એજેન્ડાલેસ રશિયાનો પ્રવાસ: મોદી આખરે કરવા શું માગે છે?

ડોનાલ્ડ ટ્ર્મ્પ, નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારના રોજ રશિયા પહોંચ્યા છે. સોચીમાં મોદીની રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત થશે.

આ જ વર્ષે માર્ચ મહિનામાં ફરી એક વખત છ વર્ષ માટે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ પુતિનની મોદી સાથે આ પહેલી મુલાકાત છે.

આ મુલાકાતને અનૌપચારિક અને કોઈ એજન્ડા વગરની ગણાવવામાં આવી રહી છે.

30 એપ્રિલના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આ જ રીતે અનૌપચારિક મુલાકાત કરવા માટે મોદી ચીનના શહેર વુહાન પહોંચ્યા હતા.


મોદીનું ટ્વીટ

એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે એક તરફ પીએમ મોદી અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા સાથે મળીને ચીનનો સામનો કરવા માટે ભાગીદારી વધારી રહ્યા છે તો બીજી તરફ ચીન, રશિયા અને પાકિસ્તાનવાળા શંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન સાથે પણ આગળ વધવા માગે છે.

કેટલાક લોકો એ પણ પૂછવા લાગ્યા છે કે શું મોદી રશિયા, અમેરિકા અને ચીનને લઇને કન્ફ્યૂઝ છે?

તમે આ વાંચ્યું કે નહીં?

21 મેના રોજ મોદી સોચીમાં પુતિન સાથે ચારથી પાંચ કલાકોની મુલાકાત કરશે અને તે જ દિવસે પરત ફરી જશે.

મોદીએ આ પ્રવાસની પૂર્વ સંધ્યાએ રવિવારના રોજ ટ્વીટ કર્યું, "મને પૂર્ણ ભરોસો છે કે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત બાદ ભારત અને રશિયાની ખાસ રણનૈતિક ભાગીદારી વધારે મજબૂત બનશે."

નિષ્ણાતોનું માનવું છે કે મોદી અને પુતિન વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે.


CAATSAનો મુદ્દો

Image copyright Getty Images

સૌથી મોટો મુદ્દો CAATSA એટલે કે અમેરિકાના કાઉન્ટરિંગ અમેરીકાઝ એડવર્સરિઝ થ્રૂ સેક્શન એક્ટનો છે. અમેરિકાની કોંગ્રેસે તેને ગત વર્ષે પાસ કર્યો હતો.

ઉત્તર કોરિયા, ઈરાન અને રશિયા પર અમેરિકાએ આ કાયદા અંતર્ગત પ્રતિબંધ લગાવ્યા છે. કહેવામાં આવે છે કે અમેરિકાના આ પ્રતિબંધથી રશિયા- ભારતના સંરક્ષણ કરાર પર અસર પડશે.

ભારત ઇચ્છતું નથી કે રશિયા સાથે તેના રક્ષા કરાર પર કોઈ ત્રીજા દેશનો પડછાયો પડે.

ભારતીય મીડિયામાં પણ આ વાત કહેવામાં આવી રહી છે કે ભારતે ટ્રમ્પ સરકારમાં આ મુદ્દાને લઇને લૉબીંગ પણ શરૂ કરી દીધી છે કે જેથી આ પ્રતિબંધથી ભારતને રશિયા પાસેથી સંરક્ષણ કરાર કરવામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન નડે.


અમેરિકાના નિર્ણય અને ભારત પર તેની અસર

Image copyright Getty Images

સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર ભારત પોતાની જરૂરિયાતના 68 ટકા હથિયાર રશિયા પાસેથી ખરીદે છે.

અમેરિકા પાસેથી 14 ટકા અને ઇઝરાયલ પાસેથી 8 ટકા. આ આંકડો 2012થી 2016 વચ્ચેનો છે.

સ્પષ્ટ છે કે ભારતના હથિયાર બજારમાં અમેરિકા અને ઇઝરાયલની એન્ટ્રી છતાં રશિયાનો કોઈ મુકાબલો નથી. તેવામાં અમેરિકાના પ્રતિબંધથી બન્ને દેશોની ચિંતા સ્વાભાવિક છે.

આ સાથે જ આગામી મહિને શંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) અને જુલાઈમાં બ્રિક્સ શિખર સંમેલનનું પણ આયોજન થવાનું છે.

આ સાથે જ ઈરાન સાથે અમેરિકા દ્વારા પરમાણુ સમજૂતી તોડવાની અસર પણ ભારતની આર્થિક સ્થિતિ પર પડશે.


ભારત માટે પડકાર

Image copyright Getty Images

ઈરાન સાથે પેટ્રોલિયમની આયાત ભારત માટે સહેલી રહેશે નહીં.

આ સિવાય બન્ને નેતાઓ વચ્ચે સીરિયા અને અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુદ્દો પણ મહત્ત્વનો રહેશે.

સ્પષ્ટ છે કે ભારત અને રશિયા વચ્ચે સંબંધ ઐતિહાસિક રહ્યો છે પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધ ક્યારેય સ્થિર રહેતા નથી. મિત્રો બદલે છે તો દુશ્મનો પણ બદલાય છે.

હાલનાં વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધ ગાઢ બન્યા તો પાકિસ્તાન અમેરિકાથી દૂર થયું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુલ્લેઆમ પાકિસ્તાન પર હુમલો કર્યો.

બીજી તરફ રશિયા અને પાકિસ્તાનના સંબંધોમાં પણ પહેલા જેવી ગરમાહટ રહી નથી, પરંતુ બન્ને દેશ હવે સંરક્ષણ કરારના સ્તર સુધી પહોંચી ગયા છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રશિયાના અધ્યયન કેન્દ્રમાં પ્રોફેસર સંજય પાંડે પણ માને છે કે રશિયા અને ભારતનો સંબંધ આજના સમયમાં સૌથી જટિલ અવસ્થામાં છે.


કશ્મીર મામલે રશિયા ભારત સાથે

Image copyright Getty Images

સંજય પાંડે માને છે કે ભારત ન તો અમેરિકાને છોડી શકે છે ન રશિયાને.

તેઓ કહે છે, "ભારત પાસે એ વિકલ્પ નથી તે રશિયા કે અમેરિકામાંથી એકની પસંદગી કરે. પડકાર એ છે કે અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધ ક્યારેય સારા રહ્યા નથી એ માટે ભારત બન્ને દેશો સાથે મધુર સંબંધ બનાવીને રાખી શકે તેમ નથી."

"તેવામાં બન્નેની સાથે સંબંધોમાં સંતુલન જાળવી રાખવામાં જ ભારતની સમજદારી છે અને મોદીનો પણ એ જ પ્રયત્ન છે."

રશિયા ઐતિહાસિક રૂપે સંયુક્ત રાષ્ટ્રના સુરક્ષા પરિષદમાં કશ્મીર મામલે ભારતના પક્ષમાં વીટો પાવરનો ઉપયોગ કરતો રહ્યું છે.

હવે બદલાયેલી વિશ્વ વ્યવસ્થામાં દક્ષિણ એશિયામાં રશિયા પણ પોતાની પ્રાથમિકતા બદલી રહ્યું છે.


વન બેલ્ટ વન રોડ પરિયોજના

Image copyright Getty Images

ડિસેમ્બર 2017માં છ દેશોના સ્પીકરોનું ઇસ્લામાબાદમાં એક સંમેલન થયું હતું.

આ સંમેલનમાં અફઘાનિસ્તાન, ચીન, ઈરાન, તુર્કી, પાકિસ્તાન અને રશિયાના સ્પીકર સામેલ થયા હતા.

સંમેલનમાં એક કશ્મીર પર પાકિસ્તાન દ્વારા એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે વૈશ્વિક અને ક્ષેત્રીય શાંતિ માટે જમ્મુ-કશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના સુરક્ષા પરિષદના પ્રસ્તાવોના આધારે શાંતિ જરૂરી છે.

પાકિસ્તાનના આ પ્રસ્તાવને રશિયા સહિત દરેક દેશોએ સંમતિ સાથે પાસ કર્યો હતો.

2017ના ડિસેમ્બર મહિનામાં રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ નવી દિલ્હી આવ્યા હતા અને તેમણે સાર્વજનિક રૂપે કહ્યું હતું કે ભારતે ચીનના વન બેલ્ટ વન રોડ પરિયોજનામાં સામેલ થવું જોઈએ.

તેમણે કહ્યું હતું ભારતે આ વ્યાપક પરિયોજનામાં સામેલ થવા માટે કોઈ રસ્તો કાઢવો જોઈએ.


સંપ્રભુતાનો ગંભીર સવાલ

Image copyright Getty Images

ચીન અને પાકિસ્તાન વચ્ચે ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોરના પાકિસ્તાન પ્રશાસિત કશ્મીરમાંથી પસાર થવા પર ભારત તરફથી સંપ્રભુતાના ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

તેના પર રશિયાના વિદેશમંત્રીએ કહ્યું હતું કે કેટલીક ખાસ અડચણોના કારણે રાજકીય મતભેદોના સમાધાન માટે શરતો રાખવી ન જોઈએ.

આ સાથે જ રશિયાના વિદેશમંત્રીએ અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારતની ભાગીદારી પર નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું કે એશિયા-પ્રશાંતમાં સુરક્ષાની જે ટકાઉ ભાગીદારીઓ છે તેની સરખામણીમાં આ ભાગીદારીઓથી કંઈ પ્રાપ્ત થશે નહીં.

સંજય પાંડે પણ માને છે કે અમેરિકાના નેતૃત્વ વાળા સહયોગી દેશો સાથે રશિયાના વધતા તણાવના કારણે ભારત માટે વધુ કપરી પરિસ્થિતિનું નિર્માણ થશે.

તેમનું કહેવું છે કે ભારત માટે સમસ્યા એ છે કે ચીન દક્ષિણ એશિયામાં પોતાના પ્રભાવથી પારંપરિક સંતુલનને તોડી રહ્યું છે અને ભારત તેનાથી પરેશાન છે.


પાકિસ્તાન અને ચીન

Image copyright Getty Images

ચીન અને ભારત વચ્ચે વધતા શક્તિ અસંતુલનના કારણે બન્ને દેશોની સીમા પર અસ્થિરતાની આશંકા વધી ગઈ છે.

પાકિસ્તાન અને ચીન વચ્ચે ગાઢ મિત્રતાથી ભારતને બે મોરચાથી પડકારની ચિંતા છે.

બીજી તરફ રશિયાનો વિચાર છે કે તે અમેરિકાના નેતૃત્વ વાળા સહયોગી દેશોને ચીનના સહયોગથી જ પડકાર આપી શકે છે.

આ તરફ ભારત ચીનના પડકારનો સામનો કરવા માટે રશિયા પર નિર્ભર રહી શકતું નથી. પ્રોફેસર પાંડે માને છે કે આ વિચારથી ભારત વૈકલ્પિક વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે.

પાકિસ્તાનમાં બલૂચિસ્તાન વિસ્તારના વિદ્રોહી નેતા ડૉક્ટર જુમા મારી બલોચ છેલ્લા 18 વર્ષોથી રશિયામાં નિર્વાસિત જીવન વિતાવી રહ્યા છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ચીન પ્રવાસ દરમિયાન હળવા મિજાજમા રાષ્ટ્રપતિ ટ્રમ્પ

તેમણે આ જ વર્ષે 17 ફેબ્રુઆરીના રોજ રશિયાની સરકારી મીડિયા સ્પૂતનિકને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ભારત બલૂચોના આંદોલનને હાઇજેક કરી રહ્યું છે.

આ બધું મૉસ્કોમાં થઈ રહ્યું છે અને રશિયા તેને થવા દે છે. સ્પષ્ટ છે કે એ ભારત માટે શરમથી ઓછું નથી.

રશિયા અને ભારતની પારંપરિક મિત્રતામાં આવેલી તિરાડને મિટાવવી મોદી માટે એક મોટો પડકાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ