બિહારી ડૉક્ટર જે રશિયામાં બન્યા પુતિનના ધારાસભ્ય

  • નિતિન શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા
અભય કુમાર સિંહ

ઇમેજ સ્રોત, facebook/Abhay Kumar Singh

ઇમેજ કૅપ્શન,

અભય કુમાર સિંહ

રશિયામાં ડેપ્યૂતાતનો અર્થ એ જ છે, જે ભારતીય રાજ્યમાં ધારાસભ્ય કે એમએલએ (MLA) નો છે.

ખાસ વાત તો એ છે કે અભય કુમાર સિંહે વ્લાદીમિર પુતિનની' યૂનાઈટેડ રશા 'પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી છે.

પટનામાં જન્મેલા અભય સિંહનાં જણાવ્યા અનુસાર, “હું રાષ્ટ્રપતિ પુતિનથી ઘણો પ્રભાવિત થયો અને મેં રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો.”

તમે આ વાંચ્યું કે નહીં?

મોસ્કોની મોંઘી હોટલમાં ચા પીતા-પીતા તેમણે જણાવ્યું કે, "ભારતીય કે આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે આ મારો પહેલો ઇન્ટરવ્યૂ છે અને આનંદ એ વાતનો છે કે વાતચીત બીબીસી હિંદી સાથે થઈ છે."

વાસ્તવમાં 'યૂનાઈટેડ રશા' રશિયાની સત્તાધારી પાર્ટી છે, જેણે સામાન્ય ચૂંટણીઓમાં દેશની સંસદ (ડૂમા)માં 75 ટકા સાંસદ મોકલ્યા છે, છેલ્લા 18 વર્ષોથી પુતિન સત્તામાં છે.

જોકે પુતિને 2018ની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડીને જીતી હતી, પરંતુ પક્ષનું સંપૂર્ણ સમર્થન એમની સાથે હતું.

અભયે આ ચૂંટણીનાં થોડાક મહિના પહેલાં જ ઓક્ટૉબર,2017માં વ્લાદીમિર પુતિનની પાર્ટીનાં ઉમેદવાર તરીકે કુર્સ્ક વિધાનસભાની ચૂંટણી જીતી લીધી હતી.

બિહાર સાથે સબંધ યથાવત્

ઇમેજ સ્રોત, facebook/Abhay Kumar Singh

એમણે જણાવ્યું કે, “મારો જન્મ પટનામાં થયો અને મેં લોયોલા સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. 1991માં હું કેટલાક મિત્રો સાથે મેડિકલનો અભ્યાસ કરવા માટે રશિયા આવ્યો હતો.”

અભયનાં જણાવ્યા અનુસાર ઘણી મહેનત સાથે અભ્યાસ કર્યા બાદ હું પટના પાછો ફર્યો અને પ્રેક્ટિસ કરવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું.

તેઓ પોતાનાં અંગત કે કૌટુંબિક જીવન અંગે કશું જ જણાવવા માંગતા નથી. બસ એટલું જ કહેવા માંગે છે કે બિહાર સાથે એમનો સંબંધ જોડાયેલો છે.

“પણ લાગે છે કે ઉપરવાળાએ મારી કારકિર્દી રશિયામાં જ નિર્ધારિત કરી હતી. હું ભારતથી પાછો રશિયા આવી ગયો અને કેટલાક લોકોની સાથે મળીને દવાનો વ્યવસાય શરૂ કર્યો.”

રશિયામાં કેવી રીતે કરી શરૂઆત?

ઇમેજ સ્રોત, facebook/Abhay Kumar Singh

"શરૂઆતમાં મને ધંધો કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી કારણ કે હું ગોરો નહોતો, પણ મેં મન બનાવી લીધું હતું કે આકરી મહેનત સાથે મેદાનમાં રહીશું."

જેમ જેમ અભયની ધંધા પર પકડ આવતી ગઈ તેમ તેમ વેપારમાં પણ વૃદ્ધિ થઈ. ફાર્મા પછી અભયે રિયલ એસ્ટેટમાં હાથ અજમાવી જોયો અને એમનાં જણાવ્યા મુજબ, “આજે અમારી પાસે કેટલાક શોપિંગ મૉલ પણ છે.”

રશિયન રાષ્ટ્રપતિ પુતિનથી પ્રભાવિત અભયને એ વાત પર ગૌરવ છે કે, “ભારતીય હોવા છતાં તે રશિયામાં વસી શક્યા અને ચૂંટણીઓ પણ જીતી શક્યા.”

એમણે જણાવ્યું કે આજે પણ પ્રયાસ રહે છે કે જ્યારે પણ સમય મળે તેઓ બિહાર જરૂર આવે કારણ કે 'તમામ મિત્રો અને સબંધી પટનામાં જ છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો