BBC TOP 5 NEWS: ઓબામા દંપતીની Netflix સાથે ડીલ, બનાવશે શો- ફિલ્મ

ઓબામા દંપતીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તથા તેમના પત્ની મિશેલ ઓબામા નેટફ્લિક્સ માટે ફિલ્મો અને ટીવી શોનું નિર્માણ કરશે.

નેટફ્લિક્સના કહેવા પ્રમાણે ઓબામા દંપતી સાથે 'બહુવર્ષીય કરાર' કરવામાં આવ્યા છે. જોકે આ કાર્યક્રમો સ્ક્રિપ્ટેડ સિરીઝ, અનસ્ક્રિપ્ટેડ સિરીઝ, ડૉક્યુ-સિરીઝ, ડૉક્યુમેન્ટરી કે અન્ય કોઈ ફોર્મેટ હશે તે અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી.

મિશેલના કહેવા પ્રમાણે, "અમને પ્રેરણા આપે તેવી પ્રભાવક વાતો કહેવામાં શરૂઆતથી જ રસ હતો. વિશ્વભરની આ કથાઓ દ્વારા આપણાં હૃદય અને મગજ બન્ને ખુલશે."

આ કાર્યક્રમોમાં વર્તમાન ટ્રમ્પ સરકારની ઉપર નિશાન સાધવામાં નહીં આવે. આ માટે દંપતીએ એક ફિલ્મ નિર્માણ કંપનીની પણ સ્થાપના કરી છે.

અમેરિકાએ લીધો સૌથી કડક પ્રતિબંધ લગાવવાનો સંકલ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ કહ્યું છે કે ઈરાન પર અમેરિકા અત્યાર સુધી સૌથી કડક પ્રતિબંધ લગાવવાનું છે.

ઈરાનના વિદેશમંત્રી જવાદ ઝરીફે પૉમ્પિયોના નિવેદનની ટીકા કરી છે.

વૉશિંગટનમાં પૉમ્પિયોએ નવી નીતિ વિશે વાત કરતા રહ્યું કે કડક પ્રતિબંધો લાદ્યાં બાદ ઈરાન પોતાની અર્થવ્યવસ્થાને જીવિત રાખવા માટે સંઘર્ષ કરતું જોવા મળશે.

તેમણે કહ્યું કે તે ઈરાનના આક્રમક વલણને રોકવા માટે પૅન્ટગૉન અને ક્ષેત્રીય સહયોગીઓ સાથે મળીને કામ કરીશે.

આ જ મહિનાની શરૂઆતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે 2015માં થયેલા પરમાણુ કરારમાંથી અમેરિકાને અળગું કરી લીધું હતું.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ટીકા

ઇમેજ સ્રોત, Getty Images

બીજી વખત વેનેઝુએલાની સત્તા હાથમાં આવ્યા બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરી રહ્યા છે.

ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિનાં આરોપો વચ્ચે વિપક્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

હવે અર્જેન્ટીના, બ્રાઝીલ અને કેનેડા સહિતના 14 દેશોએ વિરોધના ભાગરૂપે કારાકાસમાંથી પોતાના રાજદૂતો પરત બોલાવી લીધા છે. આ તરફ અમેરિકાએ વેનેઝુએલા પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે.

વેનેઝુએલા પહેલેથી જ ખાદ્ય પદાર્થોમાં અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચૂંટણી યોજવા સૂચન કર્યું છે.

જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નિકોલસ માદુરોને જીત બદલ શુભકામનાઓ પાઠવી છે.

ભારતીયની હત્યામાં અમેરિકન દોષિત

અમેરિકાના કન્સાસમાં આંધ્ર પ્રદેશના શ્રીનિવાસ કૂચીભોટલાને (32)ની હત્યા કરનારા આદમ પુરિન્ટન(52)ને દોષિત ઠેરવવામાં આવ્યો છે.

શ્રીનિવાસ તથા તેમના મિત્ર આલોક આદાસાણી એક બારમાં ગયા હતા, ત્યારે 'આતંકવાદીઓ' અને 'મારા દેશમાંથી બહાર નીકળો' એમ બરાડીને પુરિન્ટને બન્ને પર ગોળીબાર કર્યો હતો.

પુરિન્ટનના કહેવા પ્રમાણે, 'મને એમ કે બંને ઈરાનના છે.' ઝપાઝપીમાં દરમિયાનગીરી કરનારા ઈયાન ગિરોલ્ટ નામના એક યુવકને પણ ઇજા પહોંચી હતી.

સરકારી વકીલોના કહેવા પ્રમાણે, "રંગ, ધર્મ અને વંશીય આધાર પર આ હુમલો કરવામાં આવ્યો હતો." પુરિન્ટનને પેરોલ વગર આજીવન કેદની સજા ફટકારવાની માગ કરવામાં આવી છે.

વિશ્વભરમાં રહેતા ભારતીયોએ શ્રીનિવાસની હત્યાને વખોડી કાઢી હતી.

જામિયાની વેબસાઇટ પર "Happy Birthday Pooja"

ઇમેજ સ્રોત, JMI.AC.IN

દિલ્હી સ્થિત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય જામિયા મિલ્લિયા ઇસ્લામિયાની ઑફિશિયલ વેબસાઇટ હેક થઈ હોવાનું અનુમાન છે.

વેબસાઇટ www.jmi.ac.in પર લૉગ-ઇન કરતા કાળા રંગની સ્ક્રીન પર અંગ્રેજીમાં 'હેપ્પી બર્થ ડે પૂજા' લખાયેલું જોવા મળી રહ્યું છે.

સ્ક્રીનની નીચે અંગ્રેજીમાં જ નાના અક્ષરોમાં "Your Love" લખાયેલા શબ્દો ટિકરના રૂપમાં ચાલી રહ્યા છે. આ સિવાય બૉટમ પર જ સફેદ રંગથી T3AM: લખવામાં આવ્યું છે.

યુનિવર્સિટી વેબસાઇટ મંગળવારની રાત્રે હેક થઈ છે. તેની પાછળ કોનો હાથ છે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો