શું દરરોજ એક ઈંડું ખાવાથી બીમારીઓ દૂર થાય?

ઇંડાં.

ઇમેજ સ્રોત, fcafotodigital/Getty Images

'સંડે હો યા મંડે રોજ ખાઓ અંડે', આ લાઇન તમે ઘણી વાર સાંભળી હશે. ઘણા લોકોએ ઈંડા ખાવાનાં ફાયદા અને નુકસાન તમને જણાવ્યાં હશે.

પણ શું તમને ખબર છે કે સારી તંદુરસ્તી માટે રોજ કેટલાં ઈંડા ખાવા જોઈએ અને એને રાંધવાની સાચી રીત કઈ છે?

ચીનમાં લગભગ 10 લાખ લોકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે રોજ એક ઈંડું ખાવાથી હાર્ટની બીમારીનું જોખમ ટાળી શકાય છે.

નિષ્ણાતો સારી તંદુરસ્તી માટે ઈંડા ખાવાની સલાહ આપે છે, પણ તેઓ એ પણ જણાવે છે કે વધુ ઈંડા ખાવા નુકસાનકારક બની શકે છે.

કેટલા ઈંડા ખાવા જોઈએ?

ઇમેજ સ્રોત, esseffe/Getty Images

મોટાભાગનાં ડૉક્ટરો પોતાનાં ભોજનમાં ઈંડાને સામેલ કરવાની સલાહ આપે છે. કારણ કે ઈંડામાં પોષકતત્વો ભરપૂર હોય છે.

એમાં વિટામીન એ,ડી,બી અને બી12 સિવાય લૂટિન અને જીએજેનથિન જેવાં પોષકતત્વ હોય છે. આ તત્વ આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે.

બ્રિટનનાં ડાયટિશયન ડૉ. ફ્રેંકી ફિલિપ્સ જણાવે છે, ''એક દિવસમાં એક-કે બે ઈંડા ખાઈ શકાય છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

ડૉ. ફિલિપ્સ ઉમેરે છે કે વધુ ઈંડા ખાવામાં પણ કોઈ ચિંતાનું કારણ નથી.પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ ભોજન વધુ માત્રામાં લેવામાં આવે તો આપણે બીજા ભોજનમાંથી પોષકતત્વો મેળવી શકતા નથી કે જે આપણે ખાઈ શકતા નથી.

માટે જ ડાયટિશયન મોટા ભાગે બેલેંસ ડાયટ પર ભાર મૂકે છે.

ઈંડા પ્રોટીન માટેનું એક જરૂરી માધ્યમ છે, પણ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ઘણું પ્રોટીન ભોજનમાં પહેલેથી જ લેતા હોઈએ છે.

જરૂરિયાત કરતાં બે કે ત્રણ ગણું પ્રોટીન કિડની પર ખરાબ અસર કરી શકે છે.

ઈંડામાં જ્યારે કૉલેસ્ટ્રૉલ હોવાનાં પુરાવા મળ્યા, ત્યારે બ્રિટિશ હાર્ટ ફૉઉંડેશને 2007માં એક અઠવાડિયામાં ત્રણ ઈંડા ખાવાની સલાહ આપી છે.

કૉલેસ્ટ્રૉલ

ઇમેજ સ્રોત, NatashaBreen/Getty Images

નેશનલ હેલ્થ સર્વિસની હાલિયાની સલાહ મુજબ ,''ઈંડામાં થોડું કૉલેસ્ટ્રૉલ તો હોય છે, પણ એની માત્રા આપણા લોહીમાં સેચ્યુરેટેડ ફૅટમાંથી મળતા કૉલેસ્ટ્રૉલ કરતાં ઓછી હોય છે.''

બીજા શબ્દોમાં કહીએ તો ઈંડાનું કૉલેસ્ટ્રૉલ કોઈ મોટી સમસ્યા નથી, પણ સેચ્યુરેટેડ ફૅટમાંથી મળતું કૉલેસ્ટ્રૉલ સૌથી મોટી સમસ્યા છે.

હાર્ટ યૂકેનાં જણાવ્યા અનુસાર, એક ઈંડામાં લગભગ 4.6 ગ્રામ અર્થાત્ એક ચમચી ફૅટ હોય છે, પણ એનો એક ચતુર્થાંશ જ સેચ્યુરેટેડ હોય છે.

એટલે દેખીતી રીતે તો ઈંડાને કારણે આપણા શરીરનાં કૉલેસ્ટ્રૉલ સ્તર પર વધુ અસર પડતી નથી.

હા,પણ એ ઈંડામાં માખણ કે ક્રિમ મેળવી દેવામાં આવે તો વાત જુદી છે.

સાલ્મોનેલા બેક્ટેરિયા

ઇમેજ સ્રોત, Vladislav Nosick/Getty Images

બ્રિટેનની પૂર્વ હેલ્થ મિનિસ્ટર એડવિના કુરીએ ડિસેમ્બર 1988માં જણાવ્યું હતું કે બ્રિટનમાં પ્રોડ્યૂસ થતા મોટા ભાગનાં ઈંડામાં સાલ્મોનેલા બેક્ટિરિયા હોય છે.

આ બેક્ટિરિયાને તંદુરસ્તી માટે જોખમ ગણાવવામાં આવ્યાં છે માટે આ નિવેદનથી બ્રિટનમાં ભૂકંપ આવી ગયો હતો.

ત્યાર બાદ એડવિનાને એના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

જો કે એ વખતે ઈંડામાં સાલ્મોનેલાની કેટલીક સમસ્યા જરૂર હતી. 1990 સુધી ઈંડાનું ઉત્પાન કરનારાઓએ એક વૅક્સિનેશન પ્રોગ્રામ શરુ કરી દીધો હતો.

હવે ત્રીસ વર્ષ બાદ બ્રિટેનના ઈંડા દુનિયામાં સૌથી વધારે સુરક્ષિત છે કમ સે કમ સાલ્મોનેલાનાં મુદ્દે તો ખરા જ.

ત્યાં માર્કેટમાં મળનારા મોટાભાગનાં ઈંડા પર હવે લૉયન માર્ક લગાવેલો હોય છે, જે એ દર્શાવે છે કે જે મરઘીએ આ ઈંડું આપ્યું છે એને સાલ્મોનેલાથી બચવાનું ઇંજેક્શન આપવામાં આવેલું છે.

ગયા વર્ષે જ લૉયન માર્કવાળા ઈંડાને મહિલા અને બાળકો માટે સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે હવે ઈંડામાં ખતરનાક બેક્ટિરિયાનું જોખમ ઘણું ઓછું છે, માટે 'ડરવાની કોઈ જરૂર નથી.'

ઈંડાને કઈ રીતે રાંધશો?

ઇમેજ સ્રોત, A-S-L/Getty Images

જ્યાં સુધી ઈંડાને રાંધવાની વાત છે તો એને ખૂબ સાદી રીતે જ રાંધવા જોઈએ કે પછી બાફીને ખાવાં જોઈએ.

મોટા ભાગનાં ડાયટિશિયન સલાહ આપે છે કે ઈંડાને તળવા ના જોઈએ, કારણ કે એમાં ફેટ અને કૉલેસ્ટ્રૉલની માત્રા વઘી જાય છે.

કાચા અને થોડાક બાફેલાં ઈંડા, જેવા કે માયોનિસ અને આઈસ્ક્રીમમાં નખાય છે તે યોગ્ય જ છે, કારણ કે બ્રિટનમાં એના પર લૉયન માર્ક લગાવેલો હોય છે અને એ પણ ભાર દઈ જણાવવામાં આવે છે કે આ ઈંડા મરઘીનાં જ છે.

છતાં પણ તમને ફૂડ પૉઈઝનિંગની બીક છે તો તમે એને બાફીને ખાઈ શકો છો.

ઈંડાને સ્ટોર કેવી રીતે કરશો?

ઇમેજ સ્રોત, Arx0nt/Getty Images

ક્યારેય પણ તૂટેલાં ઈંડા ના ખરીદો, કારણ કે એમાં માટી કે બેક્ટિરિયા પ્રવેશવાની સંભાવના રહેલી હોય છે.

બીબીસી ગુડ ફૂડની સલાહ છે કે ઈંડાને ફ્રિજમાં ઢાંકીને રાખવા જોઈએ.

ઈંડાના સફેદ ભાગને ડબ્બામાં રાખી ત્રણ અઠવાડિયાં સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખી મૂકી શકાય છે, જ્યારે તેનાં પીળા ભાગને ત્રણ દિવસ સુધી રાખી શકાય છે.

ઈંડું ફ્રેશ છે કે નહીં એ ચેક કરવાની રીત ઘણાને ખબર હશે. ઠંડા પાણીનો એક વાટકો લો. એમાં ઈંડું નાંખો. જો ઈંડું ડૂબી જાય છે તો તે ફ્રેશ છે અને જો ન ડૂબે તો તે ફ્રેશ નથી.

મરઘીનાં ઈંડા મૂક્યા બાદ 28 દિવસ સુધી તે સારા રહે છે.

આ સાથે આપણે એ જગ્યા પણ સાફ કરવી જરૂરી બને છે જ્યાં ઈંડા બનાવવામાં આવતા હોય.

ઈંડાથી એલર્જી?

ઇમેજ સ્રોત, KarpenkovDenis/Getty Images

કેટલાક લોકોને ઈંડાથી એલર્જી પણ થઈ શકે છે.પાંચ વર્ષ કરતાં નાની ઉંમરનાં બાળકોમાં આ ફરિયાદ વધુ જોવા મળે છે.

ઈંડાથી થતી એલર્જીનાં કેટલાક લક્ષણો

  • મોંની આસપાસ લાલાશ અને સોજા
  • પેટમાં દુખાવો
  • ઉલ્ટી થવી
  • ઝાડા થવા

આ રિએક્શન કદાચ જ જીવલેણ સાબિત થતું હોય છે. પણ એલર્જી થાય ત્યારે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

અંતમાં ડૉ. ફિલિપ્સનું કહેવું છે કે,''જેને આવી કોઈ એલર્જી નથી તે કોઈ પણ રીતે ઈંડા ખાઈ શકે છે, પણ ઈંડા કેવી રીતે બનાવવામાં આવ્યાં છે એનું ધ્યાન રાખવું જરૂરી છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો