એક એવી ઍપ જેણે ફેસબૂક અને વૉટ્સઍપને પણ પછાડ્યાં

ચીનની 'સેલ્ફી' ટૂલ 'ટિક ટોક' 2018ની અત્યાર સુધીની સૌથી વધુ ડાઉનલોડ થયેલી આઇફોન એપ બની ગઈ છે

ઇમેજ સ્રોત, Credit: Tik Tok/Byte Dance

ફેસબૂકને પણ પછાડીને ચીનની 'સેલ્ફી' ટૂલ 'ટિક ટોક' 2018ની અત્યાર સુધીની સૌથી વધુ ડાઉનલોડ થયેલી આઇફોન ઍપ બની ગઈ છે

અમેરિકાની રિસર્ચ કંપની સેન્સર ટાવરના જણાવ્યા મુજબ 2018ના પ્રથમ ત્રણ મહિનામાં આ ઍપ સૌથી વધારે ડાઉનલોડ થઈ છે.

ચીનમાં તેને ડોઉયીન (ધ્રૂજતું સંગીત) તરીકે ઓળખવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 4.58 કરોડ લોકોએ આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

યૂટ્યુબ, વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક અને ફેસબૂક મૅસેન્જરને જેવી ઍપ્સને તેણે પાછળ રાખી દીધી છે.

સપ્ટેમ્બર 2016માં લૉન્ચ થયેલી આ ઍપનો કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વિવિધ પ્રકારનાં ફિલ્ટર્સ અને સ્પેશિયલ ઇફેક્સમાંથી પસંદ કરીને 15 સેકન્ડની મ્યૂઝિક ક્લિપ યૂઝર્સ બનાવી શકે છે અને તેને શેર કરી શકે છે.

આ વિચાર પણ એટલો નવો નથી, પણ ટિક ટોકના સૂર બરાબર મળી ગયા હોય તેમ લાગે છે.

જિગુઆંગ નામની સંશોધક કંપનીના જણાવ્યા અનુસાર ચીનના 14 ટકા સ્માર્ટફોન યૂઝર્સે આ ઍપ ડાઉનલોડ કરી છે.

આઇફોનમાં જ કેમ હિટ?

ઇમેજ સ્રોત, Getty Images

આઇફોનમાં તેને વધારે સફળતા મળી છે, જ્યારે ઍન્ડ્રોઇડ યુઝર્સમાં હજી હિટ થઈ નથી.

કદાચ એટલા માટે કે ગૂગલની ઍન્ડ્રોઇડ ઍપ્સ માટેનું પ્લૅટફૉર્મ ચીનમાં ઉપબલ્ધ નથી.

ચીનમાં ગૂગલની સર્વિસ પર પ્રતિબંધ મૂકાયેલો છે.

જોકે, ટિક ટોકની લોકપ્રિયતા ચીન પૂરતી મર્યાદિત રહી નથી. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર જાપાન સહિતના પડોશી દેશોમાં હરિફોની સરખામણીએ તે આગળ નીકળી ગઈ છે.

આ એપના યુઝર્સમાં સૌથી વધારે 24 વર્ષથી ઓછી ઉંમરના ચીની યુવાનો છે, પરંતુ હવે અગ્નિ એશિયાના દેશોમાં પણ તે ધૂમ મચાવવા લાગી છે.

આ દેશોમાં ત્રીજા ભાગની વસતિ 18થી 24 વર્ષની યુવા છે.

તેનું બીજું કારણ એ પણ છે કે ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ અને થાઇલેન્ડ સહિતના અગ્નિ એશિયન દેશોમાં યુવાનો રોજના સરેરાશ ત્રણ કલાક સોશિયલ મીડિયા પાછળ વિતાવે છે.

કોણે તૈયાર કરી છે આ ઍપ?

ઇમેજ સ્રોત, Handout

બાઇટડાન્સ નામની કંપનીએ આ એપ તૈયાર કરી છે. 34 વર્ષના બિઝનેસમેન ઝેન્ગ યીમિંગે આ કંપની સ્થાપી છે.

તેમણે આ મહિનાની શરૂઆતમાં બહુ નમ્રતાથી ટિક ટોકની સફળતાને 'હમ્બલ સક્સેસ' ગણાવી હતી.

ઝેન્ગની અન્ય પ્રોડક્ટ્સ પણ ચીનના સ્માર્ટફોનમાં લોકપ્રિય બની છે.

જિનરી ટાઉટિયો એ જુદા જુદા ન્યૂઝને એકઠા કરી આપતી ઍપ છે, જે વાચક સામે યોગ્ય કન્ટેન્ટ મૂકી આપે છે.

2017 સુધીમાં તેના 60 કરોડ યૂઝર્સ થઈ ગયાં છે, જેમાંના 12 કરોડ યૂઝર્સ રોજ તેનો વપરાશ કરનારા એક્ટિવ યૂઝર્સ છે.

ગયા વર્ષે બીજિંગમાં યોજાયેલા એક સેમિનારમાં ઝેન્ગે ટિક ટોકની સફળતાના કેટલાંક રહસ્યો ખોલ્યાં હતાં.

યૂઝર્સની જરૂરિયાતને સારી રીતે સમજવા માટે તેમણે ઍપ તૈયાર કરનારી પોતાની ટીમ માટે નિયમ બનાવ્યો હતો કે તેમણે પણ ઍપમાં જ સંગીત બનાવવું.

તેમણે કહ્યું, "તેમને મિનીમમ અમુક લાઇક્સ મળે તેવું કરવું પડે, નહીં તો પછી ઊઠબેઠનો દંડ થાય. મારે એવી પ્રોડક્ટ તૈયાર કરવી પડે, જેના કારણે હું એ સમજી શકું કે તેનો વપરાશ કરનારાને કેવો અનુભવ થશે."

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ચીનની ઍપ્સ વિશ્વમાં લોકપ્રિય બનવા લાગી છે. માત્ર સ્થાનિક બજાર પર હવે તે આધાર રાખતી નથી.

સેન્સર ટાવરના જણાવ્યા અનુસાર ચીનની બે કંપનીઓ - ટેન્સેન્ટ અને અલીબાબા - 2017માં વિશ્વભરમાં ટોચની ઍપ પબ્લિશ કરનારી કંપનીઓમાં ત્રીજું અને ચોથું સ્થાન ધરાવતી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો