એક ભારતીય મહિલાના કારણે બદલાયો આયર્લેન્ડનો કાયદો

સવિતા હલપ્પાનાવરની આયર્લેન્ડની ભીંતો પર લાગેલી પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રિપબ્લિક ઓફ આયર્લેન્ડના લોકોએ ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા કાયદાને બદલવા માટે 66.4 ટકા વિરુદ્ધ 33.6 ટકા મતોથી મંજૂરી આપી છે.

આર્યલેન્ડના 66.4 ટકા લોકોએ ગર્ભપાત માટેના કડક કાયદાઓમાં સુધારા કરવાની તરફેણમાં આપેલા જનમતથી દેશમાં એક નવી શરૂઆત થઈ છે.

આ સુધારા લાવવા માટે આયર્લેન્ડમાં ચાલેલી દેશવ્યાપી ચળવળના મૂળમાં એક ભારતીય ગર્ભવતી મહિલા સવિતા હલપ્પનવારનું મૃત્યુ હતું.

સવિતાનું વર્ષ 2012માં તેમની પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન તેમને ગર્ભપાતની મંજૂરી ન મળવાને કારણે થયું હતું.

તેમના મૃત્યુ બાદ આયર્લેન્ડમાં શરૂ થયેલાં ગર્ભપાતને કાયદેસરતા આપવા માટે દેશવ્યાપી આંદોલન શરૂ થયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

આ માટે આયર્લેન્ડની સરકારે 25 મેના રોજ દેશમાં ગર્ભપાત માટેના કડક કાયદાઓમાં સુધારા માટે જનમત સંગ્રહની પ્રક્રિયા હાથ ધરી હતી.

જેનું પરિણામ 26 મે 2018 ના દિવસે જાહેર થયું હતું, જેમાં ગર્ભપાતના કાયદામાં સુધારા કરવાની તરફેણમાં 66.4 ટકા અને વિરોધમાં 33.6 ટકા મત હતા.

સવિતાના પિતા એ એસ યેળગી કર્ણાટકના બેલગાંવમાં રહે છે. તેમણે આ પરિણામ વિશે કહ્યું, "28 ઓક્ટોબર 2012ના રોજ મારી દીકરીનું આયર્લેન્ડની એક હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. અમારો સંઘર્ષ છેલ્લાં છ વર્ષથી ચાલુ હતો.”

“અમે નથી ઇચ્છતા કે અન્ય કોઈની દીકરી સાથે પણ આવું થાય. આયર્લેન્ડના લોકોએ જે રીતે આ કાયદો બદલવાની તરફેણમાં મત આપ્યો છે, તેને જોઈને એમ લાગે છે કે અમારી જીત થઈ છે.”

શું છે સુધારો?

ઇમેજ સ્રોત, Getty Images

શુક્રવારે યોજાયેલા જનમત સંગ્રહમાં મતદારોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ આયર્લેન્ડનાં બંધારણના આઠમા સુધારાને દૂર કરવા ઇચ્છે છે કે રાખવા ઇચ્છે છે.

યુરોપમાં આયર્લેન્ડના ગર્ભપાતના કાયદા સૌથી કડક છે.

માતાનું જીવન જોખમમાં હોય ત્યારે જ ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે છે.

1983માં આઇરિશ બંધારણનો આઠમો સુધારો રજૂ કરાયો હતો.

શું તમે આ વાંચ્યું?

આ કાનૂન સગર્ભા સ્ત્રી અને ગર્ભમાં રહેલા બાળકને જીવનનો સમાન અધિકાર આપે છે.

હાલમાં આયર્લેન્ડમાં ગર્ભપાતની મંજૂરી ત્યારે જ અપાય છે, જ્યારે ગર્ભવતી મહિલાનાં જીવને જોખમ હોય.

જોકે, બળાત્કાર, નજીકના સગાને કારણે રહેલા ગર્ભ અને ગર્ભમાં રહેલા બાળકમાં કોઈ જીવલેણ ખોડ હોય તેવા કિસ્સામાં ગર્ભપાતની મંજૂરી આપવામાં નથી આવતી.

હવે શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images

આયર્લેન્ડના ભારતીય મૂળના વડાપ્રધાન લીઓ વરાડકરે જનમત બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું, "આયર્લેન્ડના લોકોએ કહી દીધું છે કે તેમને એક આધુનિક દેશ માટે આધુનિક બંધારણની જરૂર છે."

એક્ઝિટ પોલ અનુસાર 69 ટકા લોકોએ દેશના બંધારણમાં ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા ભાગને દૂર કરવાનો મત આપ્યો હતો.

વરાડકરે જણાવ્યું હતું, "છેલ્લાં 20 વર્ષમાં આયર્લેન્ડમાં ધીમે ધીમે આકાર લઈ રહેલી શાંત ક્રાંતિની આ ફલશ્રુતિ છે."

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે એમ પણ જણાવ્યું, "મહિલાઓને તેમના પોતાના આરોગ્યની સંભાળ માટેના યોગ્ય નિર્ણયો લેવાની અને તેને માટેના વિકલ્પોની યોગ્ય પસંદગી કરવા માટે તેમના પર વિશ્વાસ મૂકવો જોઈએ એને તેમનું સંમાન કરવું જોઈએ."

વરાડકરે જણાવ્યું હતું કે, તેમને આશા છે કે આ વર્ષનાં અંત સુધીમાં ગર્ભપાત માટેનો નવો કાયદો અમલમાં આવી જશે.

કોણ હતાં સવિતા હલપ્પનવાર?

ઇમેજ કૅપ્શન,

સવિતા હલપ્પનવાર

કર્ણાટકના હુબલીમાં જન્મેલાં સવિતા હલપ્પનવાર વ્યવસાયે ડેન્ટિસ્ટ હતાં.

એ સમયે તેમણે પ્રથમવાર ગર્ભધારણ કર્યો હતો અને ગર્ભવસ્થામાં મુશ્કેલીઓ શરૂ થઈ તે પહેલાં તે ખૂબ જ ખુશ હતાં.

તેમના પતિ પ્રવીણ હલપ્પનવારે વર્ષ 2012માં બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "તે ખૂબ જ ખુશ હતી. બધું જ બરાબર જઈ રહ્યું હતું. તે ખૂબ જ ઉત્સાહમાં હતી."

પરંતુ એક રાત્રે સવિતાની પીઠમાં ખૂબ જ દુખાવો શરૂ થયો અને બધુ જ બદલાઈ ગયું. તેમને યુનિવર્સિટીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

સતત દુખાવો વધવાને કારણે સવિતાએ તેના ડૉક્ટરને પૂછ્યું કે શું તેમનો ગર્ભપાત થઈ શકશે ત્યારે તેમને આયર્લેન્ડ એક કેથલિક દેશ હોવાને કારણે ગર્ભપાત શક્ય ન હોવાનું જણાવવામાં આવ્યું.

ઇમેજ સ્રોત, Getty Images

સવિતાએ ડૉક્ટર્સને એમ પણ કહ્યું કે તે કેથલિક નહીં, પણ હિંદુ છે એટલે ગર્ભપાતનો એ કાયદો તેમના પર લાગુ નહીં પડે. પરંતુ તેમનાં એ મહિલા ડૉક્ટરે સવિતાને એમ જણાવ્યું હતું કે, તે આ દેશના કાયદા પ્રમાણે ગર્ભપાત નહીં કરી શકે.

પરંતુ સવિતાનાં ગર્ભમાં રહેલાં બાળકનાં હૃદયનાં ધબકારા બંધ થઈ ગયા હતા.

એ સમયે પ્રવીણ હલપ્પનવારને હોસ્પિટલ બોલાવવામાં આવ્યા અને તેમને જણાવાયું કે સવિતાનાં હૃદયનાં ધબકારા વધી જવાને કારણે તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ત્યારબાદ સવિતાની સ્થિતિ સતત કથળતી રહી અને તેમનાં અંગો કામ કરતાં અટકી ગયાં અને ઓક્ટોબર 28, 2012ના રોજ સવિતા મૃત્યુ પામ્યાં.

એ સમયે બીબીસી સાથેની વાતચીતમાં પ્રવીણ હલપ્પનવારે જણાવ્યું હતું કે, જો સવિતાને ગર્ભપાતની મંજૂરી અપાઈ હોત તો તે ચોક્કસપણે જીવતાં હોત એ વિશે તેમને કોઈ શંકા નહોતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો