બૉડીગાર્ડે ખોલ્યાં 'સેક્સ ગુરુ' ઓશો રજનીશનાં સિક્રેટ્સ
- માયલ્સ બૉનર અને સ્ટીવન બ્રૉકલહર્સ્ટ
- બીબીસ સ્કૉટલૅન્ડ ન્યૂઝ

ઇમેજ સ્રોત, HUGH MILNE
હ્યુગ મિલનું કહેવું છે કે ઓશો આશ્રમમાં સૌને 'સેક્સની સ્વતંત્રતા' હતી
હ્યુજ મિલ 'સેક્સ ગુરુ' કહેવાતા ભગવાન શ્રી રજનીશના પ્રારંભિક દિવસોમાં શિષ્ય બની ગયા હતા. જોકે, પ્રેમ અને કરુણાના પાયા પર રચાયેલા સમાજની એમની કલ્પના પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ.
ઑનલાઇન પ્લૅટફૉર્મ 'નેટફ્લિક્સે' હાલમાં જ ઓશો પર 'વાઇલ્ડ વાઇલ્ડ કાઉન્ટ્રી' નામે એક ડૉક્યુમૅન્ટરી બનાવી છે.
જેમાં રજનીશનો આશ્રમ કઈ રીતે ભારતમાંથી અમેરિકામાં શિફ્ટ કરાયો એ દર્શાવાયું છે.
અમેરિકાના ઑરેગન પ્રાંતમાં 64,000 એકર જમીનમાં રજનીશના હજારો સમર્થકોએ એક આશ્રમ બનાવ્યો હતો.
એ બાદ ત્યાં પાંચ વર્ષો સુધી આશ્રમના લોકો સાથે તણાવ, કાયદાકીય વિખવાદ, ખૂનના પ્રયાસના મામલા, ચૂંટણીમાં છેતરપિંડી, હથિયારોની દાણચોરી, ઝેર આપવાના આરોપ જેવી કેટલીય બાબતો સામે આવી હતી.
એટલું જ નહીં, ઝેર આપવાના મામલાને તો અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો 'બાયો-ટૅરર' હુમલો પણ ગણવામાં આવે છે.
બૉડીગાર્ડની જવાબદારી
ઇમેજ સ્રોત, HUGH MILNE
ઍડિનબરાના રહેવાસી હ્યુજ મિલે 90 રૉલ્ય રૉયસ કાર્સ માટે જાણીતા રજનીશ સાથે દાયકાઓ વિતાવ્યા હતા.
આ જ સમય દરમિયાન રજનીશે હ્યુજને પ્રેરિત કર્યા. તેમની ગર્લફ્રેન્ડ સાથે તેઓ સૂતા અને તેમને આકરી મહેનતમાં જોતરી દીધા.
વર્ષો સુધી હ્યુજ મિલે ભગવાન રજનીશના બૉડીગાર્ડ તરીકે કામ કર્યું. શિષ્યો ઓશોને સ્પર્શ ના કરે એ બાબતનું ધ્યાન રાખવાની એમની જવાબદારી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
હ્યુજ એવા સમયે રજનીશ સાથે હતા કે જ્યારે એમનો આશ્રમ વિસ્તરી રહ્યો હતો.
એ સમયે ઓશોના અનુયાયીઓની સંખ્યા 20 હજાર સુધી પહોંચી ગઈ હતી.
હ્યુજ જણાવે છે, "એ 20 હજાર માત્ર સામયિકો ખરીદનારા નહોતા પણ એ લોકો હતા કે જેમણે રજનીશ માટે પોતાનું ઘર, પોતાનો પરિવાર છોડી દીધો હતો."
"રજનીશ માટે એ લોકોનું સમર્પણ એ હદે હતું કે તેઓ કોઈ પણ પ્રકારનું મહેનતાણું લીધા વિના સપ્તાહના 60થી 80 કલાકો સુધી કામ કરતા હતા અને ડૉર્મિટરીમાં રહેતા હતા."
રજનીશનાં પ્રવચનો
ઇમેજ સ્રોત, HUGH MILNE
આશ્રમ છોડતા પહેલાં હ્યુગ દસ વર્ષો સુધી ઓશો સાથે રહ્યા
સ્કૉટલૅન્ડના લેમાર્કમાં જન્મેલા અને ઍડિનબરમાં મોટા થયેલા હ્યુજ હવે 70 વર્ષના થઈ ગયા છે.
1973માં ઑસ્ટિયોપૅથ(માંસપેશી અને હાડકાં સંબંધિત તીબીબી વિજ્ઞાન)ની પોતાની તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ ભારત આવી ગયા હતા. એ વર્ષે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી.
એ વખતે રજનીશના પ્રવચનની ઑડિયો કેસેટ સાંભળીને હ્યુજ પ્રભાવિત થયા હતા.
તેઓ જણાવે છે, "તમે જ્યારે આવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓને મળો ત્યારે તમારા અસ્તિત્વ પર એનો ભારે પ્રભાવ પડે છે. "
જોકે, અહીં એ વાત પણ ઉમેરવી જોઈએ કે હ્યુજને ભારત ખેંચી લાવનારું નામ સ્વામી શિવમૂર્તિ હતું.
'ઇશ્વર કે જે નિષ્ફળ ગયો'
ઇમેજ સ્રોત, HUGH MILNE
હ્યુજ જણાવે છે, ''મને લાગ્યું કે તેઓ કેટલા અદ્ભૂત, સમજદાર, દયાળુ, પ્રેમાળ અને ચૈતન્યશીલ વ્યક્તિ હતા. હું એમનાં ચરણોમાં બેસવા માગતો હતો. તેમની પાસેથી શીખવા માગતો હતો.''
હ્યુજે ભગવાન રજનીશ વિશે 'ભગવાનઃ ધી ગૉડ ધેટ ફેઇલ્ડ' નામે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે.
ગુજરાતીમાં આ પુસ્તકના નામનો અનુવાદ કંઈક આવી રીતે કરી શકાય કે, 'ઇશ્વર જે નિષ્ફળ ગયો.'
તેઓ જણાવે છે, ''મેં તેમને એક જાગૃત વ્યક્તિના રૂપે જોયા કે જેઓ અસધારણ જ્ઞાન અન ઉપદેશનો ભાવ ધરાવતા હતા.'
રજનીશે ક્યારે ઓશો નામ ધારણ કર્યું?
ઇમેજ સ્રોત, HUGH MILNE
70 વર્ષના હ્યુગ હવે અમેરિકામાં રહે છે.
1990માં રજનીશનું મૃત્યુ થયું હતું. મૃત્યુના થોડા વર્ષો પહેલાં તેમણે 'ઓશો' નામ ધારણ કરી લીધું હતું.
હ્યુજ મિલ જણાવે છે કે ઓશો એક 'બહુરૂપી' જેવા હતા. તેઓ લોકોની જરૂરિયાત અનુસાર પોતાને રજૂ કરતા હતા.
જોકે, હ્યુજ એવું પણ કહે છે, ''સામસામેની મુલાકાતમાં રજનીશ તમારા મનની વાત જાણી લેતા હતા અને એ વિશે જણાવી દેતા હતા."
રજનીશના આશ્રમમાં ઓશો સાથે સામસામેની મુલાકાતોને 'દર્શન' તરીકે ઓળખવામાં આવતી હતી.
આ એ સમયગાળો હતો કે જ્યારે હ્યુજને ભારતનું જીવન માફક નહોતું આવી રહ્યું અને તેઓ વ્યાકુળ બની ગયા હતા.
પ્રારંભિક 18 મહિનાઓ દરમિયાન રજનીશ હ્યુજની ગર્લફ્રેન્ડ સાથે સૂવા લાગ્યા અને હ્યુજને ભારતની સૌથી ગરમ જગ્યાઓમાંની એક જગ્યા પર ખેતી માટે જોતરી દેવાયા.
રજનીશની અદેખાઈ
ઇમેજ સ્રોત, HUGH MILNE
પોતાની રૉલ્સ રૉયસ કારમાં ઓશો
એ વખતે હ્યુજની ઉંમર 40 વર્ષથી થોડી વધુ રહી હશે. હ્યુજ જણાવે છે કે રજનીશ પોતાની શિષ્યાઓને 'વિશેષ દર્શન' આપતા હતા.
''રજનીશને કેટલીક હદ સુધી 'સેક્સ ગુરુ' કહેવાનું કારણ એ પણ હતું કે તેઓ જાહેર પ્રવચનોમાં સેક્સ અને ઑર્ગેઝમનો ઉલ્લેખ કરતા હતા."
''એ વાતની પણ સૌને જાણ હતી કે તેઓ પોતાની શિષ્યાઓ સાથે સહશયન કરતા હતા.''
હ્યુજ એવું પણ જણાવે છે કે તેમને રજનીશની અદેખાઈ આવવા લાગતી હતી અને એટલે તેઓ આશ્રમ છોડી દેવાનું વિચારવા લાગ્યા હતા.
એ બાદ તેમને અંતરાત્માનો અવાજ સંભળાયો કે જે પણ થઈ રહ્યું છે એ સારા માટે જ થઈ રહ્યું છે.
રજનીશનું રક્ષણ
ઇમેજ સ્રોત, HUGH MILNE
રજનીશની રાહ જોઈ રહેલા શિષ્યો
હ્યુજ જણાવે છે, "હું જાણતો હતો કે તેઓ 'સેક્સ ગુરુ' હતા. અમને સૌને સેક્સ કરવાની છૂટ હતી. એક જ સાથી સાથે રહેતા લોકો ત્યાં બહુ જ ઓછી સંખ્યામાં હતા."
તેમણે જણાવ્યું કે રજનીશના વિશેષ દર્શન બાદ ગર્લફ્રેન્ડ સાથેના તેમના સંબંધમાં નવી ઉષ્મા આવી પણ એ લાંબી ટકી ના શકી.
આવું થવા પાછળનું કારણ એ હતું કે રજનીશે તેમને ગર્લફ્રેન્ડથી 400 માઇલ દૂર મોકલી દીધા હતા.
હ્યુજ પરત ફર્યા અને મા યોગ લક્ષ્મીના બૉડીગાર્ડ બની ગયા.
દર્શનની તક ના મળતાં એક શિષ્યાએ મા યોગ લક્ષ્મી પર હુમલો કર્યો હતો, જેને પગલે લક્ષ્મીએ તેમને બૉડીગાર્ડ તરીકે કામ કરવા જણાવ્યું હતું.
હ્યુજને ભગવાન રજનીશનું રક્ષણ કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું.
ઓશોનું અંગત વર્તુળ
ઇમેજ સ્રોત, HUGH MILNE
કહેવાય છે કે રજનીશ એ વાતના પક્ષમાં નહોતા કે શિષ્યાઓને તેમના સુધી પહોંચતી રોકવામાં આવે.
જોકે, હ્યુજ એવા મતના હતા કે જ્યારે લોકો તેમને સ્પર્શ કરવા આવે કે તેમના પગને ચૂમે ત્યારે તેમણે ત્યાં ઊભા ના રહી જવું જોઈએ.
હ્યુજ જણાવે છે, "ભગવાનને આ પસંદ નહોતું આવ્યું." એમ છતાં એ પછીનાં સાત વર્ષ સુધી ઓશોની આસપાસ ફરનારા પ્રભાવશાળી સન્યાસીઓમાં સામેલ હતા.
ઓશોના અંગત વર્તુળમાં એક નામ મા આનંદ શીલાનું પણ હતું.
શીલા એક ભારતીય મહિલા હતાં પણ તેમણે ન્યૂ જર્સીમાં અભ્યાસ કર્યો હતો.
ઓશો સાથે જોડાતા પહેલાં તેમણે એક અમેરિકન સાથે લગ્ન કર્યાં હતાં.
મા આનંદ શીલા સાથે અફેર
ઇમેજ સ્રોત, HUGH MILNE
કરાટેની પ્રૅક્ટિસ કરી રહેલા ઓશોના શિષ્યો
હ્યુજ જણાવે છે કે તેઓ ભગવાનની સુરક્ષા ઉપરાંત આશ્રમની કૅન્ટીન ચલાવવામાં પણ મદદ કરતા હતા.
આશ્રમમાં ભક્તોનો ધસારો વધવા લાગતાં કૅન્ટીનનું કામ વધી ગયું હતું.
હ્યુજ જણાવે છે કે તેમનો શીલા સાથે એક મહિના સુધી જબદરસ્ત અફેર ચાલ્યું હતું.
વાત તેમના પતિ સુધી પહોંચી અને તેમણે રજનીશને એ બંધ કરાવવા કહ્યું.
આ ઘટના બાદ શીલાનો હ્યુજ પ્રત્યેનો વ્યવહાર બદલાઈ ગયો અને તેમના માટે મુશ્કેલીઓ ઊભી થવા લાગી.
આશ્રમમાં શીલાનું કદ કંઈક એ હદ સુધી વધી ગયું કે ટૂંક સમયમાં જ તેઓ લક્ષ્મીની જગ્યાએ રજનીશના અંગત સચિવ બની ગયા.
રજનીશને લઈને વિવાદ
ઇમેજ સ્રોત, SAMVADO KOSSATZ
ઓશોના આશ્રમને ભારતની જગ્યાએ ઑરેગન લઈ જવાના નિર્ણય પાછળ જે લોકોએ ભૂમિકા ભજવી એમાં શીલાનું નામ સૌથી ટોચ પર હતું.
ભારતમાં રજનીશને લઈને વિવાદ શરૂ થઈ ગયો અને તેઓ ઇચ્છતા હતા કે તેમનો આશ્રમ શાંત જગ્યાએ હોય.
એવી જગ્યા કે જ્યાં તેમના હજારો શિષ્યો સાથે એક નવા સમુદાયને વસાવી શકાય.
શીલાએ 1981માં ઑરેગનમાં કાદવ-કીચડવાળી જમીન ખરીદી લીધી.
તેમને કાયદાની બહુ જાણકારી નહોતી પણ એમની ઇચ્છા હતી કે સન્યાસીઓ ત્યાં કામ કરે અને રજનીશની ઇચ્છા અનુસારનું એક નવું શહેર વસાવવામાં આવે.
હ્યુજનું માનવું છે કે ઑરેગન જવાનો નિર્ણય ભૂલ ભરેલો હતો.
ઑરેગનમાં વિવાદ
ઇમેજ સ્રોત, HUGH MILNE
હ્યુજ જણાવે છે કે ઑરેગનનો આશ્રમ શરૂઆતથી જ સ્થાનિક કાયદાની વિરુદ્ધમાં આચરણ કરી રહ્યો હતો.
"આમ છતાં શીલા અને તેમના અંગત લોકોએ એ તમામ વસ્તુઓ કરી કે જે તેમની યોજના અનુસાર હતી."
"આમાં સ્થાનિક લોકોને હેરાન કરવાથી લઈને એમને ઉશ્કેરવા સુધીની વાતો સામેલ હતી. ત્યાં સુધી કે સરકારી અધિકારીઓની હત્યાનાં કાવતરાં પણ ઘડવામાં આવ્યાં હતાં.
"એક સ્થાનિક રેસ્ટૉરાંમાં સન્યાસીઓના ભોજનમાં ઝેર ભેળવવાનો પ્રયાસ કરાયો અને તેમાં 750 લોકો બીમાર પડી ગયા. આવું કામ કરવા પાછળનો ઉદ્દેશ એક ચૂંટણીને પ્રભાવિત કરવાનો હતો."
રજનીશના શિષ્યો એવો દાવો કરે છે તેમને સ્થાનિક અધિકારીઓએ હેરાન કર્યા અને તેઓ કન્ઝર્વૅટિવ પ્રશાસનની નારાજગીના ભોગ બન્યા હતા.
આશ્રમની કાર્યપ્રણાલી
ઇમેજ સ્રોત, HUGH MILNE
આગળની મોટરસાઇકલની પાછળ બેઠેલાં શીલાની તસવીર
જોકે, હ્યુજનું માનવું છે કે આશ્રમના લોકોએ આ બધી મુશ્કેલીઓ જાતે જ ઊભી કરી હતી. કારણ એ હતું કે તેમણે સ્થાનિક કાયદાનું ક્યારેય પાલન નહોતું કર્યું.
હ્યુજનું કહેવું છે કે એપ્રિલ 1982માં આશ્રમની પ્રવૃત્તિઓ અંગે તેમની શંકા વધુ બળવતર બની.
ઑરેગન આશ્રમના હેલ્થ સૅન્ટરમાં ઑસ્ટિયોપેથ તરીકે કામ કરી ચૂકેલા હ્યુજ જણાવે છે, આશ્રમ પ્રેમ, દયા અને ધ્યાન માટે સ્થાન ન હતું.
જે સન્યાસી આ આશ્રમ તૈયાર કરવા માટે સપ્તાહના 80થી 100 કલાકો કામ કરતા હતા, તેઓ હવે બીમાર પડવા લાગ્યા હતા.
હ્યુજ જણાવે છે કે શીલાએ આ બીમાર સન્યાસીઓની સારવાર માટે જે આદેશ આપ્યા હતા અત્યંત 'અમાનવીય' હતા.
'અમે રાક્ષસ બની રહ્યા હતા'
ઇમેજ સ્રોત, HUGH MILNE
હ્યુજ જણાવે છે, "શીલાએ કહ્યું કે આ સન્યાસીઓને ઇન્જેકશન આપી કામ પર પરત મોકલી દો."
અન્ય એક કિસ્સામાં હ્યુજના એક મિત્ર દુર્ઘટનાનો શિકાર થઈ ગયા, પણ તેમને મિત્રને જોવા જતા રોકી દેવાયા અને કામ પર પરત ફરવાનો આદેશ આપી દેવાયો.
તેઓ કહે છે, "મને લાગ્યું કે અમે રાક્ષસમાં બદલાઈ રહ્યા હતા. મેં મારી જાતને પૂછ્યું કે હું હજુ પણ અહીં શા માટે છું?"
આખરે હ્યુજે નવેમ્બર 1982માં આશ્રમ છોડી દીધો. તેમણે કહ્યું, "થોડા સમય પૂરતું મને લાગ્યું કે હું ખાલી થઈ ગયો છું. હું ભારે અસમંજસની સ્થિતિમાં હતો."
જીવનને પાછું પાટા પર લાવવા હ્યુજે એક હૉસ્પિટલમાં છ સપ્તાહ સુધી રહેવું પડ્યું. તેમને કાઉન્સેલિંગ લેવું પડ્યું.
'વાઇલ્ડ વાઇલ્ડ કાઉન્ટ્રી' ડૉક્યુમેન્ટરી
ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
ઓશોની તસવીર
હ્યુજે ઍડિનબરોમાં કેટલાક સમય સુધી ઑસ્ટિયોપેથ તરીકે કામ કર્યું અને બાદમાં લંડન, મ્યુનિક અને છેલ્લે કેલિફોર્નિયા ચાલ્યા ગયા હતા. 1985થી હ્યુજ કેલિફોર્નિયામાં રહે છે.
હ્યુગનું કહેવું છે કે 'વાઇલ્ડ વાઇલ્ડ કાઉન્ટ્રી' ડૉક્યુમેન્ટરીમાં જે ઘટનાઓ દર્શાવવામાં આવી છે તે તેમના ઑરેગન છોડ્યા બાદની છે.
શીલાની ગતિવિધિ અંગે હ્યુજ પાસે પૂરી જાણકારી નથી, પણ શીલા જે કહે છે એ અંગે ઓશોને બધી જ ખબર હતી?
હ્યુજ જણાવે છે, ''મને આ મામલે કોઈ જ શંકા નથી... ઓશો બધી જ વાત જાણતા હતા. ''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો