, 2018માં તે ઘટીને વાર્ષિક 1,826 ડોલર જ રહી ગઈ છે.

2017ના વિશ્વ બૅન્કના આંકડા જણાવે છે કે ગાઝા પટ્ટીમાં બેરોજગારી દુનિયામાં સૌથી વધારે છે.

ગાઝામાં આ સમયે બેરોજગારીનો દર 44 ટકા છે, જે પેલેસ્ટાઇનના બીજા ભાગ વેસ્ટ બૅન્કની સરખામણીએ બે ગણો વધારે છે.

તેમાં પણ યુવાનોમાં બેરોજગારીનો દર આશરે 60 ટકા છે, જે વધારે ચિંતાનો વિષય છે.

નવા આંકડા પ્રમાણે ગાઝા પટ્ટીમાં ગરીબીનો દર 39 ટકા છે, જે વેસ્ટ બૅન્કના વિસ્તારથી બે ગણા કરતાં પણ વધારે છે.

વિશ્વ બૅન્કનું માનવું છે કે જો સંયુક્ત રાષ્ટ્રની રિલીફ ઍન્ડ વર્ક એજન્સી તરફથી ગાઝાના લોકોને સામાજિક રાહતના નામે મદદ ન મળે, તો ત્યાં ગરીબીના દરમાં વધારો થઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રની રાહત એજન્સીનું કહેવું છે કે ગાઝાની 80 ટકા વસતિ આ જ સામાજિક સહયોગના ભરોસે છે.

ગાઝામાં શિક્ષણની પરિસ્થિતિ

ઇમેજ કૅપ્શન,

મોટાભાગના બાળકો સંયુક્ત રાષ્ટ્ર સંચાલિત સ્કૂલોમાં ભણે છે

ગાઝાની શિક્ષણ વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સારી નથી.

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNRWAના આધારે, ગાઝાની 94 ટકા સ્કૂલ્સ 'ડબલ શિફ્ટ'માં ચાલે છે. એટલે કે કેટલાંક બાળકોને સવારે તો કેટલાંક બાળકોને બપોર બાદ સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવે છે.

ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રની મદદથી 250 સ્કૂલ્સ ચાલે છે. તેના કારણે અહીં સાક્ષરતા દર 97 ટકા સુધી છે. પરંતુ જે સ્કૂલ સંયુક્ત રાષ્ટ્રની મદદ વગર ચાલે છે, તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે.

2014માં ઇઝરાયલ સાથે હિંસક અથડામણોના કારણે 547 સ્કૂલ્સને પણ નુકસાન પહોંચ્યું હતું. તેમાં નર્સરીથી માંડીને કૉલેજ પણ સામેલ હતી. તેમનું સમારકામ હજુ સુધી થઈ શક્યું નથી.

જેના કારણે હાલ બાકી રહેલી સ્કૂલ્સમાં બાળકોની સંખ્યા વધી રહી છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘનો રિપોર્ટ કહે છે કે 2017માં ગાઝાની સ્કૂલોની દરેક ક્લાસમાં સરેરાશ 40 બાળકો ભણે છે.

સંયુક્ત રાષ્ટ્રના ફંડ ફૉર પોપ્યુલેશન એક્ટિવિટીઝના રિપોર્ટ પ્રમાણે 2015માં ગાઝામાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 લાખ 30 હજાર હતી.

2030માં તે વધીને 12 લાખ સુધી પહોંચવાનું અનુમાન છે. તેનો મતલબ છે કે 2030 સુધી ગાઝા પટ્ટીને 900 નવી સ્કૂલ્સ અને 23 હજાર કરતાં વધારે શિક્ષકોની જરૂર પડશે.

ગાઝાની વસતિની પરિસ્થિતિ

ગાઝા પટ્ટી વસતિના આધારે દુનિયાના સૌથી ગીચ વિસ્તારમાંનો એક છે.

અહીં એક વર્ગ કિલોમીટર વિસ્તારમાં આશરે 5,479 લોકો રહે છે. 2020 સુધી આ સંખ્યા 6,197 સુધી પહોંચવાનું અનુમાન છે.

હાલ ચાલી રહેલા દાયકાના અંત સુધી અહીંની વસતિ 22 લાખ સુધી પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે 2030 સુધી 31 લાખ થઈ શકે છે.

2014માં ઇઝરાયલે ગાઝા અને પોતાના વચ્ચે એક બફર ઝોન બનાવી દીધો હતો. તેનો ઉદ્દેશ પોતાને રોકેટ હુમલા અને દાણચોરી માટે ઉપયોગમાં લેવાતી સુરંગોથી બચાવવાનો હતો.

આ બફર ઝોનના કારણે ગાઝાના લોકોની રહેવા તેમજ ખેતી માટે જમીન વધારે ઓછી થઈ ગઈ છે.

2014ની હિંસા અને વસતિ વધારાના કારણે આજે ગાઝામાં 1 લાખ 20 હજાર મકાનોની ઘટ છે.

સંયુક્ત રાષ્ટ્રના આધારે 2014ની લડાઈ બાદથી લઈને અત્યાર સુધી 29 હજાર લોકો બેઘર છે.

ગાઝાની વસતિ દુનિયાની સૌથી યુવા જનસંખ્યા ધરાવે છે. અહીંની વસતિમાં 40 ટકા લોકોની ઉંમર 15 વર્ષ કરતાં ઓછી છે.

ગાઝામાં સ્વાસ્થ્યની સ્થિતિ

ઇમેજ કૅપ્શન,

વીજળી અને ઈંઘણની ખામીના કારણે મેડિકલ સુવિધાઓ પ્રભાવિત રહે છે

સરહદોની નાકાબંધીના કારણે અહીંના લોકોને સ્વાસ્થ્ય સેવાઓ મળવામાં મુશ્કેલી પડી રહી છે.

રફા સીમા પર ઇજિપ્તની નાકાબંધીના કારણે ઇલાજ માટે ઇજિપ્ત જતા લોકોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આધારે 2014 પહેલાં દર મહિને સરેરાશ આશરે 4 હજાર લોકો માત્ર ઇલાજ માટે ગાઝાથી ઇજિપ્ત જતા હતા.

ઇઝરાયલના રસ્તે પણ બહાર નીકળતા લોકોની સંખ્યા ઘટી છે. 2012માં સ્વાસ્થ્ય કારણોસર બહાર જવા માટે પાસ લેતા લોકોની સંખ્યા 93 ટકા હતી. તે 2017માં ઘટીને 54 ટકા રહી ગઈ હતી.

નાકાબંધીના કારણે ગાઝાની હૉસ્પિટલની દવાઓ અને ઇલાજ માટે જરૂરી ઉપકરણો પણ મળી શકતાં નથી.

તેમાં ડાયૅલિસિસ મશીનોથી માંડીને હૃદયરોગના ઇલાજમાં કામ લાગતાં મશીનોનો સમાવેશ થાય છે.

ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની મદદથી 22 હૉસ્પિટલ્સ ચાલે છે. પરંતુ ઇઝરાયલ સાથે લડાઈ દરમિયાન ઘણાં હૉસ્પિટલ અને ક્લિનિક્સને નુકસાન પહોંચ્યું હતું.

વર્ષ 2000થી અહીં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોની સંખ્યા 56થી ઘટીને 49 જ રહી ગઈ છે. જ્યારે આ દરમિયાન વસતિ લગભગ બેગણી વધી ગઈ છે.

અનાજનું ઉત્પાદન ઘટ્યું

ઇમેજ કૅપ્શન,

એક જમાનો હતો જ્યારે ગાઝામાં માછલીનો વેપાર સારો ચાલતો હતો

ગાઝામા રહેતાં દસ લાખ કરતાં વધારે લોકોને નિયમિત રૂપે ભોજન મળશે કે નહીં તેની કોઈ ગેરંટી હોતી નથી.

જ્યારે અહીંના મોટાભાગના લોકોને સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી ખાદ્ય સામગ્રીની મદદ મળે છે.

ખેતી અને માછીમારીને લઈને ઇઝરાયલે ગાઝાના લોકો પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવીને રાખ્યા છે.

તેનાથી ગાઝાના લોકોની સામે પડકાર પણ વધી ગયા છે.

ઇઝરાયલે સીમા પર બફર ઝોન બનાવીને રાખ્યો છે. ગાઝાના રહેવાસી આ વિસ્તારમાં ખેતી કરી શકતા નથી. આ બફર ઝોનના કારણે ગાઝામાં અનાજનું ઉત્પાદન વાર્ષિક આશરે 75 હજાર ટન સુધી ઘટી ગયું છે.

ઇઝરાયલે જે વિસ્તારમાં ખેતી પર પ્રતિબંધ લગાવ્યો છે, તે ગાઝાનો સૌથી ફળદ્રુપ વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં સિંચાઈની સુવિધા પણ છે.

તેના કારણે ગાઝાની અર્થવ્યવસ્થામાં 1994માં જ્યાં ખેતીનું યોગદાન 11 ટકા હતું, ત્યાં 2018માં તે ઘટીને માત્ર 5 ટકા રહી ગયું છે.

ઇઝરાયલે ગાઝાના રહેવાસીઓ પર માછીમારી માટે પ્રતિબંધ મૂક્યો છે. ગાઝાના લોકો કિનારાથી થોડે દૂર જઈને માછલીનો શિકાર કરી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે જો આ પ્રતિબંધ હટાવી લેવામાં આવે, તો માછીમારીના ધંધાથી ગાઝાના લોકોને રોજગારી મળી શકે છે.

તેમને માછલીઓથી સસ્તું પ્રોટીન પણ મળી શકશે.

નવેમ્બર 2012માં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ બાદ માછીમારીની હદ ત્રણ નોટિકલ માઇલથી વધારીને 6 નોટિકલ માઇલ કરી દેવાઈ હતી.

પરંતુ જ્યારે ગાઝાથી ઇઝરાયલ પર રોકેટ છોડવામાં આવે છે, ત્યારે આ સીમા ઘટાડીને ફરી 3 માઇલ કરી દેવાય છે.

જ્યારે પણ પેલેસ્ટાઇનના માછીમારો ત્રણ માઇલની હદથી બહાર જાય છે, ઇઝરાયલની નેવી તેમના પર ગોળીબાર કરે છે.

ગાઝામાં વીજળીની સ્થિતિ

ઇમેજ કૅપ્શન,

વીજકાપ ગાઝાના જીવનને ખૂબ પ્રભાવિત કરે છે

ગાઝામાં વીજકાપ સામાન્ય બાબત છે. અહીંના લોકોને દિવસમાં સરેરાશ 3થી 6 કલાક જ વીજળી મળે છે.

ગાઝાને મોટાભાગની વીજળી ઇઝરાયલ પાસેથી મળે છે. ગાઝામાં માત્ર એક જ વીજળીઘર છે.

તેને થોડી ઘણી વીજળી ઇજિપ્ત પાસેથી પણ મળે છે. પરંતુ વિશ્વ બૅન્કનું કહેવું છે કે ગાઝાને જરૂરિયાત કરતાં એક તૃતિયાંશ ભાગની જ વીજળી જ મળે છે.

ગાઝાના એકમાત્ર વીજળી ઘર અને લોકોને પોતાના જનરેટર્સ ચલાવવા માટે ડીઝલની જરૂર પડે છે. ડીઝલ ખૂબ મોંઘુ છે અને મળે પણ મુશ્કેલીથી છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ગાઝાની પાસે સમુદ્રમાં ગેસનો એક વિસ્તાર છે, જેનાથી ગાઝાની વીજળીની બધી જ જરૂરિયાત પૂરી થઈ શકે છે. પરંતુ તેનો વિકાસ કરવો પડશે.

તેનાથી વીજળીની જરૂરિયાત પૂરી થયા બાદ વીજળીનો વિકાસના કાર્યોમાં ઉપયોગ કરી શકાય છે.

ગાઝા પાવર પ્લાન્ટની ડિઝાઇન શરૂઆતમાં ગેસથી ચાલવા માટે જ કરવામાં આવી હતી.

વિશ્વ બૅન્કનું માનવું છે કે જો આ પાવર પ્લાન્ટને ફરી ગેસથી ચલાવવામાં આવે તો તેનાથી લાખો ડોલરની બચત પણ થશે અને વીજળીનું ઉત્પાદન પાંચ ગણું વધી શકે છે.

ગાઝામાં પાણી અને સ્વચ્છાતાની સ્થિતિ

ઇમેજ કૅપ્શન,

ભારે વરસાદે ગાઝાની સીવેઝ સિસ્ટમને લગભગ નષ્ટ કરી દીધી છે

ગાઝામાં વરસાદ ઓછો પડે છે. તેનું પરિણામ એ છે કે અહીં ભૂગર્ભ જળના સ્તરને જાળવી રાખવા માટે તાજા પાણીનું બીજુ કોઈ માધ્યમ નથી.

આમ પણ ભૂગર્ભ જળથી પણ અહીંની પાણીની જરૂરિયાત પૂર્ણ થતી નથી.

ગાઝાના મોટાભાગના ઘરોમાં પાણીની આપૂર્તિ માટે પાઇપલાઇન નખાયેલી છે. પરંતુ વિશ્વ બૅન્કનું કહેવું છે કે નળમાં નિયમિત રૂપે પાણી આવતું નથી.

જે પાણી આવે છે તેની ક્વૉલિટી ખરાબ હોય છે. ગાઝાના 97 ટકા લોકો ટેન્કરના પાણીના ભરોસે જીવે છે.

અહીં સીવેઝની સમસ્યા ખૂબ ભયંકર છે. 78 ટકા ઘર સીવેઝ નેટવર્ક સાથે તો જોડાયેલાં છે. પરંતુ સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વધતી વસતિનો ભાર ઉઠાવી શકતા નથી.

અહીંથી દરરોજ 9 કરોડ લીટર સીવેઝ ભૂમધ્ય સાગર અને ખુલ્લા તળાવમાં વહાવી દેવાય છે.

આ સંપૂર્ણપણે સાફ હોતું નથી. તેના કારણે જમીનમાંથી કાઢવામાં આવતું 95 ટકા પાણી પણ સીવેઝના કારણે ગંદુ થઈ ગયું છે.

એક ખતરો એ પણ છે કે અહીં સીવેઝ વહીને રસ્તાઓ તેમજ ગલીઓમાં આવી શકે છે. તેનાથી ગાઝાના લોકોએ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા નવા પડકારનો સામનો કરવો પડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો