ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન 12 જૂનના રોજ જ મળશે

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન Image copyright Getty Images

ઉત્તર કોરિયાના સરકારી મીડિયાનું કહેવું છે કે કિમ જોંગ-ઉન સિંગાપોરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાતને લઈને સંકલ્પબદ્ધ છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારના રોજ આ પ્રસ્તાવિત મુલાકાતને રદ કરી નાખી હતી. ટ્રમ્પે મુલાકાત રદ કરવાનું કારણ 'શત્રુતાપૂર્ણ માહોલ' ગણાવ્યો હતો.

ત્યારબાદ ઉત્તર કોરિયા તરફથી સદ્ભાવનાપૂર્ણ સંદેશ બાદ બન્ને નેતાઓની મુલાકાત પર ફરી આશા જાગી છે.

શનિવારના રોજ ટ્રમ્પે કહ્યું છે કે 12 જૂનના રોજ પ્રસ્તાવિત મુલાકાતમાં કોઈ ફેરફાર થયો નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

ઉત્તર કોરિયાની સમાચાર એજન્સી કેસીએનએનું કહેવું છે કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતા મળતા રહેશે.

આ જ ક્રમમાં બન્ને દેશોના નેતા શનિવારના રોજ અચાનક મળ્યા હતા. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇનના પ્રવક્તાએ કહ્યું છે કે બન્ને નેતાઓ વચ્ચે બે કલાક સુધી મુલાકાત ચાલી હતી.

બન્ને નેતાઓ વચ્ચે અસૈન્ય વિસ્તારમાં આ બીજી મુલાકાત હતી.


ટ્રમ્પ અને કિમની મુલાકાત

Image copyright Getty Images

કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત કિમ જોંગ-ઉન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાતને ફરી પાટા પર લાવવા માટે હતી.

કેસીએનએએ આ મુલાકાત બાદ લખ્યું છે કે બન્ને નેતાઓ વચ્ચે એ વાત પર સહમતી બની છે કે કોરિયાઈ પ્રાયદ્વીપમાં પરમાણુ નિશસ્ત્રીકરણને લઈને સતત મુલાકાતો થવી જોઈએ.

કેસીએનએ ન્યૂઝનું કહેવું છે કે કિમ જોંગ-ઉને સિંગાપોરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત આયોજિત કરાવવાના પ્રયાસ માટે ધન્યવાદ વ્યક્ત કર્યો છે.

કેસીએનએ અનુસાર કિમે કહ્યું છે કે તેઓ આ મુલાકાતને લઈને સંકલ્પબદ્ધ છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કિમ અને મૂન શુક્રવારના રોજ આગામી ઉચ્ચસ્તરીય મુલાકાત માટે સહમત થયા છે.

જોકે, આ અંગે વધુ કોઈ જાણકારી આપવામાં આવી નથી.

આ વચ્ચે વ્હાઇટ હાઉસે શનિવારના રોજ એ વાતની પુષ્ટિ કરી છે કે કિમ અને ટ્રમ્પની સંભવિત મુલાકાતની તૈયારીને લઈને સિંગાપોર એક ટીમ મોકલી દેવાઈ છે.


ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ

બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારના રોજ ટ્વિટર પર ગુસ્સામાં મીડિયામાં લગાવવામાં આવતી એ અટકળોને વિરામ આપ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે જો કિમ જોંગ-ઉન અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે તો પણ તે 12 જૂનના રોજ શક્ય નથી.

ટ્રમ્પે કહ્યું કે મીડિયા વિશ્વાસપાત્ર સ્રોતનો ઉપયોગ કરે.

ટ્રમ્પે ગુરુવારના રોજ પ્રસ્તાવિત વાર્તા રદ કરવાની ઘોષણા કરી હતી. તેમનો આરોપ હતો કે ઉત્તર કોરિયા માહોલને તણાવપૂર્ણ બનાવી રહ્યું છે.


ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ

Image copyright Getty Images

ઉત્તર કોરિયા સામે અમેરિકાની માગ છે કે તે પરમાણુ હથિયારનો સંપૂર્ણપણે નાશ કરી દે.

ઉત્તર કોરિયા 2016થી લને અત્યાર સુધી 6 પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યું છે.

આ સાથે જ તેણે ઘણી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ પણ કર્યું છે.

2006 બાદથી અત્યાર સુધી ઉત્તર કોરિયા પર ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લાગ્યા છે.

આંતરરાષ્ટ્રીય પર્યવેક્ષકોનું માનવું છે કે કડક પ્રતિબંધોના કારણે મજબૂર થઈને ઉત્તર કોરિયા વાતચીત માટે તૈયાર થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો