આયરલૅન્ડ : સવિતાના મોતનાં કારણે એબોર્શનનો કાયદો બદલાશે?

પ્રદર્શનકર્તાઓ. Image copyright Sebastian Kaczorowski/Getty Images

આયરલૅન્ડમાં 31 વર્ષનાં સવિતા હલાપ્પનવારનું એબોર્શનના થઈ શક્યું અને મોત થયું હતું. આ મુદ્દે બંને બાજુની ઝુંબેશ ચલાવનારા જૂથો એક વાતે સહમત છે કે તેમનું મોત એબોર્શનના રાઇટ્સ વિશેની નિર્ણાયક ઘડી હતી.

ઓક્ટોબર 2012માં ગાલવે હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. તેમણે એબોર્શન માટેની માગણી કરી હતી. તેમને 17 અઠવાડિયાનો ગર્ભ હતો અને કસુવાવડ થઈ જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

તેમના મોત પછી ડબ્લીન, લીમરિક, કોર્ક, ગાલવે અને બેલફાસ્ટમાં તથા લંડન અને દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા. દેશ એબોર્શન વિરોધી કાયદો હટાવે તેવી માગણી થઈ હતી.

'નેવર અગેઇન' (ફરી ક્યારેય નહિ) અને 'તેમનું હૃદય પણ ધબકે છે' એવો સૂત્રો સાથે દેખાવો થયા હતા.

જોકે આયરલૅન્ડના એબોર્શન લૉને લીધે સવિતાનું મોત થયું હતું કે કેમ તે વિશે સહમતી નહોતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સવિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા, ત્યારે કન્સલ્ટન્ટે કહેલું કે હવે પ્રેગનન્સી ટર્મિનેટ કરવી શક્ય નથી, કેમ કે ગર્ભમાં રહેલા શીશુનું હૃદય ધબકતું હતું.

આયરલૅન્ડના કાયદા પ્રમાણે માતા અને ગર્ભસ્થ શીશુ બંનેને જીવન માટેના એકસમાન અધિકાર છે.

1983માં બંધારણમાં 8મો સુધારો કરાયો તે પછી આ અધિકાર અપાયો હતો.

આના કારણે રેપ કે ઇન્સેસ્ટ (આંતર કૌટુંબિક સંબંધો)માં પણ એબોર્શન પર પ્રતિબંધ આવી જતો હતો.

શીશુમાં કોઈ ખામી હોય અને તેના બચવાની બહુ ઓછી તક હોય, ત્યારે પણ એબોર્શન કરવું શક્ય બનતું નહોતું.

મૃદુલા વાસેપલ્લી આયરલૅન્ડમાં સવિતાની સૌથી નિકટનાં સખી હતાં. હોસ્પિટલમાં તેઓ જોતા રહ્યા અને તેમની બહેનપણીનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું હતું.

Image copyright Sebastian Kaczorowski/Getty Images

"આ કોઈ જિંદગીની તરફેણ કરવાનો કે પસંદગી કરવાની કોઈ વાત નહોતી. આ એક મેડિકલ પ્રોસિજર હતી - તેનું એબોર્શન થવું જોઈતું હતું," એમ મૃદુલા કહે છે.

સવિતાની તબિયત વધારે કથળવા લાગી, ત્યારે કન્સલન્ટન્ટે કહ્યું કે એબોર્શન થઈ શકે છે - ભલે હજી પણ શીશુના ધબકારા ચાલુ હોય.

જોકે તે થઈ શકે તે પહેલાં સવિતાએ એક મૃત બાળકીને જન્મ આપ્યો. તે પછી તેને સેપ્ટિક શોક થયો અને તેમના ઓર્ગન ફેઇલ થવા લાગ્યા.

28 ઓક્ટોબર, 2012ના રોજ 01:09 કલાકે તેમનું અવસાન થયું.

સવિતા જીવિત હોત તો પતિ સાથે પાંચમી લગ્નતિથિ મનાવી હોત તે દિવસે જ આ કેસમાં ચુકાદો આવ્યો હતો.

જ્યુરીએ કહ્યું કે તેમનું મોત તબિબિ બેદરકારીને કારણે થયું હતું.

ત્રણ સ્વતંત્ર તપાસ અહેવાલોમાં પણ જણાવાયું હતું કે સવિતાને અપાયેલી સારવારમાં ખામી રહી ગઈ હતી.

તેમાંથી એકમાં ભલામણ કરવામાં આવી હતી કે મેડિકલ પ્રોફેશનલ્સ અને સરકાર "આ વિશે કાયદો કરવા અને બંધારણમાં જરૂરી સુધારા કરવા વિચારે".

Image copyright Sebastian Kaczorowski/Getty Images

સવિતાના મોતને કારણે આયરલૅન્ડમાં આ મુદ્દે ચાલતી ચર્ચામાં નાટકીય વળાંક આવ્યો હતો.

ડેટ મેકલોગ્લીન કહે છે, "એક જ અઠવાડિયામાં પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી. તે પછી ક્યારેય તેવું થયું નથી."

શેરીમાં દેખાવો કરનારા ડેટ એબોર્શનની પસંદગીનો અધિકાર મળે તેની તરફેણ કરનારામાંના એક છે.

આઇરિશ પત્રકાર કિટ્ટી હૉલૅન્ડે રાષ્ટ્રીય અખબાર 'આઇરિશ ટાઇમ્સ'માં આ ઘટનાનો અહેવાલ લખ્યો અને તેના કારણે સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ હતી.

ડેટ કહે છે, "દરેકને એમ લાગવા લાગ્યું કે આવું પોતાની સાથે પણ થઈ શક્યું હોત. ઘણાને એમ લાગ્યું કે મારી પત્નીની કે મારી દિકરીની આવી હાલત થઈ શકે છે.

"સવિતાની તસવીરો સાથેની સ્ટોરીને કારણે આ ઘટના બહુ વાસ્તવિક લાગી રહી હતી."

સવિતાના કિસ્સાને કારણે નવા જમાનાની નારીઓમાં ભારે રોષ હતો, કેમ કે તેમના માટે એબોર્શન એ કોઈ ચર્ચા જ ના કરી શકાય તેવો જડ મુદ્દો નહોતો.

એબોર્શન માટેનો નિર્ણય લેવાનો અધિકાર નારીનો છે તે માટે ઝુંબેશ ચલાવનારાએ 8મા બંધારણીય સુધારા વિશે જનમત લેવાની માગણી ઊઠાવી હતી.

જોકે એબોર્શનનો વિરોધ કરી રહેલા જૂથો કહેતા હતા કે કાયદાના કારણે મોત થયું હતું તેમ કહી શકાય નહિ.

ગર્ભસ્થ શીશુને જીવનનો અધિકાર છે તેવી માગણી કરનારા જૂથના કોરા શેરલોક કહે છે કે કાયદો બદલવા માગનારા આજે પણ આ કિસ્સાને "ખોટી રીતે રજૂ કરતા છે."

તેઓ કહે છે કે આયરલૅન્ડના એબોર્શનના કાયદાને કારણે, "તેમનું અવસાન નહોતું થયું."

તેઓ કહે છે કે ગર્ભવતી મહિલા બીમાર પડે ત્યારે તેમને જે સારવાર મળવી જોઈએ તે આયરલૅન્ડમાં મળે છે. તેના કારણે અનાયાસે ગર્ભસ્થ શીશુનું મોત થાય તો પણ સારવાર આપવામાં આવે છે.

Image copyright NataliaDeriabina/Getty Images

એબોર્શન વિશેના કેસમાં ડિબેટ થાય ત્યારે મીડિયામાં પણ હંમેશા સવિતાનો કિસ્સો ટાંકવામાં આવે છે અને આ મુદ્દો બહુ મોટા વિવાદનું કારણ રહ્યો છે.

એબોર્શનની વિરુદ્ધમાં રહેલા એક આઇરિશ સંસદસભ્ય કહે છે કે ટીવી પર આ કિસ્સાની ચર્ચા કરતી વખતે એક ડોક્ટર ખોટું બોલતા હતા.

સવિતાના મિત્રો અને કુટુંબીઓ માને છે કે આયરલૅન્ડના એબોર્શનના કાયદાના કારણે જ તેમનું મોત થયું હતું.

આ કાયદા વિશે જનમત લેવાનો છે ત્યારે તેને બદલવા માટે મત આપવા તેમણે લોકોને અનુરોધ કર્યો છે.

પિતા આનંદપ્પા હલાપ્પનવારે એક વીડિયો મેસેજમાં જણાવ્યું, "અમે જે સ્થિતિમાંથી પસાર થયા તેવી સ્થિતિમાં ભવિષ્યમાં કોઈ કુટુંબને પસાર થવું ના પડે તેમ એમ ઇચ્છીએ છીએ.

"છ વર્ષ પછીય અમારા હૃદયમાં વ્યથા અને પીડા ભરેલી છે."

દર વર્ષે સવિતાની યાદમાં તેમની મૃત્યુતિથિએ શહેરો અને નગરોમાં કાર્યક્રમો યોજવામાં આવે છે.

તેમની સખી મૃદુલા કહે છે કે તેમનું નામ ક્યારેય ભૂલી શકાશે નહિ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો