ટ્રમ્પનો યૂ-ટર્ન બાળકોને પરિવારથી અલગ નહીં કરાય

વસાહતીઓની પ્રતિકાત્મક તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ગેરકાયદે વસાહતીઓને (ઇમિગ્રન્ટ્સને) તેમના બાળકોથી અલગ ન કરવાના આદેશ પર સહી કરી દીધી છે. તેમણે બાંયધરી આપી છે કે હવે વસાહતી પરિવારો તેમના બાળકો સાથે રહેશે.

આ આદેશ પ્રમાણે હવે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પરિવારોની એકસાથે અટકાયત કરાશે. પણ જો માતાપિતાની અટકાયત કરવાથી બાળકો પર નકારાત્મક પ્રભાવ પડવાની શક્યતા હશે તો બાળકોને અલગ જ રાખવામાં આવશે.

આદેશમાં એ નથી જણાવાયું કે બાળકોને તેમના માતપિતાથી કેટલા સમય માટે અલગ રખાશે. આ આદેશ ક્યારથી લાગુ કરાશે એ અંગે પણ ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી.

જે કેસમાં એક જ પરિવારના ઘણા સદસ્યોની અટકાયત કરાઈ હોય એ કેસોને પ્રાથમિકતા આપવાની નોંધ આદેશમાં કરાઈ છે.


'બાળકોની તસવીર જોઈને પીગળી ગયા'

ફોટો લાઈન ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે તેઓ માતાપિતાથી અલગ થયેલાં બાળકોની તસવીર જોઈને પીગળી ગયા અને એટલે જ આ આદેશ જાહેર કર્યો છે.

તેમણે કહ્યું કે પરિવારોથી અલગ થઈ રહેલાં બાળકોને જોવાનું તેમને ગમતું નથી.

ઉલ્લેખનીય છે કે, બાળકોને માતાપિતાથી અલગ રાખવાની બાબત અંગે વિશ્વભરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીકા થઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ટ્રમ્પે કહ્યું કે, તેમની પત્ની મેલેનિયા અને પુત્રી ઇવાંકા પણ પરિવારોને સાથે રાખવાના વિચારનું સમર્થન કરે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મેલેનિયા અને ઇવાંકા, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અંગે બનાવાયેલા વિવાદિત કાયદા અંગે નરમ વલણ અપનાવવા ટ્રમ્પને દબાણ કરતાં હતાં.

ડોનાલ્ડ ટ્રમ્પે આ આદેશ પર સહી કરી તેની થોડી વાર પછી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે શરણાર્થીઓ અને વસાહતીઓનું સ્વાગત કરવાની તરકીબ શોધવી એ અમેરિકાની પરંપરા છે.


પહેલાં ટ્રમ્પનું વલણ કેવું હતું?

આ પહેલાં ટ્રમ્પે ડેમૉક્રેટિક પાર્ટીના સભ્યો પર કામમાં અવરોધ બનતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે ગેરકાયદેસર વસાહતીઓ માટે બનાવેલી ઝીરો ટૉલરન્સ પૉલિસીનો બચાવ પણ કર્યો હતો.

ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે યુરોપના દેશોના લાખો ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં જગ્યા આપીને મોટી ભૂલ કરી છે.


શું છે આ વિવાદાસ્પદ કાયદો?

આ કાયદા પ્રમાણે અમેરિકાની સરહદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારાઓ પર ગુનો દાખલ કરી તેમને જેલમાં ધકેલાય છે. આ ઇમિગ્રન્ટ્સને તેમના બાળકો સાથે પણ મળવા દેવાતા નથી અને બાળકોને અલગ રાખવામાં આવે છે.

આ બાળકોની સંભાળ અમેરિકાનું 'ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ' કરે છે. આ અગાઉ ગેરકાયદે રીતે અમેરિકાની સરહદ પાર કરીને પહેલી વખત આવનાર ઇમિગ્રન્ટ્સને અદાલતમાં બોલાવાતા હતા.

ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે સમન્સ મોકલવા છતાં આ પ્રવાસીઓ ક્યારેય અદાલતમાં હાજર નહોતા થતા અને એટલે તેમના પર સીધો ગુનો દાખલ કરવા માટે નિયમ લાગુ કરવો પડ્યો હતો.

નવા કાયદા પ્રમાણે ગેરકાયદે સરહદ પાર કરનારની અટકાયત કરાશે અને જેલમાં મોકલવામાં આવશે પણ તેમને અને તેમના બાળકોને સાથે રખાશે. ટ્રમ્પે નવા આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યુ છે કે ગેરકાયદે પ્રવાસીઓ માટે ઝીરો ટૉલરન્સ પૉલિસી અગાઉની જેમ જ લાગુ રહેશે.


બાળકોની તસવીરથી વિવાદ વકર્યો

સાંકળથી બંધ કરેલા દરવાજા પાછળ કેદ બાળકોની તસવીર જ્યારે મીડિયામાં આવી ત્યારે ટ્રમ્પ પ્રશાસનના ઇમિગ્રન્ટ્સ કાયદા પર વિવાદ વકર્યો હતો.

આ તસવીરો જોઈને બાળકો માટે બનેલાં આ કેન્દ્રોની તુલના નાઝી કૅમ્પ સાથે કરાઈ રહી હતી.

અમેરિકા સરકારના આંકડા પ્રમાણે 5 મે થી 9 જૂન વચ્ચે 2,342 પ્રાવસી બાળકો પોતાના માતાપિતાથી અલગ થઈ ચૂક્યા છે.

મેક્સિકોના વિદેશ મંત્રી લુઇસ વિદેગારા કાસોએ બાળકોને તેમના પરિવારથી અલગ કરવાના પગલાંને ક્રૂર અને અમાનવીય ગણાવ્યુ હતુ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ