શુજાત બુખારીની હત્યા: કેવી છે કાશ્મીરમાં પત્રકાર અને પત્રકારત્વની સ્થિતિ?

સુજાત બુખારી Image copyright @BUKHARISHUJAAT

જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા.

આ હુમલામાં શુજાતના એક બોડીગાર્ડનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક ગાર્ડ તથા ડ્રાઇવર ઘાયલ થયા છે.

કાશ્મીરના ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) એસ. પી. વૈદ્યના કહેવા પ્રમાણે, "શુજાત બુખારીની સાથે તેમના પીએસઓ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર)નું પણ મૃત્યુ થયું છે.

"જ્યારે અન્ય એક પીએસઓ ઘાયલ થયા છે, સવા સાત વાગ્યે આ હુમલો થયો હતો."

શુજાતની ઓફિસ શ્રીનગરના લાલ ચોક સ્થિત પ્રેસ એન્ક્લેવમાં આવેલી છે. કોઈ ઇફ્તાર પાર્ટીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, ત્યારે આ હુમલો થયો હતો.

કાશ્મીરમાં સુરક્ષાબળો, ભાગલાવાદીઓ અને આતંકવાદીઓની વચ્ચે પત્રકારોની સ્થિતિ'સૅન્ડવિચ' જેવી બની રહે છે.


મીડિયામાં ચિંતા

Image copyright Reuters

શુજાત બુખારીના નિધન બાદ કેટલાક મીડિયા સંગઠનો દ્વારા તેમના પત્રકારોને સતર્ક રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે અને સામૂહિક મેળાવડા કે કાર્યક્રમોમાં વિશેષ સાવધાની રાખવામાં આવે.

એડિટર્સ ગિલ્ડે હત્યાની નિંદા કરતા કહ્યું, "શુજાત ઉદારમતવાદી અને ઉદાર-હૃદયના પત્રકાર હતા. તેમણે કાશ્મીરમાં પત્રકારોની એક પેઢીને તૈયાર કરી હતી.

"રાજ્ય સરકારે મીડિયાને સુરક્ષા આપે તથા ગુનેગારો વહેલાસર પકડાય જાય તે માટે પ્રયાસ કરે.

તમે આ વાંચ્યું કે નહીં?

"જમ્મુ અને કાશ્મીર જેવા આતંકવાદગ્રસ્ત વિસ્તારમાં પત્રકાર પર હુમલોએ લોકશાહીના તમામ સ્તંભો પર હુમલા સમાન છે.

"પત્રકારોની સુરક્ષા વધારવા ગિલ્ડે કેન્દ્રીય સુરક્ષાબળોને પૂરા પાડવાની માગ કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી છે."


'સૅન્ડવિચ' બને છે પત્રકારો

Image copyright EPA

1980થી અત્યારસુધીમાં 14થી વધુ પત્રકારોની હત્યાઓ થઈ ચૂકી છે. 1990ના દાયકામાં કાશ્મીરમાં ઉગ્રપંથીઓએ માથું ઊંચક્યું ત્યારથી આ સ્થિતિ વધુ ગંભીર બની છે.

કાશ્મીરમાં પત્રકારોનું કામ તલવારની ધાર પર ચાલવા જેવું છે. જાનથી મારી નાખવાની ધમકી, અન્ય પ્રકારની ધમકીઓ, હુમલા, ધરપકડ, સેન્સરશિપ એ કાશ્મીરી પત્રકારની દિનચર્યાનો એક ભાગ બની રહે છે.

મીડિયાકર્મીઓ પર પોલીસ તથા ઉગ્રવાદીઓ એમ બંને પક્ષોનું દબાણ રહે છે. વિશેષ કરીને કેમેરામેન પર.

હિંસા કે ભાગલાવાદી નેતાઓ વિશે કવરેજ કરતી વખતે ઘણી વખત પોલીસ લાઠીચાર્જનો ભોગ બનવું પડે છે.

જો સ્થાનિક પત્રકાર દ્વારા સુરક્ષાબળો દ્વારા કરવામાં આવતા અત્યાચાર અંગે રિપોર્ટિંગ કરવામાં આવે તો તેને 'દેશવિરોધી' ઠેરવી દેવામાં આવે છે.

જો ભાગલાવાદીઓ કે આતંકવાદીઓની કોઈ વાત પર રિપોર્ટિંગ કરવામાં આવે તો તેને 'ઍન્ટિ-તહેરિક' (ચળવળનો વિરોધી) ઠેરવી દેવામાં આવે છે.

કાશ્મીરના પત્રકાર બશીર મંઝર કહે છે, "ઉગ્રપંથીઓ દ્વારા પણ અખબારો પર પ્રતિબંધ લાદવામાં આવે છે, જેની વિરુદ્ધ જવાની કોઈની હિંમત ચાલતી નથી.

"બંને પક્ષકારો ખુદને 'મસીહા' તથા સામેના પક્ષકારને 'વિલન' સાબિત કરવા માટે પ્રયાસરત રહે છે, જેની વચ્ચે કાશ્મીરનો પત્રકાર 'સૅન્ડવિચ'ની જેમ પીસાતો રહે છે."


કાશ્મીરમાં મીડિયા

Image copyright EPA

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સુરક્ષાબળો તહેનાત હોય તેવા વિસ્તારોમાં કાશ્મીરનો પણ સમાવેશ થાય છે.

2010 પછીથી માહિતીનો પ્રસાર અટકાવવો એ સરકારની 'વ્યૂહરચના'ના ભાગરૂપ છે. ખીણપ્રદેશ અને તેમાં પણ મુખ્યત્વે શ્રીનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી 70 જેટલા અખબારો પ્રકાશિત થાય છે.

સરકાર દ્વારા અખબારની નકલો જપ્ત કરી લેવી કે તેની ઉપર નિયંત્રણો લાદવાની ઘટનાઓ બનતી રહે છે. અખબારો સમાચારોનો પ્રસાર જાળવી રાખવા માટે વેબસાઇટ્સના માધ્યમથી ન્યૂઝ આપતાં રહે છે.

બીએસએનએલ તથા અન્ય મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સની ઇન્ટરનેટ સેવાઓ અટકાવીને માહિતીનો પ્રસાર અટકાવવાના પ્રયાસ થતા રહે છે.

નાના અખબારોની આવકનો મુખ્ય સ્રોત સરકારી જાહેરખબરો છે, અખબારોને ધમકાવવા સરકારો દ્વારા સરકારી જાહેરખબરો અટકાવી દેવામાં આવે છે.


શુજાતનું છેલ્લું ટ્વીટ

હુમલાના દિવસે ગુરૂવારે સવારે એક ટ્વીટમાં શુજાત બુખારીએ લખ્યું, "અમે કાશ્મીરમાં ગર્વ સાથે પત્રકારત્વ કર્યું છે અને અહીં જે કંઈ થાય છે, તેને લોકો સમક્ષ રજૂ કરીએ છીએ."


ઉશ્કેરણીજનક લખાણના આરોપ

Image copyright AFP

2013માં સંસદ પર હુમલાના ગુનેગાર અફઝલ ગુરૂને ફાંસીએ લટકાવવામાં આવ્યો તે સમયે 'રાઇઝિંગ કાશ્મીર' અખબારની નકલો જપ્ત કરી લેવામાં આવી હતી અને ચાર દિવસ સુધી અખબારનું પ્રકાશન બંધ રહ્યું હતું.

2010માં દસ દિવસ માટે 'રાઇઝિંગ કાશ્મીર' અખબારનું પ્રકાશન બંધ રહ્યું હતું. એ પહેલા 2008માં પણ આ અખબારનું પ્રકાશન બંધ રહ્યું હતું.

છેલ્લે 2016માં આતંવાદી બુરહાન વાણીને ઠાર મારવામાં આવ્યો તે પછી 'ઉશ્કેરણીજનક લખાણ' બદલ ફરી એક વખત રાઇઝિંગ કાશ્મીરની કચેરી પર રેડ કરી તેનું પ્રકાશન અટકાવામાં આવ્યું હતું.

અખબારના બચાવમાં શુજાત કહેતા કે લોકશાહી વ્યવસ્થામાં મીડિયાને દુશ્મન તરીકે ન જોવું જોઈએ, તેનાથી લોકશાહી નબળી પડે છે.

શુજાત માનતા હતા કે કાશ્મીરમાં લોકશાહી જોખમ હેઠળ છે.


'બુદ્ધિજીવીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ'

Image copyright EPA

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે શુજાતની હત્યા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, "શુજાત બુખારીની હત્યા કાયરતાપૂર્ણ કૃત્ય છે. તેમની હત્યા અંગે જાણીને આઘાત લાગ્યો અને દુખ થયું.

"આ પ્રકારનો હુમલો કરીને કાશ્મીરમાં બુદ્ધિજીવીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

"તેઓ હિંમતવાન તથા નિડર પત્રકાર હતા. તેમના પરિવારજનો માટે સાંત્વના અને પ્રાર્થના. "


મુફ્તીએ ઘટનાને વખોડી

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ શુજાત બુખારીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. મુફ્તીએ ટ્વીટ કર્યું, "શુજાત બુખારીનું મૃત્યુએ આતંકવાદનું જઘન્ય કૃત્ય છે.

"ઈદ પૂર્વે જ આ હુમલો કરવામાં આવ્યો છે, આપણે શાંતિ ડહોળવા માંગતા આ લોકોની સામે એકજૂટ થવાની જરૂર છે."

પરિવારજનોને સાંત્વના આપવા મહેબુબા મુફ્તી શુજાતના ઘરે પહોંચ્યા હતા.


કોણ હતા શુજાત બુખારી?

Image copyright AFP

48 વર્ષીય શુજાત બુખારી ઉપર અગાઉ ત્રણ વખત જીવલેણ હુમલા થયા હતા.

જોખમને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા તેમને પર્સનલ સિક્યુરિટી ઓફિસર્સ આપવામાં આવ્યા હતા.

કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત થાય તે માટે શુજાત લાંબા સમયથી સક્રિય હતા.

શુજાત 'રાઇઝિંગ કાશ્મીર'ના માલિક-તંત્રી બન્યા તે પહેલાં 15 વર્ષ માટે 'ધ હિન્દુ'ના બ્યુરો ચીફ હતા.

શુજાત 'બુલંદ કાશ્મીર' નામનું ઉર્દૂ અખબાર પણ ચલાવતા હતા.

શુજાતે મનિલાની એતનિયો દ મનિલા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી.

તેઓ કાશ્મીરી તથા ઉર્દૂ ભાષામાં લખતા હતા. શુજાત કાશ્મીરના સૌથી જૂના અને સૌથી મોટા સાહિત્ય સંગઠન 'અદબી મરકઝ કમરાઝ'ના અધ્યક્ષ હતા.

શુજાત એશિયન સેન્ટર ફૉર જર્નાલિઝમ (સિંગાપોર) તથા વર્લ્ડ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ (USA)ના પરમેનન્ટ ફેલો હતા.

તેઓ ઇસ્ટવેસ્ટ સેન્ટર (હવાઈ, USA)ના પણ પરમેનન્ટ ફેલો હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ