આ ઇસ્લામિક દેશમાં હિંદુ પરિવારો રાખે છે રોજા

  • રિયાઝ સોહૈલ
  • બીબીસી ઉર્દૂ, મઠ્ઠી(પાકિસ્તાન)થી
દરગાહમાં ભોજન બનાવી રહેલા માલહી યુવકો

મોહનલાલ માલહીને બાળપણથી દરગાહ કાસિમ શાહમાં શ્રદ્ધા છે, પણ કાકાના મૃત્યુ પછી હવે તેઓ એ મઝારના વ્યવસ્થાપક બની ગયા છે.

પાકિસ્તાનના થાર રણ નજીકના મઠ્ઠી શહેરની વચ્ચોવચ આવેલી આ દરગાહમાં રમઝાન મહિનામાં રોજા પાળતા લોકો માટે ઇફતારની વ્યવસ્થા કરવામાં આવે છે.

દરગાહની અંદર જ રસોડું છે, જ્યાં હિંદુ માલહી બિરાદરીના યુવાનો જાતે ચણા તથા બટાટા સાથેની વેજ બિરયાની બનાવે છે.

મોહનલાલ માલહી આખો રમઝાન મહિનો રોજા રાખે છે, જ્યારે તેમના પરિવારજનો હઝરત અલીની શહાદતના દિવસે (એટલે કે 21મા રોજાના દિવસે) અને 27મા દિવસે રોજા રાખે છે.

માલહી બિરાદરીના લોકો મઠ્ઠી શહેરમાં ભૂતકાળમાં કૂવામાંથી મશકમાં પાણી ભરીને લોકોને પહોંચાડતા હતા.

એ પછી શહેરનો વિકાસ થયો એટલે કૂવો શહેરની વચ્ચે આવી ગયો હતો. તેમની પ્રોપર્ટીની કિંમત વધી ગઈ હતી અને ધીમે-ઘીમે તેઓ વેપારી બની ગયા હતા.

બીજી બાજુ, મુસ્લિમો પણ હિંદુઓની ભાવનાઓને ધ્યાને લઈને ગાયની કુરબાની નથી આપતા.

આપને આ પણ વાંચવું ગમશે

મજામાં છે માલહી બિરાદરી

મઠ્ઠીના આ દરગાહ પર 30-35 વર્ષ પહેલાં એક વૃક્ષ હતું અને એક કબર પણ હતી.

ત્યાં જે શ્રદ્ધાળુ આવતા હતા તેમની માનતા પૂરી થતી હતી અને એવા લોકો બહુ દાન આપીને ચાલ્યા જતા હતા.

મોહનલાલ કહે છે, "એ દિવસોમાં અમારી બિરાદરી પાસે કંઈ ન હતું. પાંચ પૈસાનું દાન પણ કરતા હતા.

"હવે તો બિરાદરી ખુશહાલ છે એટલે અમે દાનમાં કોઈ કસર રાખતા નથી.

"કોઈ ચોખાની દેગનું દાન કરે છે, કોઈ પાણીનું ટેન્કર મોકલી આપે છે તો કોઈ બરફની વ્યવસ્થા કરી આપે છે."

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક

બાળકો સાંજથી મઝારની આસપાસ એકઠાં થવાં લાગે છે અને ડર્યા વિના રાતના નવ વાગ્યા સુધી અહીં રહે છે.

મોહનલાલના જણાવ્યા અનુસાર, કાસિમ શાહને બાળકો બહુ પસંદ હતાં અને એ પરંપરાને અહીં આજ સુધી યથાવત રાખવામાં આવી છે.

પરંપરાગત સાડી અને ચણિયા-ચોળી પહેરતી મહિલાઓ પણ મઝાર પાસે આવે છે તથા ઇફતારના સમય સુધી હાજર રહે છે.

થારના હિન્દુઓ તથા મુસલમાનો ઈદની ખુશી અને મોહર્રમનો માતમ સાથે મળીને મનાવે છે. એવી જ રીતે હોળી અને દિવાળીની ઊજવણી કરે છે.

મોહનલાલના જણાવ્યા મુજબ, ધર્મના નામે અહીં કોઈ ભેદભાવ નથી.

મોહનલાલ કહે છે, "માતા-પિતાએ મહત્વની શિખામણ આપી હતી, જે પ્રેમનો સંદેશો હતી. આ તારા મામા છે કે તારા કાકા છે એવું કહ્યું હતું.

"આ હિંદુ છે કે મુસલમાન કે સિખ કે ખ્રિસ્તી છે એવું કહ્યું ન હતું.

"અમે બધા આજે પણ અહીં ભાઈઓની જેમ રહીએ છીએ."

શહેરમાં 80 ટકા વસ્તી હિંદુઓની છે.

દરગાહમાં લંગર

ઇમેજ કૅપ્શન,

દરગાહનું દૈનિક કામકાજ સંભાળતા ધારુમલ માલહી

સ્થાનિક લોકોની મદદ વડે દરગાહમાં લંગર એટલે કે તમામ લોકોને મફત જમાડવામાં આવે છે. રમઝાનમાં મુસલમાનો અને હિંદુઓ તેમના ઘરેથી અહીં ફળો તથા બીજી સામગ્રી મોકલી આપે છે.

દરગાહનું દૈનિક કામકાજ સંભાળતા ધારુમલ માલહી લોકોને જમાડે છે, ઇફતાર કરાવે છે.

ધારુમલ માલહી કહે છે, "અહીં હિંદુ-મુસ્લિમનું કોઈ ચક્કર નથી. અહીં મુસ્લિમ પણ ભાઈ છે અને હિંદુ પણ ભાઈ છે. અહીં એક જ નામ છે.

"અમારા મુર્શીદ કાસિમ શાહ ખાન મુસલમાન છે. અમને તેમનામાં શ્રદ્ધા છે ત્યારે તેમના ધર્મના લોકોમાં ભરોસો કેમ ન હોય?"

વીડિયો કૅપ્શન,

મહારાષ્ટ્ર : 'સહુને માટે ઇસ્લામ' કાર્યક્રમ ચલાવી ભાઈચારો વિકસાવવા કામ કરતું જૂથ

મઠ્ઠી શહેરમાં લગભગ એકાદ ડઝન મુસલમાન બુઝુર્ગોની દરગાહ છે અને એ બધા સારસંભાળ હિંદુઓ રાખે છે.

મુસલમાનો બકરી ઈદના દિવસે હિંદુઓની ધાર્મિક લાગણીનો ખ્યાલ રાખીને ગાયની કુરબાની આપતા નથી.

કેટલાક કટ્ટરપંથી લોકોએ ગાયની કુરબાનીના પ્રયાસ કર્યા હતા, પણ સ્થાનિક મુસલમાનોએ તેને નિષ્ફળ બનાવ્યા હતા.

શહેરમાં આજે પણ ગૌમાંસ વેચવામાં આવતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો