સેક્સ માણ્યા પછી આશિકોને જીવતા સળગાવી નાખનારી રાણી

પ્રતિકાત્મક રેખાંકન Image copyright CAROLINA THWAITES (BBC)

ઇતિહાસનાં પુસ્તકોમાં નજર કરીએ તો આફ્રિકન દેશ અંગોલાનાં રાણી એનજિંગા એમબાંદી એક બહાદુર અને તેજ દિમાગવાળા યોદ્ધાના સ્વરૂપમાં જોવા મળશે. તેમણે 17મી સદીમાં આફ્રિકામાં યુરોપિયન સંસ્થાનવાદ સામે યુદ્ધ છેડ્યું હતું.

અલબત, કેટલાક લોકો એનજિંગા એમબાંદીને એવી ક્રૂર મહિલા ગણે છે, જેણે સત્તા માટે પોતાની ભાઈની હત્યા કરી હતી.

એટલું જ નહીં, તેમણે પુરુષોને દાસ બનાવ્યા હતા અને જે પુરુષ સાથે તેઓ સેક્સ માણતાં હતાં તે પુરુષને જીવતો સળગાવી દેવાની સજા કરતાં હતાં.

એમ છતાં એનજિંગા એમબાંદી આફ્રિકાની સૌથી વધુ લોકપ્રિય મહિલાઓ પૈકીનાં એક હતાં, એ બાબતે ઇતિહાસકારો સહમત છે.


એનગોલા કે એંગોલા?

Image copyright NEW YORK PUBLIC LIBRARY
ફોટો લાઈન અંગોલાનાં રાણી એનજિંગા એમબાંદી

એમબાંદુ લોકોનાં નેતા એનજિંગા દક્ષિણ-પશ્ચિમ આફ્રિકાના એનદોંગો તથા મતાંબાનાં રાણી હતાં, પણ સ્થાનિક ભાષા કિમબાંદુમાં એનજિંગાને એનગોલા કહેવામાં આવતાં હતાં.

સમયાંતરે એ ક્ષેત્ર એંગોલા તરીકે ઓળખાવા લાગ્યું હતું. પોર્ટુગલના સૈનિકોએ સોના-ચાંદીની શોધમાં એનદોંગો પર હુમલો કર્યો ત્યારે તેને એંગોલા નામ મળ્યું હતું.

પોર્ટુગલના સૈનિકોને સોના-ચાંદીની ખાણો ન મળી ત્યારે તેમણે બ્રાઝિલમાં તેમના નવા સંસ્થાનમાં મજૂરો સાથે વેપાર શરૂ કર્યો હતો.

રાજા એમબાંદી કિલુંજીનું 1617માં મૃત્યુ થયું પછી તેમના દીકરા એનગોલા એમબાંદીએ સત્તા સંભાળી હતી, પણ એનગોલામાં તેમના પિતા જેવો કરિશ્મા અને બહેન એનજિંગા જેવી બુદ્ધિ ન હતી.

શું તમે આ વાંચ્યું?

એનગોલાને ટૂંક સમયમાં જ એવો ભય સતાવવા લાગ્યો હતો કે તેમના પોતાના લોકો એનજિંગા તરફથી તેમના વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે.

આ ભયને કારણે એનગોલા એમબાંદીએ એનજિંગાના દીકરાને મોતની સજા ફરમાવી હતી.

નવા રાજા યુરોપિયન આક્રમણકર્તાઓનો સામનો કરવામાં અસફળ રહ્યા હતા, કારણ કે તેઓ ધીમે-ધીમે આગળ વધતા હતા અને મોટી જાનહાનિ કરતા હતા.

એ પરિસ્થિતિમાં એનગોલા એમબાંદીએ તેમના એક વિશ્વાસુ સાથીની સલાહ સ્વીકારી હતી.


પોર્ટુગલ સાથે કરારનું રાજકારણ

Image copyright UNESCO

એ પછી રાજા એનગોલા એમબાંદીએ તેમનાં બહેન સાથે સત્તાની વહેંચણીનો કરાર કર્યો હતો.

પોર્ટુગલના ધર્મપ્રચારકો પાસેથી પોર્ટુગલની ભાષા શિખેલાં એનજિંગા અત્યંત પ્રભાવશાળી વ્યૂહરચનાકાર હતાં.

એનજિંગા વાતચીત શરૂ કરવા માટે લુઆંડા પહોંચ્યાં ત્યારે ત્યાં તેમણે કાળા, ગોરા અને અન્ય મિશ્ર પ્રકારના લોકોને નિહાળ્યા હતા.

એનજિંગાએ એવું દૃશ્ય પહેલીવાર જોયું હતું, પણ તેઓ એક અન્ય બાબતને જોઈને વધારે આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.

વાસ્તવમાં ગુલામોને એક લાઈનમાં ઊભા રાખીને મોટા જહાજોમાં લાવવામાં આવી રહ્યા હતા. થોડા સમયમાં જ લુઆંડા આફ્રિકામાં ગુલામોનો સૌથી મોટો અડ્ડો બની ગયું હતું.

એનજિંગા પોર્ટુગલના ગવર્નર જોઆઓ કોરિએ ડે સોઉસા સાથે શાંતિ મંત્રણા કરવા તેમની ઓફિસે પહોંચ્યાં ત્યારે તેમની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો હતો તેનો ઇતિહાસકારોએ બરાબર નોંધ કરી છે.

એનજિંગા શાંતિ મંત્રણા કરવા પહોંચ્યાં ત્યારે પોર્ટુગલના ગવર્નર આરામદાયક ખુરશીઓ પર બેઠા હતા, જ્યારે એનજિંગા માટે જમીન પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એ જોઈને એનજિંગા કંઈ બોલ્યાં નહીં. તેમની નજરના ઈશારાને જોઈને તેમનો એક નોકર ખુરશીની માફક એનજિંગા સામે બેસી ગયો હતો.


બરાબરીના સ્તરે મંત્રણા

Image copyright CAROLINA THWAITES (BBC)

એનજિંગા એ નોકરની પીઠ પર બેસી ગયાં હતાં અને પોર્ટુગલના ગવર્નરને સાંકેતિક રીતે જણાવ્યું હતું કે તેઓ બરાબરીના સ્તરે વાતચીત કરવા આવ્યાં છે.

શાંતિ મંત્રણા લાંબી ચાલી હતી. પોર્ટુગલનું સૈન્ય એનદોંગો છોડીને ચાલ્યું જાય અને તેમના પ્રભુત્વનો સ્વીકાર કરે એ બાબતે બન્ને પક્ષો આખરે સહમત થયા હતા.

તેના બદલામાં આ ક્ષેત્રને વ્યાપારી માર્ગ બનાવવા માટે ખુલ્લું છોડવા એનજિંગા સહમત થયાં હતાં.

પોર્ટુગલ સાથેનો સંબંધ બહેતર બનાવવા માટે એનજિંગાએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને એ પછી એના ડે સૂઝા નામ અપનાવ્યું હતું. એ વખતે તેમની વય 40 વર્ષ હતી.

જોકે, બન્ને વચ્ચે લાંબો સમય સંબંધ સારો રહ્યો ન હતો અને ટૂંક સમયમાં ફરી સંઘર્ષની શરૂઆત થઈ હતી.


જ્યારે એનજિંગા રાણી બન્યાં

Image copyright UNESCO

એનજિંગાના ભાઈ 1624માં એક નાના દ્વીપમાં રહેવા લાગ્યા હતા અને સમય જતાં ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું.

એનજિંગાના ભાઈના મૃત્યુ બાબતે જાતજાતની કથાઓ સાંભળવા મળે છે.

કેટલાક લોકો કહે છે કે એનજિંગાએ પોતાના પુત્રની હત્યાનો બદલો લેવા માટે તેમના ભાઈને ઝેર પીવડાવ્યું હતું, જ્યારે કેટલાક લોકો તેને આત્મહત્યા ગણે છે.

આ બધાની વચ્ચે એનજિંગા એમબાંદીએ પોર્ટુગલ અને પોતાના લોકોના પડકારોનો સામનો કરતાં એનદોંગોનાં પહેલાં રાણી બનવાની સિદ્ધિ મેળવી હતી.

અંગોલાની નેશનલ લાઈબ્રેરીનાં ડિરેક્ટર જાઓ પેડ્રો લોરેંકોના જણાવ્યા અનુસાર, "આફ્રિકામાં અનેક સદીઓથી ચાલતા મહિલાઓના શોષણ સામે એનજિંગા એમબાંદી ઉત્કૃષ્ટ ઉદાહરણ છે."

"આફ્રિકામાં સત્તાના ઢાંચાની મર્યાદામાં રહ્યા હોવા છતાં મહિલાઓએ આ મહાદ્વિપના વિકાસમાં યોગદાન આપ્યું હોવાનું સમજવામાં એનજિંગા જેવી અનેક હસ્તીઓ મદદરૂપ થાય છે."


ક્રૂર અભિગમ

Image copyright IMBD

કેટલાંક સુત્રો જણાવે છે કે એનજિંગાનો અભિગમ ક્રૂરતાભર્યો હતો.

તેમનાં રાજ્યની સીમા પર રહેતા ઈમબાંગલા યોદ્ધાઓની મદદ એનજિંગાએ લીધી હતી, જેથી પ્રતિસ્પર્ધીઓને ડરાવીને પોતાની સ્થિતિ મજબૂત કરી શકાય.

પોતાના રાજ્યનું વર્ષો સુધી નેતૃત્વ કર્યા બાદ એનજિંગાએ તેમનું પાડોશી રાજ્ય મુતાંબા કબજે કરી લીધું હતું અને પોતાના રાજ્યનું પણ યોગ્ય રીતે રક્ષણ કર્યું હતું.

બ્રાઝિલ અને પોર્ટુગલનાં લેખિકા જોસ એડુઆર્ડો અગુઆલુસા કહે છે, "ક્વીન એનજિંગા યુદ્ધભૂમિમાં એક મહાન યોદ્ધા જ નહીં, મહાન વ્યૂહરચનાકાર તથા સમજદાર નેતા પણ હતાં."

"તેઓ પોર્ટુગલ સામે લડ્યાં હતાં અને તેમણે ડચ લોકો સાથે દોસ્તી કરી હતી, પણ અન્ય રાજ્યો સાથે સંઘર્ષ થતો ત્યારે તેઓ પોર્ટુગલની મદદ લેતાં હતાં."


સેક્સ પછી આશિકોની હત્યા

Image copyright MARCOS GONZALEZ DIAZ

ફ્રાન્સના દાર્શનિક માર્કિસ દે સાદેએ ઈટાલિયન મિશનરી ગિઓવની કાવેજીની કથાઓ પર આધારિત એક પુસ્તક 'ધ ફિલોસોફી ઓફ ધ ડ્રેસિંગ ટેબલ' લખ્યું છે.

એનજિંગા તેમનાં આશિકો સાથે સેક્સ માણ્યા બાદ આશિકોને જીવતા સળગાવી નાખતાં હોવાનો દાવો કાવેજીએ કર્યો હતો.

ક્વીન એનજિંગાએ તેમના ગુલામ યુવાનો માટે 'જનાના ખાનું' બનાવ્યું હતું તેને ચિબદોસ કહેવામાં આવતું હતું.

ચિબદોસમાં રહેલા ગુલામ યુવાનોને પહેરવા માટે મહિલાઓનાં કપડાં આપવામાં આવતાં હતાં.

એટલું જ નહીં, ક્વીન એનજિંગાએ ચિબદોસમાંના કોઈ યુવાન સાથે સેક્સ માણવું હોય ત્યારે ચિબદોસમાંના યુવાનોએ અંદરોઅંદર મોત થાય ત્યાં સુધી લડવું પડતું હતું.

જોકે, તેમાં વિજેતા બનતા યુવાનને જે 'ઈનામ' મળતું હતું એ વધારે ખતરનાક હતું.

ક્વીન સાથે સેક્સ બાદ એ યુવાનને જીવતો સળગાવી દેવામાં આવતો હતો.

જોકે, કાવેજીની આ કથાઓ અન્ય લોકોના દાવાઓ પર આધારિત હોવાનું માનવામાં આવે છે ત્યારે ઇતિહાસકારો માને છે કે અન્ય સ્વરૂપમાં એવી બીજી કથાઓ પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા