ભારત પાકિસ્તાન કરતાં 25 રૂપિયા મોંઘુ પેટ્રોલ કેમ વેચી રહ્યું છે?

ફોટો

ઇમેજ સ્રોત, AFP

ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ટોચની સપાટીએ પહોંચી ગઈ છે. દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત 76.57 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ હતી, જે અત્યારસુધીમાં સૌથી વધુ છે.

આ પહેલાં દિલ્હીમાં 14 સપ્ટેમ્બર, 2013નાં રોજ પેટ્રોલની કિંમત 76.06 રૂપિયા પહોંચી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને ડોલરની તુલનામાં ભારતીય રૂપિયામાં ઘટાડો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.

જોકે, પેટ્રોલ અને ડીઝલની અંતિમ કિંમત માટે દેશનાં વિવિધ રાજ્યોમાં લગાવામાં આવેલા ટેક્સની મહત્ત્વની ભૂમિકા હોય છે.

જો હાલ લગાવવામાં આવતા ટેક્સથી હિસાબ કરીએ તો જો દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76 રૂપિયા પ્રતિ લીટર છે અને તેમાંથી ટેક્સ બાદ કરવામાં આવે તો સીધી કિંમત અડધી થઈ જશે.

પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન પ્રમાણે સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76.57 રૂપિયા, મુંબઈમાં 84.40 અને ચૈન્નાઈમાં 79.47 રૂપિયા પ્રતિ લીટર હતી.

પાડોશી દેશોમાં સસ્તું પેટ્રોલ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં પેટ્રોલની વધતી કિંમતની સરખામણી પાડોશી દેશો સાથે થઈ રહી છે.

જો સાર્ક દેશોમાં ભારતને છોડી દઈએ તો પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને બાંગ્લાદેશમાં પેટ્રોલની કિંમત ભારત કરતા ઓછી છે.

એક તર્ક એવો અપાઈ રહ્યો છે કે જો ભારતથી ગરીબ દેશ સસ્તું પેટ્રોલ વેચી શકે છે તો ભારત આવું શા માટે કરી શકતું નથી.

તેનું મુખ્ય કારણ છે કે ભારતનાં દરેક રાજ્યમાં અલગ-અલગ ટેક્સ લગાવવામાં આવે છે.

આ ટેક્સમાં ઉત્પાદન કર, વેટ અને સેસ વગેરેનો સમાવેશ થાય છે.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે કોઈ પણ સરકાર પેટ્રોલ ડીઝલમાંથી મળનાર મહેસૂલી આવકમાં કપાત કરવા ઇચ્છતી નથી.

પેટ્રોલ અને ડીઝલથી સરકારને મહેસૂલી આવકનો મોટો ભાગ મળે છે અને તેને કોઈ સરકાર છોડવા માગતી નથી.

પાડોશી દેશોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર

  • પાકિસ્તાન - 51.79
  • નેપાળ - 67.46
  • શ્રીલંકા - 64
  • ભૂતાન - 57.24
  • અફઘાનિસ્તાન - 47
  • બાંગ્લાદેશ - 71.55
  • ચીન - 81
  • મ્યાનમાર - 44

(આ આંકડા 14 મે, 2018નાં છે.) સ્રોત: ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો