'સ્પાઇડરમેન'ની જેમ ઇમારત પર ચઢીને યુવકે બાળકનો જીવ બચાવ્યો

ગાસ્સામા
ઇમેજ કૅપ્શન,

રાષ્ટ્રપતિ મેક્રો અને ગાસ્સામા

પેરિસમાં એક પ્રવાસી તરીકે રહેતા પશ્ચિમ આફ્રીકાના દેશ માલીના નાગરિક મામોઉદોઉ ગસ્સામા એ કંઈક એવી રીતે એક બાળકનો જીવ બચાવ્યો કે આખા ફ્રાંસમાં લોકો તેમના વખાણ કરી રહ્યા છે.

આ સાહસ કર્યા બાદ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોએ કહ્યું છે કે તેમને ફ્રાંસની નાગરિકતા આપવામાં આવશે.

ગસ્સામાએ પેરિસમાં એક બાળકનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

એક મિનિટ જેટલા સમયમાં તેઓ ચાર માળની ઇમારત પર કોઈ પ્રકારના સુરક્ષા સાધનો વગર ચઢી ગયા અને બાળકને બચાવ્યું હતું.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ગસ્સામાનો વીડિયો વાઇરલ થયો અને હવે પેરિસના લોકો ગસ્સામાને એક હીરો તરીકે જોવા લાગ્યા છે.

રાષ્ટ્રપતિ મેક્રોએ પણ વખાણ કર્યાં

બદલો Twitter કન્ટેન્ટ, 1

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોએ આ કામગીરી બદલ ધન્યવાદ આપવા માટે રવિવારે 22 વર્ષના ગસ્સામાને ઇલેસી પેલેસ ખાતે બોલાવ્યા હતા.

પેરિસ શહેરના મેયર એન હિડાલ્ગોએ પણ ગસ્સામાને ફોન કરીને તેમના વખાણ કર્યાં હતાં.

એટલું જ નહીં, એન હિડાલ્ગોએ ગસ્સામાને 'સ્પાઇડર મેન'નું બિરુદ પણ આપ્યું છે.

હિડાલ્ગોએ ટ્વીટ કર્યું છે કે, "ગસ્સામાએ મને કહ્યું કે થોડાક મહિનાઓ પહેલાં જ તેઓ પોતાનાં સ્વપ્નો સાકાર કરવા માટે માલીથી પેરિસ આવ્યા હતા."

"મેં તેમને કહ્યું કે જે કામ તેમણે કરી બતાવ્યું છે, એ નાગરિકો માટે ઉદાહરણરૂપ છે અને પેરિસ શહેર તેમને તેમનાં સપનાં પૂરાં કરવામાં બનતી બધી જ મદદ કરશે."

"હું ચઢતો ગયો કેમ કે...."

પેરિસના એક વિસ્તારમાંથી શનિવારે સાંજે ગસ્સામા પસાર થતા હતા ત્યારે તેમને એક ઇમારત સામે લોકોની ભીડ જોઈ.

લે પારિસિયન સમાચારપત્રએ તેમના નામથી લખ્યું છે કે, "મેં આ સાહસ કર્યું કારણકે એક બાળકનો જીવ જોખમમાં હતો. હું ચઢ્યો અને બાળકને બચાવી શક્યો, એ માટે ભગવાનનો આભારી છું."

પેરિસની ફાયર બ્રિગેડની ટીમનું કહેવું છે કે તેમની ટીમ પહોંચી ત્યાંસુધીમાં બાળકને બચાવી લેવાયું હતું.

પેરિસના સમાચારપત્રોએ સ્થાનિક અધિકારીઓના હવાલાથી લખ્યું છે કે ઘટના ઘટી ત્યારે માતાપિતા ઘરે હાજર નહોતાં અને પોલીસે બાળકના પિતાની પૂછપરછ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો