પુરુષોના નામ પર સ્ત્રીઓનાં અંગોનાં નામ

ફોટો Image copyright Getty Images

મહિલાના પેલ્વિસ ભાગમાં આવેલા અંગો-ઉપાંગોનાં નામો જુઓ, તમને ચારે બાજુ પુરુષોની હાજરી દેખાશે. ગર્ભાશયની પાછળ જેમ્સ ડગ્લાસ શું કરી રહ્યા છે? ઓવરીની આસપાસ ગ્રેબિયલ ફેલોપિયન શું કરી રહ્યા છે?

લેબીયાની સાથે કેસ્પર બ્રાથોલિન કેમ જોડાઈ ગયા છે? અર્ન્સ્ટ ગ્રેફનબર્ગે દાવો કર્યો કે તેમણે જી-સ્પોટ શોધી કાઢ્યું છે, તો આપણે માની લેવાનું?

તમે કદાચ નહીં જાણતા હો પણ આ લોકોનાં નામો આ અંગો સાથે જોડાઈ ગયાં છે - પાઉચ ઑફ ડગ્સાસ, બાર્થોલિન્સ ગ્લૅન્ડ, ફેલોપિયન ટ્યુબ્સ અને ગ્રેફનબર્ગ પરથી જી-સ્પોટ.

સાચી વાત એ છે કે નારીના સમગ્ર શરીર પર પુરુષો વળગેલા છે - એટલે કે ઉપર સીધાવી ગયેલા, શ્વેત પુરુષ એનેટોમિસ્ટ્સ, પણ તેમનાં નામો રહી ગયાં છે, જાણે કે તેમણે મહિલાઓના બસ્તિપ્રદેશ પર કાયમી કબજો કરી લીધો હોય.

શું તમે વાંચ્યું?

મહિલાનાં શરીર પર દેવનાં નામના થપ્પા પણ લાગી ગયા છે. ગ્રીકનો લગ્નનો પૌરુષેય દેવ હાયમન, તેમના લગ્નના દિવસે જ મોત પામ્યો હતો, પણ તેમનું નામ મહિલાના ગુપ્તાંગના એક હિસ્સાને મળી ગયું છે.

આમ તો ગ્રીક શબ્દ 'hyalos' એટલે કે ઝાળી પરથી હાયમન શબ્દ આવ્યો છે, પરંતુ આધુનિક એનેટોમીના પિતા ગણાતા વેસેલિયસે 16મી સદીમાં પ્રથમ વાર મહિલાના ગુપ્તાંગમાં રહેલા અંગને આ નામ આપ્યું હતું.

Image copyright Getty Images

વિજ્ઞાન અને તબીબી શાસ્ત્રમાં પુરુષોની (અને દેવતાઓની પણ) છાપ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પુરુષોએ હજારો પ્રજાતિઓને પોતાનાં નામ આપ્યાં છે.

અમેરિકાના ડૉક્ટર ડેનિયલ સાલમન પરથી સાલ્મોનેલા બેક્ટેરિયાનું નામ પડ્યું છે, જ્યારે ફ્રેન્ચના ભૂતપૂર્વ પ્રમુખના નામ પરથી ખતમ થવાના આરે આવેલા grevy zebra ઝેબ્રાને નામ મળ્યું છે.

ગત સદીમાં મહિલાઓ તબીબી અભ્યાસમાં પ્રવેશવા લાગી તે પહેલાં તેમની બિલકુલ ગેરહાજરી હતી, પરંતુ હજીય મોટાભાગે નર નામો વપરાતાં રહ્યાં છે.

તેના કારણે તબીબી અભ્યાસમાં લિંગભેદ દેખાઈ આવે છે, એટલું જ નહીં, પણ તે કાયમી થઈ જાય તેમ લાગે છે.

અમુક પ્રકારની ભાષાના કારણે અમુક પ્રકારના વિચારો પેદા થાય છે કે કેમ તે મુદ્દો હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે.

જોકે, એવા કેટલાય દાખલા મળે છે, જેમાં કોઈ વસ્તુને અમુક રીતે વર્ણવવાથી તેના વિશેનો આપણો અભિપ્રાય બદલાઈ જાય છે.

ઍડિલેડ યુનિવર્સિટીના વિસરાઈ રહેલી ભાષાના નિષ્ણાત પ્રોફેસર ગીલાડ ઝકરમેન કહે છે કે જે ભાષામાં પુલ શબ્દ સ્ત્રીલિંગ છે, ત્યાં તેનું વર્ણન સુંદર એવી રીતે થાય છે. તેની સામે જે ભાષામાં પુલ શબ્દ પુલ્લિંગ છે, ત્યાં તેનું વર્ણન મજબૂત એવું થાય છે.

તેનાથી સવાલ એ ઊભો થાય છે કે આપણા શરીર અને તેની અવસ્થા વિશે પણ આપણામાં લિંગભેદ આવી ગયો છે ખરો.


લિંગભેદની પરિભાષા

Image copyright BBC/GETTY IMAGES

'hysteria' (હિસ્ટિરિયા) એ શબ્દ આપણે સૌ જાણીએ છીએ. તે ગ્રીક શબ્દ 'hysterika' (હિસ્ટેરિકા) પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ગર્ભાશય.

ગર્ભાશયમાં થતી હલચલને કારણે થતી બીમારી માટે હિસ્ટિરિયા એવો શબ્દ પ્રથમવાર હિપ્પોક્રેટસે (વધુ એક પુરુષ) આપ્યો હતો.

મહિલાની માનસિક અસ્થિરતા માટે પણ આ શબ્દ વપરાયો. બહુ પ્રાચીન સમયમાં ઇસ્વીસન પૂર્વે 1900માં પ્રાચીન ઇજિપ્તમાં આ શબ્દ વપરાયો હતો.

ગર્ભાશય ખાલી રહે, બિનફળદ્રુપ રહે તો તેમાં હલનચલન થયા કરે અને તેમાંથી ગેસ ઉત્પન્ન થયા કરે એવી દલીલ ગ્રીક ડૉક્ટરોએ કરી હતી.

તેથી મહિલાએ લગ્ન કરી લેવાં જોઈએ તે તેનો ઉપાય હતો. આ વિચાર સદીઓ સુધી ચાલતો રહ્યો.

19મી સદીમાં પણ પુરુષ આધારિત તબીબી વ્યવસાયમાં પણ આ વિચાર ચાલતો રહ્યો. 'Hysterical ladies' (હિસ્ટિરિયાથી પીડાતી) મહિલાઓ ક્લિનિકોમાં ઊભરાતી રહી અને તેમને જેનિટલ મસાજ દ્વારા ઉત્તેજનાનો અનુભવ કરાવાતો રહ્યો, જેના માટે સૌમ્ય શબ્દ 'paroxysms' વપરાતો રહ્યો.

આખરે મસાજ દ્વારા ઉત્તેજનાનો અનુભવ કરાવવાના બદલે મિકેનિકલ ઉપાય શોધી કાઢવામાં આવ્યો, જેનું નામ વાઇબ્રેટર.

આખરે 1952માં અમેરિકન સાયકિયાટ્રિક એસોસિયેશને (American Psychiatric Association) આધુનિક બીમારીઓની યાદીમાંથી હિસ્ટિરિયા શબ્દ દૂર કર્યો.

Image copyright Getty Images

તે શબ્દ હવે પ્રાચીન થઈ ગયેલો લાગતો હશે, પરંતુ હજી પણ તબીબી ભાષામાં એવા કેટલાય શબ્દો છે, જે પૈતૃક વ્યવસ્થાને અનુરૂપ હોય.

ઘણા બધા શબ્દો હજીય પુલ્લિંગ છે. વર્ણન પુરુષલક્ષી અને લડાયક હોય છે, જેમ કે હૃદય રોગ સામે લડાઈ, કેન્સર સામે યુદ્ધ વગેરે.

કેટલાક હિણપત દર્શાવતા શબ્દો છે - incompetent cervix (ગર્ભાશયના ડોક જેવો ભાગ માટે અસમર્થ શબ્દ અને અંડબીજ માટે blighted ovum (કરમાઈ ગયેલા સ્ત્રીબીજ).

એવું લાગે છે કે તબીબીશાસ્ત્રની પરિભાષા હિંસક અને નિંદાત્મક બની ગઈ છે.

આપણે શરીરનો અભ્યાસ તેને સક્ષમ બનાવવા કરીએ છીએ, પણ શરીરને યુદ્ધભૂમિ બનાવતા આવા શબ્દો હોય ત્યારે નિયંત્રણ માટેનો ભાવ જાગે છે.

ઑન્કોલૉજિસ્ટ જેરોમ ગ્રૂપમેન કહે છે કે સેનાની ભાષા કામ આવે છે, કેમ કે દર્દીને લાગે કે તે પોતાના શરીર સાથે યુદ્ધ કરી રહ્યો છે. અન્ય કહે છે કે આવી ભાષાથી નુકસાન થઈ શકે, કેમ કે દર્દી સાજા ના થાય તો પોતે હારી ગયા એમ સમજી બેસે.

કેટલાક અંગોનાં નામ ધ્વનિ પ્રમાણે સ્ત્રીલિંગ લાગે છે, પણ તેના મૂળિયા સેક્સિસ્ટ શબ્દમાં રહેલા હોય છે. દાખલા તરીકે 'vagina' શબ્દ લેટિનમાંથી આવ્યો છે, જેનો મૂળ અર્થ થાય છે આવરણ કે તલવારનું મ્યાન.

Image copyright Getty Images

એ જ રીતે ગ્રીસ શબ્દ છે kleitorís, તેના પરથી clitoris શબ્દ આવ્યો છે. તેનો મૂળ અર્થ બંધ કરી દેવું તેવો થાય છે.

આ શબ્દો પરથી ખ્યાલ આવશે કે અંગો માટે કેવાં પ્રતીકો પ્રયોજાયાં છે.

માત્ર તબીબીશાસ્ત્રમાં નહીં, મહિલાની એનેટોમીના અભ્યાસમાં પણ આ વલણ દેખાય છે.

2013માં સુસાન મોર્ગન અને તેમના સાથીઓએ મેડિકલ સ્ટુડન્ટ્સને ભણાવાતી એનેટોમીમાં કેવી રીતે લિંગભેદ રહેલો છે તેનો અભ્યાસ કર્યો હતો. પાઠ્યુપુસ્તકોમાં શરીરનું વર્ણન પુરુષને ધ્યાનમાં રાખીને થયેલું છે એમ તેમને જોવા મળ્યું.

"જનનાંગો સિવાયના વર્ણનમાં ક્યાંય સ્ત્રી આવતી નથી. તેના કારણે એવી છાપ પડે છે કે મનુષ્યનું શરીર એ મુખ્યત્વે પુરુષ છે અને સ્ત્રીનું શરીર કેટલું અલગ પડે છે તે રીતે જ તેનો અભ્યાસ થાય છે."

તબીબી પરિભાષામાં પૈતૃક ઇતિહાસની અસર રહી છે, પણ આજે તે કેટલી ઉપયોગી તે સવાલ છે. સ્ત્રીના અંગોને અપાયેલાં નામો પાછળ પુરુષ છે તે મોટા ભાગના લોકો જાણતા પણ નથી - તો પછી શા માટે ચિંતા કરવાની?

UCSD ખાતે કામ કરતાં એસોસિયેટ પ્રોફેસર લેરા બોરોડિસ્કી માને છે કે આ પ્રકારની પરિભાષાની એક મુશ્કેલી એ છે કે કેટલીક પ્રગતિ માત્ર એક જ વ્યક્તિએ કરી તેવી છાપ પડે છે.

Image copyright Getty Images

વિજ્ઞાનમાં લાંબો સમય અનેક લોકો અભ્યાસો કરે ત્યારબાદ આખરે કોઈ એક વ્યક્તિને પરિણામ મળતું હોય છે. લેરા કહે છે કે એવી રીતે નામો અપાવાં જોઈએ, "જેથી કોઈ પુરુષે અંગ શોધી કાઢ્યું" તેવું ના લાગે.

તેના બદલે એવું નામ અપાવું જોઈએ, જેનાં કારણે તેનું વર્ણન સમજાય અને તેને સમજાવી શકાય.

2000ની સાલમાં સામાજિક કાર્યકર એન્ના કોસ્ટોવિક્સને પણ ચિંતા થઈ હતી કે તેમની નેટિવ સ્વીડીશ ભાષામાં લિંગસમાનતા નથી.

તેમણે નોંધ્યું કે છોકરાઓ પાસે તેમના જનનાંગો માટે સેક્સિસ્ટ ના લાગે તેવા શબ્દો હતા, જ્યારે સ્ત્રીઓ પાસે તેવા શબ્દો નહોતા. સ્વિડિશમાં 'snopp' એવો શબ્દ પુરુષાંગ માટે વપરાતો હતો, તેથી તેમણે સ્ત્રીઅંગ માટે 'snippa' એવો શબ્દ લોકપ્રિય બનાવ્યો હતો.

એન્નાએ બાદમાં અંગ્રેજીમાં પણ આ રીતે શબ્દોમાં ફેરફાર થવા જોઈએ તેવી માગણી કરી છે જેમ કે, 'hymen'નું નામ બદલીને 'vaginal corona' કરવું જોઈએ.

આ પ્રકારે નવા શબ્દો આપવામાં આવે તે લોકપ્રિય થશે કે કેમ? તે જોવાનું રહે છે, પણ કમ સે કમ વ્યક્તિઓને પોતાને અનુકૂળ શબ્દો સર્જવા માટે પ્રેરવી જોઈએ.

બોરોડિસ્કી કહે છે કે શરીરના અંગોના વર્ણન માટેના શબ્દોમાં જ્યાં પણ પૈતૃક અસર છે, ત્યાં તેને મરી જવા દેવા જોઈએ.

(લીયા કેમિન્સ્કિ ઓસ્ટ્રેલિયામાં રહેતા જાણીતા ફિઝિશિયન છે અને એવોર્ડ વિનિંગ નોવેલિસ્ટ પણ છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ