આ દેશમાં પ્રેમ કરતાં બ્રેક અપ પડી શકે છે ભારે

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

તલાક બાદ એલિમની (તલાકના સમયે ભરણપોષણ માટે અપાતી રકમ) આપવામાં આવે છે, પણ એ તો કાયદો છે.

પણ શું તમે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ વચ્ચે બ્રેક અપ બાદ અપાતી આવી કોઈ રકમ વિશે સાંભળ્યું છે? ચીનમાં એક આવો જ મામલો સામે આવ્યો છે જેણે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે.

પૂર્વ ચીનના હાંગઝોઉ શહેરમાં પોલીસને એક બારમાંથી શંકાસ્પદ સૂટકેસ મળવા અંગે ફોન આવ્યો.

આ સૂટકેસમાં બે મિલિયન યૂઆન (આશરે 2 કરોડ 12 લાખ 81 હજાર 571 રૂપિયા) હતા. આ સૂટકેસ જો કોઈ વ્યક્તિને મળી જાય તો તેનું તો જીવન બદલાઈ જાય.

પોલીસે સૂટકેસના માલિકની શોધ કરી. પોલીસની માહિતી અનુસાર એ વ્યક્તિ બારમાં પોતાની પૂર્વ પ્રેમિકાને મળવા આવી હતી.

પણ સવાલ થાય છે આટલા પૈસા લઈને? તો એ પૈસા 'બ્રેક અપ ફી'ના હતા. ચાઇનીઝ ડેટિંગમાં બ્રેક અપ ફીનો એક નવો ટ્રૅન્ડ શરૂ થયો છે.


સાચા પ્રેમની કિંમત?

Image copyright AFP

આપણે બધા જાણીએ છીએ કે પ્રેમ સંબંધ દરમિયાન ખર્ચ ખૂબ વધી જાય છે.

સંબંધની શરૂઆતમાં પૈસા ડ્રિંક ખરીદવામાં, બહાર જમવા જવા પર ખર્ચ થાય છે.

એકબીજા માટે ગિફ્ટ ખરીદવાની શરૂઆત થાય છે. રજાઓ પર પ્રેમી પંખીડા ક્યાંક ફરવા જાય છે.

અત્યાર સુધી એવું આપણે જોયું છે કે બ્રેક અપ થવા પર પૂર્વ પ્રેમીઓ એકબીજાની વસ્તુઓ પરત કરતાં હોય છે.

પણ ચીનમાં હવે લાંબાગાળાના સંબંધનો અંત લાવવા માટે બ્રેક અપ ફી આપવામાં આવે છે. જોકે, બ્રેક અપ ફીનો કોઈ કાયદો ચીનમાં નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

એ નિર્ણય ખુદ વ્યક્તિ જ લે છે. તેઓ એકબીજા સાથે પસાર કરેલા સમય, પ્રયાસ અને ખર્ચેલા રૂપિયાની મદદથી નક્કી કરે છે કે તેમણે પોતાના પૂર્વ પાર્ટનરને કેટલા રૂપિયા આપવા જોઈએ.

બ્રેક અપ ફી સામાન્યપણે એક પુરુષ જ આપે છે. તેના માધ્યમથી તે પોતાની ભૂલ સ્વીકારે છે અને પોતાની પાર્ટનરને દુઃખમાંથી થોડી રાહત આપવાનો પ્રયાસ કરે છે.

જોકે, ઘણી મહિલાઓ પણ છે કે જેઓ બ્રેક અપ ફી આપવા સાથે સંમત છે.

Image copyright Getty Images

કેટલાક રિપોર્ટ જણાવે છે કે આ ફીના માધ્યમથી થોડી મોટી ઉંમરની મહિલાઓને મદદ મળે છે.

જેઓ એવું વિચારે છે કે તરૂણાવસ્થા દરમિયાન તેમણે ઘણી વસ્તુઓ ગુમાવી દીધી છે.

ચીનમાં બ્રેક અપના જૂના કેસની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં નિંગ્બો શહેરમાં એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડ પાસેથી નુકસાનની ભરપાઈની માગ કરી હતી.

તેમના બ્રેક અપનું કારણ પણ વિચિત્ર હતું. ગર્લફ્રેન્ડે એ માટે બ્રેક અપ કર્યું હતું કેમ કે તેમના બૉયફ્રેન્ડે વાળ કપાવી નાખ્યા હતા.

કેટલાક ગંભીર કેસ પણ સામે આવ્યા છે. નવેમ્બર 2014માં ચીનના સિચુઆન વિસ્તારમાં એક વ્યક્તિને જાણ થઈ કે તેમની ગર્લફ્રેન્ડનો વધુ એક પાર્ટનર છે. અને ત્યારબાદ તેમણે બ્રેક અપ કરી નુકસાનની ભરપાઈની માગ કરી હતી.

તેમનાં બન્નેનાં લગ્ન થઈ ગયાં હતાં છતાં તેઓ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

તે વ્યક્તિએ ઘણી વખત ગર્લફ્રેન્ડને કપડાં ખરીદવા માટે પૈસા પણ આપ્યા હતા. જ્યારે ગર્લફ્રેન્ડે પૈસા પરત કરવાની ના પાડી તો બૉયફ્રેન્ડે ગર્લફ્રેન્ડનાં ઘરે જઈને તેના પરિવારજનો પર એસિડ ફેંકી દીધું હતું.


બારમાં મળેલા રૂપિયાનું શું થયું?

Image copyright JIANGSU TV

હાંગઝોઉ બારમાં મળેલા રૂપિયા અંગે ધ ગ્લોબલ ટાઇમ્સે રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

રિપોર્ટ અનુસાર એ વ્યક્તિને ગર્લફ્રેન્ડે કહ્યું, "મેં એ પૈસા લીધા ન હતા અને ત્યાંથી ચાલી ગઈ હતી. મેં એ પૈસા તેમને લઈ જવા કહ્યું હતું. બસ."

ગર્લફ્રેન્ડને ખબર ન હતી કે તેમના જે બૉયફ્રેન્ડે પૈસા મૂક્યા હતા, તેઓ બારમાંથી જતા રહ્યા હતા. જોકે, અંતે પોલીસે પૈસા એ વ્યક્તિને આપી દીધા છે અને બીજી વખત આટલી મોટી રકમને લઈને કાળજી રાખવાની સલાહ આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા