મ્યાનમાર: એ સંગઠન જેના પર હિંદુઓને મારવાનો આરોપ છે

ઇમેજ સ્રોત, AFP/GETTY
એમનેસ્ટી ઇન્ટરનેશનલે રિપોર્ટ રજૂ કર્યો જેમાં આ હત્યાકાંડ અંગે જાણ થઈ
માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની મ્યાનમારના રખાઇન પ્રાંત વિશેના તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિંગ્યા મુસલમાનોનાં હથિયારધારી ઉગ્રવાદી સંગઠને એક કે કદાચ બે નરસંહારોમાં 99 હિંદુ નાગરિકોની હત્યા કરી નાખી હતી.
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓગસ્ટ 2017માં હિંદુ ગામો પર અરાકાન રોહિંગ્યા સેલ્વેશન આર્મી (એઆરએસએ - ARSA) દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં સ્ત્રીઓ અને પુરુષો સહિત ઘણાં બાળકો માર્યાં ગયાં હતાં.
મ્યાનમાર અને બાંગ્લાદેશમાં કરવામાં આવેલાં ઘણાં ઇન્ટરવ્યૂ, ફોટોગ્રાફ્સ, સાક્ષીઓ અને ફોરેન્સિક રિપોર્ટ પરથી કરાયેલાં વિશ્લેષણ અધારે એમનેસ્ટી ઇન્ટરનેશનલે આ અહેવાલ તૈયાર કર્યો છે.
એમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ARSAએ હિંદુઓ પર ક્રૂર હુમલા કરીને તેમનામાં ધાક બેસાડવાનો પ્રયાસ કર્યો છે.
શું છે 'ARSA'?
ઇમેજ સ્રોત, TWITTER/ARSA_OFFICIAL/BBC
અરાકાન રોહિંગ્યા સેલ્વેશન આર્મી મ્યાનમારનાં ઉત્તરમાં આવેલા પ્રાંત રખાઇનમાં સક્રિય એક શસ્ત્રધારી સંગઠન છે.
અરાકાન રોહિંગ્યા સેલ્વેશન આર્મીએ કથિત રીતે મ્યાનમારનાં ઉત્તરમાં આવેલા પ્રાંત રખાઇનમાં સક્રિય એક શસ્ત્રધારી સંગઠન છે.
કહેવાય છે કે આ સંગઠન રોહિંગ્યા મુસ્લિમ લઘુમતીઓની રક્ષા માટે સશસ્ત્ર સંઘર્ષ કરતું રહ્યું છે. તેના મોટા ભાગનાં સભ્યો બાંગ્લાદેશથી ગેરકાયદે આવેલાં શરણાર્થીઓ છે.
આ સંગઠન અનુસાર, અતાઉલ્લાહ અબુ અમ્માર જુનૂની નામનો એક વ્યક્તિ તેમનો નેતા છે.
ARSA પહેલાં 'હરાકાહ અલ-યકીન' નામે ઓળખાતું હતું.
સંગઠનની શરૂઆત
ઇમેજ સ્રોત, YOUTUBE/BBC
ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપ અનુસાર ARSAની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી હતી
અરાકાન રોહિંગ્યા સેલ્વેશન આર્મીનાં પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર, આ વિદ્રોહી સેનાએ વર્ષ 2013થી પ્રશિક્ષણ શરૂ કર્યું હતું.
પણ તેમણે પહેલો હુમલો ઓક્ટોબર 2016માં કર્યો હતો, જેમાં 9 પોલીસ કર્મચારીઓ માર્યાં ગયા હતા.
મ્યાનમાર સરકારનો આરોપ છે કે આ સંગઠને અત્યાર સુધીમાં 20થી વધુ પોલીસ કર્મચારીઓની હત્યા કરી છે.
ARSAનો હેતુ
ઇમેજ સ્રોત, Getty Images
સંગઠન અનુસાર, તેમનો હેતુ મ્યાનમારમાં રહેતા રોહિંગ્યા સમુદાયનાં લોકોની રક્ષા કરવાનો અને સરકારી દમનથી બચાવવાનો છે.
સંગઠન સતત દાવો કરતું રહ્યું છે કે તેમણે ક્યારેય પણ સામાન્ય નાગરિકો પર હુમલા નથી કર્યાં. પણ એના આ દાવા પર સતત સવાલ ઊઠતા રહ્યા છે.
એમનેસ્ટીના તાજા અહેવાલોમાં સંગઠન પર લગાડેલા આરોપોને નકારી કાઢ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
માર્ચ 2017માં એક અજાણ્યા સ્થળેથી સમાચાર એજન્સી રૉયટર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં અતાઉલ્લાહે જણાવ્યું હતું કે એમની લડત મ્યાનમારનાં બૌદ્ધ બહુમતનાં દમન સામે છે.
આ લડત ત્યાં સુધી ચાલું રહેશે કે જ્યાં સુધી મ્યાનમારનાં નેતા આંગ સાન સૂ ચી એમને બચાવવા માટે કોઈ પગલાં નહીં લે. ભલે આ લડતમાં એમનાં પ્રાણ પણ કેમ હોમાઈ ના જાય.
સંગઠનનાં લોકો જણાવે છે કે તેઓ વર્ષ 2012માં થયેલાં હુલ્લડો બાદ સરકારની હિંસક પ્રતિક્રિયાથી નારાજ છે.
કેવાં શસ્ત્રો છે ARSA પાસે?
ઇમેજ સ્રોત, Getty Images
25 ઓગસ્ટ 2017માં પોલીસ કર્મચારીઓ પર થયેલા હુમલા પછી સરકારે કહ્યું હતું કે ARSAના હુમલાખોરો પાસે ચાકૂ અને ઘરમાં બનાવેલાં બોમ્બ હતાં.
સંગઠનનાં વિદ્રોહીઓ પાસે મોટાભાગે ઘરમાં બનાવેલાં હથિયાર હતાં.
જોકે ઇન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રૂપ (આઈસીજી)નાં જણાવ્યા મુજબ 'ARSA'માં સામેલ લોકો બિલકુલ અનુભવહીન નથી.
આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વિદ્રોહી સેનાનાં લોકો, બીજા સંઘર્ષમાં જોડાયેલા લોકોની પણ મદદ લઈ રહ્યા છે જેમાં અફઘાનિસ્તાનનાં લોકો પણ સામેલ છે.
મ્યાનમારે સરકારને જણાવ્યું હતું કે રોહિંગ્યા લોકોએ ખાતર અને સ્ટીલની પાઇપ વડે આઈઈડી તૈયાર કર્યાં છે.
પાકિસ્તાન, સાઉદી અને બાંગ્લાદેશ કનેક્શન
ઇમેજ સ્રોત, Getty Images
મ્યાનમાર સરકારની નજરમાં ARSA એક ચરમપંથી સંગઠન છે જેના નેતા વિદેશોમાંથી પ્રશિક્ષણ લે છે.
ત્યાં જ ઇન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપ (આઈસીજી)નાં જણાવ્યા મુજબ, આ સેનાના નેતા અતાઉલ્લાહ એક રોહિંગ્યા શરણાર્થીનાં દીકરા છે. જેમનો જન્મ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં થયેલો છે.
અતાઉલ્લાહ 9 વર્ષનાં હતા ત્યારે એમનો પરિવાર સાઉદી અરેબિયા જતો રહ્યો હતો. તે ત્યાં જ મોટા થયા હતા.
આઈસીજી એ પોતાના વિશ્લેષણમાં જણાવ્યું છે કે બહારના ચરમપંથી સમૂહો દ્વારા મળી રહેલી મદદ છતાં પણ એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી ખબર પડે કે ARSAનાં લડવૈયા આંતરરાષ્ટ્રીય જેહાદી એજન્ડાનું સમર્થન કરે છે.
ઇસ્લામિક સ્ટેટનાં સમર્થકોએ પણ ARSAનાં સમર્થનમાં ઑનલાઇન નિવેદન બહાર પાડી મ્યાનમાર સામે હિંસાનું આહ્વાન કર્યું હતું.
નવી દિલ્હીમાં મ્યાનમારનાં પત્રકારોએ સ્થાપિત કરેલી પોતાની કંપની 'ધ મિજ્જિમા મીડિયા ગ્રૂપે' 19 ઓકટોબર, 2016માં પોતાના એક અહેવાલમાં જણાવ્યું હતું કે ARSAના નેતા અતાઉલ્લાહ અર્થાત હાજિફ તોહારને એક બીજા ચરમપંથી સંગઠન હરકત ઉલ-જિહાદ ઇસ્લામી અરાકાન (હૂજી-એ) એ જોડ્યું હતું.
હરકત ઉલ -જિહાદ ઈસ્લામી અરાકાન (હૂજી-એ)ના પાકિસ્તાની ચરમપંથી સમૂહ લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાની તાલિબાન સાથે સબંધ છે.
આ અહેવાલમાં બાંગ્લાદેશનાં ચરમપંથી વિરોધી અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે રોહિંગ્યા અને ચરમપંથી સમૂહ વચ્ચેની સાઠગાંઠને પણ નકારી ના શકાય.
જોકે વિદેશી ઇસ્લામી ચરમપંથીઓ સાથે સબંધ રાખવાના મ્યાનમાર સરકારના આરોપને અતાઉલ્લાહ પાયાવિહોણા ગણાવે છે.
મ્યાનમાર સેનાની કાર્યવાહી
ઇમેજ સ્રોત, iStock
એવું મનાય છે કે ઓગસ્ટ, 2017માં પોલીસ ચોકીઓ પર આરાકાન રોહિંગ્યા રક્ષા સેનાના શસ્ત્રધારી હુમલાખોરોએ કથિત રીતે હુમલો કર્યો અને પછી રખાઇનમાં રોહિંગ્યા મુસલમાનોનું સંકટ વધી ગયું.
ત્યાર બાદ મ્યાનમારનાં સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી અને લાખો રોહિંગ્યા મુસલમાનોને બાંગ્લાદેશ તરફ પ્રયાણ કરવું પડ્યું.
સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મ્યાનમારનાં સુરક્ષા દળોએ રોહિંગ્યા મુસલમાનો વિરુદ્ધ મોટાપાયે નરસંહાર અને ગેંગરેપને અંજામ આપ્યો.
આ અહેવાલમાં મ્યાનમારનાં સુરક્ષાદળોની કાર્યવાહીને માનવતા વિરોધી ગણાવવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો