હિંદી-રુસી ભાઈ ભાઈ: શું માને છે ત્યાંના ગુજરાતી ઉદ્યોગ સાહસિક?

  • નીતિન શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા, મોસ્કોથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

ઇમેજ સ્રોત, KREMLIN.RU

ઇમેજ કૅપ્શન,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

સાંજનો સમય છે અને રશિયાના મૉસ્કો શહેરના એક સુંદર ફ્લેટમાં અમે ચા પી રહ્યા છીએ. આ અભિષેક સિંહનું ઘર છે, જેઓ રશિયાના રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ચૂક્યા છે.

તેમનાં પત્ની સાશા રશિયાનાં જ છે અને તેમનો દીકરો છ મહિનાનો છે.

અભિષેક સિંહ તથા સાશા વચ્ચે રોમાન્સ યુક્રેનમાં થયો હતો અને તેમનાં લગ્ન ઉત્તર પ્રદેશના હરદોઈ શહેરમાં થયાં હતાં.

હરદોઈમાં અભિષેક સિંહના માતા-પિતા રહે છે.

વિઝાના આકરા નિયમો

ઇમેજ કૅપ્શન,

અભિષેક સિંહ તેમનાં પત્ની સાશા અને પુત્ર સાથે

વ્યવસાયે આઈટી પ્રોફેશનલ અભિષેક સિંહ માને છે કે ભારતીયોને રશિયા પ્રત્યેનો લગાવ જૂનો છે, પણ તેમાં એક જ કસક છે.

અભિષેક સિંહ કહે છે, "બધું સારું છે, પણ એક જ મુશ્કેલી છે. આપણા સગાં કે દોસ્તોને અહીં આસાનીથી બોલાવવાનું મુશ્કેલ છે. તેનું કારણ છે વિઝાના આકરા નિયમો.

"આખો પ્લાન જણાવવો પડે છે. હોટેલમાં બુકિંગના કાગળિયાં વગેરે અગાઉથી મોકલવા પડે છે, પણ રશિયનોને ભારત જવાના વિઝા આસાનીથી મળે છે."

આપને આ પણ વાંચવું ગમશે

રશિયા પર વ્યૂહાત્મક નિર્ભરતા

ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી દોસ્તીનો સંબંધ છે. આઝાદી પછી રશિયાએ આગળ આવીને ભારતને આર્થિક તેમજ વ્યૂહાત્મક મદદ કરી છે એ જગજાહેર છે.

ભારતીય ખાતર ઉદ્યોગથી માંડીને સૈન્યની ટેન્કો તથા મિગ કે સુખોઈ વિમાનો સુધી દરેક સામગ્રી પર રશિયાની છાપ રહી છે.

ભારતીય હથિયાર ઉદ્યોગ આજે પણ રશિયા પર મોટાપાયે નિર્ભર છે.

એ ઉપરાંત એવા કેટલાય ભારતીયો છે જેમણે 'ગાઢ દોસ્તી'ના સમયગાળામાં રશિયા આવીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શું કહે છે ગુજરાતી ઉદ્યોગ સાહસિક?

ઇમેજ કૅપ્શન,

ગુજરાતના ધર્મેન્દ્ર રાવલ રશિયામાં ફાર્માસ્યુટિકલ્સનો બિઝનેસ કરે છે

ગુજરાતના ધર્મેન્દ્ર રાવલ 1998માં રશિયા આવ્યા હતા.

અહીં દસ વર્ષ રહ્યા બાદ તેમણે તેઓ રશિયામાં કેટલા સમયથી વસવાટ કરે છે એ ગણવાનું બંધ કરી દીધું હતું.

ફાર્માસ્યુટિકલ્સના વેપારી ધર્મેન્દ્ર રાવલ કહે છે, "જે સાંભળીને અમે અહીં આવ્યા હતા એવો સંબંધ ભારત અને રશિયા વચ્ચે આજે નથી એ સાચી વાત છે.

"તમામ મુશ્કેલી હોવા છતાં આ દેશ ભવિષ્યમાં ભારત માટે મોટી ભેટ બની શકે છે."

આજની હકીકત એ છે કે બન્ને દેશોએ દોસ્તી તથા પારસ્પરિક સહયોગનો ગર્વ લેવા ઉપરાંત નવા દોસ્તો પણ શોધી લીધા છે.

પાછલા બે દાયકામાં ભારતીય અર્થતંત્ર વિકસ્યું છે અને ભારતે અમેરિકા તથા પશ્ચિમના અન્ય દેશોમાં દિલચસ્પી વધારી છે.

રશિયાએ પણ યુરોપ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર અત્યંત ઓછો હોવાનું કારણ પણ કદાચ આ જ છે.

દાખલા તરીકે, છેલ્લાં પાંચ વર્ષમાં ભારત-રશિયા વચ્ચેનો વેપાર છથી સાત અબજ ડોલરની આસપાસ રહ્યો છે.

અમેરિકા સાથેના ભારતના વેપારની સાથે સરખામણી કરીએ તો રશિયા સાથેનો વેપાર ચપટી જેટલો ગણાય.

2017માં ભારત અને અમેરિકા વચ્ચે લગભગ 67 અબજ ડોલરનો વેપાર થયો હતો.

'રશિયાથી બહેતર દેશ નહીં'

1990માં સેમી કોટવાની રશિયા આવ્યા, ત્યારે પરિસ્થિતિ મુશ્કેલ હતી અને લોકો અન્ય સ્થળો શોધી રહ્યા હતા.

સોવિયેટ સંઘના સ્થાને નવું રશિયા જન્મ લેવાની તૈયારીમાં હતું, પણ અર્થતંત્રની હાલત કંગાળ હતી.

ખુદને ગર્વભેર દરજી ગણાવતા સેમી કોટવાનીની ટેલરિંગ કંપની આજે આખા યુરોપમાં ફેલાયેલી છે.

સેમી કોટવાની કહે છે, "સોવિયેટ સંઘના સમયગાળામાં આપણા વેપારીઓ ઘણા પૈસા કમાયા હતા અને અન્ય દેશમાં ચાલ્યા ગયા હતા, પણ હવે આ દેશ કમાણી કરવાનો રહ્યો નથી.

"આ દેશ બહુ જટિલ બની ગયો છે અને અહીં બિઝનેસ કરવાનું બહુ સરળ નથી. તેમ છતાં તમે લાંબા ગાળાની વ્યૂહરચના સાથે અહીં આવો તો રશિયાથી બહેતર બીજો કોઈ દેશ નથી."

સેમી કોટવાની જેવા લોકોએ રશિયામાં 'આકરી મહેનત' કરીને પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમની કંપનીમાં રશિયન નાગરિકોને રોજગાર પણ મળ્યો છે.

રશિયાનું નાગરિકત્વ મેળવવું મુશ્કેલ

ઇમેજ કૅપ્શન,

સેમી કોટવાનીની ટેલરિંગ કંપની આજે આખા યુરોપમાં ફેલાયેલી છે

મૂળ ચેન્નઈના કાશી વિશ્વનાથન પણ આવું જ એક ઉદાહરણ છે.

બે દાયકા પહેલાં અભ્યાસ માટે રશિયા આવેલા કાશી વિશ્વનાથનની પાંચ મોટી રેસ્ટોરાં મોસ્કોથી માંડીને સૅન્ટ પિટ્સબર્ગ સુધીનાં શહેરોમાં ફેલાયેલી છે.

કાશી વિશ્વનાથનના જણાવ્યા મુજબ, "રશિયામાં ભારતીયોની સંખ્યા ઓછી છે, પણ ભારતીયો સંપીને રહે છે. મારા રેસ્ટોરાં બિઝનેસમાં ઘણા રશિયનો કામ કરે છે.

"અમારા લોકો માટે એક ક્વોટા હોય છે. એ અનુસાર અમે દર વર્ષે વિઝા અપાવીને ભારતમાંથી કર્મચારીઓને અહીં લાવીએ છીએ."

જોકે, રશિયામાં કાશી વિશ્વનાથન જેવાં બહુ ઓછાં ઉદાહરણ છે.

વાસ્તવિકતા એ છે કે રશિયામાં હાલ ભારતીય મૂળના લગભગ 14,000 લોકો વસે છે. તેમાંથી લગભગ 5,000 ભારતીય સ્ટુડન્ટ્સને બાદ કરીએ તો આંકડો ઘણો નાનો થઈ જાય છે.

રશિયામાં રહેતા ભારતીયો પૈકીના ઘણાનાં લગ્ન રશિયા નાગરિકો સાથે થયાં હોવાથી તેમને રશિયાનું નાગરિકત્વ આસાનીથી મળ્યું છે.

હકીકતમાં રશિયાનું નાગરિકત્વ મેળવવાનું બહુ જટિલ છે.

રશિયામાં વસતા એક ભારતીય વેપારી કહે છે, "લગભગ 500 ભારતીય વેપારીઓ રશિયાના વિવિધ શહેરોમાં વસવાટ કરે છે. તેમાંથી 200 તો મૉસ્કોમાં જ છે.

"તેમાંથી 200 તો મૉસ્કોમાં જ રહે છે અને એ પૈકીના અરધોઅરધ લોકો રશિયન મૂળની સ્ત્રીને પરણ્યા હશે."

રશિયામાં વસવાટ કરતા મોટાભાગના ભારતીયો ચા-કોફી, દવા, અનાજ-મસાલા, ચામડાના સામાન અને વસ્ત્રોનો બિઝનેસ કરે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રશિયામાં હીરા-ઝવેરાતના વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે, પણ યુરોપ બેલ્જિયમ જેવા કેટલાક દેશોની સરખામણીએ એ વૃદ્ધિ ઘણી ઓછી છે.

ચીની કંપનીઓએ બનાવ્યું મજબૂત સ્થાન

ઇમેજ કૅપ્શન,

દાયકાઓથી મોસ્કોમાં રહેતા કુમાર વેલાંગી

મૉસ્કોમાં પાછલા ઘણા દાયકાઓથી રહેતા કુમાર વેલાંગી કેરીનો વેપાર કરે છે. તેઓ ભાવિ બાબતે આશાન્વિત છે, પણ થોડી શંકા સાથે.

કુમાર વેલાંગી કહે છે, "સ્થિરતા કે સમયસર પૈસાની ચૂકવણીની વાત આવે ત્યારે ભારતની ટોચની ઘણી કંપનીઓ રશિયન માર્કેટ બાબતે સાશંક હોય છે. આ એક નડતર છે.

"ભારતીય કંપનીઓને રશિયામાં બિઝનેસ કરવાનું થોડું જોખમી લાગે છે.

"ભારતની ટોચની 100 કંપનીઓ અહીં આવીને તેમની ઓફિસો શરૂ કરશે તથા ચીની કંપનીઓ જે કરે છે એમ કરશે ત્યારે જ આ અંતર ઘટશે."

રશિયામાં દસ દિવસ રહ્યો એટલે મને કમસેકમ એટલું તો સમજાયું છે કે ચીની કંપનીઓએ અહીં પોતાનું મજબૂત સ્થાન બનાવી લીધું છે.

એ સંદર્ભમાં વાત કરીએ તો મૉસ્કો કે રશિયાના બીજાં કોઈ મોટા શહેરમાં ભારતીય કંપનીઓ કે બિઝનેસ વગેરેની છાપ જોવા મળતી નથી.

ભારત-રશિયા વચ્ચે સાંસ્કૃતિક સંબંધ વધારે

ઇમેજ કૅપ્શન,

ભારતીય વાનગીઓનો આસ્વાદ માણી રહેલા રશિયન યુવા

જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે તમામ નવા કરારો બાબતે સહમતિ સધાઈ છે.

રશિયાએ શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન જેવા મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતની દાવેદારીને ટેકો આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની રશિયાની ઔપચારિક તથા અનૌપચારિક મુલાકાતોમાં ભારપૂર્વક જણાવી ચૂક્યા છે કે "બન્ને દેશો દોસ્તીનો નવો દાખલો બેસાડશે."

આર્થિક સહકારની વાતો પણ થઈ છે અને શસ્ત્રોની ખરીદી બાબતે નવા કરારો પણ થયા છે.

જોકે, બન્ને દેશો વચ્ચે શીતયુદ્ધના સમયગાળામાં જે ગાઢ સંબંધ હતો એવો ગાઢ સંબંધ કાયમ રહેશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.

રશિયાના વરિષ્ઠ પત્રકાર આંદ્રેઈએ અત્યંત નાની, પણ મહત્વની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "ભારત અને રશિયા વચ્ચે સાંસ્કૃતિક સંબંધ વધારે છે. બન્ને દેશો વચ્ચે બરાબરીનો સંબંધ તો ક્યારેય ન હતો. તેથી અત્યારે જેવો સંબંધ છે એ ઘણો બહેતર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો