કોણ છે બસ ડ્રાઇવરમાંથી વેનેઝુએલાના પ્રમુખ બનેલા નિકોલસ મદુરો?

વિજયની ઊજવણી કરી રહેલા નિકોલસ મેડુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

વિજયની ઊજવણી કરી રહેલા નિકોલસ મદુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ

સતત બીજી વખત વેનેઝુએલાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા નિકોલસ મદુરો તેમના પુરોગામી હ્યુગો ચાવેઝ જેટલા જ વિવાદાસ્પદ છે.

નિકોલસ મદુરો પહેલી વખત ચૂંટાયા ત્યારે કેટલાક લોકોએ ભવિષ્યવાણી કરી હતી કે વિરોધ પક્ષ અથવા ખુદના પક્ષમાંના પ્રતિસ્પર્ધીઓ જ તેમને હાંકી કાઢશે, પણ એવું થયું નથી.

નિકોલસ મદુરો સતત બીજી ટર્મ માટે સત્તા જાળવી શકશે એવું એક વર્ષ પહેલાં બહુ ઓછા લોકો માનતા હતા, પણ રવિવારની ચૂંટણીમાં તેઓ પ્રમુખ તરીકે બીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા.

વિરોધ પક્ષે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને મતદાનમાં ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. કુલ પૈકીના માત્ર 46 ટકા લોકોએ મતદાન કર્યું હતું અને નિકોલસ મદુરોને 58 લાખ મત મળ્યા હતા.

બસ ડ્રાવર અને મજૂર નેતા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

નિકોલસ મદુરો

હ્યુગો ચાવેઝ તેમના ટેકેદારોમાં જેવી લોકપ્રિયતા ધરાવતા હતા તેવી લોકપ્રિયતા નિકોલસ મદુરો ધરાવતા નથી, છતાં તેઓ વેનેઝુએલામાં પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેનું કારણ તેમની સવા છ ફૂટની ઊંચાઈ નથી.

55 વર્ષના નિકોલસ મદુરો ભૂતકાળમાં ટ્રક ડ્રાઇવર હતા અને તેમણે મજૂર સંગઠનોમાં લાંબા સમય સુધી કામ કર્યું છે.

તેમના ગુરુ અને વેનેઝુએલાના ભૂતપૂર્વ પ્રમુખ હ્યુગો ચાવેઝનું 2013ની પાંચમી માર્ચે મૃત્યુ થયું પછી નિકોલસ મદુરો વચગાળાના પ્રમુખ બન્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

એ પહેલાં તેમણે હ્યુગો ચાવેઝની સરકારમાં વિદેશ પ્રધાન તરીકે ફરજ બજાવી હતી.

2013ની 14 એપ્રિલે તેઓ છ વર્ષ માટે પ્રમુખ તરીકે પાતળી સરસાઈ સાથે ચૂંટાઈ આવ્યા હતા.

નિકોલસ મદુરોના પ્રમુખ તરીકેના પહેલા કાર્યકાળના પૂર્વાર્ધમાં વિરોધ પક્ષે સંસદ પર ફરી અંકુશ મેળવ્યો હતો અને તેમને પ્રમુખપદેથી હટાવવાના સહિયારા પ્રયાસ શરૂ કર્યા હતા.

'મંદી માટે વિરોધ પક્ષ જવાબદાર'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

નિકોલસ મદુરો તેમના ગુરુ હ્યુગો ચાવેઝના પોસ્ટર્સ પાસે વારંવાર જોવા મળે છે

વેનેઝુએલામાં 2014થી મંદી છે અને દેશ ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે.

ફૂગાવો આસમાને પહોંચ્યો છે અને જીવનજરૂરી સામગ્રીની જોરદાર અછત છે.

આ પરિસ્થિતિ માટે નિકોલસ મડુરો તેમના પ્રતિસ્પર્ધીઓને જવાબદાર ઠરાવી રહ્યા છે.

નિકોલસ મદુરોએ 2013માં સત્તાનાં સુત્રો સંભાળ્યાં ત્યારથી તેમના પર લોકશાહીની અવમાનના કરવાના અને માનવાધિકારના ઉલ્લંઘનના આક્ષેપો થતા રહ્યા છે.

ગયા વર્ષે સરકારવિરોધી આંદોલનમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા.

વિરોધ પક્ષના નેતૃત્વ હેઠળની નેશનલ એસેમ્બ્લીને નિરર્થક બનાવી દેવાની અને તેના વિસર્જનની સત્તા ધરાવતી એક નવી બંધારણીય એસેમ્બ્લીની રચના પણ નિકોલસ મડુરોએ કરી છે.

નવી સંસ્થાને માન્યતા નહીં આપવાનું યુરોપિયન યુનિયન અને લેટિન અમેરિકાના મોખરાના દેશોએ જણાવ્યું છે.

નિકોલસ મદુરોએ નવી સંસ્થા માટે વિવાદાસ્પદ ચૂંટણી યોજી પછી અમેરિકાએ તેમના પર પ્રતિબંધ લાદ્યા હતા. ટ્રમ્પ વહીવટીતંત્રએ નિકોલસ મડુરોને 'તાનાશાહ' ગણાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો