ઉત્તર કોરિયાએ એકમાત્ર પરમાણુ પરીક્ષણ સાઇટ તોડી પાડી

પંગાય-રી પરિક્ષણ ટનલની વિસ્ફોટ પહેલાંની સેટેલાઈટ ઈમેજ
ઇમેજ કૅપ્શન,

પંગાય-રી પરિક્ષણ ટનલની વિસ્ફોટ પહેલાંની સેટેલાઈટ ઈમેજ

ઉત્તર કોરિયાએ તેની એકમાત્ર પરમાણુ પરીક્ષણ સાઇટને તોડી પાડી હોવાનું જણાય છે.

મળતા અહેવાલ પ્રમાણે, પરમાણુ પરીક્ષણ સાઇટની ટનલો તોડી પાડવામાં આવી છે. એવું મનાય છેકે આને કારણે કોરિયન મહાદ્વીપમાં પ્રવર્તમાન તણાવ હળવો થશે.

પુંગે-રી ખાતેની પરમાણુ પરીક્ષણ સાઇટ પરના વિદેશી પત્રકારોએ જણાવ્યું હતું કે તેમણે મોટો વિસ્ફોટ સાંભળ્યો હતો.

દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે રાજદ્વારી સંબંધ ફરી શરૂ કરવાની યોજનાના ભાગરૂપે ઉત્તર કોરિયાએ તેની પરમાણુ પરીક્ષણ સાઇટ્સનો નાશ કરવાનું વચન આ વર્ષની શરૂઆતમાં આપ્યું હતું.

જોકે, વિજ્ઞાનીઓ માને છે કે 2017ના સપ્ટેમ્બરમાં છેલ્લા પરીક્ષણ પછી સાઇટ આંશિક રીતે તૂટી પડી હતી. પરિણામે ઉપયોગમાં લઈ શકાય એવી રહી ન હતી.

ઉતર કોરિયામાં ઈશાન દિશામાંના પર્વતોમાં આવેલી પુંગે-રી પરીક્ષણ સાઇટને તોડી પાડવાની પ્રક્રિયામાં હાજર રહેવાની પરવાની સ્વતંત્ર નિરિક્ષકોને આપવામાં આવી નથી.

શ્રેણીબદ્ધ વિસ્ફોટો

ઇમેજ કૅપ્શન,

પંગાય-રી ટનલ જ્યાં આવેલી છે એ વિસ્તારનો નકશો

પસંદ કરાયેલા આશરે 20 વિદેશી પત્રકારોની નજર સામે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોને લીધે ટનલ ધરાશયી થઈ ગઈ હતી.

બે વિસ્ફોટ સવારે કરવામાં આવ્યા હતા, જ્યારે બપોરે વધુ ચાર વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.

ઘટનાસ્થળે હાજર પત્રકારોમાં સ્કાય ન્યૂઝના ટોમ ચેશાયરનો પણ સમાવેશ થાય છે.

ટોમ ચેશાયરે જણાવ્યું હતું કે ટનલ્સના દરવાજા નાટકીય રીતે તોડી પાડવામાં આવ્યા હતા અને ચારે તરફ વાયર જોવા મળ્યા હતા.

સ્કાય ન્યૂઝે ટોમ ચેશાયરને એમ કહેતા ટાંક્યા હતા કે ''અમે પર્વત પર જાતે ચડ્યા હતા અને આશરે 500 મીટર દૂરથી ટનલને તોડી પાડવાની કામગીરી નિહાળી હતી.

''તેમણે ત્રણ...બે...એક... એમ ઊંધી ગણતરી કરી હતી. પછી જોરદાર વિસ્ફોટ થયો હતો. ધૂળ ઊડી હતી અને ગરમીનો અનુભવ થયો હતો. ધડાકો ખરેખર જોરદાર હતો.''

સાઈટ વિશે વધુ જાણકારી

માઉન્ટ મેન્ટેપ ખોદીને બનાવવામાં આવેલી ટનલોમાં ઉતર કોરિયાએ 2006થી છ પરમાણુ પરીક્ષણ કર્યાં હતાં.

એ ઉત્તર કોરિયાનું મુખ્ય પરમાણુ પ્રયોગ કેન્દ્ર અને વિશ્વનું એકમાત્ર સક્રિય પરમાણુ પરીક્ષણ સ્થળ હોવાનું માનવામાં આવે છે.

પરીક્ષણ યંત્રો ટનલના છેડે ઊંડે દાટી દેવામાં આવ્યાં હતાં. કિરણોત્સર્ગનું લીકેજ અટકાવવા માટે ટનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો