પાકિસ્તાની રૂપિયો ગગડ્યો, થયો ભારતની આઠઆની બરાબર

  • રજનીશ કુમાર
  • બીબીસી સંવાદદાતા
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણી પહેલાં પાકિસ્તાન ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાની રૂપિયાની કિંમત સતત ઘટી રહી છે. જેને કારણે પાકિસ્તાનમાં ઈદની ઉજવણીની રોનક બજારો અને લોકોના ચહેરા પરથી ગાયબ છે.

મંગળવારે એક અમેરિકન ડૉલરની કિંમત 122 પાકિસ્તાની રૂપિયા બરાબર થઈ ગઈ. એનો મતબલ એવો કે પાકિસ્તાની રૂપિયામાં 3.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જો ડૉલરને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની રૂપિયાની તુલના ભારતના રૂપિયા સાથે કરવામાં આવે તો પાકિસ્તાનનો એક રૂપિયાનું મૂલ્ય ભારતની આઠઆની બરાબર થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે લગભગ 67 ભારતીય રૂપિયા બરાબર એક ડૉલર થાય છે.

પાકિસ્તાનની કેન્દ્રિય બૅન્ક છેલ્લા સાત મહિનામાં ત્રણ વાર રૂપિયાનું અવમૂલ્યન કરી ચૂકી છે પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી.

ઈદના તહેવાર પહેલાં પાકિસ્તાનના લોકોની હાલત નિરાશાજનક છે. પાકિસ્તાનમાં 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણીની શરૂઆત થઈ રહી છે ત્યારે નબળી આર્થિક સ્થિતિને ભવિષ્ય માટે ગંભીર બાબત તરીકે જોવામાં આવી રહી છે.

ઈદ પહેલાં પાકિસ્તાન સંકટમાં

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાની રૂપિયામાં ભારે કડાકાથી એ સાફ થાય છે કે લગભગ 300 અબજ ડૉલરની પાકિસ્તાની અર્થવ્યવસ્થા ગંભીર સંકટનો સામનો કરી રહી છે.

પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં સતત થઈ રહેલા કડાકાની સ્થિતિ દેશ માટે ચિંતાજનક છે અને ફરી એકવાર તેમણે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષનો દરવાજો ખખડાવવો પડી શકે છે.

જો પાકિસ્તાન આઈએમએફ પાસે જાય, તો છેલ્લાં પાંચ વર્ષમાં આવું બીજી વખત થશે. આ પહેલાં પાકિસ્તાને 2013માં આઈએમએફનો સહારો લીધો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

રૂપિયામાં સતત થઈ રહેલા કડાકાથી ધ સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાને કહ્યું છે, "બજારમાં થઈ રહેલા ઉતાર-ચઢાવને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે."

પાકિસ્તાનમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના અર્થશાસ્ત્રી અશફાક હસન ખાને સમાચાર એજન્સી રોયટર્સને કહ્યું કે પાકિસ્તાનની સરકારને નીતિગત સ્તરે નિર્ણય લેવાની જરૂર છે. આ અંતર્ગત નિકાસ વધારવી પડશે અને આયાત કરવી પડશે.

લાચાર સરકાર

ઇમેજ સ્રોત, Getty Images

ખાને કહ્યું, "જો આપણને લાગે કે માત્ર રૂપિયાના અવમૂલ્યનથી ચૂકવણી સંકટમાં આવેલા અસંતુલનને પહોંચી વળાશે તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે."

વર્તમાન સત્તાધારી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ એ વાતનો પ્રચાર કરી રહી છે કે જો દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી હોય તો ફરીથી તેમને સત્તામાં લાવવી પડશે.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર એટલી હદે ઓછો થઈ ગયો છે કે તે માત્ર બે મહિના સુધી જ આયાત કરી શકશે.સિંગાપોર સમિટ : કિમે સ્વીકાર્યું ટ્રમ્પનું અમેરિકા આવવાનું આમંત્રણ

ડૉલર સામે લાચારી કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી પાકિસ્તાની રૂપિયામાં 14 ટકા કડાકો નોંધાયો છે. શા માટે પાકિસ્તાનની આ પરિસ્થિતિ થઈ?

આ સવાલના જવાબમાં પાકિસ્તાનના અર્થશાસ્ત્રી કૈસર બંગાલ કહે છે, "ડૉલરની તુલનામાં પાકિસ્તાની રૂપિયામાં થયેલા ઘટાડાનાં બે કારણો છે. પહેલું એ કે પાકિસ્તાન નિકાસની સરખામણીએ આયાત બમણાથી વધારે કિંમતે કરી રહ્યું છે."

"અમે 100 ડૉલરની નિકાસ કરી રહ્યા છે તો 200થી વધારે ડૉલરની આયાત કરી રહ્યા છે. આ તફાવતની અસર તો પડવાની જ છે."

"બીજું એ કે છેલ્લાં 15 વર્ષોમાં પાકિસ્તાનમાં જે ખાનગીકરણ થયું તેમાં ડૉલર તો આવ્યો પરંતુ તેમાંથી જે આવક થઈ રહી છે તે પોતાના દેશ મોકલવામાં આવી રહી છે. એટલે કે ડૉલર વધારે માત્રામાં બહાર જઈ રહ્યો છે. ડૉલરની માંગ વધારે છે અને જેની માંગ વધુ હોય તે મોંઘું થઈ જાય છે."

રૂપિયાનું અવમૂલ્યન શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images

કૈસર કહે છે, "હવે એ સમય જતો રહ્યો જ્યારે ડૉલરની કિંમત સ્ટેટ બૅન્ક નક્કી કરતી. હવે તો બજાર દ્વારા એ નક્કી થાય છે. જ્યારે સરકારને લાગે કે ડૉલર વધુ મોંઘો થઈ રહ્યો છે, તો તેની પાસે રહેલા ડૉલરને બજારમાં વેચવા મૂકે છે જેથી કિંમતોને કાબૂમાં લઈ શકાય."

"પરંતુ સરકાર પાસે પણ મર્યાદિત માત્રામાં ડૉલર હોય છે. પાકિસ્તાન પેટ્રોલિયમ, કૂકિંગ ઑઇલ, ઇન્ડસ્ટ્રી મટીરિયલ જેવી વસ્તુઓ બહારથી મંગાવે છે."

પાકિસ્તાન પાસે શું વિકલ્પો ?

ઇમેજ સ્રોત, Getty Images

આ સવાલના જવાબમાં કૈસર કહે છે, "આઈએમએફની શરણમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી. ચીન કાયમ માટે પાકિસ્તાનને ધિરાણ નહીં આપે.”

"આઈએમએફ પાસેથી પણ લૉન મેળવવી સહેલી નહીં હોય કારણ કે, ચીન આઈએમએફ કાઉન્સિલનું એક્ઝિક્યુટિવ મેમ્બર છે.”

"પાકિસ્તાને અગાઉ 10-12 વર્ષે જવું પડતું હતું, હવે પાંચ વર્ષમાં જ આઈએમએફના દરવાજા ખખડાવવા પડે છે. આ વખતે સંકટ મોટું છે એટલે આઈએમએફ પાસે જ જવું પડશે."

પાકિસ્તાનની મધ્યસ્થ બૅન્કે ડિસેમ્બર તથા માર્ચમાં બે વખત પાંચ-પાંચ ટકા રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું.

અગાઉ એવો અંદાજ હતો કે પાકિસ્તાનનું અર્થતંત્ર છ ટકાના દરે વધશે, પરંતુ આર્થિક મંદીને કારણે આ અનુમાન સુધી પહોંચવું સરળ નહીં હોય.

સેન્ટ્રલ બૅન્ક ઑફ પાકિસ્તાનના અધિકારીઓના કહેવા પ્રમાણે, હાલમાં પાકિસ્તાનની ચાલુ નાણાખાધ 14 અબજ ડૉલરની છે અને તે પાકિસ્તાનના જીડીપીના લગભગ 5.3 ટકા છે.

પાકિસ્તાન પાસે લગભગ 10 અબજ ડૉલર જેટલું વિદેશી હુંડિયામણ વધ્યું છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ પ્રમાણે, ચીન પાસેથી લૉન લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

સંકટમાં શ્રીલંકા

દક્ષિણ એશિયામાં શ્રીલંકા બાદ પાકિસ્તાન બીજું રાષ્ટ્ર છે કે જેનું અર્થતંત્ર ભારે વેપારખાધ સામે ઝઝૂમી રહ્યું છે.

સતત વધી રહેલી ક્રૂડ ઑઇલની કિંમતો તથા દિવસેદિવસે મજબૂત બની રહેલા ડૉલરને કારણે આ બંને અર્થંતંત્રો પર તોળાઈ રહેલું સંકટ વધુ ગાઢ થયું છે.

ડૉલર સામે શ્રીલંકાના રૂપિયાનું મૂલ્ય સતત ગગડી રહ્યું છે, બુધવારે એક ડૉલર સામે શ્રીલંકાનું ચલણ 160 સુધી પહોંચી ગયું હતું.

ચાલુ નાણાકીય વર્ષમાં પાકિસ્તાને ત્રણ વખત તેના ચલણનું અવમૂલ્યન કર્યું છે. આથી, દેશના નાગરિકોમાં સ્થાનિક ચલણ પ્રત્યેનો વિશ્વાસ ડગ્યો છે.

પરિણામ સ્વરૂપે કોર્પોરેટ સેક્ટરમાં ડૉલરની સંગ્રહખોરી વધી ગઈ છે.

સ્ટેટ બૅન્કની કડકાઈ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનની ઍક્સ્ચેન્જ કંપનીઓના કહેવા પ્રમાણે, સામાન્ય નાગરિકોને અમેરિકન ડૉલર મળતા નથી.

લોકો નાછૂટકે ડૉલરના બદલે પાકિસ્તાની ચલણ સ્વીકારે છે.

આ વખતે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે ઈદ સમયે કોઈ પાકિસ્તાની નાગરિક ત્યાંનું ચલણ સ્વીકારતા ખચકાઈ રહ્યો છે.

અગાઉ એવું થતું કે વિદેશોમાં રહેતા પાકિસ્તાનીઓ રમઝાન મહિનામાં વાપરી શકાય તે માટે વિદેશથી નાણાં મોકલતા હતા, જેનાં કારણે સ્થાનિક બજારોમાં ખરીદદારી અને રોનક જોવા મળતી.

સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાને કથળતી સ્થિતિને કાબુમાં લેવા માટે ડૉલરનું ખરીદવેચાણ કરી રહેલા લોકોની ઓળખ થઈ શકે તે માટે અનેક નિયમ બનાવ્યા છે.

જે વ્યક્તિ ખુલ્લા બજારમાં 500 ડૉલરથી વધુ ખરીદવા કે વેચવા ઇચ્છે છે તેના માટે કમ્પ્યૂટરાઇઝ્ડ રાષ્ટ્રીય ઓળખપત્ર દેખાડવું ફરજિયાત કરી દેવાયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો