અમેરિકામાં ભારતીયો દ્વારા ચલાવાતા 'ટોલીવૂડ સેક્સ રૅકેટ'ની સંપૂર્ણ કહાણી

ફોટો Image copyright Getty Images

અમેરિકામાં પોલીસને એક સેક્સ રૅકેટ વિશે જાણ થઈ છે જેમાં તેલુગૂ સિનેમા સાથે જોડાયેલી કેટલીક યુવતીઓ અને હીરોઇનો સામેલ છે.

શિકાગો આ રૅકેટનું કેન્દ્ર છે. પોલીસે આ મામલે ભારતીય તેલુગૂ કપલની ધરપકડ કરી છે જેના પર આ રૅકેટ ચલાવવાનો આરોપ છે.

ફેડરલ પોલીસ પ્રમાણે અમેરિકામાં યોજાનારા તેલુગૂ અને અન્ય સાંસ્કૃતિક આયોજનોમાં ભાગ લેવાના બહાને તેલુગૂ સિનેમાનાં કલાકારોને બોલાવી તેમની પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં આવી રહી હતી.

હોમલૅન્ડ સિક્યૉરિટીના સ્પેશિયલ એજન્ટે જણાવ્યું, ''34 વર્ષીય કિશન મોડુગમુડી આ રૅકેટના માસ્ટરમાઇન્ડ છે અને તેમના પત્ની ચંદ્રકલા મોડુગમુડી આમાં પાર્ટનર છે.''

Image copyright Getty Images

કિશનને લોકો રાજ ચેન્નુપતિના નામથી પણ જાણે છે. તેમની પત્ની ચંદ્રકલાને વિભા અને વિભા જયાના નામથી પણ ઓળખવામાં આવે છે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 42 પેજની અરજીમાં સેક્સ રૅકેટમાં સામેલ મહિલાઓની ઓળખ જણાવવામાં આવી નથી. અરજીમાં આ મહિલાઓને એ, બી, સી અને ડી જેવાં નામો આપવામાં આવ્યાં છે.

શું તમે આ વાંચ્યું?

તપાસ અધિકારીઓએ સેક્સ રૅકેટની પીડિત યુવતીઓ સિવાય કેટલાક ગ્રાહકોની પણ પૂછપરછ કરી છે. અધિકારીઓએ કોર્ટને જણાવ્યું કે આરોપીઓના ઘરેથી કેટલીક ડાયરીઓ અને હિસાબના પુસ્તક મળ્યાં છે.

ડાયરીઓમાં હીરોઇનોનાં નામોની સાથે તેમના ગ્રાહકોનાં નામો પણ સામેલ છે.


સેક્સ રૅકેટની ખબર કેવી રીતે પડી?

સ્પેશિયલ એજન્ટ બ્રાયનના સોગંદનામા પ્રમાણે 20 નવેમ્બર 2017એ એક યુવતી શિકાગોથી ઓ'હેયર ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પહોંચી હતી.

સોગંદનામામાં આ છોકરીને 'એ' તરીકે ઓળખવામાં આવી છે. તેમની પાસે બી1/બી2 ટૂરિસ્ટ વિઝા હતા, જે અમેરિકન એમ્બેસીમાંથી આપવામાં આવ્યા હતા.

ઍરપૉર્ટ પર આ યુવતીએ જે ઇમિગ્રેશનના ડૉક્યુમેન્ટ્સ સોંપ્યા, તેના પ્રમાણે 18 નવેમ્બર 2017એ દક્ષિણ કેલિફોર્નિયામાં તેલુગૂ અસોસિયેશન તરફથી સન્માનિત થવાની હતી.

બીજા ડૉક્યુમેન્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તે કેલિફોર્નિયા તેલુગૂ અસોસિયેશનની સ્ટાર નાઇટમાં સામેલ થવાની હતી અને અમેરિકામાં 10 દિવસ રહેવાની હતી.

ઇમિગ્રેશન અધિકારીઓને શંકા ગઈ, કેમ કે યુવતીએ 18 નવેમ્બરે કેલિફોર્નિયામાં યોજાનારી ઇવેન્ટમાં સામેલ થવાનું હતું, જ્યારે તેણી બે દિવસ બાદ શિકાગો ઍરપૉર્ટ પર ઊતરી હતી.

જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે નૉર્થ અમેરિકા તેલુગૂ સોસાયટીના કાર્યક્રમમાં ભાગ લેવા આવી છે તેમ જણાવ્યું.

તેણે એક ચિઠ્ઠી પણ દેખાડી જેમાં જણાવાયું હતું કે તેઓ 25 નવેમ્બર 2017ના રોજ ઇલિનોયની સ્કેમબર્ગ સ્થિત પરિષદમાં મહેમાન છે.


તેલૂગુ સોસિયેશનોને હીરોઇનની જાણકારી નથી

Image copyright Getty Images

અધિકારીઓએ જ્યારે દક્ષિણ કેલિફોર્નિયાના તેલુગૂ અસોસિયેશનના અધ્યક્ષ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે 18 નવેમ્બરે કેલિફોર્નિયામાં તેમનો એક કાર્યક્રમ હતો, પરંતુ તેઓ આ હીરોઇનને જાણતા નથી તેમજ તેઓ તેમના મહેમાન પણ નથી.

ઉત્તર અમેરિકા તેલુગૂ અસોસિયેશનના ઓફિસરોએ જણાવ્યું કે ન તો તેઓ આ હીરોઇનોને જાણે છે અને તેમનો 25 નવેમ્બરે કોઈ કાર્યક્રમ પણ નહોતો.

આટલી જાણકારી મળ્યા બાદ અધિકારીઓએ યુવતીને ત્યાં આવવાનું સાચું કારણ પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેલુગૂ અસોસિયેશનોના આ નિમંત્રણ પત્ર તેને રાજૂ નામના વ્યક્તિએ આપ્યાં હતાં. રાજૂને તે ભારતમાં મળી હતી.

Image copyright Getty Images

રાજૂએ જ તેમની ઍર ટિકિટ અને હૉટલની વ્યવસ્થા કરી આપી હતી. તે ઍરપૉર્ટ પર પણ લેવા આવવાનો હતો.

યુવતીએ અધિકારીઓને રાજૂનું ઈ-મેઇલ આઈડી અને ફોન નંબર પણ આપ્યાં.

તપાસમાં અધિકારીઓને એક ઇન્ટરનેટ પોસ્ટની ખબર પડી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ''કિશન મોડુગમુડી ઉર્ફે રાજૂ ચેન્નુપતિ કેટલાક ફિલ્મી કલાકારોને વેશ્યાવૃત્તિમાં સામેલ કરવા માંગે છે."

"તે બોગસ વિઝા પર યુવતીઓને અમેરિકા બોલાવતો હતો અને તેમને સેક્સ રૅકેટમાં સામેલ કરતો હતો. શિકાગોમાં વિભા જયમ તેમની મદદ કરતી હતી.''

દિલ્હીથી આવેલી એક યુવતી પાસેથી મળેલા ઈ-મેઇલ આઈડી અને ફોન નંબરથી ખબર પડી કે તે કિશન મોડુગમુડીનાં છે.

તેમની પાસે વધારે એક ઈ-મેઇલ આઈડી પણ છે. વધુમાં ઈ-મેઇલ દ્વારા જ શિકાગો સ્થિત તેમના ઘરની ખબર પડી હતી.


નેવાર્ક ઍરપૉર્ટ પર અન્ય હીરોઇન

ઇમિગ્રેશન અધિકારીઓએ નેવાર્ક ઍરપૉર્ટ પર એક અન્ય મહિલા સાથે પૂછપરછ કરી કે જે 26 નવેમ્બર 2017એ મુંબઈથી આવી હતી.

વિઝાના ડૉક્યુમેન્ટ્સથી ખબર પડી કે તે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થઈ હતી અને ત્રણ મહિના સુધી અમેરિકામાં રહેવાની હતી.

વિઝા પ્રમાણે તે હીરોઇન હતી અને એક ઇવેન્ટમાં સન્માનિત અતિથિ તરીકે આવી હતી.

આ મહિલાએ અધિકારીઓને જણાવ્યું કે તેમને વિઝા અપાવવામાં 'રાજૂ ગારુ' નામના એક વ્યક્તિએ મદદ કરી હતી.

આ મહિલા ટેક્સાસના ઇરવિંગમાં નવા વર્ષના જશ્ન સમયે હોલિવૂડ ડાન્સમાં પરફૉર્મ કરવા ઇચ્છે છે.


વેશ્યાવૃત્તિ તરફ ધકેલી

Image copyright Getty Images

હીરોઇનોએ જણાવ્યું કે 'રાજૂ ગારુ' તરફથી આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા પેન્સિલવેનિયા પણ તે આવી ચૂકી છે.

તે પ્રવાસમાં તેમની પાસે જબરદસ્તીથી વેશ્યાવૃત્તિ કરાવવામાં આવી હતી.

તેમણે ગ્રાહકો સાથે કેટલોક સમય પસાર કર્યો હતો અને ત્યાંથી નીકળવાનો રસ્તો પૂછ્યો હતો.

ગ્રાહકોએ પણ તેમને સલાહ આપી હતી કે તેઓ વિભાને જણાવે કે તેમનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેથી હવે પરત આવવા ટિકિટની વ્યવસ્થા કરી આપે.

છેલ્લા પ્રવાસમાં વિભા ચાર અલગ અલગ શહેરોમાં ગઈ હતી, જ્યાં ગ્રાહકોને તેમના રૂમમાં મોકલવામાં આવતા હતા.

શિકાગોમાં તેમને એક ઘરમાં રાખવામાં આવી હતી. વધુમાં કોર્ટમાં રજૂ થયેલી અરજી અનુસાર આ મહિલાને વિઝા ન અપાયા અને નેવાર્કથી પરત મોકલી દીધી.


પીડિત યુવતીઓને ફોન પર ધમકી

Image copyright Getty Images

તપાસ દરમિયાન ખબર પડી કે આ મહિલાની દિલ્હીમાં પણ પૂછપરછ કરવામાં આવી હતી.

તે દરમિયાન તસવીર દ્વારા તેમણે રાજૂની ઓળખ જણાવી હતી.

વિઝા ન મળતા રાજૂએ તેમને ફોન કરીને આ અંગે કોઈને વાત ન કરવાની ધમકી આપી હતી.

જો, વાત જાહેર થશે તો તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

તેણે વધુમાં જણાવ્યું કે શિકાગોમાં તેને જે ઘરમાં રાખવામાં આવી હતી તે ઘરમાંથી એકલા બહાર જવાની તેને પરવાનગી નહોતી.


અન્ય પીડિતો

Image copyright EPA

પીડિત યુવતીએ વધુ બે ચિઠ્ઠીઓ પણ દેખાડી જે વિઝાની અરજીમાં લગાવી હતી.

આ ચઠ્ઠીઓ તેલંગણા પ્યુપિલ્સ અસોસિયેશન ઑફ ડલાસ અને તેલુગૂ અસોસિયેશન ઑફ નોર્થ અમેરિકાની હતી.

બંને સંસ્થાઓએ એ ચિઠ્ઠીઓને નકલી ગણાવી હતી.

તપાસમાં જાણ થઈ કે 2016થી 2017 દરમિયાન ઘણી યુવતીઓ કિશનની મદદથી અમેરિકા આવી હતી.

અરજીમાં તેમને પીડિત બી, સી, ડી, ઈ કહેવામાં આવી છે.

એક મહિલા(પીડિત બી) 24 ડિસેમ્બર 2017એ શિકાગો પહોંચી હતી અને 8 જાન્યુઆરી 2018એ પરત ફરી હતી.


વિઝા પૂર્ણ થવા છતાં કિશન અને વિભા અમેરિકામાં રહ્યાં

કિશન તેલુગૂ ફિલ્મોના પ્રોડ્યુસર નથી પરંતુ તેમણે કેટલીક ફિલ્મોને કો-પ્રોડ્યૂસ કરી છે. 2014માં તેમણે બે વખત વિઝા માટે અરજી કરી હતી.

પરંતુ બોગસ ડૉક્યુમેન્ટ્સ રજૂ કરતાં તેમને વિઝા ન મળ્યા. પછી 2015માં વિઝા મળતાં 6 એપ્રિલે તેઓ શિકાગો ગયા હતા.

તેમના વિઝા 5 ઑક્ટોબર 2015 સુધી જ માન્ય હતા. પરંતુ તેઓ પરત ન ફર્યાં.

આવી જ રીતે ચંદ્રકલા મોડુગમુડી 11 ઓગસ્ટે શિકાગો પહોંચ્યાં. તેમના વિઝા 10 ફેબ્રુઆરી 2016 સુધી માન્ય હતા, જેને તેઓએ 8 ઑગસ્ટ 2016 સુધી વધાર્યા.

ઑગસ્ટમાં જ્યારે તેઓ બીજી વખત વિઝા અવધિ વધારવા પહોંચ્યા, ત્યારે અધિકારીઓએ તેમની અરજી ફગાવી દીધી.

23 જાન્યુઆરીએ કિશન અને ચંદ્રકલાને ઓહાયોના ટિફિનમાંથી પકડવામાં આવ્યાં હતાં.

તેમને યૂએસ બોર્ડર પેટ્રોલના અધિકારીઓએ પકડ્યાં હતાં. 23 ફેબ્રુઆરીએ તેને જામીન પર છોડવામાં આવ્યાં, પરંતુ તેઓ તપાસમાં સામેલ ન થયાં.


ગ્રાહકો સાથે ફોનમાં સોદા

16 ફેબ્રુઆરી 2018એ અધિકારીઓએ કિશન અને ચંદ્રકલાના ઘરો પર દરોડા પાડ્યા હતા.

ત્યાંથી 70 કૉન્ડમ, બોગસ આવાસી કાર્ડ, અમેરિકન તેલુગૂ અસોસિયેશનોના લેટર હેડવાળી બોગસ ચિઠ્ઠી, વિઝિટિંગ કાર્ડ્સ, ડાયરી અને પુસ્તકો મળ્યાં હતાં.

ડાયરીઓ અને 4 મોબાઇલ ફોન દ્વારા સેક્સ રૅકેટની વાત સામે આવી હતી.

તેઓ ગ્રાહક સાથે એક વખતના 1 હજાર ડૉલર, બે વખતના 2 હજાર ડૉલર અને 100 ડૉલરની ટિપ અંગે વાત કરતાં હતાં.

તપાસ કરનાર અધિકારીઓએ કોર્ટમાં ગ્રાહકો સાથે વાતચીત કરી અને તે લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર કિશન અને ચંદ્રકલા ભારતથી યુવતીઓને અમેરિકા લાવી વેશ્યાવૃત્તિ કરાવી રહ્યાં હતાં.

આરોપીઓને 29 એપ્રિલે ઇલિનોય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ હજુ પણ ચાલી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ