અમેરિકા: મેલેનિયા ટ્રમ્પે પહેરેલા જૅકેટના બચાવવામાં ડોનાલ્ડ ટ્રમ્પને કેમ આવવું પડ્યું?

મેલેનિયા ટ્રમ્પ Image copyright Getty Images

અમેરિકાનાં ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ વિવાદોમાં ઘેરાયાં છે.

વાત જાણે એમ છે કે પ્રવાસી પરિવારો તેમજ તેમના બાળકોની પરિસ્થિતિ જોવા માટે મેલેનિયા ટ્રમ્પે ટેક્સાસ જવાનો નિર્ણય કર્યો.

આ પ્રવાસ દરમિયાન તેમણે લીલા રંગનું જૅકેટ પહેર્યું હતું.

આ જૅકેટ પર લખ્યું હતું, 'આય ડૉન્ટ કેઅર, ડુ યૂ?'. તેનો મતલબ છે કે 'મને કોઈ પરવાહ નથી, તમને છે?'

ઝારા બ્રાન્ડના આ જાકીટની કિંમત 39 ડોલર એટલે કે આશરે 2,646 રૂપિયા છે.

આ જૅકેટ વિવાદ મામલે મેલેનિયા ટ્રમ્પના પ્રવક્તાએ કહ્યું કે જૅકેટમાં લખાયેલા શબ્દો પાછળ કોઈ છૂપાયેલો સંદેશ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ આ એક વાક્યની સાથે મેલેનિયા ટ્રમ્પની તસવીર વાઇરલ થઈ ગઈ છે અને તેમણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

વિવાદ વધતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સામે આવી પત્નીનો બચાવ કરવો પડ્યો છે. સ્પષ્ટતા આપતા તેમણે ટ્વીટ કર્યું કે આ ફેક ન્યૂઝ મીડિયા માટે હતું.

જોકે, તેમ છતાં ટ્વિટર પર પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પનાં જૅકેટની ખૂબ આલાચોના થઈ રહી છે.

એક ટ્વિટર યૂઝરે લખ્યું કે જો મેલેનિયા ટ્રમ્પે આ જૅકેટ બીજા કોઈ અવસર પર પહેર્યું હોત, તો તેને સારી પ્રતિક્રિયા મળી હોત.

ફોટો વાઇરલ થયા બાદ થોડા કલાકોમાં મેલેનિયા ટ્રમ્પ ફરી એક વખત વોશિંગટન એરબેઝ બહાર આ જૅકેટમાં નજરે પડ્યાં હતાં.

જ્યારે સંવાદદાતાઓએ જૅકેટ મામલે તેમને સવાલ કર્યાં તો તેમણે તેનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધો.

Image copyright Getty Images

મેલેનિયા ટ્રમ્પના પ્રવક્તા સ્ટેફની ગ્રીશમે અમેરિકન મીડિયા પર મેલેનિયા ટ્રમ્પના જૅકેટ મામલે થયેલા રિપોર્ટીંગ અંગે ટ્વિટર પર રોષ વ્યક્ત કર્યો હતો.

આ મામલે વોશિંગટનમાં બીબીસી વર્લ્ડ ન્યૂઝના પત્રકાર કેટ્ટી કે જણાવે છે કે મેક્સિકન બોર્ડર નજીક મેલેનિયા ટ્રમ્પના આ ભાવનાત્મક પ્રવાસ પર તેમના જૅકેટ પર છપાયેલી એક લાઇન ભારે પડી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો