અમેરિકા સાથે 'ગમે ત્યારે ગમે તેમ' સમાધાન કરવા તૈયાર ઉ. કોરિયા

ઉત્તર કોરિયાની ટીવી સ્ક્રીન પર ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઉત્તર કોરિયાએ પોતાના નેતા કિમ જોંગ ઉન સાથે સિંગાપોરમાં યોજાનારી મુલાકાતથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પીછેહઠથી નિરાશા વ્યક્ત કરી છે.

ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સીનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ નિર્ણય દુનિયાની ઇચ્છાને અનુરૂપ નથી.

ટ્રમ્પ સાથે મુલાકાત કરવા માટે કિમ જોંગ-ઉને અનેક પ્રયાસ કર્યા હતા.

આ પહેલા ગુરૂવારે ઉત્તર કોરિયાએ કેટલાક આંતરરાષ્ટ્રીય પત્રકારોની હાજરી માં તેની એકમાત્ર પરમાણુ પરીક્ષણ સાઇટને ધ્વસ્ત કરી નાખી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

'ગમે ત્યારે ગમે તે રીતે'

ઇમેજ સ્રોત, Reuters

ઉત્તર કોરિયાનું કહેવું છે કે કિમ જોંગ ઉને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરવા અનેક પ્રયાસ કર્યા હતા.

ઉત્તર કોરિયાનું એવું કહેવું પણ છે કે તેઓ અમેરિકા સાથે મુદ્દાઓ અંગે 'ગમે ત્યારે ગમે તે રીતે' સમાધાન લાવવા માગે છે.

આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણય વિશે વ્હાઇટ હાઉસના અધિકારીઓનું કહેવું હતું કે ઉત્તર કોરિયાએ અનેક વખત વાયદા તોડ્યા છે.

વ્હાઇટ હાઉસના અધિકારીઓનું કહેવું છે કે ટ્રમ્પ-કિમની મુલાકાતની રૂપરેખા તૈયાર કરવા માટે ગત અઠવાડિયે એક બેઠક નિર્ધારવામાં આવી હતી.

પરંતુ ઉત્તર કોરિયાના અધિકારીઓ આ એક બેઠકની તૈયારી કરી શક્યા ન હતા.

અમેરિકાનું એવું કહેવું પણ છે કે ઉત્તર કોરિયાએ નિરીક્ષકોને પરવાનગી આપી નથી. જેથી કરીને તેઓ પરમાણુ પરીક્ષણ સાઇટને ધ્વસ્ત કરવાની કામગીરીનું નિરીક્ષણ કરી શકે.

જોકે, ઉત્તર કોરિયાએ વિદેશી પત્રકારોના એક સમૂહને ત્યાં લઈ જઈને પરમાણુ પરીક્ષણ માટેની ટનલો તોડવા પાડવાની કામગીરી દેખાડી હતી.

ચિંતા અને ટીકા

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટરેશે તેના પર ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું છે કે અમેરિકા અને ઉત્તર કોરિયાએ પરમાણુ નિઃશસ્ત્રીકરણની દિશામાં રસ્તો શોધવા અંગે પ્રયાસ ચાલુ રાખવા જોઈએ.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે- ઇને પણ આ મામલે ખેદ વ્યક્ત કરતા તમામ ઉચ્ચ સુરક્ષા અધિકરાીઓની ઇમરજન્સી બેઠક બોલાવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અમેરિકાની કોંગ્રેસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિરોધીઓએ પણ તેમના નિર્ણય અંગે ટીકા કરી છે.

ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા નેન્સી પેલોસીએ કહ્યું છે કે તેનાથી ખબર પડે છે કે ઉત્તર કોરિયાનો સામનો કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેટલા ગંભીર છે.

'આ સમયે બેઠક થવી અયોગ્ય'

ઇમેજ સ્રોત, WHITE HOUSE

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે યોજાનારી બેઠક રદ કરતા કહ્યું હતું કે આ સમયે બેઠક થવી યોગ્ય નથી.

ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય તેમણે આ નિર્ણય ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં આપેલા નિવેદનમાં જણાયેલા 'અસાધારણ ગુસ્સા અને ખુલ્લી શત્રુતા'ના કારણે લીધો છે.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને લખેલા એક પત્રમાં તેમણે કહ્યું કે તેઓ તેમને 'કોઈ દિવસ' મળવા માટે ખૂબ ઉત્સુક હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો